સત્કાર્યની ધૂપસળી “ગાંડાઓનો આશ્રમ…” – જીજ્ઞેશ અધ્યારૂ 13


કહેવાય છે કે પ્રભુપ્રાપ્તિના અનેક રસ્તાઓ છે. હઠયોગીઓ કઠોર સાધના વડે પરમાત્માને પામવાનો માર્ગ કંડારે છે તો નરસિંહ અને મીરાં જેવા અનેક સંત ભક્તો પ્રભુ પ્રેમમાં અને ભક્તિમાં મસ્ત રહીને સહજ પ્રાપ્તિનો અનોખો આયામ ઉભો કરે છે. દરેક માનવમાં ઈશ્વર છે, એ માન્યતાને કેન્દ્રમાં રાખી જનસેવા એજ પ્રભુસેવાના મંત્ર સાથે લોકોની સેવા કરવાથી પણ ઈશ્વર મેળવી શકાય છે, જો કે આ રસ્તે પ્રયાણ કરનારા ગણ્યા ગાંઠ્યા જ છે. દરીયામાં રહીને તદ્દન કોરા રહી શકવાની ક્ષમતા કેળવવા જેવું કપરું કાર્ય છે સંસારમાં રહીને, વ્યવહારો અને સંબંધો સાથે તેના દૂષણોથી અલિપ્ત રહી શકવાની ક્ષમતા કેળવવી. તદ્દન નિસ્પ્રૄહ ભાવે જનસેવાના કાર્યમાં ઝંપલાવવાની હામ ધરાવનારા આવા જ એક માનવ રત્નની વાત આજે કરવી છે.

આપણાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ પાંચ સદી પહેલા વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો આજના સમયમાં પણ કોઈ એક માણસમાં જોવા મળી શકે એવી વાત આજે કદાચ કોઈ માનવા તૈયાર ન થાય. જો કે દોષ સમય અને સંજોગોને દેવાય છે. લોભ, લાલચ અને સ્વાર્થનો વ્યાપ સર્વત્ર જોવા મળે, માણસાઈના નામ પર હવે ઘોર અંધકારમાં ક્યાંક જ ટમટમતા દીવડાઓ દેખાય છે, માણસ પોતે જ બધી વરવી બાબતોથી લિપ્ત છે, બીજાની નબળાઈનો લાભ લઈ ફાયદો ઉઠાવતા લોકોનો અહીં પાર નથી. પરંતુ આ બધી નકારાત્મક બાબતોની વચ્ચે કાંઈક એવું જાણીએ ત્યારે હૈયે ખરેખર ટાઢક થાય, નરસૈયાંએ વર્ણવેલું એમજ, પરાઈ પીડને જાણતા, કોઈ પણ અંગત સ્વાર્થ વગર તદ્દન નિખાલસતાથી પરદુઃખે ઉપકાર કરતાં અને તોય મનમાં લેશ પણ અભિમાન ન લાવતાં, અને એ આખીય પ્રક્રિયાનો મૂળ ભાગ હોવા છતાં તેનાથી સાવ અલિપ્ત જાણે કે એક દ્રઢ વૈરાગી હોય તેવા એક વ્યક્તિ વિશેની આ આખીય વાત છે.

સત્કાર્યની પ્રેરણા આપવા માટેનું માધ્યમ તો ઈશ્વરનો સંકેત જ હશે, કારણકે પ્રસ્તુત વાતમાં સત્કર્મ માટેનું પ્રેરકબળ છાપામાં કોઈક ખૂણામાં આવેલા સમાચારે પૂરું પાડ્યું છે, હા આ એજ છાપાંના પાનાની વાત છે જેને આપણે રોજ વાંચી નાખીએ છીએ, લૂંટ, મોંઘવારી, ખૂન ને વિનયભંગના કેટકેટલા સમાચારો આપણે વાંચીએ છીએ ? એ સમાચારો બાબતે, “આવું કરનારાને તો કદી માફ ન કરાય’ કે ‘અરર, બિચારા સાથે ખૂબ ખરાબ થયું’ જેવા પ્રતિભાવો આસપાસની વ્યક્તિઓ પાસે ક્યારેક વ્યક્ત કરવા સિવાય આપણે બીજુ શું કરીએ છીએ? આપણે એમ પણ વિચારીએ કે આપણે એ બાબતે શું કરી શકીએ? તો સાંભળો આ તદ્દન સાચી વાત …

