મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા (પુસ્તક ડાઉનલોડ) 3


બાપુજી હાથમાં દવાની પેટી અને સાવરણો લઈને ગામડે ગામડે ફરે, સફાઈ કરે, ગામને દવા આપે અને સાંજે શિયાળ આવે. હું આવી અને અમે શિયાળમાં ઔષધાલયનો આરંભ કર્યો. ગામે મહાદેવના મંદિરનો આગળનો ભાગ અમને દવાખાના તરીકે વાપરવા આપ્યો.

ગામના પાદરમાં જ કસ્ટમ ખાતાએ એના અધિકારી ને ચોકીદારો માટે બેઠા ઘાટનું મકાન ને ઓરડીઓ કરાવ્યાં હતાં. વીરમગામની લાઈનદોરી નાબૂદ થયા પછી એ મકાન અવાવરુ પડ્યું રહેતું હતું. પ્રાયોગિક સંઘે ગામના સહકારથી એ વેચાણ લીઘું. મકાન હતું ભંગાર હાલતમાં. પાછળની ઓરડી ને ઓસરી અધિકારીના ઘોડા બાંઘવાનો તબેલો હતો.

ત્યાં અમે રહેવા ગયાં ખરાં, પણ રોજ સાપ ને વીંછી નીકળે. અમે લાકડાંનો સાણસો બનાવરાવ્યો. સાપ-સાપોલિયાં નીકળે તે પકડીને દૂર મૂકી આવીએ. છાપરામાંથી વીંછી પડે. સૂતી વખતે ખાટલા નીચે તપેલું મૂકી રાખીએ. તપેલા પર ચારણી ને તેના પર ઈંટ રાખતા. ચીપિયો પડખામાં રાખીને સૂવાનુ. વીંછી દેખાય એટલે ચીપિયેથી પકડી તપેલામાં નાખી, માથે ચારણી ઢાંકી, ઉપર ઈંટ મૂકી દઈએ અને તેને સવારમાં દૂર નાખી આવીએ.

મકાનમાં એક મોટો નાગ રહેતો હતો, કરડે તો પાવળું પાણી ન માગીએ. જાણે ઘરનો માલિક હોય તેમ આખા મકાનમાં ફરતો. દિવસે કોઠી પાછળ પડ્યો રહે, રાત્રે ખાટલા નીચે કે સંડાસને પગથિયે પણ જોવા મળે. પણ કદી કોઈને ડંખ દીઘો નહોતો. અમે એવાં ટેવાઈ ગયાં હતા કે એની બીક પણ ન લાગતી. મેં સૂચના આપેલી કે આ ઝેરી નાગને કોઈએ છંછેડવો નહિ, એ કોઈને રંજાડતો નથી. ઘણાં વરસો બાદ જ્યારે હું બહારગામ ગઈ હતી ત્યારે બધાંએ ભેગા થઈ એને પ્રભુના ધામમાં પહોંચાડી દીઘો. બહારગામથી આવ્યા પછી ચાર દિવસ સુઘી નાગને જોયો નહિ, એટલે મેં પૂછ્યું. બધાંના મોં પડી ગયાં. હું સમજી ગઈ ને બોલી, “તમે નાગને પ્રભુના ધામમાં મોકલ્યો લાગે છે.તેના પ્રાયશ્વિત્ત તરીકે હું ત્રણ ઉપવાસ કરું છું. હવેથી સાપ કે બીજાં જીવજંતુની હિંસા ન કરશો.”

જોકે એ બઘાંનો ભય નિરર્થક ન હતો. અવારનવાર ગામમાં સાપ કરડવાના બનાવો બન્યા કરતા. એક વાર પર્યુષણ આવ્યાં. પર્યુષણમાં હું અઠ્ઠાઈ કરું. અઠ્ઠાઈ જેવી પૂરી થઈ અને પારણાં કરવા બેઠી ત્યાં એક ઘોડેસવાર આવ્યો; કહેઃ કાશીબેન, મારા જુવાનજોધ દીકરાને સાપ કરડ્યો છે; જલદી ચાલો.” હું પારણાં કરવા ન રહી ને દવા લઈને ઘોડા પર બેસી ગઈ, દવા કરી. સાપ ઝેરી ન હતો, એટલે પ્રભુકૃપાએ દરદી બચી ગયો. સાંજે પાછી આવીને પારણાં કર્યા.

પછી અમે મકાન રિપેર કરાવ્યાં. નળિયાં, ખપેડો વગેરે કાઢી નાખીને પતરાં નાખ્યાં. જેતપુરમાં મારાં મોટાં ભાભુ દેવલોક થયાં; એમની બઘી ઘર વખરી મને આપવામાં આવી. પણ મેં તો બ્રહ્મચર્યનો સંકલ્પ કર્યો તે વખતથી જ પરિગ્રહ પણ છોડ્યો હતો, મિલકત રાખી નહોતી. એટલે મેં એ ઘરવખરી સંસ્થાને આપી દીઘી. મારી પાસે મારો બિસ્તરો હતો. જમવા સંસ્થા આપતી હતી. કપડાંલત્તાં મારા ભાઈઓ પૂરાં પાડતા હતા. પછી મારે બીજી જરૂરિયાત જ ક્યાં રહી?

