એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ) 3


ગુલામીની પ્રથા યુનાઈટેડ સ્ટેટ્સના પ્રભવકાળથી જ તેને વારસામાં મળી હતી. ઇતિહાસ પ્રસિધ્ધ મેક્લાવર વહાણ યાત્રી વડવાઓને લઈને ઉત્તર અમેરિકાના પૂર્વ સાગરકાંઠે જે વરસે લાંગર્યું, એ જ અરસામાં એક ડચ વેપારી જહાજ પણ એ સાગરકાંઠે લાંગર્યું અને તેમાંથી વીસ હબસીઓએ ઉત્તર અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો. એક જ વર્ષે લગભગ એક જ સ્થળે પગ મૂકનાર એ બંને વહાણોના ઉતારુઓ વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હતું. એક રંગે ગોરા હતાં અને બીજા કાળા. એક સ્વધર્મ અને સ્વમાનની રક્ષા કાજે સ્વેચ્છાએ વતનને છોડીને ત્યાં આવ્યા હતાં, બીજા બળાત્કારે ત્યાં લાવવામાં આવ્યા હતાં. એક સ્વાધીન હતા, બીજા ગુલામો. એકે ત્યાં રાષ્ટ્રબીજ રોપ્યું જે ફાલીફૂલીને વિશાળ તરુવર બન્યું; બીજા, કાળે કરીને એ જ રાષ્ટ્રવૃક્ષની ખુદ હસ્તીને માટે જોખમરૂપ બન્યાં.

પશ્ચિમ યુરોપના ગોરાઓએ સત્તરમી સદીના આરંભમાં ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાના પ્રદેશમાં આવીને ત્યાં વસવાટ શરૂ કર્યો. ત્યારે જાતમજૂરીથી જ ખેતી કરીને એ પોતાનો નિર્વાહ ચલાવતા હતા. પછી તો ધન કમાવાને તેમણે ધાન્ય ઉપરાંત રોકડિયા પાકોની ખેતી વિશાળ પાયા પર કરવા માંડી. એ માટે ત્યાં જમીન તો અખૂટ હતી. પણ મજૂરોની ખોટ હતી. અમેરિકાના આદિવાસી રેડ ઈન્ડિયનો પર એ માટે તેમની પ્રથમ નજર પડી. રેડ ઈન્ડિયનોને પકડીને તેમની પાસે ખેતીકામ કરાવવાનો અખતરો તેમણે કરી જોયો. પરંતુ રેડ ઈન્ડિયનો ચંચળ પ્રકૃતિના, સ્વત્ંત્રમિજાજી અને મનસ્વી હતાં. તેઓ ધાર્યું કામ આપતા નહીં અને લાગ મળ્યે પોતાની ટોળીમાં પાછા ભાગી જતાં. પોતાના બંધનોથી અકળાઈને તેઓ ગોરા માલિકોનું ખૂન પણ કરી બેસતાં. આમ, એ અખતરો નિષ્ફળ નીવડ્યો.

એ પછી ગુનાની સજા ભોગવતા ઈંગ્લેન્ડના કેદીઓને તથા યુરોપના બીજા દેશોમાંથી ગિરમિટિયા મજૂરો લાવીને તેમની પાસે ખેતીનું કામ કરાવવાનો પ્રયોગ કરી જોયો. પરંતુ એ ગોરા કેદીઓ અને મજૂરોને સુદ્ધાં ધાર્યું કામ દેવામાં નિષ્ફળ નીવડ્યાં.

આખરે આફ્રિકાના હબસી ગુલામો પાસેથી કામ લેવાનો ઉપાય અજમાવી જોવામાં આવ્યો. એમાં ગોરા વસાહતીઓને સફળતા સાંપડી. પછી તો હબસી ગુલામોની માંગ વધતી જ ગઈ. ડચ તથા અંગ્રેજ વેપારીઓ એ માંગ પૂરી પાડી અઢળક કમાણી કરવા લાગ્યા. એ પછી દોઢ સદી સુધી હબસી ગુલામોની આ માંગ અમેરિકાનાં એ સંસ્થાનોમાં ચાલુ રહી.