વાત આમ તો કાંઈ બહુ જૂની નથી, ફક્ત સાતેક વર્ષ પહેલાની છે, શ્રી ભીખાભાઈ સાંટીયા નામના એક સજ્જન પાસે લગભગ ત્રણેક કરોડથી વધુની મિલ્કત હતી, કેટલાંય વીઘા જમીન હતી અને એ મિલ્કતના તેઓ એકલા વારસદાર, પણ તેમનો મારગ અવળો હતો, ખૂબ જુગાર રમવો, પૈસા ઉડાડવા એ તેમનું એકમાત્ર કામ. આસપાસના લોકોમાં તેમની છબી પણ ખૂબ જ ખરાબ. પણ ક્યાંક કોઈક કર્મ તેમને જનસેવાના એક નવા માર્ગને કંડારવામાં મદદ કરી ગયું. એક દિવસ તેમણે વિચાર કર્યો તેમના દિવંગત પિતાજીની યાદમાં પોતાની જમીનમાં એક શિવ મંદિર બાંધવાનો. એ કામ હજુ શરૂ જ થયેલું કે એક દિવસ અચાનક તેમણે વર્તમાનપત્રમાં સમાચાર વાંચ્યા, “શિહોરમાં મંદબુદ્ધિ યુવતિ પર જમાદારે કરેલો બળાત્કાર !” આપણને થશે કે આવા સમાચારો તો આપણે રોજે છાપાનાં કોઈક ખૂણામાં વાંચીએ જ છીએ, પરંતુ ભીખાભાઈને આ સમાચારે હલાવી મૂક્યા. તેમને થયું, ભગવાનના મંદિરો તો અનેક છે ને બનશે, પરંતુ માનવમંદિર કેમ ક્યાંય નહીં? તથાગત બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થઈ હશેએ ક્ષણ કેવી હશે? સાગરમાંથી છૂટી પડીને નદીએ જાણે ફરીથી ઉંચાઈ તરફનો પ્રવાસ આદર્યો ! ભીખાભાઈ પણ આવા સમાચારો રોજેરોજ વાંચનારાઓના સાગરમાંથી કર્મ કરનારાઓના નાનકડા પણ વંદનીય ઝરા બનવા ચાલી નીકળ્યા. એ સંજોગ કેવા હશે જેણે વાલીયા લૂંટારાને વાલ્મિકી બનવા પ્રેર્યો, કાંઈક એવાજ સંજોગો ભીખાભાઈ સાથે સર્જાયા. તેમને થયું કે આ તો કેવી કરુણતા, પેલી યુવતિને તો તેની સાથે શું દુર્ઘટના થઈ ગઈ અને તેના પરિણામો વિશે કાંઈ ગતાગમ પણ નહીં, કે નહીં એ અપરાધ કરનારાને ઓળખવા જેટલી પણ સભાનતા. આ એક પ્રસંગે બીજ રોપ્યું એક અનોખા યજ્ઞનું. શ્રી ભીખાભાઈએ મંદબુદ્ધિ લોકોના જીવનને એક દિશા આપવા, જીવનની મૂળભૂત જરૂરીયાતો જેમકે ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે પૂરાં પાડવા અને તેમને દાક્તરી સહાય આપવાના નિર્ધાર સાથે આજથી સાત વર્ષ પહેલાંના બેસતા વરસના દિવસે તેમની માતાજીના શુભહસ્તે મંદબુદ્ધિ લોકોની સંભાળ માટેના ધ્યેય સાથે શરૂ કર્યો ‘પાગલોનો આશ્રમ’ જે આસપાસના વિસ્તારમાં ગાંડાઓનો આશ્રમ ના નામે પ્રસિદ્ધ છે.

