“કૃષ્ણાયન” એટલે પરમ સ્વીકાર અને મુક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ 13


{ આપણા ધર્મગ્રંથો, કર્મગ્રંથોના કોઈ પાત્રવિશેષ વિશે જ્યારે નવું પુસ્તક જોઈએ ત્યારે એ પ્રશ્ન સહજ થાય કે સર્વવિદિત પ્રસંગો, આપણા જીવન સાથે સહજપણે વણાઈ ગયેલા, સંકળાયેલા, આબાલવૃધ્ધ સહુના પરિચિત એવા પાત્રો વિશે હવે તો એવો કયો નવો પરિમાણ લેખક કે લેખિકા ઉભું કરી શકે? એમનું દ્રષ્ટિબિંદુ એવું તે શું બતાવવા સમર્થ છે જે આપણે હજુ સુધી જોયું નથી? આ પ્રશ્નનો એક સચોટ અને પૂરતો જવાબ એટલે શ્રી કાજલબહેનની નવલકથા, “કૃષ્ણાયન”. ઘણી વખત એમ થાય કે એક પાત્ર સાથે સંકળાયેલો વાંચક તેના મનોદ્રશ્યમાં થોડોક વખત જ રહે, પરંતુ બબ્બે વખત, એક પછી એક સળંગ બે વખત આ નવલકથા વાંચ્યા પછી પણ હું તેને ત્રીજી વખત વાંચવા ઉત્સુક છું. પ્રેમમાં પડી જવાય એવા સંવાદો સાથેનો આ સુંદર પ્રવાસ દરેક કૃષ્ણપ્રેમીએ કરવો જ રહ્યો. આજે આ પુસ્તક વિશે પ્રસ્તુત છે મારા થોડાક વિચારો. }

અયન [सं.] સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે, “પ્રયાણ”. ભૌગોલીક રીતે અયન એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયનનું સંધીબિંદુ, જ્યાં પહોંચીને સૂર્ય પણ થોભી જતો જણાય, અયન એટલે ‘સૉલ્સ્ટિસ’ (પૃથ્વીનો સૂર્ય તરફી ઝોક) વગેરે. પરંતુ અયનનો સૌથી તાત્વિક અર્થ થાય છે મોક્ષ. અને મોક્ષ એટલે અજ્ઞાનમાંથી નિવૃત્તિ અને બ્ર્હ્મભાવની પ્રાપ્તિ, નિર્વાણ.

શ્રી કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક “કૃષ્ણાયન”, કૃષ્ણ તરફી વિવિધ પાત્રોના અવલંબન કે પ્રેમનું, તેમના પ્રત્યે સમર્પણનું અને તેમના સંસર્ગથી અભિભૂત થતાં એવા લોકોના મનોભાવોનું મનોરમ્ય આલેખન છે જેમની સાથે સ્વયં કૃષ્ણ જોડાણ અનુભવે છે. પુસ્તકનું વિશેષણાત્મક નિરૂપણ જણાવે છે તેમ “કૃષ્ણાયન” માનવ થઈને જન્મેલા ઈશ્વરની વાત છે. એ સર્વાંગસંપૂર્ણ યુગપુરૂષની માનવીય ભાવનાઓના અનુભવની, લાગણીઓની અને ઝંખનાઓની વાત છે. કૃષ્ણાયનનો અર્થ કૃષ્ણ તરફ વિવિધ પાત્રોના વલણની વાત તો કહે જ છે, પરંતુ એથી વધુ અહીં લેખિકા કૃષ્ણના મનોદ્રશ્યમાં અનેકવિધ સ્નેહી પાત્રોનું અયન, કૃષ્ણના મનમાં તેમના વિશેના ભાવો દર્શાવવાનો પ્રયત્ન કરે છે, એ પાત્રોની છબી કૃષ્ણની દ્રષ્ટીએ તાદ્રશ્ય કરવાનો પ્રયત્ન કરે છે. અને એમ કરતી વખતે કૃષ્ણને તેમણે પ્રભુના સ્વરૂપે વિચારતા નથી દર્શાવ્યા, એમની લાગણીઓ અને ખેંચાણ, સ્મરણોની સાથે સંકળાવાની રીત અને એ દ્વારા સ્નેહીજનો પ્રત્યેનો તલસાટ તદ્દન માનવીય છે.