ઔષધાલય પ્રગતિ કરતું રહ્યું. ફરતા વીસ માઈલના વિસ્તારમાંથી લોકો આવવા લાગ્યા. પ્રસૂતિગૃહની વ્યવસ્થા થઈ અને દર વરસે ૩૦-૩૫ બહેનોને પ્રસૂતિગૃહમાં સારવાર આપવામાં આવતી. બાકી વિઝિટે જવું પડ્તું અને બાર માસ મને ૩૦૦ થી ૧૦૦૦ વિઝિટો આવતી. શિયાળ રહેવા ગઈ પછી થોડા જ મહિનામાં મારે પાસેના ગામડે પ્રસૂતિના કેસ માટે જવાનું થયું. પ્રસૂતિ કરાવતાં બંગડી તો કાઢી નાખવી પડે. બંગડીનો મને બહુ શોખ. જે ઘરમાં પ્રસૂતિ કરાવવા ગઈ તેમાં એક મોટી દીકરી હતી, તેને મેં મારી બંગડી સાચવવા આપી. પ્રસૂતિ પછી મને બંગડી પાછી આપતાં પેલી બહેને પૂછ્યું, “બહેન, આવી બંગડી કેટલામાં મળે?”

મેં કહ્યું, “બે રૂપિયામાં.”

એણે બાજુમાં ઊભેલા એના બાપુ પાસે આવી બંગડી લાવવા બે રૂપિયા માગ્યા. બાપુએ ક્રોધાયમાન થઈને કહ્યું,”બહેનને જમાડવા માટે દસ રૂપિયા વેપારીને ત્યાંથી માંડ વ્યાજે લઈ આવ્યો છું, અને તારે બંગડી જોઈએ છે?” એમ કહીને એક ધોલ ચડાવી દીઘી.

આ દ્રશ્યે મને વિહવળ કરી મૂકીઃ હું ગામડામાં સેવા કરવા આવી છું કે બીજાને દુઃખી કરવા? મેં મારી બંગડી પેલી બહેનને આપી દીઘી અને મન સાથે નિશ્વય કર્યો કે હવેથી બંગડી પહેરવી નહિ.

જીવનમાં કેટલીક ઘટનાઓ આપણને ઊંચે લઈ જવામાં મદદરૂપ થતી હોય છે. હું કોઈ ત્યાગ કરવાના આશયથી ગઈ નહોતી, પણ પરિસ્થિતિએ જ મને સંકલ્પ આપ્યો અને મારાથી સંકલ્પ સહેજે લેવાયો

* * * * *

શાસ્ત્રવાક્ય છે – “સંતો ભૂમિમ તપસા ધારયંતિ”. પૃથ્વી આમ તો ગુરુત્વાકર્ષણના આધારે ટકી રહી છે. પણ તે રહેવાલાયક બની છે સંતોના પગલાંથી. સંતબાલજી આવા અમૃત વર્ષાવનારા સંત હતાં. ભાલના મરવા પડેલા માણસો અને મરવા પડેલી નપાણીયા ધરતી પર તેમણે પગલાં માંડ્યાં અને તે અમૃતા થઈ ગહી. તેની કાંઈક વાર્તા આ નાનકડા પુસ્તકમાં કાશીબહેને, શિયાળ ગામનાં કાશીબાએ કરી છે. આ ‘અભિનવ દીક્ષા’ તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે. સંકોચાતાં સંકોચાતાં લખેલ છે એટલે વસ્તુસંકોચ થયો છે. છતાં તવારીખી કડીઓ છે. એક નાની, સરલ, કાંઈક અબોધ બાલિકા, ધર્મ સંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત ગુજરાતને મળે છે.

અક્ષરનાદના પુસ્તક ડાઊનલોડ વિભાગની શરૂઆત આ સુંદર પુસ્તક સાથે કરતાં ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકની ઉપલબ્ધિ સાથે આળસ મરડીને બેઠી થાય છે. સમયાંતરે આવા સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકાશે એવી આશા સાથે વીરમું છું. આ આખું પુસ્તક ડાઊનલોડ કરવા ડાઊનલોડ વિભાગમાં જાઓ.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા (પુસ્તક ડાઉનલોડ)

 • Jigar Mehta

  HI Jignesh,
  I am sure, many people in India, are reading your blogs regularly and probably me and Bhavesh are reading them being out of India. I get the link directly in my work email.

  Initially, I was unable to read because of fonts problem but now it has been resolved. I called my IT dept and get it done.

  You have started book sharing and your first book looks good to me. I have downloaded that and will tell stories to my son, Rahil.

  Thanks for providing a good platform.

  Jigar Mehta