આ બે શબ્દો એક સાથે સાંભળેલા લાગતા નથી? કારણ આપણે પાગલોની હોસ્પીટલોથી ટેવાયેલા છીએ, અને સંતોના આશ્રમથી, એટલે માનવ સેવાના, કુદરતે જેમને પોતાની સંભાળ લેવા જેટલી પણ ક્ષમતા નથી આપી એવા લોકોની સારસંભાળ લેવા બનેલા આ આશ્રમના નામથી લઈને કામ બધુંય આશ્ચર્ય પમાડે તો નવાઈ નહિં. ભીખાભાઈ કહે છે, “મંદિરો હજારો છે, માનવમંદિર ક્યાંય નથી, આશ્રમો પણ ઘણાંય છે, પણ માનવતાનો આશ્રમ ક્યાં?”  આશ્રમ શરૂ થતાં જ આસપાસના વિસ્તાર જેમ કે ભાવનગર, શિહોર, સોનગઢ, તળાજા વગેરે જગ્યાઓમાંથી આવા ૧૭ મંદબુદ્ધિ લોકોને લાવીને તેમની સેવા કરવા માંડી. સત્કાર્યની સુવાસ તો અગરબત્તીની સુવાસની જેમ દૂરદૂર સુધી ફેલાય છે, એટલે આ કાર્યની ખબર જેમ ફેલાવા લાગી, લોકો આસપાસમાં ભટકતાં આવા મંદબુદ્ધિ લોકોને શોધી શોધીને અહીં મૂકી જતાં. ભીખાભાઈ કહે છે, “દૂર દૂરથી લોકો વાહનો કરીને આવા લોકોને અહીં મૂકવા આવતાં અને તેમની આ પરોપકારની ભાવના જોઈને, અમે તેમને આ ગાંડા લોકોને અમારા સુધી પહોંચાડવા બદલ ૧૦૦ રૂપિયા આપતાં. જોતજોતામાં આશ્રમમાં મંદબુદ્ધિ લોકોની સંખ્યા વધતી રહી અને સાથે સાથે ભીખાભાઈના આયોજનના પ્રતામે તેમની ૨૪ વીઘા જમીનમાં આશ્રમના વિવિધ ભાગો અને રહેવાસો ઉભા થતાં રહ્યાં. આજે અહીં ૯૦ પુરૂષો, ૬૦ સ્ત્રીઓ અને ૭ બાળકો એમ કુલ ૧૫૭ મંદબુદ્દિ લોકોનો વસ્તાર છે. આમાંથી ૨ સ્ત્રીઓ તો ગર્ભવતી છે અને તે પણ એવી જેમને પોતાની કે ગર્ભમાં ઉછરી રહેલા એ જીવની કોઈ ગતાગમ નથી. આવી સ્ત્રીઓની સારસંભાળ લેવાનું અને તેમને એક નાના બાળકથીય વિશેષ સાચવવાનું પવિત્ર કાર્ય કરે છે ભીખાભાઈના ધર્મપત્નિ શ્રીમતી શારદાબેન.

ભીખાભાઈ કહે છે, “આ ભગવાનના માણસોને શું ખબર પડે? તેઓ તો ગમે ત્યાં મળ મૂત્ર કરી બેસે, એમને નહીં કપડાનું કોઈ ભાન કે નહીં ખાવા પીવાનું, એટલે બધાંની સત્તત કાળજી રાખવી પડે.” તેમણે અને તેમના સંતાનોએ તથા સેવાભાવના સાથે અહીં આવી સેવા આપતા લોકોથી આ આખીય પ્રવૃત્તિ મઘમઘી રહી છે. અહીં આવતાં મંદબુદ્ધિ લોકોના સૌપ્રથમ વાળ કાપીને ટૂંકા કરી દેવાય છે જેથી તેઓ પોતાના કે બીજાના વાળ ન ખેંચી શકે. પછી તેમને રોજીંદા નિયમોમાં ઢાળવાનો પ્રયાસ કરવામાં આવે છે.

