યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. આ દંપતિ સામાન્ય પરિચય નીચે મુજબ છે. ગોપાલભાઈ ભરાડે રાજકોટની પી.ડી.એમ. કૉલેજમાંથી એમ.કોમ. કર્યું, તો કૃષ્ણાબેને બી.કોમ. કર્યું છે.
કોલેજકાળથી સેમિનારો અને ફંકશનોમાં ઊંડી રુચિ ધરાવનાર આ ગોપાલભાઈ પૂ. વિમલાઈ અને ગાંધીજીના વિચારોમાં ઊંડી આસ્થા ધરાવતા હતા. તેમના વ્યક્તિત્વનું ઘડતર ગુજરાત બિરાદરીની તાલીમોમાં થયું. વિમલાતાઈના પ્રવચનો – પત્ર વ્યવહાર દરમ્યાન તેમનાં બે વિધાનોને જીવનમંત્ર બનાવી લીધા.
૧) તમારો રોટલો તમારાં કાંડાના બળે રળીને ખાવો.
૨) ભણેલા માણસો ગામડામાં અભાવો વચ્ચે રહીને પણ ક્રાંતિ કરી શકે.
આમ, સામાજિક કાર્યકર ક્યારેય ન બનતા સાધકની ભૂમિકામાં રહી કાર્યો કરવા એ મંત્ર તેમણે સ્વીકાર્યો. મારી સાથેની અંગત વાતચીત દરમ્યાન ગોપાલભાઈ જણાવે છેઃ
“મારા ફેમિલી ડૉક્ટરે મને ડિસેમ્બર 1987 માં પૂ. વિમલાતાઈની શિબિરમાં માધવપુર જવા કહ્યું. આ ઘટનાને હું મારો પુનર્જન્મ માનું છું.” વિમલાતાઈ અને ગાંધીજીના વિચારોને કેન્દ્રમાં રાખીને ગોપાલભાઈ સતત આત્મનિરિક્ષણ કરતાં રહ્યાં છે. આરંભથી જ સમાજને માટે કશુંક કરવાની ભાવનાથી થનગનતી યુવાનીના દિવસો પણ સંધર્ષમય વિતાવ્યા. એમ.કોમ. પૂર્ણ કરી ગોપાલભાઈ પાંચ વર્ષ (૧૯૮૯-૯૩) બનાસકાંઠા રહ્યા. બનાસમાં તાલીમ લઈ અગવડતાનો પ્રત્યક્ષ પરિચય થયો. આ સ્થિતિમાં સમાનતા લાવવામાં તેમને બે પરિસ્થિતિઓ દ્રશ્યમાન થઈ.
૧) જીવનલક્ષી પરિવર્તન
અને
૨) સામાજિક પરિવર્તન.
તેના પરિપાક સ્વરૂપે યુવા જાગૃતિ માટે સ્કુલ – કોલેજોમાં શિક્ષણ શિબિરો યોજવાનો સંકલ્પ કર્યો. તેમને યુવાશક્તિમાં શ્રદ્ધા અને સફળતાનો પગરવ સંભળાયો હતો. પરીણામે તે કાર્ય આરંભ્યું. પરંતુ આપણી અભ્યાસક્રમ કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થામાં આવો (વ્યર્થ!) સમય ક્યાંથી હોય? તેથી જોઈએ તેટલો સહયોગ પ્રાપ્ત ન થયો. ત્યારબાદ organic farming પર આકાશવાણી પરથી ઘણાં વાર્તાલાપો આપ્યાં. capacity & character building જેવી પ્રવૃતિઓ પણ કરી. ૧૯૯૩માં અવી પ્રવૃતિઓ શરૂ કરી.