મહાભારત સમગ્રતયા એક એવો વિશાળ વિષય છે જેમાંથી નવનીત રૂપે તારવીએ એટલા મનોભાવો વાંછી શકાય, અર્થો મેળવી અને અનુભવી શકાય અને તેમાંય પૂર્ણ પુરૂષોત્તમ એવા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણની, તેમના જૂજવાં રૂપો અને તેમની સાથે સંકળાયેલા અવનવા દૈવી પ્રસંગોની છણાવટ ખૂબ વૈવિધ્યપૂર્ણ અને મનોરમ્ય સંસાર રચી શકે. એટલે આ મહાગ્રંથના કોઈ પાત્ર વિશે પુસ્તક જોઈએ એટલે સૌપ્રથમ વિચાર એ જ આવે કે એવા પ્રસંગો જે સર્વવિદિત છે, એજ પ્રસંગોમાંથી નવનીતરૂપે લેખક કે લેખિકા એવું તે શું તારવવા સમર્થ છે જે અન્ય ગ્રંથોથી વિશિષ્ટ હોય, વાંચવા અને મનોમંથનના એક નવા તારને રણઝણાવવા સમર્થ હોય. “કૃષ્ણાયન” માટે આ વિશે સ્પષ્ટતા લેખિકા ખૂબજ સહજતાથી પ્રસ્તાવના અંતર્ગત કરે છે. તેઓ કહે છે, “મહાભારતમાં કૃષ્ણ એક પોલિટિશિયન રાજકારણી તરીકે પ્રગટ થાય છે, ભાગવતમાં તેમનું દૈવી સ્વરૂપ છે, ગીતામાં એ ગુરૂ છે, જ્ઞાનનો ભંડાર છે તો ક્યારેક સાવ સરળ માનવીય લાગણીઓ સાથે આપણે તેમને કેમ ન જોઈ શકીએ? દ્રૌપદી સાથેના એના સંબંધો આજથી કેટલાં હજારો વર્ષો પહેલાં સ્ત્રી પુરુષની મિત્રતાનો એક ઉત્તમ નમૂનો છે. રુક્મિણિ સાથેનું દાંપત્ય વિદ્વતા અને સમજદારી પર રચાયેલું સ્નેહ અને એકબીજા પરત્વેના સન્માનથી તરબોળ દાંપત્ય છે. રાધા સાથેનો પ્રણય એટલો તો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનારા આ સમાજે રાધા કૃષ્ણની પૂજા કરી છે. અને આ બધાં સાથે સંકળાયેલ “કૃષ્ણાયન” નો કૃષ્ણ માનવીય સંવેદનાઓનો વાહક છે.”

નવલકથાની શરૂઆત ખૂબ સુંદર થઈ છે. લેખિકા કૃષ્ણની સ્વધામગમન માટેની ઝંખના અને છતાંય એ માનવસ્વરૂપ પ્રભુનું કેટલાક બંધનો પ્રત્યેનું વલણ ખૂબ સ્પષ્ટતાથી વર્ણવી જાય છે. શરૂઆત શ્રીકૃષ્ણના નિર્વાણસમયથી થોડી ક્ષણો પહેલાથી થાય છે. પ્રભાસ ક્ષેત્રમાં યાદવકુળનો વિનાશ થઈ રહ્યો છે, બલરામ પણ સ્વધામ સિધાવી રહ્યા છે. આ સમયે પીપળાની નીચે સૂતેલા કૃષ્ણના પગમાં જરા નામનાં પારધીનું બાણ વાગે છે. ગાંધારીનો શ્રાપ જાણે તેમણે પોતે જ મુક્તિ માટે રચેલો મહામાર્ગ છે.