એમની રોજીંદી ક્રિયાઓ વિશે ભીખાભાઈ પાસેથી જાણવા મળ્યું. આ લોકોને સવારમાં સંડાસ પેશાબ માટે લઈ જવાય છે, એ પછી તેમને નવડાવીને સ્વચ્છ કરીને નાસ્તો કરવા લઈ અવાય છે. બધાંને એકસાથે સવારનો નાસ્તો અપાય છે. તે પછી તેમને ૧૦-૧૦ જણાની ટુકડીમાં વહેંચી દેવાય છે, અને તેમને કપડાં ધોવા, સૂકવવા ને સૂકાઈ ગયેલા કપડાંની ગડી વાળી ગોઠવવાં, મેદાન વાળવું, આશ્રમની સફાઈ, પોતાં કરવા, બાંધકામ માટેનું કડીયાકામ, બાકી વધેલી જમીનમાં ખેતીવાડી, ગૌશાળાના વિવિધ કામો વગેરે માટેની તાલીમ અપાય છે અને એક વખત તેઓ આ શીખી જાય પછી બીજા એમ બધાંય કામો તેમને શીખવાય છે, એ પછી આશ્રમના આ કામો તેમના દ્વારા જ થાય છે. બપોરે લગભગ ૧૨ વાગ્યે તેમને શોધવાનું કામ શરૂ થાય, કારણકે જુદા જુદા કામો કરતાં તેઓ કોઈ ખૂણામાં કે કોઈ અગાશીમાં એમ વિવિધ જગ્યાઓએ ઉભા – બેઠાં હોય, ત્યાંથી તેમને લાવીને જમવાનું આપવામાં આવે, તે પછી ૪ વાગ્યા સુધી આરામ કરવા દેવાય છે. ચાર વાગ્યે ફરીથી તેમને સંડાસ પેશાબ માટે લઈ જવાય તે પછી પાછું સફાઈ વગેરે અન્ય કામો થાય. છ વાગ્યે તેમને જમવાનું અપાય અને તે પછી તેમને તેમના ઓરડામાં આરામ કરવા પહોંચાડી દેવામાં આવે છે.

આ ઉપરાંત ભીખાભાઈના આ સત્કાર્યમાં સહયોગ આપવા અનેક હાથ આગળ આવ્યા. ભાવનગરના ડો. જનાર્દનભાઈ ભટ્ટ ભાવનગરથી આ લોકોના ઈલાજ માટે પોતાના ખર્ચે ડોક્ટરો અને દવાઓ લઈને અહીં આવે છે અને ઈલાજ કંરે છે, અમદાવાદના અશોકભાઈ રોલવાલા પણ ગૌમૂત્ર વડે ઉપચારના પ્રયાસો કરે છે અને સાથે સાથે અમદાવાદથી ડોક્ટરને ત્યાં લઈ જઈને આ મંદબુધ્ધિ લોકોના ઈલાજ માટે પ્રયાસો કરે છે. હવે આ બંને સજ્જનો સાથે મળીને સારવારની – ઈલાજની આ પ્રક્રિયા પર ધ્યાન રાખી રહ્યાં છે. આ સાત વર્ષના ગાળામાં અહીંથી ૪૫ લોકો તદ્દન સામાન્ય થઈને સમાજની મુખ્ય ધારામાં ભળી ગયાં છે તે આ આશ્રમની અનેરી ઉપલબ્ધિ કહી શકાય. વર્તમાનપત્રો અને ટીવીના માધ્યમથી આ વાત હવે દૂર દૂર સુધી ફેલાઈ રહી છે, અહીં લોકો સેવા કરવા માટે આવે છે, અને થોડાક દિવસ સેવા કરી જતાં રહે છે, તો દાનનો સ્ત્રોત્ર પણ સત્તત વહેતો રહે છે. આશ્રમ શરૂ થયા પછી સત્તત એક વર્ષ સુધી કોઈ પણ દાન વગર તેમણે અનેકો મંદબુદ્ધિ લોકોને સાચવેલાં. અહીં જે મંદબુદ્ધિ બહેનોએ સંતાનોને જન્મ આપ્યો છે તેમના ભણવા અને રહેવાનો ખર્ચ એક અન્ય સંસ્થાએ ઉપાડી લીધો છે. ભીખાભાઈ કહે છે, “અનેક લોકો અમને આ બાળકોને દત્તક લેવા માટે પણ મળે છે, વિદેશોથી પણ આવી માંગણી સાથે લોકો આવે છે, પણ હું વિચારું છું પાગલ તો પાગલ, માં તો છે ને, એને પોતાના બાળકને જોઈને હરખ તો થતો જ હશે ને? તો બાળકને સગીમાંથી દૂર શું કામ કરવું? ભણવા પૂરતું તે અલગ રહે છે, પરંતુ એ તો એના જ ભલા માટે ને?” અહીંનું રસોડું પણ હવે લગભગ સાજી થવા આવેલી એવી બહેનો જ સંભાળે છે જેમનું ધ્યાન ભીખાભાઈના ધર્મપત્નિ રાખે છે.