આફ્રિકાના અરણ્યવાસી એ અબોધ હબસીઓને ભોળવી, ફોસલાવી તથા તરેહતરેહની લાલચો આપીને છેતરી, હૈયાસૂના ધનલોલૂપ વેપારીઓ વહાણોમાં ખડકી ખડકીને અમેરિકા રવાના કરવા લાગ્યા. આ છળની યુક્તિ વખત જતાં નિષ્ફળ રહી. એટલે બળજબરી અને જોરજુલમની રીત અખત્યાર કરવામાં આવી. હિંસક પશુઓની જેમ ચારે બાજુથી ઘેરી લઈને તેમને પકડવામા આવતા અને તેમના કુટુંબકબીલાથી સદા ને માટે વિખૂટા પાડીને શેષ જીવન ગુલામ દશામાં, પશુના કરતાં પણ બદતર રીતે વિતાવવાને અમેરિકા રવાના કરવામાં આવતા. આ કાર્યમાં ગોરા વેપારીઓ હબસીઓના નાના નાના રાજાઓ તથા હબસી કબીલાના મુખીની મદદ લેતાં.

આફ્રિકાના પશ્ચિમ કિનારા પર ગુલામોની ખરીદી માટેના મથકો હતાં. પકડવામાં આવેલાં અથવા બીજા પકડનારાઓ પાસેથી ખરીદવામાં આવેલા, એ અસહાય હબસીઓને વહાણોમાં એક ઉપર બીજી એવી કબાટના ખાના જેવી છાજલીઓ પર ખીચોખીચ ખડકવામાં આવતાં અને લોખંડની સાંકળોથી બબ્બેની જોડીમાં બાંધવામાં આવતાં. એ રીતે ખડકીને લઈ જઈને તેમને અમેરિકાના કિનારા પર ઉતારવામાં આવતાં. એથી વહાણમાં એટલી બધી ગંદકી થતી કે એવી ત્રણ ચાર સફરમાં તે નકામું થઈ જતું. કેટલાક હબસીઓ આવી અસહ્ય પરિસ્થિતિમાં રિબાઈને તથા બીજા કેટલાક જીવન અકારું થવાથી, અમેરિકા પહોંચતા પહેલા જ મરણશરણ થતા અને ગુલામી દશાના જીવનની કારમી યાતનાઓ ભોગવવામાંથી મુક્ત થતાં.

{ શ્રી મણિભાઈ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિભાઈ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ શ્રી મહેન્દ્રભાઈની જ અનુમતિસહ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.}


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ)

  • surya

    જીગ્નેશ ભાઈ તથા પ્રતિભા બેન, આપનો આ પુસ્તક ડાઉન લોડ માટે ઉપલબ્ધ કરવા માટે ખુબ ખુબ ધન્યવાદ તેમજ મણી ભાઈ દેસાઈ ને આ પુસ્તક e -બૂક રૂપે મુકવાની રાજા આપી તે માટે તેમનો પણ ખુબ ખુબ આભાર, આની સાથે આપે એક સરસ કાર્ય હાથ માં લીધું છે, આશા છે ભવિષ્ય માં વધારે ને વધારે ગુજરાતી પુસ્તકો ડાઉન લોડ માટે ઉપલબ્ધ થાય ને જુના ઘણા અપ્રાપ્ય પુસ્તકો e -બૂક રૂપે ગુજરાતી બ્લોગ જગત માં મુકવામાં આવે. -સૂર્ય

  • neetakotecha

    ખૂબ ખૂબ આભાર….
    મને હંમેશ કોઇ વ્યક્તિ વિષે જાણવુ ગમે..ખૂબ ખૂબ આભાર..