પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6


કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર.

પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના… ‘પછી’
(કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ ના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘પછી..’ નો આસ્વાદ)

અષાઢમાં વાદળાઓ ગોરંભાયા હોય અને ખેડુઓ ચાતકની તરસે વરસાદને ઝંખતા હોય છતાં વરસાદ રીસામણા કરી બેઠો હોય અને એવામાં અચાનક અનરાધાર હેલી વરસી રહે ત્યારે કવિતાની મૌસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠે છે. કવિને જાણે વરસાદ સાથે જન્મોજન્મના ઋણાનુંબંધ હોય છે. આવા વાતાવરણમાં કોઈ કવિતામંચ પર બેઠેલા કવિઓમાં સફેદ મલમલી કફની અને અલ્પ પ્રમાણમાં સફેદ વાળ સાથે ગરવાઈથી બેઠેલ ગંભીર કવિને જુઓ તો તે ચોક્કસ કવિશ્રી અલ્પ ત્રિવેદી હશે.

તેમનું મૂળ નામ હરેશભાઈ ત્રિવેદી, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક – આચાર્ય. આરંભકાળથી પ્રતિભા સંપન્ન અને ચીવટવાળા કવિ. તેમની સર્જનયાત્રામાં ક્યાંય જરાય ઉતાવળ નહીં, ઉલટું ખૂબ સંયમના દર્શન થાય છે. શબ્દની પસંદગીમાં પણ તેઓ ખૂબ જાગૃત છે. સ્વભાવે ઋજુ, મળતાવડા અને તદ્દન નિખાલસ. સૃષ્ટિને પરમતત્વની લીલા સમજનારા શ્રધ્ધા વિશ્વાસથી સંપ્રજ્ઞ કવિ. આ સર્જકે ૨૦ વર્ષની વયે લખવાનું ચાલુ કરેલું. ૧૯૭૭માં પટેલ પ્રકાશન દ્વારા તેમની એક નવલકથા પ્રગટ થઈ પણ પછી સર્જકની કલમ પદ્યમાં વધુ ફાવટવાળી બનતી ગઈ. ૧૯૭૬ થી ૧૯૯૩ સુધી સત્તત કશુક શોધતી સર્જકની જીજ્ઞાસુ આંખનું પક્વ ફળ તે આ સંગ્રહ ‘પછી..’ ૧૯૯૩થી ૧૫ વર્ષ સુધી સ્વાધ્યાય પરિવાર અને નિજ પરિવારને સમર્પિત રહેલ આ કવિએ કલમ સાથે મૌન સંવાદ રચ્યો અને વર્ષોથી છીપમાંથી મોતી શોધી લાવતી તેમની કલમનો પ્રસાદ આ સંગ્રહ રૂપે પ્રસ્તુત કર્યો છે. આ તો વાત થઈ કવિના બ્રાહ્ય ભૌતિક પરિચયની પણ કવિની સાચી ઓળખ એટલે તેમનો શબ્દ, તેથી હવે કવિની સર્જનસૃષ્ટિમાં ભાવવિહાર કરીએ.

