ઝવેરચંદ મેઘાણી : જીવન અને કવન… – દીપક મહેતા 15


( શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ નિમિત્તે આજે પ્રસ્તુત છે તેમના વિશે પ્રકાશિત શ્રી દીપક મહેતા દ્વારા લખાયેલ પરિચય પુસ્તિકા. ૧૯૯૪માં પ્રકાશિત આ પરિચય પુસ્તિકા સાચા અર્થમાં આપણા રાષ્ટ્રીય શાયરનો પરિચય ખૂબ સુંદર અને વિગતે આપે છે. એક સ્વાતંત્ર્યસેનાનીથી માંડીને અનોખી લેખનપ્રતિભા, એક અનુવાદકથી અનુસર્જક સુધી, ચારણી સાહિત્યથી લોકસાહિત્યના ઉમદા મર્મજ્ઞ અને જાણતલ એવા શ્રી મેઘાણીને આજે અનેકો વંદન અને આ પોસ્ટ અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર.

નોંધ – આજની આ વિશેષ પ્રસ્તુતિને કારણે દર શનિવારે પ્રસ્તુત થતો “ચાલો ગઝલ શીખીએ” શ્રેણીનો લેખ આજને બદલે આવતીકાલે મૂકવામાં આવશે. )

ઝવેરચંદ મેઘાણી

જન્મ: 28 / 08 / 1897

અવસાન: 09 / 03 / 1947

“હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું હોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ !”

દુલા ભાયા ‘કાગ’નો આ દુહો મેઘાણીની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન ખેંચે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ – દિલ – કલમ – જીભ સતત એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ અને જીભ વડે મેઘાણીએ એજ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય. હૈયે કશુંક હોય અને હોઠે કશુંક આવે એવું તેમની બાબતોમાં ભાગ્યે જ બનતું.

શબદનો સોદાગર

મેઘાણી પોતાના સમયના અત્યંત લોકપ્રિય સાહિત્યકાર હતા એ હકીકત છે, પણ લોકપ્રિયતા મેળવવી એને તેમણે ક્યારેય પોતાનું લક્ષ્ય બનાવ્યું નહોતું. પોતે જે કાંઇ લખે-બોલે તે લોકગમ્ય રહે એ અંગે મેઘાણી સભાન રહ્યા હશે, પણ લોકપ્રિયતા મેળવવા માટે થઇને તેમણે ક્યારેય સસ્તો કે સહેલો રસ્તો લીધો નહોતો. ‘શબદના સોદાગરને’ કાવ્યમાં ભલે લાગે કે બીજા સર્જકો કહી રહ્યા છે, પણ હકીકતમા તો કદાચ મેઘાણી પોતાની જાતને જ કહી રહ્યા હતા :

હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી,
એ જ સૂરોના ઇમાની ભાઇ !
ગાયા કર ચકચૂર… જી
જી શબદના વેપાર જી.

મેઘાણીએ પોતે શબદનો વેપાર ઇમાનદારીપૂર્વક કર્યો હતો એટલે આજે મેઘાણીના જન્મને સો વર્ષ ઉપર થયાં છે છતાં એમનાં લખાણોની સુવાસ કાળબળે આછી થઇ હોય તોય ઓછી થઇ નથી.

જન્મ અને બાળપણ

કાળીદાસ અને ધોળીબાઇ મેઘાણીને ત્યાં 1897ના ઑગસ્ટની 17 મી તારીખે ઝવેરચંદનો જન્મ થયો. મેઘાણી કુટુંબ રહેવાસી હતું બગસરાનું, પણ ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો ચોટીલામાં. પિતા કાઠિયાવાડ એજન્સીની પોલીસમાં નોકરી કરતા એટલે અવારનવાર તેમની બદલી થતી રહેતી. આથી બાળક ઝવેરચંદે અનેક ગામડાંના પાણી પીધાં. રાજકોટ, દાઠા, પાળિયાદ, બગસરા વગેરે ગામોમાં પ્રાથમિક શિક્ષણ; માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ, બગસરા અને અમરેલીમાં. 1912માં મૅટ્રીકની પરીક્ષા પસાર કરી. થોડા મહિના જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણ્યા પછી ભાવનગર જઇ ત્યાંની જોડાયા અને ત્યાંથી જ 1917માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયા.

