ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા 5


(માછલી સાથે જ દરિયો નીકળ્યો : ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ)

મુશાયરાના માહોલમાં જેનું અસ્તિત્વ જ રંગત લાવી દે તેવાં કવિ મિત્ર એટલે ધૂની માંડલિયા. સંમેલનમાં તમે સપ્રમાણ દેહે કફની ધારી શાયર કે જેની આંખોની ઊંડાઈ સતત માછલીના મોંમાંથી છીપ લઈ આવવાં તત્પર હોય, ઘેઘૂર અવાજનો માલિક જેની ઉપસ્થિતિની સમગ્ર પરિસરે સાનંદ નોંધ લેવાની હોય તેવાં કોઈ ઋજુ વ્યક્તિત્વના માલિકને જુઓ ત્યારે માનવું કે આ કવિને પ્રકૃતિદત્ત વરદાન છે. ધૂની બેફામ રીતે ચાહનારા શાયર છે. તેની ચાહતમાં કોઈ ઉંમરભેદ નથી. તે અબાલવૃધ્ધ સૌને સમાન ચાહનાર છે. તેટલાં જ સુંદર અક્ષરો ધરાવનાર છે. તેમની ચિત્રકામ અંગેની સૂઝ છે. તેમના પત્રો પણ અદભુત છે. પત્ર લખવાની તેમની કળા બેનમુન છે. દિવાળી કાર્ડમાં તેમણે એક વખત મને ‘પ્રિય પ્રાણેશ્વરના’ સંબોધનથી ચોકાવી દિધેલ. તેવા સર્જકનો સર્જક પરિચય ગુજરાતી ભાષાના ભાવકોને આપવો અસ્થાને છે.

સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ “તારા અભાવમાં…” સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે.

‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આ સંગ્રહ વિશે પ્રસ્તાવનામાં જ કવિ જણાવે છે કે, “સંગ્રહમાં ૧૯૭૦ની લખાતી કેટલીક ગઝલોને પણ સમાવિષ્ટ કરી છે. આ ગઝલોને સંગ્રહમાં ન લીધી હોત તો એકદંરે સંગ્રહને જ લાભ થાત, તે મારી જાણ બહાર નથી. મનમાં એક નવું મંથન પણ ચાલતું રહ્યું કે મારી સર્જન પ્રકિયાથી યાત્રાને મારે સ્પષ્ટ કરવી હોય તો મારે કેટલીક રચનામૂકવી જોઈએ.” (મોકળા મને)

અહીં પ્રારંભથી પ્રસ્થાપના સુધીનો ગઝલોનો અનુક્રમ પ્રાપ્ત થાય છે અને સંગ્રહનું નામ પણ એટલું જ ઘાતક છે. માછલી અને દરિયાની જે અવિનાભાવે જોડી શકાય તેટલાં જ અવિનાભાવે સર્જકને ગઝલ સાથે જોડી શકાય તેમ છે.

ધૂની માંડલિયાની ગઝલોના ભાવાવરણમાં પ્રવેશતા જ તમને એવાં કેટલાંય રસસ્થાનો સાંપડે જ્યાં તમારે તેના અંતર્જગતના યાત્રી થવું જ પડે. ગઝલના લપસણા ઢાળમાં આપણે ત્યાં આખી ગઝલમાં એક કે ત્રણ શેર ઉત્તમ મળે તોય રચના સર્વાગ સુંદર છે તેવું કહી શકાય. પરંતુ આ સંગ્રહમાં એવી બહુધા રચના છે જે સર્વાગ સુંદર છે.

પ્રતિકોની પ્રસ્થાપનામાં કવિ ખૂબ જ ચીવટ રાખે છે. સજીવ – નિર્જીવ ને એક સાથે મૂકી ખૂબ જ લાઘવયુક્ત શબ્દ દ્રારા કવિ તાક્યુ તીર પાર પાડે છે.

સાંજ પડતાયે ફર્યુના એટલે
શોધવા પંખીને માળો નીકળ્યો. (પૃ.૧)

નિર્જીવતત્વની પણ સંવેદના સભર યુક્તિ આ શે’રમાં મળે છે.