૧૯૯૩થી તૈયાર થઈ રહેલા આ સંગ્રહનો પ્રાદુર્ભાવ કોઈ સંતના વરદહસ્તની છત્રછાયાની શોધમાં હશે, તેથી અષાઢી આઠમ અને ૧૮ જુલાઈ ૨૦૧૦ના દિવસે શ્રી મોરારિબાપુના હસ્તે તથા અન્ય પ્રતિષ્ઠિત સારસ્વતોના સમૂહમાં તેનું લોકાર્પણ થયું. સંગ્રહમાં બહુધા ગઝલો છે, ૯ ગીત રચના અને કેટલાંક અછાંદસ, બધું મળી કુલ ૯૬ પાનાંની મર્યાદામાં સર્જકની વિચારયાત્રાના યાત્રી બનીએ. વિવિધતાસભર વિષયોની પસંદગી, ભાવ-ભાષા, છંદ-લયની સજાવટ અને અંદાઝે-બયાંની રીતથી આ સંગ્રહ નિરાળો થયો છે. ગ્રામીણ તળપદા શબ્દોનો પ્રયોગ અને સાથે સાથે શિષ્ટ માન્ય ભાષાનો પ્રયોગ કવિની ભાષા સમૃદ્ધિની સાક્ષી પુરે છે. આ સંગ્રહમાંથી પસાર થતાં કવિ પાસે ભાવ ભાષાની સાથોસાથ છંદની પણ ખૂબ સારી ફાવટ છે તેવું સિદ્ધ થાય છે. ટૂંકી બહેરની ગઝલો સારા પ્રમાણમાં છે, રમલ, હજજ, રજજ મુતદારિક, મુતકારિબ, ખફીક જેવા છંદો ઉપરાંત સંસ્કૃત છંદોમાં ભુજંગી, ઈન્દ્રવજ્ર જેવા છંદોનો પ્રયોગ પણ ધ્યાનાકર્ષક છે.

સંગ્રહનો ઉપાડ ગ્રામીણ પરિવેશથી થાય છે, પ્રથમ ગઝલમાં

ધોરીયો કૂવો અને બે વાડી છે;
બારમાસી હાથમાં ઉગાડી છે. (પૃ. ૨૫)

બારમાસી હાથમાં ઉગાડનાર સર્જકને યાતનાઓ નડતી નથી તેથી જ ગઝલના અંતિમ શે’રમાં તેઓ જણાવે છે,

યાતના હરખાઈને ટોળે વળી,
મેં અકારણ શક્યતા રંજાડી છે. (પૃ. ૨૫)

આ કવિ સ્વ-ની ઓળખ આપતા જણાવે છે –

કોઈ પણ નિર્ણય કરી લે, છૂટ છે;
માર્ગ તારો આન્તરું એવો નથી. (પૃ. ૨૯)

તો બીજે ઠેકાણે વળી એક શંકા પણ ડોકાય છે,

જે અરીસામાં મળે છે રોજ એ,
હું જ છું કે અન્ય છે, કોને ખબર (પૃ. ૩૬)

વળી એક ગઝલમાં સિક્કાની બીજી બાજુ જેમ જાતથી નિભ્રાંત કરતાં કહે છે

દુનિયાની આ રીત રસમ છે;
બોલ્યુ સાંભળ્યું ભ્રાન્ત અને હું (પૃ. ૩૦)

આધુનિકતા એ સમયની માંગ હોવાથી તેમની કલમમાં ઉતરે છે, પણ અલ્પ મૂળે તો નર્યા શ્રદ્ધાના માણસ

સ્મરણ તારું કરું છું ત્યાં સ્વયમ આવે છે મળવા તું,
અમારી એક શ્રદ્ધા પણ ખરેખર તો સલામત છે. (પૃ. ૩૨)

કવિના શબ્દોની તાકાત અનેરી હોય છે. મૌન સાથે સંવાદ રચીને અર્થના ઈન્દ્રધનુઓ આકાશી પતંગીયાની પાંખમાં પૂરતા કવિઓ પાસે ભીંતને પણ બોલતી કરવાની તાકાત હોય છે,

ચિત્ર દોરેલા બધા પાછા મળે;
ભીંતને પણ કો’ક દી’ વાચા મળે. (પૃ. ૩૧)

પંચતત્વના આપણા માનવદેહના ભૌતિક પિંડમાં નરી સામ્યતા હોવા છતાં કવિ સામાન્ય માનવીથી કેમ જુદો પડે છે, ખબર એ? જુઓ –

તમે છો પ્રેમના આંસુ, અમે કો’ દર્દના આંસુ,
તમારા ને અમારામાં નહીં તો શું તફાવત છે? (પૃ. ૩૨)

અલ્પ ત્રિવેદી પાસે નૈસર્ગિક દ્રશ્યોની રમણીયતા સર્જવાની ભરપૂર શક્યતાઓ છે. ગઝલની તાસીરને બરાબર જાણનાર આ સર્જક પાસેથી ગઝલને ગોઠે તેવાં સુંદર પ્રતીકો પ્રાપ્ત થાય છે. શબ્દથી સર્જાતા આ લેન્ડસ્કેપ ચિત્તતંત્રને કોઈ જુદી જ ભાવસૃષ્ટિથી સમૃદ્ધ કરી દે છે.

