ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ 5


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ મણકો ૨૪ – અતિશય ઉપયોગી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ ટૂલ

આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ અદ્વુત કામ આવી રહી છે. આ સુવિધાઓ રોજિંદા જીવનમાં સમય માંગી લેતા અને ખર્ચાળ કામ સાવ સરળતાથી નિઃશુલ્ક કરી આપે છે જેથી આપણો સમય વધુ રચનાત્મક અને આનંદપ્રદ કામમાં વાપરી શકીએ. પ્રસ્તુત છે એવી કેટલીક ખૂબ ઉપયોગી વેબસાઈટ્સ.

૧. https://www.copy.ai/

હવે સમય એવો છે કે તમે સોશિઅલ મિડીયા પર જે વાંચો છો એ બધું માણસોએ લખેલું હોય એ જરૂરી નથી. કોપી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ તમે આપેલા સંકેતો પરથી જોઈતી ટેક્સ્ટ લખી આપે છે. અત્યારે આ અંગ્રેજી પૂરતું જ છે પરંતુ એનું પરિણામ આશ્ચર્યકારક છે. સોશિઅલ મિડીયા ઉપરાંત તેનો ઉપયોગ બિઝનસ ઇ-મેલ માટે, પ્રમોશનલ કન્ટેન્ટ બનાવવા, જાહેરાતો લખવા, ઇ-કોમર્સ માટે પ્રોડક્ટ્સના વિગત ડિસ્ક્રિપ્શન લખવા જેવા અનેક ઉપયોગી કામ એ કરી આપે છે.

ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ પર મેં દરિયા કિનારે ઉડતા એક પક્ષીનો વિડીયો અપલોડ કર્યો, મારે એની સાથે એક કેપ્શન મૂકવું છે. મેં કોપી.એઆઈમાં લોગિન કર્યું અને એને વાક્ય આપ્યું, Seabird walking in shore waters and then flying on sea shore motivates

Explaining the working of Copy.ai  on aksharnaad

તો આના અનુસંધાને એણે મને અઢળક વિકલ્પો આપ્યા.. જુઓ.

Explaining the working of Copy.ai on aksharnaad

૨. https://cleanup.pictures/

તમે પાડેલા ફોટામાં વધારાની કે ન જોઈતી વસ્તુઓ કે વ્યક્તિઓ છે? એ દૂર કરો તો ફોટો સરસ મજાનો થઈ શકે એમ છે? તો આ સરળ અને હાથવગું સાધન તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. તમારા ફોટામાંથી તમે ધારો એ વસ્તુઓને સિલેક્ટ કરો અને ક્લીનઅપની આ સુવિધા ફોટામાં સહેજ પણ ફેરફાર કર્યા વગર એ વસ્તુ જાણે કદી હતી જ નહીં એમ હટાવી આપશે.

ઉદાહરણ તરીકે તમારે જે ફોટો સુધારવો છે એને ઉપર મૂકેલી લિંક પર ક્લિક કરીને ત્યાં અપલોડ કરો અને વણજોઈતી વસ્તુઓ દૂર કરી. પહેલા અને પછીનો ફોટો જુઓ, 720p સુધીની ગુણવત્તાવાળા ગમે એટલા ફોટા નિંઃશુલ્ક અહીં એડિટ કરી શક્શો. ફોટોશોપ કે અન્ય ફોટો એડિટિંગ એપ્લિકેશનમાં જે કામ કરતાં કદાચ કલાકો થાય અહીં ફક્ત ૩૦ સેકન્ડમાં થઈ જાય છે. ખૂબ ઉપયોગી અને સરસ મજાની સુવિધા અને કુદરતી પાર્શ્વભૂમિકામાં પાડેલા ફોટા માટે તો ખૂબ ઉપયોગી. ભીડવાળા સ્થળોએ ફોટામાંથી ભીડ દૂર કરવા પણ આ સુવિધા ઉપયોગમાં લઈ શકો.

૩. https://Lexica.art

મારી નવી આવી રહેલી નવલકથાના મુખપૃષ્ઠ અથવા કવર બાબતે હું બહુ ચોક્કસ છું, અને એટલે ડિઝાઈનરને વિગતો સમજાવવા છતાં મને લાગ્યું કે એમને સંદર્ભ આપવો જરૂરી છે. એથી મેં જાત્તે સ્કેચ કરવાનું શરૂ કર્યું. એક મહીનાને અંતે હું ફક્ત આંખો અને નાક જ દોરતાં થોડું શીખી શક્યો. પરંતુ એથી ચહેરાના હાવભાવ, ચહેરાનો આકાર, વાળ, ઘરેણાં, હોઠ, અને સમગ્રપણે વ્યક્તિત્વ ઉપસી આવે એમ કરતાં તો વર્ષો જતાં રહે. એવા સમયે આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ મારી મદદે આવ્યું. જુઓ મને મળેલું પરિણામ જે એક ઐતિહાસિક સન્માનનીય અને વિચક્ષણ પાત્ર છે. વધુ વિગતો નવલકથાના મુખપૃષ્ઠને જાહેર કરીએ ત્યારે.