અંતિમ ઘડીઓમાં કૃષ્ણ પોતાનું જીવન ફરી એક વખત યાદોના સહારે જીવે છે, મુક્ત થવાની પળે પ્રીતના, સબંધોના અને લાગણીના બંધનો સ્મરણ બનીને આવે છે અને એ પૂર્ણપુરૂષોત્તમ મનુષ્યરૂપે અવતરેલા ઈશ્વરને પૂર્ણત્વ પામવાના રસ્તે કાંઈક અટકાવતું, રોકતું જણાય છે. જે આત્માને શસ્ત્રો છેદી શક્તા નથી અને અગ્નિ બાળી શક્તો નથી તેને સંબંધોના, ભાવનાના બંધનો બાંધી રાખે છે. મનુષ્યાવતારે જન્મેલા ઈશ્વરે દેહધર્મ પાળવો પડતો હોય છે. દેહની સાથે જોડાયેલી તમામ લાગણીઓ, પ્રેમ, મોહ માયા અને સંબંધોના બંધનો દેહને બાંધે છે, એમનું મન બંધાય છે અને મુક્તિનો માર્ગ સ્વયં પ્રભુ માટે પણ અવરોધાય છે. રૂક્મિણિ સાથે પ્રયાણ પહેલાનો શ્રીકૃષ્ણનો સંવાદ, દ્રૌપદીની કૃષ્ણની મુક્તિની ઝંખના વિશેની અનુભૂતિ અને પ્રભાસ તેમને મળવા દોડવું, વગેરે જાણીતા પ્રસંગો એક અનોખા ભાવથી, નવા દ્રષ્ટિબિંદુથી નીરખવાનો લેખિકાનો પ્રયત્ન ખૂબ મનનીય થયો છે. તો ગોકુળ છોડતી વખતે રાધા સાથે કૃષ્ણનો સંવાદ એ બંનેના ચૈતસિક તારનો પરિચય ખૂબ પ્રભાવી રીતે આપી જાય છે, આ જ રીતે ઉધ્ધવ સાથેનો કૃષ્ણનો સંવાદ પણ ભાવકના મનોદ્રશ્યમાં પ્રેમ અને સમર્પણનો સાગર છલકાવી જવામાં, પાંપણ ભીની કરવામાં સફળ રહે છે.

દેવકી, યશોદા, વાસુદેવ, કંસ, યુધિષ્ઠીર, અર્જુન, કુંતી, કર્ણ, ભિષ્મ એ સર્વે માટે કૃષ્ણ પ્રભુ સ્વરૂપ છે. કૃષ્ણ એ બધાંય માટે માનવથી વિશેષ એવા ઈશ્વરીય સ્વરૂપ છે, પરંતુ ફક્ત એવા ત્રણ પાત્રો જેમને કૃષ્ણની માનવીય બાજુનો, માનવીય ભાવો અને લાગણીઓનો પરીચય થયો છે એ છે રાધા, દ્રૌપદી અને રુક્મિણી. લેખિકાનો કૃષ્ણ પ્રભુસ્વરૂપે એક માનવ છે, અને એટલે જ એ માનવના હ્રદયથી જ વિચારે છે, સંબંધોના બંધનોમાં ખેંચાય છે અને પ્રીતના સાગર તેના હૈયે છલકે છે. “કૃષ્ણાયન” ના કૃષ્ણ બાળરૂપે ગોકુળમાં અવનવી લીલાઓ કરતા પ્રભુ નથી, કે કુરૂક્ષેત્રમાં અર્જુનને ગીતાનું તત્વજ્ઞાન સમજાવતા સર્વજ્ઞાની પરમેશ્વર નથી, કે દ્વારિકાના મુત્સદ્દી અને પ્રભાવશાળી નાથ એવા રાજકારણી પણ નથી, અહીં કૃષ્ણનું એક નોખું રૂપ રજૂ થયું છે, જે કદાચ અત્યાર સુધી જોવાયું નથી, અનુભવાયું નથી, અને એ છે તેમનું અદ્દલ આપણી વચ્ચેના કોઈક મિત્ર સમું સ્વરૂપ. રાધા માટે એ નિશ્ચલ પરમ પવિત્ર પ્રેમનું સરોવર છે તો દ્રૌપદી માટે સખ્યભાવ ધરાવતા પરમ મિત્ર છે. રુક્મિણી સાથેનું તેમનું પ્રસન્ન દાંપત્ય પ્રેમ  તથા સમજણ અને પરસ્પર આદરની ભાવના તાદ્દશ્ય કરતો અનોખો સંબંધ છે. આ ત્રણ વ્યક્તિઓ સાથે કૃષ્ણ જેટલાં ખૂલ્યા છે, જેટલા અભિવ્યક્ત થયા છે એટલા કદાચ જ બીજા કોઈ પાત્ર સાથે થયાં હશે એ વાતનો અનુભવ આ આખીય કૃતિમાં વારેઘડીએ થયા કરે. કૃષ્ણ આ ત્રણેયના મનમાં રહેલા પ્રશ્નોનું, વિચાર વંટોળનું અંતવેળાએ સમાધાન કરે છે. મનમાં શંકાઓ હોય તો મુક્તિનો માર્ગ જડતો નથી, બંધન જકડી રાખે છે. મૃત્યુની, પરમ નિર્વાણની ઘડીએ શંકાઓના અવરોધો ન હોવા જોઈએ એવું સૂચન અહીંથી મળે છે. એ જ કારણે કૃષ્ણ તેમના મનની શંકાઓનું સમાધાન કરે છે, અને આમ તેમની અને આડકતરી રીતે તેમની સાથેના સબંધોમાંથી પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે.