સૂર્ય પણ ડૂબી ગયો,
અલ્પ, ચાલો ઘર ભણી. (પૃ. ૨૭)

અથવા

ઝાડ ફરતાં પાન્દડે
આણ્ય બાંધી કાગડે. (પૃ. ૪૩)

આ ઉપરાંત નદી, રણ, ઝાડ, લીલાશ, કુમાશ એવાં અસંખ્ય તત્વો સાથે પંખી, કલરવ, પાનખર, શુષ્કતા વગેરેનું ભાવવિશ્વ પણ જોવા મળે છે. શ્વાસને પંખીના પર્યાય રૂપે યોજનાર આ કવિનો એક શે’ર છે,

શ્વાસનાં પંખી બધાં ટોળે વળ્યાં,
આ ઉદય કે અસ્ત છે કોને ખબર ! (પૃ. ૩૬)

‘કોને ખબર’ શબ્દ જ એટલો વ્યંજના સભર છે કે આમ કહેનારો કવિ સંપ્રજ્ઞ છે છતાં તે ભાવકના મનને મૂંઝવણમાં મૂકી દે છે. અસ્તિત્વની ઉજાણી કરનાર આ કવિ સહજતાથી સમેટાઈ જવાની વાત કરતા જણાવે છે –

સાત દરિયા શ્વાસમાં રેલાય એવું પણ બને,
સૂર્ય જેવા સૂર્યથી ડૂબાય એવું પણ બને ! (પૃ. ૩૭)

કવિ જગમાં રહીને શ્વસે છે પરંતુ તેના આગવા જગતમાં શ્વસે છે, એ જગતમાં સંવેદનહીન માનવીઓને પ્રવેશ મળતો નથી. આગમાં બળતા હોય ત્યારે અને ભયંકર પીડા, તડપન થાય ત્યારે એકલતાના લૂમેલૂમ આંબે શબ્દનો મોરલો ગહેકી ઉઠે છે,

સ્તબ્ધ ઉભા પ્હાડને હું એકલો,
સાવ ખુલ્લુ આભ ને હું એકલો. (પૃ. ૪૫)

અલ્પની ગઝલોમાં મહાભારત, મીરાં, અર્જુન વગેરેના સંદર્ભો પણ મ્ળી આવે છે,

ઝેર પી અદ્રશ્ય મીરાં થઈ ગયાં,
અસ્થિમય મેવાડ ને હું એકલો. (પૃ. ૪૫)

તો આ જ ગઝલના મક્તાના શે’રમાં તેઓ કહી જાય છે,

આટલો સન્દર્ભથી સમ્બન્ધ છે,
અલ્પ એવી જાત ને હું એકલો. (પૃ. ૪૫)

નાનકડી જાત વિશાળ વિશ્વ સાથે કેવો ઋણાનુબંધ બાંધે છે, લાંબા સમયપટ પરનું સંવેદન આપણને એક નવા વિશ્વમાં પ્રવેશ કરાવે તેવું લાગ્યા કરે છે. શબ્દ કવિનું આગવું શિલ્પ છે અને તેથી કાવ્યની ઈમારત ખડી થાય છે. શબ્દના સંદર્ભે પણ કવિની શબ્દ અને અર્થની સંપ્રાપ્તિ કરાવતા કેટલાક શે’ર –

શબ્દ થઈને છેતરું એવો નથી;
અર્થ માફક અવતરું એવો નથી. (પૃ. ૨૯)

અર્થના પોલાણ ભીતર અલ્પને;
શબ્દની શતરંજના પાસા મળે. (પૃ. ૩૧)