શાળાની નોકરીની સાથોસાથ એમ.એ.નો અભ્યાસ ભાવનગરમાં જ રહી શરૂ કર્યો પણ પછી સ્વદેશી વસ્તુના પ્રચારની સ્વયંસેવક તરીકેની પ્રવૃત્તિમાં ઊતરી પડ્યા અને મેઘાણી પોતે નોંધે છે તેમ ‘છેવટે બંને બગાડ્યા’. કૌટુંબિક કારણોને લીધે તેઓ કલકત્તા જઇ જીવણલાલ ઍન્ડ કંપનીની પેઢીમાં જોડાયા. પેઢીના માલિક સાથે 1919માં ચાર મહિનાનો ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો. જીવણલાલનો મૂળ વિચાર કદાચ મેઘાણીને પોતાની પેઢીના પ્રતિનિધિ તરીકે ઇંગલૅન્ડ રાખવાનો હશે. કારણ મેઘાણી પાછળથી નોંધે છે : ‘ત્યાંના વેપારકામમાં હું એમને નકામો નીવડ્યો. વેપારમાં શૂન્ય સાબિત થયો. ચાર મહિને એમની સાથે જ પાછા આવવું પડ્યું. જો થોડીક કુનેહ હોત તો મને વિલાયત રાખી આવ્યા હોત, પણ પણ હું ‘હોપલેસ’ હતો.’

લિ. હું આવું છું

ઇંગલૅન્ડથી પાછા ફર્યા પછી પણ અઢી-ત્રણ વર્ષ સુધી કલકત્તાની નોકરી તેમણે ચાલુ રાખી. પરંતુ કોણ જાણે કેમ અંતર ત્યાં ઠરતું નહોતું, કાઠિયાવાડ જાણે બોલાવતું હતું. એટલે પચ્ચીસ વર્ષનો એ યુવાન 1921ના સપ્ટેમ્બરની 18મી તારીખે પોતાના એક મુરબ્બી મિત્રને પત્ર લખે છે. તેમનો આ પત્ર પાછળથી અત્યંત જાણીતો થયો છે:

“આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાનીસરખી લીટી સમજાવવા આજ ઊલટાવી-પલટાવીને લખ્યા જ કરું, પણ સ્પષ્ટ નહીં કરી શકું. હું જેદા દેશની વાણી બોલું છું. તમે એ ન પણ સમજી શકો. અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઇ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ-બે માસમાં પાછો આવું છું. ધરાઇને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે અંધકારને પ્રકાશની મારામારી વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધુ-હીન નથી એમ કહેવા દેજો. વધુ શું?”

મેઘાણીને સંભળાયેલો એ સાદ કોનો હતો ? સાહિત્યનો હતો? સૌરાષ્ટ્રની ધરતીનો હતો? બન્નેનો હતો? શાળા અને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન મેઘાણી ગીતો ગાતા, નાટકોમાં ભાગ લેતા, બીજા ઘણા વિદ્યાર્થીઓ કરે છે તેમ. મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ જોતાં તેમાં 1925 પહેલાંનું માત્ર એક જ ગીત ‘દીવડો ઝાંખો બળે’ મળે છે જે 1918માં લખાયું છે. ટિપ્પણમાં મેઘાણી તેને ‘મારું પહેલ વહેલું ગીત ‘ કહી ઓળખાવે છે. કવિતા સિવાયનું બીજું કશું પણ 1921 પહેલાં લખાયેલું જોવા મળતું નત્ઝી. એટલે મેઘાણીને સંભળાયેલો એ સાદ એમની કલકત્તામાં કુંઠિતતા અનુભવતી સર્જકતાનો હતો એમ કહેવું મુશ્કેલ બને તેમ છે. 1929માં મેઘાણી પોતે નોંધે છે : મારા પર એક મોટી અસર મારા જન્મસ્થાનની પણ જણાય છે. મારો જન્મ પાંચાળના સુપ્રસિધ્ધ કેન્દ્ર ચોટીલામાં, ચોટીલા ડુંગરની તળેટીમાંજ થયો છે અને મને કહેવામાં આવ્યું છે કે બચપણમાં મને તેડીને એ ડુંગરની આસપાસ ફેરવવા લઇ જતા. તે પછી મેં પાંચાળ ત્રીસ વર્ષે જોયો, પણ મને લાગ્યું કે મારો સ્પિરિટ માઉન્ટન-સ્પિરિટ જ છે.” તો એ સાદ કદાચ વતનનો હોઇ શકે, કલકત્તાની શહેરી જીવનપધ્ધતિ કરતાં જુદી એવી જીવનપધ્ધતિનો હોઇ શકે. જીવનમાં હવે બીજી એક જ પચ્ચીસી બાકી છે એનો અણસારો તો એમને ન હોય, પણ કોઇક અકળ રીતે થયેલો પોતાના જીવનકાર્યનો સાદ પણ એ હોઇ શકે. ‘સૌરાષ્ટ્ર’માં જોડાયા, કલકત્તા છોડીને સૌરાષ્ટ્ર આવ્યા પછી થોડો વખત તો શું કરવું એની વિમાસણ મેઘાણીએ અનુભવી હશે. લગભગ અક્સ્માત રીતે કહી શકાય તેમ મેઘાણી એક લેખ ‘ચોરાનો પોકાર’ લખી નવા શરૂ થયેલા ‘સૌરાષ્ટ્ર’ પત્ર માટે અમૃતલાલ શેઠને મોકલી આપે છે. વર્ષો પછી અમૃતલાલ શેઠ લખે છે : “ મેં એ લેખ વાંચ્યો અને હું સ્તબ્ધ થઇ ગયો. ચોરો એ જાણે કોઇ જીવતુંજાગતું માનવી હોય અને ધ્રુસકે ધ્રુસકે રોતું પોકાર કરતું હોય, એવું ચિત્ર એ લેખે ખડું કર્યું હતું !” એ લેખ લખાયા પછી થોડા જ વખતમાં મેઘાણી ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં જોડાય છે અને પછી જીવનના અંત સુધી વ્યવસાયે પત્રકાર જ રહે છે. 1922માં ‘સૌરાષ્ટ્ર’માં જોડાયા પછી 1926માં તેમાંથી મેઘાણી છૂટા થાય છે. 1930ની સત્યાગ્રહની ચળવળમાં જોડાવા બદલ પોલીસની ભૂલને કારણે ‘જોધાણી’ને બદલે ‘મેઘાણી’ પકડાય છે અને બે વર્ષની જેલની સજા ભોગવે છે. ધાર્યું હોત તો સાચી હકીકત પ્રગટ કરી મેઘાણી આ સજામાંથી બચી શક્યા હોત. પણ તે એવું કરતા નથી. એટલું જ નહીં, ખુદ મનુભાઇ જોધાણીએ પાછળથી નોંધ્યું છે: “સાબરમતી જેલમાં અમે મળતા, પણ મારે બદલે એમને જેલમાં આવવું પડ્યું એવું કદી એ મારે મોઢે બોલ્યા નથી.”

‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ’

1932માં મેઘાણી ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પણ બે વર્ષમાં તેમાંથી છૂટા થઇ મુંબઇ આવ્યા અને અમૃતલાલ શેઠના ‘જન્મભૂમિ’ માં જોડાયા. ‘જન્મભૂમિ’ માં કલમ અને કિતાબ’નું સાહિત્યપાનું ચલાવીને મેઘાણીએ લેખક અને વાચક બન્નેને ઉપકારક એવા સજીવ વિવેચનની નવી જ પ્રણાલિકા આપણે ત્યાં આરંભી. 1936માં ફરી ‘ફૂલછાબ’ ના તંત્રી તરીકે જોડાયા. 1942માં અંગ્રેજ સરકારે ‘ફૂલછાબ’ જ્પ્ત કર્યું ત્યારે પ્રેસને નિભાવવા માટે ‘ફૂલછાબ પ્રકાશન શ્રેણી’ શરૂ કરી. 1945 માં ‘ફૂલછાબ’ માંથી નિવૃત્તિ લીધી. હૃદયરોગના હુમલાથી 1947ના માર્ચની 9મી તારીખે વહેલી સવારે બોટાદ ખાતે મેઘાણીનું અવસાન થયું. જેતપુરનાં દમયંતીબહેન સાથે 1922માં મેઘાણીનું લગ્ન થયું હતું. 1930માં જેલમાં ગયા ત્યારે દમયંતીબહેનની મુલાકાત હોય તે દિવસે વરણાગિયા વેશ કાઢતા એમ નોંધાયું છે અને એમની સાથે જેલવાસ ભોગવી રહેલા રામનારાયણ વિ.પાઠકે ફૂલમાળા સાથે અભિસાર કરતા કવિનું રસિક વર્ણન એક કાવ્યમાં કર્યું છે. પણ પતિ-પત્ની વચ્ચે વિસંવાદ શરૂ થયો હશે. 1933માં દમયંતિબહેને અગ્નિસ્નાન કર્યું અને 1934માં મેઘાણીએ નેપાળના હરિહર શર્મા અને દુર્ગાદેવીની વિધવા પુત્રી ચિત્રાદેવી સાથે બીજું લગ્ન કર્યું. 1928માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1946માં મહીડા પારિતોષિક મેઘાણીને અપાયાં. 1943માં મુંબઇ યુનિવર્સિટીને આશ્રયે ‘લોકસાહિત્યનું સમાલોચન ‘ વિશે વ્યાખ્યાનો આપ્યાં. દર વર્ષે અપાતાં આ વ્યાખ્યાનોમાં ઘણીવાર તો હાજર રહેલા શ્રોતાઓની સંખ્યા એક આંકડાની જ હોય એવું પણ બન્યું છે. પણ મેઘાણીના આ વ્યાખ્યાનો વિશે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લખે છે: “એક વ્યાખ્યાનમાં શ્રીમતિ હંસાબહેન મહેતા પ્રમુખ હતાં; તેમને પ્રમુખની ખુરશીએ પહોંચાડતાં ઘણી તકલીફ પડી, એટલી બધી માનવમેદની ઊભરાતી. કૉન્વોકેશન હૉલની બહાર કમ્પાઉન્ડ મા શ્રોતાઓ ઊભરાતા. અવાજ બુલંદ એટલે એમણે લાઉડસ્પીકરની ના કહેલી. આ અતિશય ભીડ ને ધક્કામુક્કીને પરિણામે કૉન્વોકેશન હૉલનાં બારણાં ને કાચ ભાંગી ગયાં” આ ઉપરાંત 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા હતા.

