એક પુસ્તકની જાદુઈ અસર – મહાત્મા ગાંધી 5


નિરાનિષાહારી ભોજનગૃહમાં એક દિવસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઇચ્છાથી પોતાનું કાર્ડ મોકલ્યું. મેં તેમને મારા ટેબલ ઉપર આવવા નોતર્યા. તે આવ્યા. મિ. પોલાકની નિખાલસતાથી હું તેમના તરફ ખેંચાયો.

હું નાતાલ જવા ઊપડ્યો (ત્યારે) પોલાક મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે”, એમ કહી એમણે રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું.

આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગમાંથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.

આ પહેલાં રસ્કિનનું એક પણ પુસ્તક મેં વાંચ્યું નહોતું. વિદ્યાભ્યાસના કાળમાં પાઠ્યપુસ્તકો બહાર મારું વાચન નહીં જેવું જ ગણાય. કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આજ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકશાન નથી થયુ એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય’ ના નામે છપાયેલું છે.

મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઉંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથમાં જોયું, ને તેથી તેને મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો.

‘સર્વોદય’ના સિદ્ઘાંતો હું આમ સમજ્યોઃ

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
૨. વકીલ તેમ જ વાળંદ બન્નેની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.
૩. સાદું જીવન મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

સવાર થયું ને હૂં તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડ્યો. મેં સૂચવ્યું કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ નું કામ કરે.

તુરત ડરબનની નજીક કોઈ પણ સ્ટેશન પાસેની જમીનના ટુકડાને સારુ મેં છાપામાં જાહેરખબર મૂકી. જવાબમાં ફિનિક્સની જમીનનું કહેણ આવ્યું. સાત દિવસની અંદર ૨૦ એકર જમીન લીધી. તેમાં એક નાનકડો પાણીનો ઝરો હતો. કેટલાંક નારંગીના અને કેરીના ઝાડ હતાં. જોડે જ ૮૦ એકરનો બીજો એક કડકો હતો. તેમાં વિશેષ ફળઝાડ ને એક ઝૂંપડું હતું. એ પણ થોડા દિવસ બાદ ખરીદ્યો. બેઉના મળીને ૧,૦૦૦ પાઉન્ડ આપ્યા.

પારસી રુસ્તમજી મારાં આવાં બધાં સાહસોના ભાગીદાર હોય જ. તેમને મારી આ યોજના ગમી. એક મોટા ગોડાઉનનાં પતરાં વગેરે તેમની પાસે પડ્યાં હતાં તે તેમણે મફત આપ્યાં. તે વડે બાંધકામ શરૂ કર્યું. એક માસમાં મકાન તૈયાર થયું. એટલે એક અઠવાડિયામાં ઘણોખરો સામાન ગાડાવાટે ફિનિક્સ લઈ ગયા. ડરબન અને ફિનિક્સ વચ્ચે તેર માઈલનું અંતર હતું. આમ ૧૯૦૪ની સાલમાં ફિનિક્સની સ્થાપના થઈ.

ફિનિક્સની સ્થાપના વખતે મારી કલ્પના એ હતી કે હૂં પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ. ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો જે સેવા થઈ શકશે તે કરીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો.

“ગાંધીજીની જીવનયાત્રા એમનાં જ શબ્દોમાં” માંથી સાભાર, સંકલન અને સંક્ષિપ્તિકરણ – મહેન્દ્ર મેઘાણી, પુસ્તક પ્રાપ્તિસ્થાન – લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર. પુસ્તકની કિંમત – ૪૦ રૂ.
* * *
{ વિનોબા ભાવે કહે છે તેમ, “સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં, સહુની સમાન ચિંતા અને સમાન પ્રેમ. સ્વચ્છ રાજકારણની રચના માટે તેના ભાગરૂપ રાષ્ટ્રીય નેતાઓની કોઈ એક વિશેષ બાજુ નહીં, સર્વગામી વિકાસ થવો જોઈએ, એ સત્યાગ્રહ હોય કે નિસર્ગોપચાર, બ્રહ્મચર્યપાલન કે કરકસર, ગાંધીજીએ બધાંને સરખું મહત્વ આપ્યું. સમાજરચનામાં સામાજીક, ધાર્મિક, આર્થિક અને રાજકીય એમ બધાંજ ક્ષેત્રે પ્રભાવી અને પારદર્શક કાર્યપધ્ધતિનું પાલન એટલે ‘સર્વોદય’. બાપુને રસ્કિનના પુસ્તકમાંથી આ વિશેની પ્રેરણા મળી હતી તે જાણીતી વાત છે. એ પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.}


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “એક પુસ્તકની જાદુઈ અસર – મહાત્મા ગાંધી

  • Geet Bhatt

    ખુબ જ સરસ કિસ્સો છે, અને એથિએય સરસ “ગાંધીજીની જીવનયાત્રા એમનાં જ શબ્દોમાં” એ પુસ્તક છે, ગાંધીજીને જેઓ નજિક થિ જાણવા માંગતા હોય તેઓએ ચોક્કસ વાંચ્વા જેવુ છે.

  • pragnaju

    જોન રસ્કિને દરેકને તેની આવકનો દસમો ભાગ સમાજના કમભાગીઓને આપવા કહેલું

    અને

    વર્ષો પહેલાં તેમણે ‘‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’’નો વિચાર રજૂ કરેલો.

    સરકાર જ નહીં પણ કોર્પોરેશનોની પણ પૂરા સમાજ પ્રત્યે ફરજ છે.

    ધનિકોના લાભમાં છે કે તેની આજુબાજુ પણ સ્વસ્થ સમાજ

    અને

    સુખી સમાજ રચાય.

  • Lata Hirani

    ગાંધીજી પાસેથી જે મળે એ અદભુત જ હોય. મેં એ પુસ્તકનો અનુવાદ વાઁચ્યો છે.

    લતા હિરાણી