તૂટી પડ્યા વાદળ અલ્પ ક્યારે ?
ભીનો થયો કાગળ અલ્પ ક્યારે ? (પૃ. ૪૭)

કવિની મનોજગતની યાત્રાને કોઈ સીમાડા ન હોય. અંગ્રેજ કવિ શેક્સપીયરે જગત એક રંગમંચ છે એમ કહ્યું તો આપણા કવિ તેને પોતાના અંદાઝે બયાંની આગવી અદાથી કહે છે –

જિંદગી તો એક નાટક છે ભલા,
હોય છે વ્હેતો સમય મઝધારમાં. (પૃ. ૬૧)

કશુંક નવું સિધ્ધ કરવું એ કવિશ્રી અલ્પ ત્રિવેદીની સર્જકતાનો ધ્યેય રહ્યો હોય તેમ લાગે છે. અષ્ટકલ લયબદ્ધ આવર્તનમાં લખાયેલી તેમની ગઝલ ગીતોના ભાવવિશ્વની સાથે નિકટતાનો નાતો ધરાવે છે. આ ઉપરાંત વિરહિણીના દુહા, પોષિતભર્તૃકાના દુહા, ત્યક્તાના દુહા વગેરે અતિવિશિષ્ટ ધ્યાનાકર્ષક પ્રયોગો છે, તેમના કેટલાક શે’ર આ વાતની સજ્જડ સાબિતિ આપે છે, જેમ કે,

સાજણ તારા ઉંબરે ઠેલ્યા અમને બ્હાર
ખાલીપાનો ભાર કઈ દિશ જઈને ઠાલવું ? (પૃ. ૫૬)

દરિયા જેવું ઘૂઘવે અન્ધારાનું વ્હાલ
શમણાં કચ્ચરઘાણ પોઢું ક્યાંથી ઢોલીયે (પૃ. ૫૭)

પીળા પમરખ પાંદડે લૂમે ઝૂમે ઝાડ,
દન્તકથાના પ્હાડ પાડે પડઘા પાદરે (પૃ. ૫૮)

પ્રયોગશીલતા આ કવિ માટે અનિવાર્ય નથી છતાં તેમાં રહેલી સર્જકતાને નવો આયામ આપતા સર્જકે હાઈકુ ગઝલ રચી છે. બહુ જૂજ પ્રમાણમાં ખેડાયેલ આ પ્રકારમાં કેવી અદભુત સમૃધ્ધિ !

પ્રત્યેક શ્વાસે
રેત જેવું પાંગરે
પર્યાવરણ. (પૃ. ૬૫)

હૈયું શ્રાવણ
વરસે ઝરમર
સુક્કી પાંપણ. (પૃ. ૬૫)

કવિતામાં કલ્પનોનો નર્યો વ્યાપાર હોય તો તે ઉત્તમ કવિતા બને તેવું નહીં પણ કલ્પન કવિતાને જીવંત બનાવવા માટે ઉપકારક છે. અલ્પ ત્રિવેદીની કાવ્યસૃષ્ટિનો કલ્પન વ્યાપાર જુઓ –

– બનાવ નામે ચાડીયો ધુમ્મસમાં ભીંજાય

– પોટલી લઈ યાદના પૌઆ તણી

– લાગણીના વાંઝિયા વિસ્તારમાં

આ ઉપરાંત કવિએ કરેલા કેટલાક નૂતન શબ્દપ્રયોગો પણ તેની શબ્દનિર્માણની શક્તિના સાક્ષી બને તેવાં છે જેમ કે છમ્મભીનાં, હથેળીપ્રાંત, પ્રતિક્ષાઉ, ઘરવટો, અસ્થિમય, બરફવત વગેરે શબ્દોને છંદ અને ભાષાની શિસ્તમાં રમતાં મૂક્યાં. પ્રત્યેક ગઝલ એક નવા ભાવવિશ્વનું સર્જન કરે છે, શબ્દનો અર્થ ભાવકને ખેંચી રાખે છે, જુઓ આ શે’ર

મેં સ્તબ્ધ શ્વાસે ઘટના નિહાળી,
શબ્દો થયાં વિહવળ અલ્પ ક્યારે ? (પૃ. ૪૭)