ઘણી વખત ધૂનીની ગઝલો માણતા અનુભવાયું છે કે પ્રથમવિધાન સરળ-સપાટ હોય છે તો બીજી પંક્તિમાં જે ચમત્કૃતિ સર્જે છે તેમાં તેની સર્જકતા ખરેખર દાદ માગી લેનાર હોય છે. તેવાં કેટલાંક સંવેદનસભર શે’ર્.

કોક હરણું ક્યાંક લપસી જાય છે, –
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે. (પૃ. ૭)

મને માફ કરજે અનાગત સમય,
હવે સહેજ પણ ક્યાં જગા શ્વાસમાં ?

એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચીતરાય છે. (પૃ. ૭)

આધુનિક યુગમાં જીવનાર આ કવિની સંવેદનામાં પણ આધુનિકતાનો સ્પર્શ થયા વિના રહેતો નથી. સૂર્યને ‘વિશ્વ જગતઃ ચક્ષુ’ કહીને જે સંસ્કૃત પરંપરા બની છે તેના અભ્યાસી આ શાયર સૂર્યને નવા પ્રતિક તરીકે લઈ આગળ આવે છે. તેની સર્જનાત્મકતાના દ્રષ્ટાંતરૂપે થોડા શેર

આયખાભર આંધળાની આંખમાં,
સૂર્યનું મડદુ તણાતું જાય છે. (પૃ.૪)

સમય નામના તત્વને કોઈ પારાશીશીમાં બાંધી શકાય કે માપી શકાય નહીં. પ્રિયતમા કે મિત્ર સાથે વિતાવેલ ક્ષણો ફુલગુલાબી હોય છે પણ તે પછીથી તેના વિરહની ક્ષણમાં સમ્ય વિલન બની સંવેદના સાથે છેડતી કરે ત્યારે સ્પર્શનું મલમલી ઝેર ખરી અસર જન્માવે છે.

ટેરવા ચાવી ગયો કાળો સમય,
પણ હજીયે સ્પર્શ તો અકબંધ છે. (પૃ.૧૩)

મંઝીલ સુધીનો માર્ગ કરવા કેટલાય પગલાઓનો ભોગ લેવાય છે તેવું સામાન્ય વ્યક્તિને વિચારવામાં નથી આવતું પણ સર્જકનું ચિત્ત તો આ મૃત પગલાનો પણ એક્સ-રે લઈ લે છે.

સેંકડો પગલા મરે તો થાય છે કેડી,
મંઝીલો આ પાપ કરવાથી મળે એ શું? (પૃ. ૩૨)

તો નજાકત ગઝલકે કાવ્યનું પ્રાણ તત્વ હોય છે. હવા જેવી અદ્રશ્ય અમૂર્ત તતવને કવિ તેના શબ્દના સ્પર્શને મૂર્ત બનાવી છે.

કયાંક તારા નામની તખ્તી નથી
હે હવા, તારી સખાવત ને સલામ (તારા અભાવમાંથી)

પંખીઓતો બસ નિરંતર ઉડતા,
ને હવાનું અંગ છોલાયા કરે. (પૃ.૩૫)

કોઈપણ ઉત્તમ કોટિની કૃતિમાં ભાવ – ભાષા અને વાતાવરણનું ત્રીવેણીતીર્થ અનિવાર્ય છે. શબ્દ અભિવ્યક્તિનું ઉમદા માધ્યમ છે. તેમાં દરેક વખતે આપણી સંવેદનવૃતિનો સાચો જ એક્સ-રે આવે તેનું ન બને પણ શબ્દ જેટલો છેતરામણો છે તેટલો જ સભર છે. તેથી તો શબ્દ વિષે કવિના શેરો આમ કરે છે,

જીવ્યો છું શબ્દમાં મર્યો છું મૌનમાં,
મારી કબર ઉપર ફરકનું લીલું ખડ હશે (પૃ.૨૦)