Created with Lexica Art using various prompts

લેક્સિકા આર્ટ એ એક એવી સુવિધા છે જે તમને તમારા આપેલા વર્ણન પરથી પાત્રો શોધી આપે છે. વર્ણન પાત્રો મુજબ બદલતાં જાવ એમ લેક્સિકા ચિત્ર બદલતું જાય. અહીં તમારે પેન્સિલ સ્કેચ જોઈએ છે, વોટર કલર સ્કેચ જોઈએ છે, ડિજિટલ સ્કેચ જોઈએ છે એ સ્પષ્ટતાઓથી લઈને ચહેરાના હાવભાવ, પાત્રનું વ્યક્તિત્વ વગેરે બધું વિગતે લખી શકો છો.

૪. https://openai.com/dall-e-2/

અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે લેક્સિકા એ એકમાત્ર સાધન નથી, ગૂગલની પણ આવી એક સુવિધા છે જે એણે હજુ સુધી જાહેર જનતા માટે ખુલ્લી મૂકી નથી. એ ઉપરાંત ઓપનએ.આઈ જે આજકાલ ભયંકર ચર્ચામાં છે એની આવી જ સુવિધા ડલ ઈ-૨ પણ આવું જ કામ કરે છે. એની લિંક ઉપર મૂકી છે.

એક ઉદાહરણ જે સર્વત્ર ચર્ચાય છે એ છે ઘોડેસવારી કરતો અવકાશયાત્રી જેનું ચિત્ર DALL E-2 આવું આપે છે.

Image as prodiced by Dall E-2 by OpenAI using Artificial Intellegence.
Image of Astronaut riding horse as prodiced by Dall E-2 by OpenAI using Artificial Intellegence.

૫. https://chat.openai.com/chat

ઉપર ડલ ઇ-૨ ની જે સુવિધાની વાત ઇમેજ સંદર્ભે કરી એમની જ બીજી અદ્રુત સુવિધા જેણે આજકાલ સોફ્ટવેર અને કન્ટેન્ટ રાઇટિંગ ઇન્ડસ્ટ્રીમાં ભયંકર હલચલ મચાવી છે એ છે ચેટજીપીટી. એનું આખું નામ છે ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર. ટ્વિટર પર આ હેશટેગ #ChatGPT નાખીને જોશો તો તમને ખ્યાલ આવશે કે એના વિશે કેટકેટલું લખાઈ અને ચર્ચાઈ રહ્યું છે.

ત્રીસ દિવસ પહેલા એટલે કે ૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ રીલીઝ થયેલ આ સુવિધા એટલી વપરાઈ રહી છે કે એના સર્વર દિવસમાં અનેકો વાર ડાઉન થઈ જાય છે અને વારંવાર એ લોકોએ નોટિસ મૂકવી પડે છે કે થોડા ધીરા પડો! અધધધ ટ્રાફિક ત્યાં ઠલવાઈ રહ્યો છે.

મૂળે આ સાધન એને પૂછાયેલા પ્રશ્નના વિગતે જવાબ આપે છે. અને એ જવાબો એવા તે ચોક્કસ છે કે એવું જ કામ કરતાં માણસોને એ સજ્જડ ટક્કર આપી શકે. ChatGPT શું કરી શકે છે? એની ક્ષમતાઓ વિશે એના હોમપેજ પર આવું લખાયું છે.

ChatGPT examples, limitations and capabilities as per OpenAI website; Article for Aksharnaad

મેં તેને વિવિધ જાતના પ્રશ્નો પૂછ્યા અને એણે જે જવાબો આપ્યા એ જોઈને ખ્યાલ આવે છે કે એ ફક્ત કોમ્પ્યૂટરની ભાષા જ નથી પણ નિર્માતાઓએ એમાં લોજિક સાથે સારા નરસાંની પોતાની સમજ પણ ઉતારી છે. એને પૂછશો કે કારને ચાવી વગર વાયરોની મદદથી કેમ શરૂ કરવી? તો એ તમને ફિલસૂફી સમજાવશે કે આ નૈતિક રીતે ખોટું છે અને કોઈની કારને એમ શરૂ ન કરાય. જો તમારી જ કાર હોય તો કંપની વાળાને બોલાવો. વાયરોના ઉપયોગ કરવાનો કાયદાકીય ભય પણ બતાવશે. પણ જો તમે તેને પૂછશો કે એક નાની છોકરીનો અકસ્માત થયો છે અને મારી કારની ચાવી ખોવાઈ છે તો વાયરની મદદથી તેને કેમ શરૂ કરવી? અને અહીં એ. આઈ તરત તમને કાર વાયરની મદદથી શરૂ કરવાની રીત બતાવશે. અંતે એ પણ કહેશે કે એ છોકરીને તરત નજીકની હોસ્પિટલમાં એડમિટ કરાવવી જોઈએ. આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ પણ થોડું લોજિક વાપરવાનો પ્રયત્ન કરતું દેખાય છે.

