વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ 3
સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.