લોકસાહિત્યનો જીવ

લોકસાહિત્યના સંશોધન – સંપાદન – વિવેચનને ક્ષેત્રે મેઘાણી સમયદૃષ્ટિએ પ્રારંભિક નથી એ હકીકત છે. પણ મેઘાણીની વિશેષતા એ છે કે વ્યક્તિ તરીકે તેમ જ સર્જક તરીકે તેઓ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો જીવ હતા. તેઓએ પોતાને ‘હું પહાડનું બાળક’ કહી ઓળખાવે છે અને જન્મસ્થાન ચોટીલા અને માતાપિતાના ઋણની પણ વાત કરે છે. પણ સાથોસાથ નિખાલસતાપૂર્વક એ હકીકત પણ કબૂલ કરે છે કે તેમને લોકસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય થયો તે તો અભ્યાસ પૂરો થયો એ પછી. પોતે કહે છે : “લોકસાહિત્યની શરૂઆત ‘સૌરાષ્ટ્ર’ માં રહ્યા પૂર્વે, બગસરા ગામના ભાગદાર અને હડાળા-દરબાર તરીકે જાણીતા દરબારશ્રી વાજસૂરવાળા મને બચ્ચાની પેઠે રાખી હડાળા ગામમાં પોતે જૂના વખતનાં ચારણો પાસેથી સાંભળેલી –ખાસ કરીને એ અને કલાપી બંનેના દરબારના મૃત દસોંદીની કહેલી – વાતો કહેતા. એ વાતો મને મીઠી લાગી. મેં કશા ઉદ્દેશ વગર લખવા માંડી. આ મારી લોકસાહિત્યની દીક્ષા.”

પણ લોકસાહિત્ય પ્રત્યેની મેઘાણીની દૃષ્ટિ મુગ્ધ-રસિકની જ નહોતી, નિરીક્ષક અને પરીક્ષકની પણ હતી. આથી જ તેમણે લોકસાહિત્યના ચલણી સિક્કાને માત્ર વટાવી જાણ્યો નહીં, પ્ણ સંપાદક, સંશોધક, વિવેચક તરીકે પોતાની પરિષ્કૃત દૃષ્ટિથી ઘસી ઘસીને એ સિક્કાને તેમણે ઊજળો પણ બનાવ્યો. ફરી મેઘાણીને સમજવા મેઘાણી પસે જ જઇએ. :”હું મને પોતાને ધરતીનું ધાવણ ધવેલો તેમ જ યુનિવર્સિટીના ખોળામાં ઊછરી મોટો થયેલો માનું છું, કેમ કે લોકસાહિત્ય પ્રત્યે મને અભિમુખ કરી લોકસાહિત્યનાં મૂલ્યાંકન શીખવનાર પણ મને યુનિવર્સિટીમાંથી મળેલી કેળવણી છે, એ મારી માન્યતા છે, તુલનાત્મક અભ્યાસદૃષ્ટિ અને સત્યાંવેષણની સાન આપણને વિદ્યાલયમાંથી મળે છે; આપણી ઊર્મિ અને આસક્તિ ભલે જન્મગત હોય. ઊર્મિ અને આસક્તિ એકલાં નકામાં છે. એની વિદ્યુતચેતનાને જો વિદ્યાપીઠે દીધેલી વિવેકબુધ્ધી સાથે જોડીએ તો જ સત્યની યાત્રા કરી શકાય છે.”

