એબ્રાહમ લિંકન – મણિભાઇ દેસાઇ (પુસ્તક ડાઉનલોડ) V. 2.0 2


1926માં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા એક જુવાનના હાથમાં એબ્રાહમ લિંકનના જીવનચરિત્રનું એક નાનકડું પુસ્તક મૂકીને એના વડીલ બંધુ તે વાંચી જવાની ભલામણ કરે છે. એ પુસ્તકના એકસપાટે કરેલા વાચને જુવાનના મન પાર જે અસર કરી, એના દિલમાં જે ભાવ પેદા કર્યા, તેને પરિણામે પોતે એ અવતારી પુરુષના ભકત બને છે.અને તેને વિશે વધુ ને વધુ જાણવાની અદમ્ય જિજ્ઞાસા તેના દિલમાં ઉદભવે છે.પછી ચાલીસ-પિસ્તાલીસ વરસ સુધી લિંકન વિશે ઉપલબ્ધ ઘણું સાહિત્ય ભક્તિભાવથી વાંચીને જ એ જંપે છે. લિંકન વિશે જેમ જેમ એ વધુ જાણતા જાય છે તેમ તેમ તેને વિશે એમનો પ્રેમ અને આદર વધુ ને વધુ ઊંડો થતો જાય છે.

એ જુવાન તે મણિભાઇ ભ. દેસાઇ. ગુજરાત વિદ્યાપીઠના માસિક ‘શિક્ષણ અને સાહિત્ય’માં લિંકનનું ટૂંકું જીવનચરિત્ર એમણે 1940માં હપતે હપતે લખવા માંડેલું. વાચકોમાં એ ખૂબ પ્રીતિપાત્ર થઇ પડ્યું અને વધારે વિસ્તારથી તે લખવાનો આગ્રહ કરતા અનેક પત્રો લેખકને મળ્યા. અંતે તે માટેનો અવકાશ ત્રીસેક વરસ બાદ એમને મળ્યો અને લિંકનના જીવનની કેવળ રૂપરેખા જ આપતું ‘અજાતશત્રુ લિંકન’ નામનું 160 પાનાનું નાનું પુસ્તક તેમની પાસેથી આપણને મળ્યું. પછી લિંકનના બહુવિધ જીવનને તેમ જ તેના ભગીરથ જીવનકાર્યને આવરી લેતું મોટા કદનાં છસોક પાનાનું વિસ્તૃત જીવનચરિત્ર પોતાના સાડાચાઅર દાયકાના અભ્યાસના નિચોડ રૂપે ‘એબ્રાહમ લિંકન’ નામે 1980માં એમણે આપ્યું. તેના નિવેદનમાં તેમણે લખ્યું કે, “એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની, એક ધર્માવતારની, આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરતાં અકળ પ્રકારના ક્ષોભ, સંકોચ તેમ જ વિમાસણની મિશ્ર લાગણી અનુભવું છું. ક્યાં તેની સર્વતોમુખી, સર્વતોભદ્ર, અલૌકિક મહત્તા. અને ક્યાં મારી અલ્પમતિ! તરવા ચાહ્યો છે સાગર, ને મારી પાસે નાનકડું હોડકું તો શું – મામૂલી તરાપોય નથી! છતાં હામ ભીડી છે – યથામતિ નહિ, યથાશક્તિ નહિ, કેવળ યથાભક્તિ આ દુર્ગમ સાહસ ખેડવાને.”

લિંકનની એ કીર્તિગાથા ગુજરાતી ભાષાનું ઉત્તમ જીવનચરિત્રોમાંનાં એક તરીકે યાદગાર બની રહેશે. કમનસીબે તેની તરફ વાચકોનું ધ્યાન બરાબર દોરાયું નહિ હોય, તેથી તેની 1,000 નકલ ખલાસ થતાં પણ ઠીક ઠીક વખત લાગ્યો. એવું સુંદર પુસ્તક થોડાં વરસોથી અપ્રાપ્ય છે. એટલે મેં તેનો એક સંક્ષેપ તૈયાર કર્યો છે, તે ક્યારેક પ્રગટ થશે એવી આશા છે. દરમ્યાન એ સંક્ષેપનાયે અલ્પ આચમનરૂપે આ ખીસાપોથી બહાર પડે છે.

– મહેન્દ્ર મેઘાણી

{ શ્રી મણિભાઈ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે એક વખત ફરીથી અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિભાઈ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ શ્રી મહેન્દ્રભાઈની જ અનુમતિસહ આજથી સાત મહીના પહેલા અક્ષરનાદ પર ડાઊનલોડ માટે મૂકેલી, અને વાંચકમિત્રોનો પ્રેમ જુઓ કે આ પુસ્તિકાના એક હજાર ડાઊનલોડ પૂરા થઈ ગયાં. આજે તેમાં રહેલી નાની ભૂલો જોડણી વગેરેની ક્ષતિ સુધારીને એક નવા સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે વાંચકમિત્રોને ગમશે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.}


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “એબ્રાહમ લિંકન – મણિભાઇ દેસાઇ (પુસ્તક ડાઉનલોડ) V. 2.0

 • prafulkumar

  FIRST I THANKS YOU SIR BECAUSE

  CHANKYANITI NA SENTENCE TAME AHI MUKYA CHHE TE BAHUJ SARU KARYA KARYU CHHE
  AHI AAPEL DAREK MAHITI KHUBAJ “IMPORTANCE” ANE LIFE MA UPYOGI BANE TEVI 6

  (CHANKYA VISHENU HAJU VADHU MAHITI WEB SITE PAR MUKO TEVI REQUEST 6 )

  “THANKYU”

 • દીપક પટેલ

  સૌ પ્રથમતો આભાર, કેમકે તમે અમારા જેવા વાચકો માટે આટલી મહેનત કરી. સારા અંગ્રેજી પુસ્તકો વાંચવાનું ઘણું મન થાય છે પણ તેના માટે ડિક્શનરી લઈને બેઠા બાદ પણ અર્થનો અનર્થ થતો રહે છે. કોઈક સારા અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મુકશો એવી વિનંતી છે.
  અને હાં અબ્રાહન લિંકનના અનુવાદ બદલ આભાર!