મોતીની માળાને જેમ એક દોરો એકસૂત્રમાં બાંધી રાખે છે તેમ કૃષ્ણાયનની એકસૂત્રતાનો મંત્ર છે સમર્પણ અને નિર્વાણનો આવિર્ભાવ, ” त्वदियमस्ति गोविन्द तुभ्यमेव समर्प्यते “. દ્રૌપદી, રુક્મિણિ અને રાધા, એ બધાંયના મનનો એક જ ભાવ આખીય કૃતિમાં વારંવાર પડઘાય છે, ગૂંજે છે અને નાદ બની મંત્રગાનની જેમ વાચકને સંભળાયા કરે છે.

પોતાનું સર્વસ્વ, બધુંય કૃષ્ણને સમર્પીને ઋણમુક્ત થવા માંગતી દ્રૌપદી કઈ મુક્તિની વાત કરે છે? નિર્વાણના નિમિત્ત સંજોગોનો આઓ અણસાર તેને કઈ રીતે મળ્યો હશે? કૃષ્ણના પોતાના મનમાં ચાલતો મુક્તિ માટેનો તલસાટ દ્રૌપદી સુધી કેમ પહોંચી ગયો હશે એ વાત તેમના માટે પણ પ્રશ્ન છે, એવો પ્રશ્ન જેનો જવાબ તેઓ પોતે જ શોધી કાઢે છે. કૃષ્ણની આ આંતરખોજને ધ્વનિત કરતાં કાજલબહેન લખે છે, “જ્યાં સુધી એ મને મુક્ત ન કરે ત્યાં સુધી મારામાં બંધાયેલું એનું મન મુક્ત થવાનું નહોતું.” પાંચ પતિઓને તદ્દન સમર્પિત, સતિત્વના સાક્ષાત અવતાર સમી દ્રૌપદી જ્યારે પૂર્ણત્વને પામવાની વાંછના સાથે તેના પરમ સખા શ્રીકૃષ્ણને સમર્પણ કરતાં કહે છે, “તારું બધુંય તને પાછું અર્પણ કરું છું.” ત્યારે શ્રીકૃષ્ણની ચૈતસિક આભા કેટલી સુંદર અને આદરણીય થઈ રહે છે? દ્રૌપદી સાધુત્વની પરીસીમાએ, તદ્દન નિસ્પૃહપણે જ્યારે મુક્તિની ઝંખના કરે છે ત્યારે એ ફક્ત પોતાના માટે મુક્તિની વાત કરતાં નથી, એ તો કૃષ્ણ માટે મુક્તિનો માર્ગ જાણે પ્રશસ્ત કરે છે. કૃષ્ણ સાથેનો દ્રૌપદીનો એ સુંદર સંવાદ કદાચ ત્યાગની એક નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરે છે, તે શ્રી કૃષ્ણને કહે છે, “તમે આપેલું બધું તમને સમર્પિને જઈ રહી છું ત્યારે જીવન પણ તમને જ સોંપું છું. તમે મને મારા સુખ, દુઃખ, ગર્વ, અહંકાર, ક્રોધ, દ્વેષ એ બધાંય સાથે સ્વીકારી છે, તો એ બધું જે તમે આપ્યું છે, સુખ કે દુઃખ એ બધુંય સમાનભાવે તમને સોંપું છું.” દ્રૌપદીનું આ સમર્પણ નિશંકઃ પરમ નિર્વાણ કે મોક્ષ તરફનો તેનો પ્રાદુર્ભાવ છે. તે કૃષ્ણને કહે છે, “મને લાગતું હતું કે સુખ કે દુઃખ એ બધું તમને ધરી દઊં તો મારું શું? સુખ સ્વકલ્યાણ અર્થે મેળવવું અને દુઃખ ત્યજવું રહ્યું, પણ ત્યજવાથી કશુંય આપણાથી દૂર જતું નથી. દરેક મનુષ્યનું અને પરિસ્થિતિનું સ્થાન જીવનમાં નિશ્ચિત હોય છે. અને એટલે જ આપણા ત્યજવાથી નિયતિમાં કોઈ ફેર નથી પડતો.” તો અંતે કૃષ્ણએ તેને પ્રેમ કર્યો છે કે નહીં એ સવાલનો જવાબ આપતા કૃષ્ણ જાણે પ્રેમની એક અનોખી ગીતા કહી જાય છે. એ કહે છે, “મેં તમને ખૂબ પ્રેમ કર્યો છે, પરંતુ મારા માટે પ્રેમનો અર્થ પત્નિત્વ કે પતિત્વ નથી. લગ્ન એ પ્રેમનું પરિણામ નથી. પ્રેમ એ કદીયે એક દિશામાં વહેતી બે કિનારા વચ્ચે બંધાયેલી પાણીની ધારા નથી. પ્રેમ એ હવાની જેમ આપણા શ્વાસમાં અવરજવર કરતું, અસ્તિત્વ માટેનું અનિવાર્ય તત્વ છે. સ્પર્શવું કે સાથે જીવવું પ્રેમનો પર્યાય નથી, દેહને પ્રેમથી જોડનારા અપૂર્ણ છે.” ખરા અર્થમાં કૃષ્ણને દ્રૌપદી આ અંત સમયે જ પૂર્ણપણે સમજે છે, કહો કે “પામે છે.” દ્રૌપદી કદાચ આ જ સમયે તેના સમર્પણના મંત્ર, ” त्वदियमस्ति गोविन्द तुभ्यमेव समर्प्यते ” નો સાચો આવિર્ભાવ કરે છે.