રઝળેલ શબ્દ છું, વિસામો ક્યા મને મળે?
મારી જ લાશ છે, જુઓ ત્યાં સુકુ થડ હશે. (પૃ.૨૦)

અર્થની લાશો ઉપાડીને સતત,
શબ્દના થાકેલ બેઉ સ્કંધ છે. (પૃ.૧૩)

સાવ લીસ્સી ચામડી છે શબ્દની,
એટલે શું અર્થ ત્યાં લલચાય છે? (પૃ. ૫૦)

ખોલ લારી, જો સંબોધનોની દશા,
શબ્દ મૂંગો ભીંત પર ચડતો હશે. (પૃ. ૭૨)

આમ, વિવિધતા સભર શબ્દના વ્યક્તિત્વના જુદા જુદા પાસાને આપણી સામે નૂતન દ્રષ્ટીથી મુક્યા છે. ‘કુમાર સંભવમ્’ માં શબ્દ અને અર્થના સત્યુજયનો મહિમા છે તેવો કોઈ મહિમા અહીં નથી. અહીં શબ્દના અર્થ સાથેના સંબંધને પણ સહજ વ્યવહારિક ભાષામાં સિદ્ધ કર્યો છે. ક્યાંક પંગુ, મુંગો અને મૃત શબ્દ અવતરણની અભિલાષામાં જાણે સર્જકની પાસે સેવતો હોય તેમ દેખાય છે.

પૃષ્ઠ ૧૦૪ માં ૧૦૧ ગઝલોની માળા ગૂંથાય છે. જેમાં વિષયોની વિવિધતા સભર સૃષ્ટીમાં અંધકાર, સુરજ, મૃત્યુ, હવા, ઘાસ, સમય, પીંછા, ટહૂકા, વાદળ, વરસાદ, શ્રાવણથી સભર છે ક્યારેક કવિનો શબ્દ મુખર બની આપણી ચેતના સાથે સંવાદ કરે છે તો ક્યારેક મૌનની ઝાંખી લીપી ઉકેલવા માટેની મથામણ કરે છે.સમય નામનો સર્વથા માનવસમાજ ઉપર જમાવી દેનાર તત્વમાં જ્યાં સર્જકની સામે આવે તો તે પણ ઓશિંગણ લાગે છે. સમયના બધા હથિયાર હેઠા મૂકી આંખમાં આસુને આગમનનો આવકાર આપવાની વાત તો સર્જક જ કરી શકે ને,

આવો ખૂશીથી આંસુ આ છે તમારી ઘર,
આંખોની આ, ભૂમિ જરીયે ઢાળવી નથી.

ખાલીપાને કવિ કેટલો મૂકે છેઃ

ઝાંઝવાથી તો હતું રણ તરબતર,
માછલીને તોય કાં આદર નથી. (પૃ.૪૬)

આમ સર્જકનો શબ્દ વ્યવહારિક શબ્દથી સહેજ નોખો પડે છે. અને તેના અર્થવલયો શોધવા માટે જીવનની ખોજ કરવી પડે છે. રવિન્દ્રનાથ ટાગોર કહે છે તેમ્ઃ

મારા નાજુક નમણાં ટાંચણ-
મારગકાઠે હસતા ફૂલ સરીખા;
વાટમારગુ નીરખે, પછી વીસરી જાય. (તણખલામાંથી)

આમ, મારગ પર પથરાયેલ ફૂલ માટેની દ્રષ્ટી કેળવવી જોઈએ. આપણે ફૂલની સામે જ જઈએ તેમાં ફૂલનો કોઈ દોષ નથી.આપણને ભભક વિનાની, નાનકડી વસ્તુ પ્રત્યે કાળજી હોતી નથી. તેમજ આ સંગ્રહમાંથી કેટલાંક સીધા સપાટ લાગતા કાવ્ય-મૌક્તિકોની અસર જુઓ;-

પછી શાને ચડેના કેફ બેહદ આ સુરાલયમાં?
મહેંદીથી ઘૂંટેલો જામ છે તારી હથેળીમાં (પૃ.૭૫)