કુલ ૨૪ વીઘા જમીનમાંથી ૭ વીઘામાં બાંધકામ થયું છે, બાકીની જગ્યામાં ભીખાભાઈને અનેક આયોજનો કરવાં છે. તેમની વાણી અનેરા ઉમંગ અને ઉત્સાહથી ભરેલી છે, કદાચ સત્કાર્યોનો આત્મસંતોષ તેમની વાણીમાં ઝળકે છે. ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ તથા પક્ષીઘર બનાવવાની તેમની યોજનાઓ છે. તો સાથે શિવમંદિર પણ બન્યું છે. બાકીની જમીન પર વાવણી અને વરસાદ પછી લીલી ચાદર પથરાઈ છે. અહીં પાગલોને મારવામાં આવતાં નથી, પ્રેમથી તેમનું ધ્યાન રખાય છે, સંભાળ લેવાય છે, નવડાવાય છે, ખવડાવાય છે, વાળ, નખ વગેરે કાપી અપાય છે અને તેમને સમાજની મુખ્ય ધારામાં ફરીથી ભેળવી શકાય તે માટેના બધાં પ્રયત્નો કરવામાં આવે છે. ગીર ગાયોથી સમૃદ્ધ એવી એક ગૌશાળા બનાવવાની શ્રી ભીખાભાઈની ઈચ્છા છે, એ ગાયોના દૂધનો ઉપયોગ ફક્ત આ લોકો માટે જ થાય તો તેમને વધુ ઝડપથી સાજાં કરી શકાય એવી તેમની માન્યતાએ આ ગૌશાળાની શરૂઆત કરાવી છે, આજે અહીં ત્રણ ચાર ગાયો છે, અને હવે ગૌશાળા પણ ગીરગાયોથી ધમધમવાની છે.