મહાભારતના યુધ્ધ પહેલા પાંડવો તથા દ્રૌપદી સાથે ખુલ્લા મને સંવાદનો કૃષ્ણનો પ્રયત્ન ખૂબ અલભ્ય પ્રસંગ છે. બધાને ‘હું’ નહીં, ‘સ્વ’ બનીને પોતપોતાનું મન ખુલ્લું કરવા કહેતા કૃષ્ણ ક્યાંક બધાને એક તાંતણે સાધવાનો પ્રયત્ન કરે છે, અથવા તો એ તાંતણો મજબૂત કરતા જણાય છે. અહીં ભીમ તથા દ્રૌપદીની સ્પષ્ટતાઓ કદાચ લેખિકાના મનોદ્રશ્યની જ કલ્પનાઓ હશે, પરંતુ મૂળ કથાવસ્તુ સાથે એ એટલાં તો ભળી જાય છે કે એમને અલગ કરીને જોવા અશક્ય થઈ રહે. પોતપોતાના પરમસત્યના સહજ નિખાલસ સ્વીકારની આ પળોનું સુંદર વર્ણન વાચકને પ્રવાહમાં તાણી જાય છે.

હિરણ્યના પ્રવાહમાં કૃષ્ણ દ્રૌપદીને, તેના ભાવોને વહેતા જુએ છે, કપિલાનો વેગવંતો પ્રવાહ તેમને રુક્મિણિના એ પ્રશ્ન જેવો લાગે છે જેમાં એ પૂછે છે, “શું સહધર્મચારીણી તરીકે હું ઊણી ઉતરી છું?” ધર્મ અર્થ અને કામના માર્ગ પર સાથે ચાલનારા કૃષ્ણ તેને મોક્ષના માર્ગે એકલી મૂકી સિધાવે એ વાતનો રંજ તેને થયો છે. સરસ્વતિના પાંખા નિશ્ચલ પ્રવાહમાં તેમને રાધાનો ચહેરો દેખાય છે. કૃષ્ણપ્રતિક્ષામાં સદાય રત એ બે આખો જાણે કહે છે, “કા’ના, મને એકલી મૂકીને ક્યાં જઈશ? મારા વિના તારું વર્તુળ પૂરું નહીં થાય. હું તારું સંગીત છું, તારી છાયા છું.” કૃષ્ણના જીવનની અતિ મહત્વની એવી આ ત્રણેય સ્ત્રીઓ નિર્વાણ સમયે બધુંય તેમને સમર્પિને સ્વયં જાણે કૃષ્ણની જ મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી દે છે. સાગરની વિશાળતાનો પ્રાદુર્ભાવ જેમ સંગમસ્થળેથી જ થાય છે, તેમ આ ત્રણેય સ્ત્રીઓ બધુંય કૃષ્ણને સમર્પિને પોતાના અસ્તિત્વને તેમનામાં એકરૂપ કરવા જઈ રહી છે.