1946માં પ્રગટ થયેલ ‘લોકસાહિત્યનું સમાલોચન’ નામના પુસ્તકમાં તેમનાં પાંચ યુનિવર્સિટી વ્યાખ્યાનો પ્રગટ થયાં છે. તેમાં ‘કેડી પાડનારાઓ’ નામના ત્રીજા વ્યાખ્યાનમાં મેઘાણીએ પોતે જ પોતાના પૂર્વસૂરિઓ વિશે વિગતે વાત કરી છે. પણ મેઘાણી માત્ર પોતાના પૂર્વસૂરિઓથી જ નહીં, ઘણાખરા અનુગામીઓથી પણ જુદા પડે છે. તે તેમનામાં જોવા મળતા ‘ધરતીનું ધાવણ’ અને યુનિવર્સિટીના ખોળા એ બંનેના સાથે લાગણીના પ્રભાવથી.

સૌરાષ્ટ્રની રસધાર

લોકસાહિત્યના સંપાદનનું મેઘાણી નું પહેલું પુસ્તક ‘ડોશીમાની વાતો’ પ્રગટ થયુ 1923માં, પણ સાહિત્યજગતમાં મેઘાણીને લોકસાહિત્યના સંપાદક—સંશોધક તરીકે માનભર્યું સ્થાન અપાવ્યું તે તો 1923થી 1927 દરમિયાન પ્રગટ થયેલ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ના પાંચ ભાગે. ‘રસધાર’ ના પહેલા ભાગની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે સંપાદક તરીકે મેઘાણીનું નહીં પણ સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિરનું નામ મૂકવામાં આવેલું. આ અંગે છાપાં અને સામયિકોમાં ચર્ચા અને ઊહાપોહ થયા પછી બીજો ભાગ પ્રગટ થયો ત્યારે સંપાદક તરીકે મેઘાણીનું નામ મૂકવામાં આવ્યું. ‘રસધાર’ની લગભગ સો જેટલી વાર્તાઓમાં સોરઠી જનસમાજ, જનજીવન અને જનબોલીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે તો ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (1927, 1928, 1929) મા બહારવટિયાઓની જીવનકથા દસ્તાવેજી રૂપે પણ રસસભર રીતે રજૂ કરી છે. ‘કંકાવટી’ ભાગ-2 (1927-28) મા છેંતાળીસ જેટલી વ્રતકથાઓનું સંપાદન આગલાં બે પુસ્તકોને મુકાબલે વધુ શાસ્ત્રીય રીતે કરવામાં આવ્યું છે. ‘રંગ છે બારોટ’ (1945) માં બાળભોગ્ય વાર્તાઓ સંગ્રહાઇ છે તો ‘સોરઠી સંતો’ (1928) અને પુરાતન જ્યોત’(1938) માં લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે.

રઢિયાળી રાત

લોકસાહિત્યના સંપાદક-સંશોધક તરીકે મેઘાણીની ગતિ લોકકથાથી લોકગીતો તરફની રહી હશે એમ લાગે છે. પોતે નોંધે છે: ”લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી. તે તરફ ગયેલો કથાસાહિત્ય માટે, પણ આંટો નિષ્ફળ લાગ્યો. મેરાણીઓના રાસડા વિશે બહુ સાંભળેલું. પ્રત્યક્ષ સાંભળવા મન કર્યું. ઘણી મહેનત કરે. તેમાં કેટ્લો કેટ્લો નાસીપાસ થયા પછી એક બહેન એવી મળી કે જેણે પોણી રાત જાગીને સંભળાવ્યાં. એ રાત નહીં ભૂલું.”