૧૯૯૪ માં ગામથી ૫૦૦ ફૂટ દૂર રળિયામણા વિસ્તારમાં શ્રમયજ્ઞનો આરંભ કર્યો ત્યારે બાલમંદિરની માનસિક પરિકલ્પનાનો આરંભ કર્યો (૧૯૯૮). ૨૦૦૬ સુધી બાલમંદિર સુધી જ ચલાવ્યું. કૃષ્ણાબેન આ કાર્યમાં પૂરતો સહયોગ આપતા રહ્યા. ૨૦૦૬થી માત્ર છ બાળકોની સાથે શાળાનો આરંભ કર્યો. ૨૦૦૭ માં ધોરણ ૧ થી ૫ ને માન્યતા મળી. ત્યારે શાળામાં કૂલ બાળકોની સંખ્યા ૨૫ હતી. ઓછા બાળકોથી આ શાળાના શ્રીગણેશ થયા. પણ મજબૂત અને ઉમદા શિક્ષણની સુવાસના પરિપાક સ્વરૂપે ૨૦૦૮માં ૮૦ બાળકો , ૨૦૦૯માં ૧૨૦ બાળકો, ૨૦૧૦માં ૧૪૭ બાળકો આ શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે. વિકાસને વરેલી આ અનેરી શિક્ષણ સંસ્થાના વર્ગખંડો અને ભૌતિક સગવડતાને પ્રાથમિકતા અપાઈ નથી. અહીં વર્ગ ખંડો અને વાતાવરણ બધું જ પ્રાકૃતિક છે !
અહીં વર્ગખંડનું નિર્માણ કચ્છની ભૂંગાશૈલીથી થયેલ છે. અહીં વર્ગખંડોમાં સમૃદ્ધિની છાલક નહીં, અભ્યાસક્રમ પ્રેરીત વાતાવરણ અનિવાર્ય હોય તેવું મુલાકાત દરમ્યાન લાગ્યું. પરિસરમાં નજર કરીએ તો ક્યાંય દિવાલથી સીમા નક્કી થતી નથી પરંતુ, સંકુલની પશ્વિમે ઔષધિય વૃક્ષોનું વાવેતર થયું છે. જેમાં નિર્ગુડી, પારસપીપળો, અર્જુન સાદડ, બોરસલ્લી, ગરમાળો, સરગવો, સવન, કેસુડો વગેરે ઉપયોગી વૃક્ષો ઉપરાંત ભૂમિની જરૂરિયાત મુજબ લીમડો, હરડે, બોરડા, આમળા, કરંજ, જેવી નૈસર્ગિક વાતાવરણની વૃદ્ધિ શુદ્ધિ કરતી વનસ્પતિઓ છે.
અહીં બધી જ શાળાઓની જેમજ ગણિત, ગુજરાતી, પર્યાવરણ જેવાં વિષયો ભણાવાય છે. પણ વિષયને સમજવા માટે મનોવૈજ્ઞાનિક તાલીમથી પદ્ધતિઓ વિકસાવાય છે. જેમાં કોયડા, પ્રાયોગિકતા, પ્રત્યક્ષદર્શનની પદ્ધતિઓ છે. કોયડાઓ અને વિશેષજ્ઞાન માટે વિદ્યાર્થીઓને સંદર્ભ ગ્રંથો પણ ઉપયોગી બને છે. આ ઉપરાંત વ્યક્તિત્વ વિકાસને લગતો એક વિશેષ વિષય પણ ભણાવવામાં આવે છે. જેનાથી ભાવિ પ્રશ્નોનું સમાધાન અને અવાવલંબન જેવી વૃતિઓ કેળવાય છે. આ અહીંના છાત્રો માટેનું જીવનભાથું છે. જેનાથી બીજા કરતા વિશેષ કશું પ્રાપ્ત કર્યાનો પરિતોષ મેળવી શકે છે.
આટલા વિષયો ઉપરાંત કલા વગર તો શિક્ષણ અધુરું જ છે; તેથી શાળામાં ચિત્ર, સંગીત, નાટક, નૃત્ય, ગીતો, વાર્તાઓ,પ્રેરક પ્રસંગો, જીવનચરિત્રોથી વાતાવરણ સતત સમૃદ્ધ બને છે. આ નાનકડા પરિસરના નાનકડા સુવાક્યો વિદ્યાર્થી વત્સલતાની તાસીર બતાવી આપે છે.
