પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4


{ લોકમિલાપ ટ્રસ્ટની બધીજ ખિસ્સાપોથીઓમાંથી આ એક પુસ્તિકા મારા મનની, હૈયાની વધુ નજીક છે. કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે. ” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે. આ જ પુસ્તકમાંથી લીધેલો આ પહેલા અક્ષરનાદ પર મૂકેલો લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે. }

મૃત્યુ – ચિંતન

આ દેહ ક્ષણે ક્ષણેબદલાયા કરે છે. બાળાપણ, જુવાની અને ઘડપણ ના ચક્રોનો સહુને અનુભવ છે. વિજ્ઞાનીઓ એટલે સુઘી કહે છે કે સાત વરસમાં તો શરીર સદંતર બદલાઈ જાય છે, અને જૂના લોહીનું એક પણ ટીપું શરીરમાં રહેતું નથી. તો આવા ક્ષણેક્ષણે પલટાતા દેહના મરણનો શોક હું શાને કરું છું? અને શું આવો દેહ તે મારું સાચું સ્વરૂપ છે? આજે મરે કે કાલે મરે એવો આ દેહ, તે હું નથી. હું તો કદીય ન મરનારો અખંડ તેમજ વ્યાપક આત્મા છું.

***

આપણે જન્મ્યા ત્યારથી જ મરણ નિશ્વિત છે. માણસની મરણ ભણીની મજલ દરેક ક્ષણે અચૂક કપાતી જાય છે.

***

આપણો દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે, તેથી તો નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમ વળગી રહેતો હોય તો બધોય વિકાસ થંભી જાત, આનંદનો લોપ થાત અને જ્ઞાનની પ્રભા ઝાંખી પડી જાત. માતે દેહનો નાશ હરગિજ શોક કરવા યોગ્ય નથી.

***

જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખીને, છેવટની ઘડી પાવન કેવી રીતે થાય તેનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેવી રીતે ઠસે, એનો વિચાર આજથી જ થવો જોઈએ. હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, મોઢેથી સારું જ બોલીશ, એવી મહેનત હંમેશાં કરતા રહેવું. પવિત્ર સંસ્કાર પડે તેટલા માટે મનમાં ઉદાત્ત વિચારો વાગોળતા રહેવું. હાથને પવિત્ર કામમાં રોકાયેલા રાખવા. અંદર ઈશ્વરનું સ્મરણ અને બહાર સ્વધર્મચરણ.

***

જે ભારતભૂમિમાં બ્રહ્મવિધાનો જન્મ થયો, તે જ ભૂમિમાં હવે મરણનો આટલો બધો ડર ઘર કરી બેઠો છે ! ઘણા લાંબા સમયથી આપણી પર ઊતરી આવેલી પરતંત્રતાનું એ પરીણામ છે; પરંતું મરણનો આવો ડર એ જ પરતંત્રતાનું એક કારણ છે, એ વાત પણ ભૂલવા જેવી નથી.

***

દેહથી હું જુદો છું, એ વાત આપણી સમજમાં ઊતરી નથી, ત્યાં સુઘી જુલમગારો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા હાલ બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું શક્ય બને છે. જુલમ કરવાવાળા બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે, એમના દેહને કષ્ટ આપીશું એટલે એ દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આસક્તિ છોડનાર તરત જ સ્વંતંત્ર બનશે, પછી તેની પર કોઈની સત્તા ચાલશે નહીં.

***

દેહની પારનું અવિનાશી જે આત્મતત્વ, તે હું છું. એ પરમેશ્વરી તત્વ જ્યારે પણ દુષિત થતું હશે, તે વખતે તેના બચાવને સારું આ દેહને હું ફુંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જ્વળ રાખવા માટે દેહનો હોમ કરવા હું હંમેશ તૈયાર રહીશ.

***

દેહાસક્તિ છૂટી જાય, તો આપણને એ વાત સમજાય કે દેહ તો સેવાનું સાધન છે. પણ આજે દેહની પૂજાને જ આપણે સાધ્ય માની બેઠા છીએ. સાચું સાધ્ય સ્વધર્મનું આચરણ છે.

***

મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો રહે છે. મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે, છતાં માણસ તો મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં મંડયો રહે છે.

***

મરણનો વાઘ હંમેશાં સામે ઘૂરકતો ઊભો હોય, ત્યારે પાપ કરવાનુ સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય, તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. માટે મરણાનું હંમેશાં સ્મરણ રાખવું, એવ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામે દેખાતું હોય, ત્યારે માણાસ કઈ હિંમતે પાપ કરશે?

***

મરણ સામું આવીને ઊભું હોય, છતાં રોગીને તેની વાત આપણે કરતા નથી. દાક્તર કહે કે હવે આશા નથી,તો પણ દર્દીને ભ્રમમાં રાખીએ છીએ. દાક્તર પણ ચોખ્ખું કહેતા નથી, અને છેવટ સુઘી ગળામાં દવા રેડ્યા કરે છે. તેને બદલે દર્દીને સાચી વાત જણાવી, ઘીરજ આપીને ઈશ્વરના સ્મરણ તરફ વાળીએ, તો તેના પર કેટલો ઉપકાર થાય ! આનો અર્થ એવો નથી કે આપણે પ્રેમશૂન્ય બની જવું. પણ દેહાસક્તિમાંથી છૂટ્યા વગર ખરા પ્રેમનો કદી ઉદય થતો નથી.

***

સ્વઘર્મનું આચરણ બરાબર થઈ શકે, તે માટે દેહનું જતન કરવું જોઈએ. પણા જીભના ચસકા પૂરા કરવાની શી જરૂર છે? કડછીને શિખંડમાં બોળો કે કઢીમાં, તેને તો એનું સુખ નથી કે દુઃખ નથી. જીભનું પણ એવું થવું જોઈએ. તેને સ્વાદનું એટલે કે રસનું જ્ઞાન હોવું જોઈએ, પણ ન તો તેનું સુખ હોવું જોઈએ કે ન તો દુઃખ.

***

હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણું ચપળા છે, પણ તેનું જોર નરમ પડતું જાય છે. આખરે તે થાકી જાય છે. પાછળ પેલો વાઘ, પેલું મરણ આવી રહ્યું હોય છે. તે ક્ષણે એ હરણની હાલત કેવી થાય છે? વાઘ તરફ તેનાથી નજર કરી શકાતી નથી. જમીનમાં મોં ખોસીને તે ઊભું રહે છે. “આવ ભાઈ, અને માર હવે ઝપટ ,” એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે. એમ આપણે પણ મરણનું સામું જોઈ શકતા નથી. છતાં છેવટેતે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી.

***

આપણે હાથે અસંખ્ય ક્રિયાઓ થતી રહે છે. મન પર એ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા કરે છે. પણ છેવટે માત્ર થોડા સંસ્કાર બાકી રહી જાય છે. જીવનની છેલ્લી ક્ષણ આવે ત્યારે આખા જન્મારામાં કરેલી કમાણી બેચાર વાતોમાં દેખાય છે. માટે, મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઇચ્છા હોય, તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળીએ, રાત ને દિવસ તેના તરફ મનનું વલણ રાખીએ. હંમેશ મરણનું સ્મરણ રાખીને જીવનનો વહેવાર કરીએ.

પુસ્તક ડાઉનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઉનલોડ વિભાગ.

બિલીપત્ર

અણગમતો આવાસ તજીને ચાલી નિકળો,
જીવ્યાનો આભાસ તજીને ચાલી નિકળો.
ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના,
ચાલો અહીંથી શ્વાસ તજીને ચાલી નિકળો.

– ઉમેશ ઉપાધ્યાય


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ)