૧. સંસ્કાર ઘડવૈયા અંગ્રેજ
થિયોડોર હોપનું નામ જેની સાથે સંકળાયેલું છે તે ‘હોપ વાચનમાળા’ એ ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી છે. સરકારે ભારતના લોકોને શિક્ષણ અંગ્રેજીમાં આપવું કે માતૃભાષામાં એ સવાલ 19મી સદીમાં ચર્ચાતો હતો, ત્યારે મુંબઇના અંગ્રેજ ગવર્નર સર માલ્કમે શિક્ષણ માતૃભાષામાંજ આપવાની વાત મક્કમતાપૂર્વક રજૂ કરી હતી. પરિણામે માતૃભાષામાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનું કામ ઉપાડવામાં આવ્યું. ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાનું કામ પણ મરાઠી શાસ્ત્રીઓને સોંપવામાં આવ્યું. તેથી તેની ભાષા મરાઠી વ્યાકરણ મુજબની રહી. ત્યારે મહીપતરામ રૂપરામે તેને વિશે જબરો અસંતોષ વ્યક્ત કરેલો. ત્યારબાદ સરકારના અંગ્રેજ કેળવણી નિરીક્ષક થિયોડોર હોપને ગુજરાતી પાઠયપુસ્તકો નવેસર તૈયાર કરવાનું કામ સોંપાયું.
તેમણે મરાઠી પરથી અનુવાદ કરવાને બદલે ગુજરાતીમાં જ સ્વતંત્ર વાચનમાળા તૈયાર કરાવી. પાઠોમાંય તેમણે ગુજરાતી વાતાવરણ ઊભું કર્યું, જેથી બાળકોને પોતાના સમાજના રીતરિવાજ, આચાર, વ્યવહાર વગેરેનું જ્ઞાન મળી રહે. એ વાચનમાળાનો કવિતા વિભાગ કવિ દલપતરામની ખાસ મદદ માગીને તૈયાર કરાવવામાં આવ્યો. 1860માં પ્રથમ પ્રગટ થયેલી એ હોપ વાચનમાળાએ પૂરાં છેંતાલીસ વર્ષ સુધી ગુજરાતનાં બાળકોનું સંસ્કારઘડતર કર્યું. હિંદ સરકારે નીમેલી પાઠયપુસ્તક સુધારણા સમિતિએ તેનાં ખૂબ વખાણ કર્યાં અને સૂચવ્યું કે બીજા પ્રાંતોની ભાષાઓમાં પણ હોપ વાચનમાળાનો આદર્શ રાખીને કામ કરવું. ત્યાં સુધી નાગરી લિપિમાં છપાતી વાચનમાળાને ગુજરાતી લિપિમાં જ છાપવાનો આગ્રહ અંગ્રેજ અમલદાર હોપ સાહેબે રાખ્યો. તે કાળે પણ જોડણીમાં અવ્યવસ્થા ચાલતી હતી, તેમાં વ્યવસ્થા લાવવા સમિતિના સભ્યો સાથે મળીને એમણે જોડણીના નિયમો ઘડી કાઢ્યા. હોપ સાહેબની આવી સેવાઓના મીઠા સ્મરણરૂપે સુરતમાં તાપી નદી પરનો હોપ પુલ આજે પણ ઊભો છે.
– મૂળશંકર પ્રા. ભટટ [‘વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ-કોશ’ પુસ્તક]
૨. “મારા હાથનો જ પીવો”
ભક્તિબા તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલાં હતાં, પરંતુ દરબાર ગોપાળદાસ રાજા હતા ત્યારે દારૂના વ્યસનમાં ફસાયેલા હતા. સાસરે આવ્યા પછી ભક્તિબાએ એક દિવસ દરબાર સાહેબ પાસે વાત રજૂ કરી કે, “તમે મારું એક વચન ન રાખો ?” દરબાર સાહેબે કહ્યું, “જરૂર. બોલો, વચન રાખ્યું.”
ભક્તિબા બોલ્યાં : “હું જાણું છું કે તમને દારૂની લત વળગેલી છે. તમારાથી એ છૂટે નહીં ત્યાં સુધી દારૂ તમે ભલે પીતા રહો; પણ તમારી મેળે કે બીજા કોઇને હાથે દારૂ ન પીવો, પણ મારા હાથનો આપેલો જ પીવો. આટલી મારી માગણી ન સ્વીકારો ?”
દરબાર સાહેબે પહેલેથી “જરૂર” તો કહ્યું જ હતું, એટલે આપેલા વચનમાંથી તે પાછા શાના ફરે ? પણ એમના મનમાં વિચાર આવ્યો કે, ભક્તિબા જેવાં, લસણ કે ડુંગળીને પણ ન અડકનાર ધર્મપરાયણ પત્નીને મારે કારણે દારૂનો સ્પર્શ કરવો પડે, એના કરતાં એવા દારૂને જ હું છોડું એ શું ખોટું ?
તે દિવસથી દરબાર સાહેબનો દારૂ ગયો.
– બબલભાઇ મહેતા
૩. “તે ચૂકવીને આવીશ”
મારા પિતાજી ગુજરી ગયા. તે વખતે મારાં બાને મેં કહ્યું, “હવે તમે આંબલા આવો; અહીં એકલાં રહેવું નહીં ફાવે.”
બા કહે ”હજુ અહીં રહેવું પડે તેમ છે, તારા બાપુજી દાણાવાળાની દુકાનેથી જે કાંઇ લાવતા તેમાં 70-80 રૂપિયા ચૂકવવાના બાકી છે; તે ચૂકવીને હું આવીશ.”
મેં કહ્યું “એ કઇ મોટી વાત છે ? હું સાંજે એની દુકાને જઇને રકમ ભરી આપીશ.”
મારી બા કહે, “એમ ન થાય, એ પૈસા તો મારે જ ભરવા જોઇએ; એ તો હું વેંત કરીશ.”
”તું મારા પૈસા ન લે ?”
“લઉં જ ને ! પણ આ પૈસા મરનારે ભર્યા હોત; હવે એ નથી, એટલે હું ભરીશ.”
હું જાણતો હતો કે ઘરમાં કાંઇ નથી. મારા બાપુજીને 20-22 રૂપિયા પેન્શન મળતું. એમાં પોતાનું ચલાવતા ને દીકરીઓ-ભાણેજડાંને ટાણેટચકે સાચવતા. મેં કહ્યું,”બા, તું ક્યાંથી ભરીશ ? મરનારના વારસ તરીકે તેનું આ બધું દેવું હું ભરી આપીશ.”
બા બોલ્યાં, ”તું વારસ, ને ભરે તે વાત સાચી. પણ અ આ તો હું જ ભરીશ. તું માથાઝીક ન કર.” તે ન જ માન્યાં. ત્રણ મહિને દેણું ભર્યું, કેવી રીતે કમાયાં હશે ? દળણાં દળ્યાં હશે ? બાંધણી બાંધી હશે ? ભગવાન જાણે ! પણ પોતાની જાતકમાણીથી દેવું ભર્યું; પછી જ આંબલા આવ્યાં.
– મનુભાઇ પંચોળી (દર્શક)
(‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર. – સંપાદક મહેન્દ્ર મેઘાણી)
સુન્દર
આ વાત આવી ત્યારે એટલુ જ કઇશ કે ‘‘જુના માણસો સ્વમાનભેર જીવતા અને જવવાનું શીખવતા‘‘ આ દાખલો કચ્છમિત્રમાં આવતી રવિપૂર્તિમાં મારા માતાજીના લેખમાંથી પણ પ્રસ્તુત થાય છે.
સરસ.