નવલકથામાં મનોહર રીતે આલેખાયેલા કૃષ્ણ સાથે રુક્મિણિના બે સંવાદો અને સત્યભામા સાથેનો એક સંવાદ વિશેષતઃ ઉલ્લેખનીય છે. એક પ્રસંગ કૃષ્ણ તેમની મુક્તિપ્રયાણ પહેલાની વિદાય માંગે છે એ સમયનો છે. રુક્મિણિને કૃષ્ણ સમગ્રતયા પોતાના જોઈએ છે, એ જ કેમ, કૃષ્ણની સાથે સંકળાયેલા બધાંયને કૃષ્ણ આખેઆખાં જોઈએ છે, પરંતુ એ કોઈના બંધનોમાં એમ સહજ બંધાતા નથી. જ્યારે જ્યાં કોઈને એમની જરૂરત હોય, તે પહોંચી જાય છે, અને આમ રુક્મિણિના મનમાં તેમના માટે ઝંખના સતત રહ્યાં કરે. રુક્મિણિને એવો પતિ જોઈએ છે જે પ્રેમ કરે, વઢે લડે, ભૂલો કાઢે, રિસાય અને મનાવેય ખરો. એને પ્રભુ નથી ખપતા, એને પોતાના માનવરૂપ પતિ જોઈએ છે, પરંતુ રુક્મિણિ ખૂબ સહજભાવે એ પ્રશ્નોના જવાબો પોતાની પાસેથી જ શોધે છે. તે કૃષ્ણના મૌનને સહી શક્તી નથી, એટલે જ્યારે કૃષ્ણ તેમને મનુષ્યદેહધર્મની પૂર્ણતાની અને પ્રયાણની ઘડી આવી ગઈ છે એમ કહે છ ત્યારે એ અંતિમ સમયે પોતે જેને વરી હતી એવા પતિને એ કૃષ્ણમાં શોધી રહે છે અને તેને મળે છે માનવસ્વરૂપ પ્રભુ. આ આખોય પ્રસંગ ભાવપ્રધાન છે. પોતાની કાયમ ઈર્ષ્યા કરતી સત્યભામાને પણ તે પ્રયાણ પહેલા એક બાળકને જેમ માતા મનાવે એમ સાંત્વન આપતા કહે છે, “તારાથી નિકટ, તારાથી પ્રિય કોણ હતું પ્રભુને? તું તો એમનો પ્રાણ…. એમની પ્રિયા…” આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડતી સત્યભામાની આંખોમાંથી વહેતા આંસુમાં, તેના સહજ ઈર્ષ્યા સ્વીકારના ભાવમાં રુક્મિણિને પોતાનું કૃષ્ણના જીવનમાં સ્થાન સ્પષ્ટપણે દેખાય છે, સમજાય છે. સત્યભામાને કૃષ્ણના સત્યનું દર્શન રુક્મિણિ કરાવે છે.

ત્રિવેણીસંગમ પાસે પારધીના બાણે ઘાયલ થયેલા શ્રીકૃણ પાસે તે પહોંચે છે ત્યારે તેના મનમાં એ પ્રશ્ન છે કે કૃષ્ણ તેને ક્યારેય આખાં ન મળ્યા, એકાંતે જીવવા ન મળ્યું. કૃષ્ણ તેને સમજાવે છે કે, “કૃષ્ણ બનીને જીવવું એટલે સ્વને ભૂલી જવું.” કૃષ્ણના જીવનનો શ્રેષ્ઠ અંશ એટલે રુક્મિણિ, ગીતામાં પણ તેમણે કહ્યું છે, સ્ત્રીઓમાં હું રુક્મિણિ છું. કૃષ્ણ તેને ગળે એ વાત ઉતારે છે કે જે સહજીવન તેઓ જીવ્યા, અદ્વૈતનો જે અદભુત અનુભવ તેઓ પામ્યા, એ ન મેળવી શકાયાના વસવસાથી ક્યાંય અધિક આનંદતર છે. વાદળ વગરના આકાશ જેવું જેનું મન સર્વ શંકાઓથી મુક્ત થયું છે તેવી રુક્મિણિ પણ આ સમયે કૃષ્ણ ને કહે છે, ” त्वदियमस्ति गोविन्द तुभ्यमेव समर्प्यते “.