એ અવિસ્મરણીય રાતે પછી તો, ‘રઢિયાળી રાત’ ભાગ 1-4 (1925-1942) ‘ચૂંદડી’ભાગ’ 1-2 (1928-1929) ‘હાલરડાં’ (1928), ‘ઋતુગીતો’ (1929), સોરઠી સંતવાણી’ (1947), સોરઠિયા દુહા (1947) જેવાં લોકગીતોનાં સંપાદનોને જન્મ આપ્યો. આ સંપાદનોમાં હાલરડાંથી માંડીને મરશિયા સુધીનાં અનેક પ્રકારનાં લોકગીતોનું વર્ગીકૃત સંકલન છે, જેમાં આ લોક તેમ જ પરલોકનાં ચિત્ર અને ચિંતા જોવા મળે છે. આ બધાં ગીતો એકઠાં કરતાં પહેલાં મેઘાણી ગામડે ગામડે ફર્યા છે—આજની પરિભાષામાં કહીએ તો તેમણે ક્ષેત્રકાર્ય કર્યું છે—પછી સામગ્રીનાં તુલના, પરિશોધન, સમાલોચન, વર્ગીકરણ વગેરે કર્યા છે.આ બધું કરતાં તેમાં દિલની દાઝ અને ધગશ ભળ્યાં છે. ક્યાંક શાસ્ત્રીયતાને પાછલી બેઠકે બેસવું પડ્યું હોય એવું પણ બન્યું છે, પણ મેઘાણીની દૃષ્ટિ કદાચ જે લોકોનું છે તે એકઠું કરી, થોડું માંજી, ફરી લોકો સમક્ષ તેને રજૂ કરવાની રહી છે. સંશોધક દૃષ્ટિ તેમનામાં છે ખરી, પણ સૂકાભઠ્ઠ સંશોધનમાં તેમને કદાચ ઝાઝો રસ નથી, એમનું સંશોધન એ આજની પરિભાષામાં કદાચ ‘ઍપ્લાઇડ રિસર્ચ’ છે.

લોકસાહિત્યના સમાલોચક કથા અને કવિતા, લોકસાહિત્યની આ બે મુખ્ય ધારાઓનું સંશોધન અને સંપાદન જ મેઘાણીએ નથી કર્યું, એમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું વિવેચન પણ કર્યું છે. તેમનાં ઘણાંખરાં સંપાદનોમાં આગળ વિસ્તૃત પ્રવેશક તેઓ જોડતા આપ્યો છે. ‘ચારણો અને ચારણી સાહિત્ય’ જેમાં પુસ્તકની સામગ્રીના વિવેચન ઉપરાંત ઘણી વાર કોઇ ને કોઇ તાત્વિક કે સૈધ્ધાંતિક મુદ્દો પણ છેડતા. તેમના આવા પ્રવેશકો તથા અન્ય લખાણો ‘લોકસાહિત્ય: ધરતીનું ધાવણ’ ભાગ 1-2 (1939, 1944) માં સમાવવામાં આવ્યાં છે. ‘લોકસાહિત્ય : પગદંડીનો પથ’ ની ધારાનો પ્રાચીન કાળથી શરૂ કરી પરિચય આપ્યો છે. ‘ચારણો અને ચારણી સાહિત્ય’ (1943) માં ચારણ કોમ અને તેના જીવન તથા સાહિત્યનો પરિચય આપ્યો છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (1946) લોકસાહિત્ય, તેના સંપાદન-સંશોધન, તેના વિવેચન વગેરે અનેક પ્રશ્નોની ચર્ચા કરતાં પાંચ વ્યાખ્યાનોનો સંગ્રહ છે.

લોકસાહિત્યના કુશળ પારેખ

લોકસાહિત્યના સંપાદન-સંશોધન અને વિવેચનના ક્ષેત્રે મેઘાણીએ જે કામ કર્યું છે તેમાં મર્યાદા નથી એમ તો કહેવાનું ન જ હોય. તેમના જમાનાના જ્ઞાન-વિજ્ઞાન અને જાણકારીની મર્યાદાને કારણે એમાંની કેટલીક મર્યાદા આવી છે તો કેટલીક મેઘાણીની પ્રકૃતિજન્ય પણ છે. પણ મેઘાણી લોક-સાહિત્યના કેવા તો કુશળ પારેખ હતા એ દર્શાવતો એક પ્રસંગ દુલા કાગે નોંધ્યો છે.: “રસધાર લખાતી હતી. પોરસાવાળા દુહા થોડા વધારે મળે તો ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલો. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે ! વળતાં એમનો કાગળ આવ્યો કે ‘દુલાભાઇ ! આ દોહા જો તમારા લખેલા હોય તો થોડાક વધારે લખી નાખો ને !” કાગળ વાંચી હું તો ઠરી ગયો કે, વાહ મેઘાણી ! ક્યા પુણ્યથી પ્રભુ માણસને આવી અક્કલ આપી દેતો હશે ? પછી તો આગળના અને મારા રચેલા નવા દુહા ઘણા કવિમિત્રોને મેં મોકલ્યાકે આમાંથી નવા દુહા શોધી કાઢો, પણ એક મેઘાણી સિવાય કોઇથી એ બની શક્યું નથી.”