શાળાની દૈનિકપ્રવૃતિની ઝલકઃ
શાળાનો સમય સવારે ૮.૦૦ થી આરંભાય છે. ૮.૦૦ થી ૮.૩૦ પ્રાર્થના ઉપરાંત હળવી કવાયતો નિયમિત થાય છે. જેમાં સંગીતના સથવારે બાળકો પોતાની જાતને તરોતાજા મહેસુસ કરી શકે. ૮.૩૦ થી નિયમિત અભ્યાસનો આરંભ થાય છે. ૧૨.૪૫ થી ર.૦૦ સુધી લંચ બ્રેક. આમા વિદ્યાર્થી પોતાનું ટીફીન જમે યા તો કૃષ્ણાબેનના હાથની રસોઈ જમે. ભોજન પહેલા નાનકડી પ્રાર્થના – ‘સાથે રહીયે, સાથે જમીએ…’ વાતાવરણને અહલાદક બનાવે છે. ૨.૦૦ થી ૫.૩૦ દરમ્યાન શિક્ષણ કાર્ય થાય જેમાં પ્રવૃતિઓની વિવિધતા હોય, તેમાં word bank for english, સ્પોર્ટસ જેવી પ્રવૃતિ વિદ્યાર્થીની રસ-રૂચી પ્રમાણે ની ભાગીદારીથી થાય છે. આ ઉપરાંત પેઈન્ટિંગ, ક્વિઝ, વ્યક્તિત્વ વિકાસ, વકૃત્વ, બાલસભા, વાર્તાકથા, ક્રિએટીવ બાબતોથી સભર સમય વીતે છે. આમ સવારના ૮.૦૦ થી ૫.૩૦ સુધી સતત વિદ્યાર્થી મનગમતી પ્રવૃતિના રસથાળ સાથે કિલ્લોલની સુવાસ લઈ નિજગૃહે પરત ફરે છે.
‘કિલ્લોલ’ પરિવાર
કિલ્લોલની માવજાત કરનાર શિક્ષકો માટે ‘સ્ટાફ’ શબ્દ પ્રયોજવો યોગ્ય નથી. કારણ અહીં ભાવાવરણ મુખ્ય છે. અહીં સંસ્થાને પોતાની માનીને જ લગનથી જ ભણાવે છે. દરેક વિદ્યાર્થીનું દર મહિને પ્રગતિપત્રક તૈયાર થાય છે. આમાં વિદ્યાર્થીઓની ખામી- ખૂબીઓ દર્શાવાય છે. ભાવિ તૈયારીનો ગ્રાફ પણ આપવામાં આવે છે. અહીં વર્ગદીઠ ૨૦ વિદ્યાર્થીઓ હોય છે. આરંભમાં અહીં જ સૂત્રો અપનાવાયેલ હતા.
૧) no uniform
૨) no burden
3) no border
૪) no lecture
તેમાં ના ત્રણ સૂત્રો હજી પણ અપનાવાય છે.પણ યુનિફોર્મની શીસ્ત આ સંસ્થાએ સ્વીકારી લીધી છે. અહીં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદનું વાતાવરણ રચાય છે. અહીં ખરા અર્થમાં નૈસર્ગિક શિક્ષણનું વાતાવરણ છે. ક્યારેક વર્ગખંડની બહાર કોઈ વૃક્ષની છાયામાં ભણતા વિદ્યાર્થીઓ, પંખીનો કલરવ, આકાશની વિશાળતા અને ધરતીની સહનશીલતાના ગુણો આપોઆપ કેળવી લે છે.
અહીં શિક્ષકોની પસંદગીના માપદંડ માત્ર ગુણપત્રો પ્રમાણ પત્રો નથી. શિક્ષક સાથે પ્રત્યક્ષ નાતો છે. અહીં સામાન્ય રીતે દિનાન્તે ચાર પ્રશ્નો પૂછાય છે.
૧) ઘરમાં હતા તેના કરતા સ્વસ્થતા વધી?
૨) પ્રસન્નતા વધી.
૩) સંતોષ પ્રાપ્ત થયો?
૪) તમારામાં કોઈ ઉર્જાશક્તિનો સંચાર થયો કે કેમ? – બસ આ જવાબ હકારમાં હોયતો તે કિલ્લોલ પરિવારમાં ભળવાની લાયકાત છે.