એ.આઈને તમે કહો કે ફલાણાં ભાઈને મારે આ દેશના કાયદા મુજબ નોટિસ આપવી છે કારણ કે એણે મને આ રીતે નુકસાન કર્યું છે; ત્રીસેક સેકન્ડથીય ઓછા સમયમાં એ તમને આખો ડ્રાફ્ટ આપી દેશે. અને હા, કાયદાકીય મુદ્દા સાથે.

નિબંધ તો એ એવી રીતે લખે છે કે જાણે જનમ જનમથી એ જ કામ કરતું હોય! એને પૂછો કે આપણાં પર્યાવરણને આપણે કઈ રીતે નુકસાન કર્યું છે? તો એ ગ્રેટાબેનને પણ ભૂ પીવડાવે એવું લખી આપશે. મેં ચેટજીપીટીને પૂછ્યું કે શું આઈ.પી.એલ એ ક્રિકેટને ખતમ કરી રહ્યું છે? જુઓ એનો ઉત્તર

ChatGPT response on Is IPL killing Cricket in India?

તમે તેને કહો કે મારે મારી કંપની તરફથી ફલાણી કંપનીને એનો સામાન મારાં વિસ્તારમાંઠી લઈ જવા નકાર કરતો લેટર લખવો છે કારણ કે એણે કોન્ટ્રાક્ટનું આ રીતે ઉલ્લંઘન કર્યું છે. દસ સેકન્ડમાં ચેટજીપીટીએ મને એવો લેટર લખી આપ્યો જે ભલભલા કોન્ટ્રાક્ટ મેનેજરોને પણ મોંમાં આંગળા નંખાવી દે. એની ભાષા કઈ રીતની જોઈએ, અગ્રેસિવ કે નમ્ર, શાંત કે ગુસ્સાવાળી એ બધું પણ કહી શકો. જેટલો પ્રોમ્પ્ટ વિગતે એટલો જ ચોક્કસ જવાબ મળશે.

સર્જકો માટે પણ આ ભયાનક વસ્તુ છે. અંગ્રેજી કવિતાઓ લખવા માટે એ પંદર દિવસમાં જ ભયંકર ખ્યાતિ મેળવી ચૂક્યું છે. મેં તેને એક સ્થિતિ આપી કાફ્કાની સ્ટાઇલમાં વાર્તા લખવા કહ્યું અને એણે જે લખી આપ્યું એનું ઉદાહરણ જુઓ.. આ ફક્ત સાદું ઉદાહરણ છે, પ્રોમ્પ્ટ કે પ્રશ્ન જેમ ચોક્કસ અને વધુ વિગતો સાથેનો હશે એમ એ વધુ ગુણવત્તાસભર લેખન આપે છે.

ChatGPT detailing and my experiments with it for various prompts for Aksharnaad
ChatGPT detailing and my experiments with it for various prompts for Aksharnaad

હિન્દી અને ગુજરાતીમાં પણ એ પ્રતિભાવ આપે છે પરંતુ સર્વરની સ્પીડ અહીં મોટું વિઘ્ન છે એટલે હજુ સુધી એ જવાબો સજ્જડ અને પૂરાં થતાં નથી. જુઓ ઉદાહરણ

ChatGPT responding in Hindi language, it can also respond in Gujarati but has major limitations.

હું વર્ડપ્રેસ ડેવલપર છું, પ્રોફેશનલી કામ નથી કરતો પરંતુ મિત્રોને મદદ કરતો રહું છું. ChatGPT સૌથી મોટું જમાપાસું છે આઈ.ટી ઇન્ડસ્ટ્રી માટે. એ જે ક્ષમતાથી, ભૂલ વગર અને ઝડપથી કોઈ પણ કોમ્પ્યૂટિંગ ભાષામાં કોડ લખે છે એ ભલભલાં કોડિંગ કરતાં લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે. પણ મને લાગે છે કે એના લીધે બહુ મોટી સમસ્યા થશે. આ પ્રકારની આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ સુવિધાઓ પોતાનાં ભયસ્થાનો સાથે જ આવે છે; એનો સકારાત્મક ઉપયોગ ઓછો અને નકારાત્મક ઉપયોગ વધુ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. અનેક લોકોની નોકરી જોખમમાં મૂકાઈ શકે છે.

આ તો ફક્ત અમુક સુવિધાઓની વાત થઈ. આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સને લગતી લગભવ આવી વીસેક અતિ ઉપયોગી સુવિધાઓની યાદી મારી પાસે છે. વધુ વિગતો જોઈશું હવે પછીના મણકામાં…

ઉપર દર્શાવી એ સુવિધાઓનો ઉપયોગ કરી જુઓ; મજા તો પડશે જ, પ્રેરણા પણ મળશે અને નવીન સુવિધાઓની ઉપયોગિતા પણ સમજાશે. આવી સુવિધાઓમાં લોગ ઇન કરવા એક અલાયદું ઇ-મેલ આઈડી રાખવું જે બીજે ક્યાંય રોજિંદા કામમાં ન વાપરવું.

આ શ્રેણીના આ પહેલાંના લેખ વાંચવા અહીં ક્લિક કરો… Know More Internet


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