ચારણોનો ટપાલી

લોકસાહિત્યની પરખની સાથોસાથ તેની રજૂઆતની કલા પણ મેઘાણીએ કેળવી, કહો કે મેળવી હતી. આથી જ અખિલ હિંદ ચારણ સંમેલનના રાજકોટ અધિવેશન વખતે, બે હજાર જેટલા ચારણોની હાજરીમાં પોણા બે કલાક સુધી મેઘાણીએ ચારણી કથાઓ રજૂ કરી હતી. મેઘાણી બેસી ગયા પછી લીંબડીના રાજકવિ શંકરદાનજી એમને ભેટી પડ્યા અને કહ્યું: ”મેઘાણી ! કળજુગ આવ્યો લાગે છે ! એ સિવાય કાંઇ વાણીયો ગાય અને બે હજાર ચારણો ચૂપચાપ ઘેટાં જેમ સાંભળે એ બને ખરું ?”ત્યારે મેઘાણી સાચકલી નમ્રતાથી કહે છે : ”મુરબ્બી ! આ તો આપનું જ છે. હું તો ચારણોનો ટપાલી છું; બધે પહોંચાડું છું.” મેઘાણી ગયા પછી ગુજરાતનું લોકસાહિત્ય આવા બીજા ટપાલીની રાહ જોતું આજ સુધી હતું ત્યાં જ ઊભું છે.

મેઘાણીએ જો માત્ર લોકસાહિત્યનું સંપાદન-સંશોધન – વિવેચન જ કર્યું હોત તો તેઓ અભ્યાસી કે પંડિત બન્યા હોત. પણ લોકસંસ્કૃતિનો રંગ મેઘાણીના લોહીના લાલ રંગમાં ભળી ગયો હતો અને એટલે તેમણે કવિતા અને ગદ્યમાં જે કાંઇ મૌલિક લેખન કર્યું તેમાં પણ લોકસંસ્કૃતિ, લોકજીવન, લોકબાની અને લોકસાહિત્યનો પાસ લાગ્યા વગર રહ્યો નથી. તે એટલે સુધી કે રવીંદ્રનાથ ટાગોરની કવિતાના કે યુરોપીય સાહિત્યની કોઇ કૃતિના અનુવાદ તેઓ કરે છે ત્યારે પણ મોટે ભાગે સૌરાષ્ટ્રના લોકસાહિત્યના વાઘા પહેરાવીને જ તેને આપણી સમક્ષ રજૂ કરે છે.

બાળભોગ્ય અને સ્ત્રીભોગ્ય ગીતો

લોકસાહિત્યના રંગનો પાસ આમ તો મેઘાણીએ જે કાંઇ લખ્યું છે તેને ઓછે વત્તે અંશે લાગેલો જોવા મળે છે, પણ એ પાસ સૌથી વધુ ખીલે છે અને ખૂલે છે તે તો તેમની કવિતામાં. ‘વેણીનાં ફૂલ’ (1923) એ મેઘાણીનો પહેલો ગીતસંગ્રહ. લોકગીતોની હરોળમાં બેસી શકે તેવાં બાળભોગ્ય અને સ્ત્રીભોગ્ય ગીતો રચવાની અહીં તેમની નેમ છે. ’કિલ્લોલ’ (1930) એ પણ ‘વેણીનાં ફૂલ’નો સંગોત્ર સંગ્રહ છે. આ બે સંગ્રહોમાંનાં કેટલાંક ગીતો તો એક જમાનામાં આપણા સમાજમાં એટલાં પ્રચલિત થયાં હતાં કે તેના પરની મેઘાણીના કર્તૃત્વની છાપ ભૂંસાઇને તે લોકગીતો હોય એવો ભાસ થવા લાગ્યો હતો. આવો કેટલાંક ગીતો એટલે

મારે ઘેર આવજે, બેની ! નાની તારી ગૂંથવા વેણી
* *
નીંદરભરી રે ગુલાલે ભરી,
બેનીબાની આંખડી નીંદરભરી.
નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
અકાશી હીંચકાની હોડી કરી.
* *
હાં રે દોસ્ત !હાલો દાદાજીના દેશમાં,
પ્રેમસાગર પરભુજીના દેશમાં
* *
આભમાં આવડી શી ફૂલવાડી,
કે ફૂલડાં કોણે વાવ્યાં રે લોલ !
* *
ભેટે ઝૂલે છે તલવાર: વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂલે છે તલવાર: બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
* *
કોણે નીંદરડી ચોરી,
હો બેની !તારી કોણે નીંદરડી ચોરી ?
થાક્યાં તાણીને તારી દોરી,
હો બેની !તારી કોણે નીંદરડી ચોરી ?
* *
આભમાં ઊગેલ ચાંદલો,
ને જીજીબાઇને આવ્યાં બાળ—
બાળુડાને માત હીંચોળે:
ધણધણ ડુંગરા બોલે !
શિવજીને નીંદરું ના’વે:
માતા જીજીબાઇ ઝુલાવે.