“પહેલા વરસાદમાં પલળેલો મનનો એક ખૂણો જીંદગીભર ભીનો જ રહે છે. ગમે તેટલો તાપ, ગમે તેટલો તડકો પણ તેને સૂકવી શક્તો નથી એમા કોઈ શું કરી શકે?” એવી રાધાની પુત્રવધુ શ્યામાનો સહજ સ્વીકાર રાધાના પોતાના જ મનનો શબ્દ નથી શું? “પુરૂઅ માટે પ્રેમ લીધા કરવાનું નામ છે જ્યારે સ્ત્રી નદીની જેમ વહીને મીઠું પાણી સમુદ્રને રેડી દઈને પ્રેમ કરે છે. મહેંદીનો રંગ જતો રહે છે, હાથની રેખા નહીં, પ્રેમ હાથની મુઠ્ઠીમાંની હવા જેવો છે., મુઠ્ઠી ખાલી છે પણ અને નથી પણ.” આ રાધાની સમજણ તેને કૃષ્ણના જીવનની સૌથી મહત્વની, પ્રિય, સ્નેહના નિતાંત સૌંદર્યવતી વ્યક્તિ બનાવી દે છે. અને કદાચ એટલે જ કૃષ્ણ ગોકુળ છોડતી વખતે મુક્તિનો સર્વપ્રથમ બોધ તેમને જ આપે છે. તેઓ રાધાને કહે છે, “અવરજવર તો આપણા મનની છે, બાકી એ હોય છે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે સમય અને આપણું અસ્તિત્વ” તો આ જ વાત દ્રૌપદીને સમજાવે ત્યારે તેઓ કહે છે, “પ્રેમ વસ્તુ નથી, તત્વ છે, માંગવું નહીં સમર્પવું છે.”

અંતિમ પળે મોહને ત્યજવાનો બોધ અર્જુનને આપનાર કૃષ્ણ સ્વયં આ ત્રણ પરિમાણો, દ્રૌપદી, રુક્મિણિ અને રાધામાં અટકેલા છે. કારણકે સ્નેહના તાંતણે તેમની સાથે બંધાયેલા પ્રભુને એ ત્રણ વ્યક્તિઓ જ્યાં સુધી મુક્ત ન કરે ત્યાં સુધી સ્વયં પ્રભુને માટે પણ મુક્તિ શક્ય નથી. કૃષ્ણ તેમના શંશય દૂર કરી પોતાના કર્મ પ્રત્યે, પ્રેમ અને સમર્પણ પ્રત્યે દોરે છે અને પોતાની મુક્તિ તેમની પાસેથી જ માંગે છે. અંતિમ વિદાય વખતે જાણે ગોવિંદ પોતે પોતાનું બધુંય તેમને આપી, તેમનું અર્પેલું સ્વિકારી પોતાની મુક્તિનો માર્ગ કંડારે છે.

ખૂબ ભાવસભર અને ભાવકને ઓળઘોળ કરી મૂકે તેવા સંવાદો, આજના સમયમાં પણ પ્રસ્તુત અને પ્રાયોગિક થઈ પડે તેવી સંબંધોની સહજ, તદ્દન સહજ સમજણ અને પ્રેમ વિશે, સમર્પણ વિશે અને મુક્તિ વિશેની પરિભાષાનો નવો અને અનોખો આયામ આપતી શ્રી કાજલબહેનની કલમ ખરેખર એક નોખી ઉંચાઈને સ્પર્શે છે.

તેમની આ નવલકથા લખવાની યાત્રા વિશે તેમણે ક્યાંક લખ્યું છે, “કોઈપણ માણસ જે આટલું અદભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય, એ માણસ જ્યારે દેહકર્મ પૂર્ણ કર્યા પછી પરમનું પ્રયાણ કરે ત્યારે એની લાગણી કેવી હોય? આ વિચાર મને રહી રહીને આવતો.” લેખનની આગવી પ્રતિભા અને સુંદરતા વિશે તેઓ કહે છે, “હું જ્યારે કૃષ્ણાયન વાંચવાનો પ્રયાસ કરું છું ત્યારે મને પ્રશ્ન થાય છે કે આ બધું મેં લખ્યું છે? મારી અંદર આ કોઈક બીજું છે જે લખાવે છે.” આ સ્પષ્ટતામાં લેખિકાનું સ્વયંનુ પણ કૃષ્ણાયન આપણે જોઈ શકીએ છીએ. કાજલબહેનને અને તેમની કલમને ખૂબ ખૂબ પ્રણામ અને શુભકામનાઓ.

– જીજ્ઞેશ અધ્યારૂ (લખ્યા તા. ૨૪ માર્ચ ૨૦૧૦)

{ પુસ્તક પ્રાપ્તિની વિગત –
પ્રકાશક = નવભારત સાહિત્ય મંદિર,
પૃષ્ઠ સંખ્યા = ૨૪૧,
મૂલ્ય = ૨૭૫ રૂ.,
પુસ્તક, પ્રથમ આવૃત્તિ પછી કુલ પાંચ વાર પુનર્મુદ્રિત થઈ ચૂક્યું છે.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on ““કૃષ્ણાયન” એટલે પરમ સ્વીકાર અને મુક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ

  • Ramesh Ashar

    કાજ્લ બેન , રાધા , , રુક્મિનિ અને દ્રૌપ્દિનુ તમારા મા ઐક્ય સધાયુ ચએ. ગત જન્મમા તમે પામેલા ક્રુશ્ન નો તમે અમને આ જન્મમા પરિચય કરાવ્યો. વન્દુ તમને શત શત વાર ! તમે અમારા ઉપર ઉપકાર કર્યો ! રમેશ આશર

  • Lá'kant

    ખરેખર ,આધ્યાત્મ પથના યાત્રીઓ માટે …”કંઇક”
    ઉપયોગી માર્ગ-દર્શન મળી રહે એવું ,દિશા ચીન્ધ્વાનું
    સુભગ કાર્ય ! એમાંની વાતો એક માધ્યમ ,નિમિત્ત જરૂર બની શકે ,જો વાચક-ભાવકના જીવનમાં એવું કર્માધીન સ્થાન હોય તો ! એવા લોકો સુધી આવું બધું સ્વયમ પહોચી જતું હોય છે. કારણકે,કુદરતની વ્યવસ્થા ” સંપૂર્ણ જ છે !!!-લા’કાન્ત / ૧૬-૮-૧૧ .

  • Rekha anupam shroff

    this abov all wite up is so good and atract
    to read kajalben this book

    i want this i will serch it or if you can
    send
    Thanks

    Rekha anupam shroff
    16 shakunt
    Road 12 plot 16
    j v p d scheme vileparle west
    mumbai 400049
    india

  • zakal

    સરસ પુસ્તક છે…

    આ વાંચતાની સાથે અગાઉ વાંચેલું

    શ્રી દિનકર જોશીનું

    ‘‘શ્યામ એકવાર આવોને આગણે…’’

    યાદ આવી ગયું…

    – ઝાકળ

  • Deepak

    આજે તમારી આ સાઇટ જોઇ.. કઇં કહેવા માટે શબ્‍દો નથી કળતા..
    -દીપક જોષી, મહુવા

  • Heena Parekh

    ઉત્તમ નવલકથા. કાજલબેનની કલમને તો સલામ જ. સાથે આપે આટલું સુંદર આલેખન કર્યું એ માટે આપની કલમને પણ સલામ. કાજલબેનના ભાવવાહી અવાજમાં આ આખું પુસ્તક CD સ્વરૂપે પણ પ્રાપ્ય છે.

  • jjugalkishor

    “પૂર્ણપણે સમજવું એટલે જ પામવું !”

    આખો લેખ નવલકથાને સમજવાનો ને એ માટે થઈને એને વહેલી તકે મેળવીને એનું આકંઠ પાન કરવાની તીવ્ર ઈચ્છા પ્રગટાવનારો બની રહ્યો છે.

    તમારું આ કાર્ય બ્લોગજગતને અમૃતધારાઓનું આચમન કરાવનારું ને તેથી જ પાવનકારી છે.
    સંતર્પક વાચનરાશિને ઈંગિત કરતી આ લેખશ્રેણી યશદાયી બની રહેશે.

    ધન્યવાદ અને આભાર.

  • chetu

    જેીગ્નેશભાઇ … આ બધુ વાચેીને તો આખુ અસ્તિત્વ હચમચેી ગયુ .. જાણે કોઇ પરમ તત્વ સામેથેી બોધ આપવા આવ્યુ હોય એવુ તાદ્રશ્ય થયુ .. !! માનવેીના મનમા ચાલ્તા ઘણા પ્રશ્નો નુ સમાધાન જાણે કે આમા જ સમાયેલ હોય એવુ લાગ્યુ … ખરેખર કાજ્લબેનનેી કલમ નો જાદુ તો છે જ .. માનવેીના દરેક સંબ્ંધો ને વિશિષ્ટ રૂપે આલેખવાનેી એમનેી શૈલેી જ અનોખેી છે … અને અન્હિ પણ પ્રભુને માનવરૂપ માઁ થયેલેી સ્ંવેદનાનેી અનુભુતિ અને સાથે મોક્ષ માટે આપેલ બોધ – આ બધુ જ એમનેી કલમને સર્વોચ્ચ્તા પર પહોચાડે છે ..!! આ સાથે જ આપ પણ અભિનંદન ના અધિકારેી છો .. આપે આટ્લો સુન્દર વિષય પસન્દ કર્યો અને તેના પર આપના વિચારો રજુ કરેીને સુન્દર છ્ણાવટ કરેી છે…!! ખુબ ખુબ અભિનન્દન …!!