અહીં વિદ્યાર્થીઓને શારિરીક સજા કરતાં નથી, વધુ પડતા વર્ગની ભરમાળ, ટૂંકો પગાર, કાર્યભાર, મેનેજમેન્ટનો નકારાત્મક અભિગમ જેવાં દૂષણો તો આ સંસ્થાથી જોજનો દૂર છે. પરંતુ, સર્જનાત્મકતા, મૌલિકતા, કલા-સંસ્કાર, ચારિત્ર્યઘડતર જેવી બાબતોથી વાતાવરણમાં નિનાન્ત શાંતિ, પરમ પ્રસન્નતા, સર્જનાત્મકતા, સમજણ સભરનો સંતોષનો અનુભવ થાય છે.
અહીં ધોરણ ૩ થી ૧૦ સુધીનું કુમાર અને કન્યાઓનું સુંદર નૈસર્ગિક જીવન, સૃષ્ટિ સાથે જોડતું નવપલ્લવિત, નૂતન જન્મનો અહેસાસ કરાવનાર center for learning, living, loving ની પદ્ધતિઓ છે. કિલ્લોલના પરિસરમાં પોપટ નહીં, ગરૂડ બનાવવાની હિમાયત છે અહીં રોમાંચ, રોચકતા, ઉમંગ, તાજગી, ઉત્સાહ, કુદરતી વાતાવરણને ઉન્નત બનાવવાની પ્રેરણા મળે છે.
કિલ્લોલી સંપાદનઃ
કિલ્લોલના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તથા કિલ્લોલની પ્રવૃતિની જાણ અન્ય સંસ્થાને થાય તેવાં હેતુથી બાળ પ્રવૃતિના ગ્રાફ સમુ, જીવનલક્ષી, પ્રેરણાદાયી, ‘સંખ્યમ’ નું સંપાદન થાય છે. સંપાદન કૃષ્ણાબેન ભરાડ કરે છે. તેની ૧૧૦૦ કોપી મોકલવાય છે, આ સંપાદનમાં કિલ્લોલની પરીકલ્પના, પ્રવૃતિઓ વિશે વાતો ઉપરાંત બોધકથા, કાવ્યપંક્તિ, પર્વવિશેષ, ચિત્રો, વગેરે. મેળવી શકાય છે. વાર્ષિક સહયોગ રાશિ રૂ.૫૦ છે. કિલ્લોલ કેમ્પસના બાળમાનસનું ઘડતર થઈ રહ્યું છે. તેના સહભાગી થવા માટે –
કિલ્લોલ કેમ્પસ.
મુ. મુરખડા, તા. ઉપલેટા, જિ.રાજકોટ
તથા
કિલ્લોલ શૈક્ષણિક સંકુલ,
નૂતનનગર, કોલકીરોડ, ઉપલેટા ખાતે સંપર્ક કરવો.
– તરૂણ મહેતા
લેખ ખૂબ સરસ છે.
આટલા સરસ લેખને અંતે જાહેરાત દર્શાવવી બિલકુલ યોગ્ય નથી. આવા અમૂલ્ય લખાણની છેવટે જાહેરાત દર્શાવીને લખાણને નિશ્ચિત મૂલ્યની મર્યાદામાં ન બાંધવું જોઈએ.
shun aapni sansthaman balakne rahevani sagvad 6 ?
yes contct gopal bharad 9426969552
ગોપાલભાઈ તથા ક્રિષ્નાબેનને વંદન.આવા પ્રકારની સંસ્થા વિષેની માહિતી જાણી આનંદ થયો. ગુજરાતમાં ગાંધી વિચાર પ્રસાર માં ‘કિલ્લોલ’ જેવી સંસ્થાઓનું યોગદાન અભિનંદનને પાત્ર છે. ‘કિલ્લોલ’ ની મુલાકાત લેવાની ઇચ્છા છે. ખાસ તો મુ.ગોપાલભાઈને મળી પ્રેરણા મેળવવા.
યોગેશ ચુડગર.-શિકાગો.
ખુબ સરસ આવિ સન્સ્થા વધારિ શકાય્
મોનિક પરિખ બરોદા
બહુ સરસ્.
લતા જ હિરાણી
nice information jigneshbhai..like this…
I am highly impressed!