પીંછું અમારા ભાગ્યનું ઉડી શક્યું નહીં,
કેવું હશે ગગન અમારે ધારવાનું રોજ. (પૃ. ૫૭)

વંટોળે ના મરે ચાડિયો,
નહિ તો વિધવા થશે સીમ (પૃ. ૫૬)

અંતર રહ્યું છે એટલે તો આ રહ્યું છે ઘર
બે ભીંત ભેગી થાય તો ઘર નીકળી જશે (પૃ.૫)

સાગર સુધી પહોંચવાની ઘેલછાને કાજ,
સામે મળ્યા સકળ રણોને હું તરી ગયો. (પૃ.૯૨)

આમ સર્જકચેતનાની ચેતોવિસ્તારની યાત્રા કેટલી ગતિશીલ હોય છે તેનો ગ્રાફ મળે છે. સુરાલયના કેફને સ્પર્શાલય સાથે સરખાવ્ય્ં અને પ્રિયતમાના હાથ સ્પર્શનો નશો જ નિરાળો હોય છે. સીમ અને ચાડિયાને વર- વધુ કલ્પીને નવું જ સંયોજન કર્યું છે. અને વંટોળે ચાડિયો મરવાની વાતની સાથે વ્યવહાર જગતની વાત સીમ વિધવા થવાની કરી છે!

ઘરનું અસ્તિત્વ દિવાલ થકી જ હોય છે. નહીંતર ઉપનિષદ કાળમાં ઋષિઓ, ‘ ‘ ની વાત કરતાં હતામ તે જ વાતને કવિ કેવી સુંદર રીતે કરી શકે છે !!

સર્જકચિત્તમાં લોક નાયક સદગુરૂ ક્ષણની પણ એક સુંદર છબી જોવાં મળે છે. રાધા-મીરાંની અને ગોપીઓનો કૃષ્ણ આપણો અંગત ક્યારે બની જાય છે તેની આપણને ખબર રહેતી નથી એટલે જ આપણા આદિ કવિઓએ કૃષ્ણને ‘એકો દેવ દેવકીનંદનઃ’ કહીને મુલવ્યો છે તો કયારેક કૃષ્ણમ વંદે જગદગુરૂમ્’ કહીને મુલવ્યાં છે. આજનો કવિ આપણો આ કવિ કૃષ્ણને કૃષ્ણના અસ્તિત્વને પીંછાથી અને ગોકુળથી સભર બનાવતા લખે છે.

ધાર કે પીછું નથી શ્યામ જેવું ધાર હિમ્મત હોય તો,
હું નથી એવું વિચારી ગામ જેવું ધાર હિમ્મત હોય તો ! (પૃ.૧૬)

એ ઝુરતી ક્ષણો હતી ને શ્વાસ આખરી,
રાધાનું ધ્યાન આખરે પીંછાં ભણી ગયું. (પૃ.૪૪)

વાંસળીના અર્ધખુલ્લા છેદમાં,
ફુંકનું કામણ હશે, માધવ હશે. (પૃ. ૭૩)

જેમણે મીરાં તમારું પોષ્ટમોર્ટમ જ્યાં કર્યું,
એમણે જોયું તમારા લોહીમાં ગોકુળ છે. (પૃ.૪૨)

હથેળી જોઈ રાધાની કહ્યું તું કોઈ જોશીએ,
ભલે તું હોય ગોરી શ્યામ છે તારી હથેળીમાં. (પૃ.૭૫)

અંતરની અનુભૂતિનું અવતરણ કૃષ્ણના બિંબ સાથે કર્યું છે. રાધા-મીરાં અને ગોકુળમય થયેલ કૃષ્ણના અસ્તિત્વનું આ અનિવાર્ય અંગ છે તેવું કહી શકાય છે.

આમ એક સર્જક ક્યાંક પીંછીની લસરકાની કમાલ, કયાંક અક્ષરોની અભિવ્યક્તિ અને ક્યાંક સંવેદનાનો સાગર ઘુઘવતો મુકી આપે છે. ક્યારેક એક લસરકે જ આખી વાતને ખૂબ સુંદર રીતે મૂકી આપે છે. ચાહનારને અઠાંગ (અષ્ટાંગ) ચાહવાનું હોય તેથી જ તો તુષાર શુક્લ કહે છે.