નિંદ્રા, દઊં રાત હું દક્ષિણામાં,
સ્વપ્નો ગ્રસી નીકળવું પડે છે. (પૃ. ૪૯)

અલ્પ હો અસ્તિત્વ ખુદનું
ખૂબ ગમતું ને મજાનું. (પૃ. ૭૩)

અલ્પ તારું ભાગ્ય કેવું
જાણવાની પણ મજા છે. (પૃ. ૭૨)

હરખપદુડા અમે આખરે શૈશવ મૂકી ચાલ્યા,
અતીતની યાદીમાં કેવળ આંખે આંસુ ધરવું. (પૃ. ૪૦)

ઘડીમાં ગ્રીષ્મ થઈ વરસો, ઘડીમાં મેહ થઈ વરસો,
અલગ અંદાજધારી છો, હજી પરખી નથી શક્તો. (પૃ. ૨૬)

ક્યાં સરળ છે શ્હેર ભાષાનું કદી ઓળંગવું,
અર્થના લિબાસમાં શબ્દોય છળતાં હોય છે. (પૃ. ૩૪)

શ્રી અલ્પ ત્રિવેદી રચિત ગઝલોમાં તરબોળ થયાં પછી હવે તેમનાં રચેલા ગીતોની સૃષ્ટિમાં જઈએ તો કહેવાનું મન થાય કે આ કવિના ભર્યા ભંડાર ઉલેચતા તેમાંથી ગીતોની ગુલછડી પ્રાપ્ત થાય જ ! આવી અપાર સર્જકતા ધરાવનાર સર્જકે આંગળીના વેઢે ગણી શકાય એટલા માત્ર ૯ ગીતો જ સંગ્રહમાં મૂક્યાં છે. પણ ઝીણવટથી જોતા ખબર પડે છે કે તેમાં તે આગવી કલાસૂઝ દાખવી શક્યા છે. તેના આંતરપ્રાસ, લય, લહેકા, તરેહો, માનવીય સંવેદનથી સભર સ્નેહસૃષ્ટિ વગેરેથી ગીતોની ગુલછડી લહેરાય છે. તેમની ગીતરચનાની ભાવસૃષ્ટિમાંથી પસાર થતાં કવિશ્રી રમેશ પારેખ, શ્રી વિનોદ જોશી, શ્રી મનોહર ત્રિવેદી જેવા તેમના સમકાલીન કવિઓની યાદ અચૂક આવ્યા કરે. તેમની ગીતરચનાઓનું માધુર્ય જુઓ –

લિમ્બોડિયાના પટેલિયાને અચરજ જેવું થાય,
અમથે અમથો હરતો ફરતો એમ જ થમ્ભી જાય.

પરગટ લીલું પાન થયું ને લીલો કંચન છોડ
જોબનવંતી પટલાણીને કૂંપણવંતા કોડ
ધ્રિબાંગ ધબધબ ઢોલિડાને ચોખલિયે રે વધાવો
ઉગમણી આથમણી ભીંતે ઓકળિયું ચિતરાવો
આંખ વચાળે અણદીઠેલાં શમણાઓ ઉભરાંય…(પૃ. ૮૩)

સિક્કો ઉછાળવાની ઘટનાને જીવતરના રંગો સાથે જોડતું ગીત –

સિક્કો ઉછાળવાની કરશો ના ભૂલ કોઈ
સિક્કો ઉછાળવાની ભૂલ
સિક્કો તો આજ એ ને સિક્કો તો કાલ છે
સિક્કે કર્યા છે રાજ ડૂલ. (પૃ. ૮૦)

આ ઉપરાંત ‘દોડ્યા કરું’, ‘દાદાજીની વિદાય પછીનું એક શિશુનું અશ્રુગીત’, ઉતરડાયેલી એંધાણીનું સ્વપ્નિલ ગીત વગેરે પણ નોંધપાત્ર ગીતો છે, સર્જક પાસે આવાંજ સમૃદ્ધ ગીતોની અપેક્ષા રાખીએ.

ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ પણ પ્રયોગશીલતા બતાવે છે. ‘ફીલીંગ’, ‘જમણા હાથની ફિંગરપ્રિન્ટ મળ્યાં પછી પ્રિયાને પાઠવેલ પ્રત્યુત્તર’, ‘કઈ રીતે સમજાવું’, ‘ઈસુની ઉક્તિ’, વગેરે રચનાઓ નોંધપાત્ર છે

ખભે દફ્તર ઉંચકી
હળવે પગલે
નિશાળ ભણી જતાં
બાળકની આંખના
મનોભાવ વાંચવા
તેં પ્રયત્ન કર્યો છે ખરો ?
તો કવિતા કોને કહેવાય
એ હું તને કઈ રીતે સમજાવું પ્રિયા ?! (પૃ. ૮૮)

અથવા જુઓ ઈસુના મુખમાં કવિએ મૂકેલી આ ઉક્તિ,

અહીં લટકીને
મારું અંગ હવે
સાવ ખોખલું બની ગયું છે,
મેં ખૂબ પ્રતીક્ષા કરી
પરંતુ એ લોકો તો અહીં
ફરી પાછા ક્યારેય ડોકાયા જ નહીં, (પૃ. ૮૯)

અને આ રચનાઓ પણ એવી જ આગવી સર્જનાત્મકતા બતાવે છે,

એક પછી એક ચોમાસું પસાર થતું રહે છે
ને મારી છાતી પર ફૂટી નીકળે છે ઘાસ. (પૃ. ૯૨)

નિર્ભય પણે ઉડતા આગિયાનો પ્રકાશ
એ જ મારે મન સૂર્ય (પૃ. ૯૨)

આમ વિવિધતાસભર કાવ્યસૃષ્ટિમાં વિહાર કરતાં કવિ અલ્પ ત્રિવેદીને આપણે તેમના આ ખૂબ મનોરમ્ય સર્જન બદલ અભિનંદન પાઠવીએ અને તેમના ભાવિ સર્જનનું ઈજન આપતા કહીએ ‘પછી..” !

તો કદાચ કવિ અષાઢદાર વરસી જશે…

બિલિપત્ર

By the rivers of Babylon
Where he sat down
And there he wept when he remembered Zion.

Oh from wicked, carry us away from captivity
Required from us a song
How can we singing out for song in a strange land.

So let the words of our mouth
And the meditations of our hearts
Be acceptable in thy sight
O-verride
– બોની એમ. નું એક ખૂબ પ્રચલિત ગીત (Derived from the Biblical hymn Psalm 137)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા

 • ajitgita

  ” પછી ” પછી અભિનંદન.એક આકર્ષણ અનુભવ્યું.પ્રણય રૂપી અમર તત્વ જાણે કે કહી રહ્યું છે, વ્યક્તિ રહે કે ના રહે …પરંતુ તેના પ્રેમની મહેંક કાયમ પ્રસરેલી રહે છે…!પ્રણયમાં મિલન કેવું ને જુદાઈ કેવી ? હરદમ આપણી સમીપે જ અનુભવાતું રહેતું આ પ્રણય-તત્વ અમર છે ..!!

 • ચાંદ સૂરજ.

  કવિશ્રી હરેશભાઈ ત્રિવેદીજી ‘અલ્પ’ ને હાર્દિક અભિનંદન !
  તેઓશ્રીના પરિમળતા ચમનની કેટલીક મહેકતી શેરની કળીઓ ચૂંટી સુંદર આસ્વાદ કરાવવા બદલ આભાર.

 • ડૉ. મહેશ રાવલ

  કવિશ્રી હરેશભાઈ ત્રિવેદીજી ‘અલ્પ’ ને હાર્દિક અભિનંદન….
  અને અહીં ચુનંદા શેરનો આસ્વાદ પણ સ-રસ થયો…
  અનેક વિષયઓને આવરી ખૂબ સરાહનીય કવિકર્મ થયું છે.