અમે ભીખાભાઈ સાથે હજુ વાતો કરતાં હતાં ત્યાં એક રાજસ્થાની દંપત્તિ તેમની માતા સાથે ત્યાં આવ્યું. આશ્રમની પ્રવૃત્તિઓથી પરિચિત એવા તેમણે તરત અનુદાન આપી વિદાય લીધી. ભીખાભાઈનું કહેવું છે કે પાલીતાણા આવતા મોટાભાગના જૈનો આશ્રમથી પરિચિત છે, અહીં મહદંશે જૈનો અને પટેલો તરફથી દાન આવે છે. સવારના નાસ્તાના એક દિવસના ૧૧૦૦ રૂ., બપોરના ભોજનના ૨૫૦૦/- રૂ. અને સાંજે ભોજનના ૨૧૦૦ રૂ. અનુદાન લેવાય છે. કોઈ વિશેષ તિથી માટે દર વર્ષે જમાડવા માટે સવાર, બપોર અને સાંજના ભોજન માટે અનુક્રમે રૂ. ૧૧૦૦૦/-, રૂ. ૧૫૦૦૦/- અને રૂ. ૧૧૦૦૦/- દાન લેવાય છે. અહીં આપવામાં આવેલું અનુદાન કાયદા ધારા ૮૦-સી અંતર્ગત કરમુક્ત છે. તા. ૨૫ જુલાઈ ને રવિવારે જ્યારે અમે ભીખાભાઈના આશ્રમેથી પાછા વળતા હ્તાં ત્યારે ગુરૂપૂર્ણિમાના પ્રસંગે બગદાણા જતા લોકોની ભીડનો પાર નહોતો, અમને થયું અમે બજરંગદાસ બાપાના આશિર્વાદ નજરે નીહાળ્યા. કદાચ એ ગુરૂની શિષ્યને પ્રસાદી જ ગણી શકાય કે એ દિવસે કોઈ પૂર્વ આયોજન વગર અમને આ પ્રવૃત્તિ નિહાળવાનો લહાવો મળ્યો. સમાજ અંગે નકારાત્મક લખવું ખૂબ સહેલું છે, એ માટેના વિષયો શોધવા ક્યાંય દૂર જવું નહીં પડે, પણ ખાબોચીયામાં નહાવાનું મહત્વ હોતું નથી, મહત્વ ગંગામાં નહાવાનું હોય છે, અને ખરેખર લાગણી પણ કાંઈક એવી જ થઈ, અને ત્યાંથી તળાજા તરફ બાઈક પર પાછાં ફરતાં વરસાદે પણ તેની અનરાધાર હેલીએ અમને ભીંજવ્યા.

શ્રી ભીખાભાઈ અને શ્રીમતી શારદાબેન સાંટીયા માનવતાના મશાલચી છે, સત્કાર્યની સુવાસ તેમનાથી શરૂ થઈને દૂર દૂર સુધી ફેલાઈ રહી છે. તેમને મદદ અને પીઠબળ તો સત્તત મળી જ રહ્યાં છે, જરૂર છે તેમના કાર્યોથી પ્રેરણા લેવાની. કોણ કહે છે સોરઠ ભૂમીમાં હવે સંતો થતાં નથી ??

શ્રી ભીખાભાઈની સંપર્ક માહિતિ –

મંદબુદ્ધીજન આશ્રમ, આદપુર રોડ, પાલીતાણા, જી. ભાવનગર, ગુજરાત,
સંપર્ક (૦૨૮૪૮) ૨૬૦૩૦૦ મોબાઈલ – +૯૧ ૯૪૨૬૪ ૬૮૩૮૬ / +૯૧ ૯૩૭૬૧ ૧૪૫૮૮

( નોંધ ; અખંડ આનંદમાં જુલાઈ ૨૦૧૦માં આવેલ લેખ “માનવતાની મહેક” વાંચી તે અંગે ફોન દ્વારા પ્રતિભાવ આપતાં વડોદરાનાં શ્રી રિદ્ધિબેન અને અનેક અનામી મિત્રોનો મને આ આશ્રમ તરફ દોરવા બદલ, તેના વિશે લખવાની પ્રેરણા આપવા બદલ ખૂબ ખૂબ આભાર.)


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “સત્કાર્યની ધૂપસળી “ગાંડાઓનો આશ્રમ…” – જીજ્ઞેશ અધ્યારૂ

  • priti patel

    khub saras me jyare anathashram ma thi dikri dhwani dattak lidhi tyare ashram ni ghanivar mulakat lidhi hati parantu dhwani aa duniya chhodi jati rahi tethi have ashram ma jata khoob dar lage che have mane koi ashram ma 6 mas thi nani balaki hoy to janavava namra vinanti mare ek balki dattak levi chhe kem ke dikri vina maru ghar sunu che

  • DHWANI PATEL

    આ આશ્રમ નિ જેમ અનાથ બાલકોના આશ્રમ નિ મહિતિ પન મોકલવા વિનન્તિ મારે બાળકિ દતક લેવિ ચે તો મદદ કરવા વિનન્તિ

  • Ankita Solanki

    Avi saras mahiti aapva badal aapno abhar, gana vakhat ti vichrti hati , koi avij sanshthama jodavu 6, jya jivan jivava mate nu koi dhey madi rahe, tame saras marg batavyo, ebadal aabhra, ane Bhikha bahi ane Sardaben ne madvani have ghelcha vadhi gai 6.