એમ પૂછીને થાય નહીં પ્રેમ
દરિયાના મોજા કઈ રેતીને પૂછે – તને ભીંજાવું ગમશે કે કેમ?

આમ ચાહવાની વાત સાથે સ્વીકૃત રિવાજોને કેવી રીતે કાવ્ય લઈ આવે.- જુઓ

હતો બેય તે હાથમાં સંપ પણ,
તમે એક હાથે જ બાંધ્યું મીંઢળ (પૃ.૫૨)

આમ, આ રીતે સમગ્ર સંગ્રહમાંથી પસાર થતાં આપણને કેટલાંય સ્થાનોમાં આશ્વર્ય, આનંદનો ભાવ થાય અને આપણું ચિત્ત સર્જકની સર્જકતા પર ઓવારી જાય છે. આમ, ખૂબ જ સુંદર ગઝલ સંગ્રહ માટે અને ગઝલના ભાવિ વિતરણ માટે ધૂની સાહેબને અઢળક અભિનંદન અને અંતમાં આટલું જ

શ્વાસના પર્યાય લેખે હું ગઝલમાં અવતરું,
કોઇ જીણી ઝાંય લેખે હું ગઝલમાં અવતરું.

– તરૂણ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા

  • urvashi parekh

    ખુબજ સરસ.
    તરુણભાઈ એ ખુબજ સરસ પરીચય અને સમજાવ્યુ છે.
    આ કાવ્યસંન્ગ્રહ કેવી રીતે મળી શકે?
    જણાવશો તો બહુ સારુ લાગશે.
    આભાર.

  • હેમંત પુણેકર

    જીજ્ઞેશભાઈ,

    સુંદર પરિચય કરાવ્યો. આભાર!

    લેખના મથાળામાં અને લેખમાં પણ ક્યાંક ક્યાંક ધૂની ને બદલે ઘૂની (તો ક્યાંક ઘુની, ધુની) લખાયું છે, એટલું સુધારી લેશો. એવું જ ધેધૂર નું ઘેઘૂર, લાધવયુક્ત નું લાઘવયુક્ત, ધૂંટેલો નું ઘૂંટેલો અને ધાસ નું ઘાસ કરશો.

    ઘ અને ધ ની આ સેળભેળ ઘણી જગાએ (અક્ષરનાદની બહારની વાત કરું છું) જોવા મળે છે. કદાચ બન્ને અક્ષરોનો દેખાવે ઘણા સરખા છે એટલે આમ થઈ જતું હશે.

    • AksharNaad.com Post author

      પ્રિય હેમંતભાઈ,

      ભૂલો શોધી શોધીને બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આપના જેવા મિત્રોના આ ઝીણવટભર્યા અવલોકનોને લીધે જ ભાષાની ગરિમા જળવાઈ રહી છે, ક્ષતિઓ બદલ ક્ષમા, સુધારાઓ કરી દીધા છે. મારા ધર્મપત્નિને (ટાઈપ કરતી વખતે ઘ્યાન (ધ્યાન) રાખવાનું સૂચન પણ આપી દીધું છે.

      જો કે ક્યારેક આ ક્ષતિઓ બતાવવાની સાથે સાથે લેખની ગુણવત્તા કે ઉપયોગિતા વિશે પણ પ્રતિભાવ આપશો તો ખૂબ આનંદ થશે.

      જીજ્ઞેશ અધ્યારૂ

  • ડૉ. મહેશ રાવલ

    કવિશ્રી ધૂની માંડલિયાની ગઝલ પંક્તિઓનો રસાસ્વાદ અને કવિના વ્યક્તિત્વની ઓળખ બન્ને રસદાર રહ્યાં.
    -અભિનંદન કવિને
    અને આભાર તમારો, કે અમને મજાના વ્યક્તિ અને ગજાદાર કવિ સાથે મેળાપ કરાવ્યો શબ્દ દ્વારા ઈ-મુલાકાતથી.