કોળી બાપા – મકરંદ દવે 1


માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઇ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઇ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઇ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે. અને કોઇ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી કોઇ કબીર નીકળી આવે. કોઇ ગાંધી કે રવિન્દ્રને નિહાળીએ ત્યારે માનવ હોવું એટલે શું એની કાંઇક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે. અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઇ જાય છે.

આપને પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઇ વાર એની ઝલક મળી જાય છે. કોઇ નિતાંત સુંદર ચહેરો જોવા મલે ને થઇ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે ! કોઇનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઇની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાંને કાંઠે આવીને બેઠાં હોઇએ એમ લાગે. અને કોઇનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાન્નિધ્યમાંથી ઘણું બધું મળી શકે.

આવી વ્યક્તિઓ કોઇ વિશિષ્ટ તેજથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ,પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઇ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઇને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા – સારવાર કરે છે, નવરાવે – ધોવરાવે છે, માથું ઓળી આપે છે, નદીએ જઇ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઇ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઇ આપે એ નવાઇ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડ્યું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઇ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળી બાપાને કબીરની ‘જ્ઞાનગોદડી’ મોઢે હતી. એમાંથી કોઇ ને કોઇ ચોપાઇ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતા :

’જુક્તિ ક્મંડળ કર ગહિ લીન્હા,
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.’

જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદગુરુની ઓળખ થઇ. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન, ટ્રેન પસાર થઇ જાય પછી ખાસ કાંઇ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ – રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઇ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઇ માત્ર મુખપાઠ નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતા :

’હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને ! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.’

એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહે. કોળીબાપા નિવૃત્ત થઇ પોતાને ગામ રહેવા લાગ્યા. અવાર નવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંદાં પડ્યા. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઇને કાંઇ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને ‘જ્ઞાનગોદડી’ જીવનમાં ઉતારતા હતા :

’સુમતિ કે સાબુન સિરજન ધોઇ,
કુમતિ મૈલ કો ડારો ખોઇ,
જિન ગુદરીકા કિયા વિચારા,
સો જન ભેટે સિરજનહારા’

માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઇ ને કાંઇ કામ તે કરી આપતા. તેમાં એક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારી ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઇ ને કાંઇ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઇ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા :
’આજ તો કમાલ થઇ. બાબુભાઇ, આ એક હતી ને, માળી ઇ પણ ગઇ.’

કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધુંપરધું કામ આપતી હતી. ફરી જાણે કોઇ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું : ’એવું થયું, જાને હું બકરાં ચારીને આવતો’તો ત્યાં સૂરજ આથમવા માંડ્યો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઇ ગઇ.’ આ સાવ નવી રમત. નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુ:ખ નહીં. કોળીબાપા સામે હું જોઇ જ રહ્યો. વાત પૂરી કરી એ હંમેશની જેમ બોલ્યા : ’હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. કબીરે ‘જ્ઞાનગોદડી’માં કહ્યું છે :

’છૂટિ ગયે કશ્મલ કર્મજ લેખા,
યહ નૈનન સાહેબકો દેખા,
અહંકાર અભિમાન બિડારા
ઘટકા ચૌકા કર ઉજિયારા.’

જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઇ હશે ? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિના તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાનકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજિલા બાલકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું : ’બાબુભાઇ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે ?’ હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય ? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું : ’હા, બાપા, પણ એમ કાંઇ સિદ્ધનાં દર્શન થાય ?’

’અરે ન શું થાય ? આપણે ધારીએ તો તરત થાય.’

’તમે કરાવી શકો, બાપા ?’

’જરૂર કરાવું.’

’ક્યારે ?’

’અરે, અબઘડી અત્યારે જ.’

હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે ? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય ? ’તો દર્શન કરાવો, લો !’

‘તૈયાર છો ને ?’ કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઇ જઇ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું : ’આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ ?’ અને પછી એવા તો હસ્યા છે ! આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપની સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરના ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીરી નાખ્યો. કોળીબાપાએ એક ઉક્તિ અત્યંત પ્રિય હતી :

‘અમલ કમલ સેં છટ્ક્યા હૈ રે
છટક્યા હૈ સો ભટક્યા હૈ.’

જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યા એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને – નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.

કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઇ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવતરની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે ?

’જાપ મરૈ અજપા મરૈ, અનહદ ભી મર જાય,
સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’

– મકરંદ દવે
(ભજનરસ – મકરંદ દવે (નવભારત) માંથી)

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ બીજા લેખમાં તેમણે ઉપસાવેલું એક પાત્રચિત્ર સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના કોળીબાપાનું છે. તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. એક સક્ષમ પાત્રચિત્ર ઉપસાવવાની તેમની ક્ષમતાનો આ અનેરો પરિચય છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “કોળી બાપા – મકરંદ દવે

  • ચાંદસૂરજ

    આજે સાંઈ કવિ મકરન્દ વજેશંકર દવેની છઠ્ઠી પુણ્યતિથિ નિમીતે એમને યાદ કરીએ અને અંતરને ઓવારેથી ચુંટેલા શ્રદ્ધાંજલિના પુષ્પો એમને પ્રદાન કરીએ.