  • himanshu acharya

    Friends,

    I have declared on my blog that I will donate whatever my adsense earnings to this ashram and one gau-ashram (panjarapol) near my house.

    Even doing this, the response is very cold, I dont why. People have to just click on ads, nothing else. Google has give us free chance to donate, why dont people utilize it.

    Is it a trust deficit or attitude????

  • agravat vimal

    જિગ્નેશભાઇ ધન્યવાદ. હું પણ પાલીતાણા ઘણીવાર ગયો છું.પણ આ આશ્રમ વિશે માહિતી નહોતી.તમે વરસતા વરસાદમાં ભીંજાય ને પણ ખાસ આ લેખ માટે પાલીતાણા ગયા અને આ સરસ લેખ અમને મળ્યો.આવા સત્કાર્યોની નોંધ લેવાતી રહે તે આજના નકારાત્મક વાતાવરણમાં ખુબ જ જરૂરી છે.

  • kashyap

    ખરેખર ભીખાભાઈ નું કામ ખુબ જ સરસ છે . હું જ્યારે પણ પાલીતાણા આવીશ આ આશ્રમ ની મુલાકાત લેવાનું નહિ ભૂલું.

    આવા ઘણા આશ્રમ ગુજરાત માં છે જે વિના પ્રસિદ્ધિ પોતાની મેળે માણસાઈ ની સુવાસ મહેક્તાવતા રહે છે અને માણસો એ સત્કર્મ માં પોતાનો સહકાર પુરાવતા રહે છે.

  • Lata Hirani

    મન ગદગદ થઇ ગયુ, આ વાંચીને..
    મારા બંને દીકરાઓને આ લેખ કોપી કરીને અને એની લિંક પણ મોકલું છું..
    જરુર મુલાકાત લઇશ.
    આવી સરસ પ્રેરણાદાયી વાત પ્રકાશમાં લાવવા બદલ અભિનંદન.

    લતા હિરાણી

  • Heena Parekh

    ખૂબ જ સરસ લેખ. ઘણાં લોકો પાલીતાણા ગયા હશે પણ આ આશ્રમની માહિતીના અભાવે મુલાકાત નહીં લઈ શક્યા હોય. નીલમબેનની વાત સાચી છે. આવા હકારાત્મક કાર્યોનો પ્રચાર જરૂરી છે.

  • jjugalkishor

    ધન્ય !

    આવી સારી સેવાઓ અને સમૃદ્ધ સાહિત્ય પીરસવાનું – સૌમાં વહેંચવાનું પુણ્ય તમને મળી રહ્યું છે. ખૂબ આભાર સાથે…

  • nilam doshi

    આવેી હકારાત્મક વાતોનો પ્રચાર..શકય તેટલો વધારે થવો જોઇએ..સમાજમાઁ ખૂણે ખાંચરે આવી અનેક સારી પ્રવૃતિઓ થતી હોય છે જેની જાણ જલદીથી થતી નથી..છાપાઓ..મીડિયા વગેરે પણ નકારાત્મક વાતોથી જ મહદ અંશે ઉભરાતા હોય છે. ત્યારે આવા સત્ક્રાયોની જાણ લોકોને થાય તે ખૂબ જરૂરી છે. ઘણી વખત આવા કોઇ સત્કાર્યમાં સહકાર આપવા..જોડાવા અનેક લોકો ઇચ્છતા હોય છે..પરંતુ જરૂરી માહિતીના અભાવે કાર્યરત બની શકાતું નથી..
    આવી માહિતી આપતા રહેશો..અભિનંદન જિગ્નેશભાઇ