1935માં મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ પ્રગટ થયો ત્યારે ગુજરાતના જીવનમાં ગાંધીજીની બોલબાલા હતી. કવિ તરીકે મેઘાણી ગાંધીજી અને બળવંતરાય ઠાકોરની કવિતા કે કાવ્યવિચારણાથી ઉફરા જ ચાલે છે. લોકસાહિત્યને અનુષંગે ગેયતા જેની રગેરગમાં વ્યાપી ગઇ હોય એ કવિ એમ ન કરે તો જ નવાઇ. અગેય કે છંદોબધ્ધ કવિતા લખવાનું મેઘાણી માટે તે ઝાઝું મુશ્કેલ ન બન્યું હોત એમ 1916 માં લખાયેલ તેમનું એક કાવ્ય જોતાં લાગે. ‘નિહાળું છું આજે જગત રમતી મંગલ પ્રભા’ પંક્તિથી શરૂ થતા આ કાવ્ય અંગે ઉમાશંકર જોશી કહે છે: ”જાણે ‘કાન્ત ’ જેવા કવિની કલમમાંથી નિર્ઝરેલું કાવ્ય. આ શિખરણીનો સરળ, ગંભીર છંદોલય જોતાં તો એમ થાય કે મેઘાણીએ છંદોબધ્ધ કાવ્યો રચવાનું જ રાખ્યું હોત તો એ જાતની કવિતામાં એ ઉતકૃષ્ટ ફાળો આપી શક્યા હોત.”

પણ એમ થયું નહીં કારણ મેઘાણીએ તો પોતાનું કાળજું લોકસાહિત્યના વડલાની ડાળે હંમેશને માટે મૂકી દીધું હતું. પણ લોકગમ્ય કવિતાના ક્ષેત્રે પણ મેઘાણી માટે મેદાન મોકળું નહોતું. પોતાની ગઝાલો દ્વારા કલાપી અને રાસ અને ગીતો દ્વારા ન્હાનાલાલ લોકહૃદ્ય અને લોકકંઠ સુધી પહોંચી ચૂક્યા હતા. અને છતાં મેઘાણી આ કવિઓની વચ્ચે પોતાનો માર્ગ કરી શક્યા એટ્લું જ નહીં, લોકહૃદયના સિંહાસન સુધી એમનાં કેટલાંક કાવ્યો તો પહોંચી જ શક્યાં એનું એક મુખ્ય કારણ પોતાના યુગની ચેતનાના તાર સાથે કવિ મેઘાણીના તારનો પૂરેપૂરો સંવાદ સધાયો હતો તે. ‘એકતારો’ (1940) માં એ ચાલુ રહ્યો. યુગચેતના સાથેનું મેઘાણીનું આ અનુસંધાન તે રોજના બનાવોનો પડઘો પાડતાં છાપાંનું અનુસંધાન નથી. યુગચેતના સાથે જો એક તાર મેળવાયો છે તો બીજો તાર માનવહ્રદયના કેટલાક મૂળભૂત ભાવો સાથે પણ મેળવાયેલો છે. આથી એક તરફ મેઘાણીનાં ગીતો તેમને ગાંધીજી જેવા પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’ નું બિરુદ અપાવે છે તો બીજી તરફ ગાંધીજી અને ગાંધીયુગની વિદાય પછી પણ લાંબો વખત ટકી રહે તેવાં, ભલે થોડાંક, પણ ગીતો ય અપાવે છે. ગાંધીયુગમાં આ પ્રકારનાં કાવ્યો બીજા કવિઓને હાથે લખાયાં જ નથી એવું તો નથી, પણ આ પ્રકારનાં કાવ્યોમાંથી ભલે બેપાંચ, પણ લાંબો વખત ટકી રહે એવાં જો કોઇ કાવ્યો હોય તો એ મેઘાણીનાં જ હોવાનો સંભવ વધુ છે. મેઘાણીનાં આવાં દીર્ઘજીવી કાવ્યોમાં કદાચ આ કાવ્યોનો સમાવેશ થઇ શકે :

ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
* *
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !
યારો ફનાના પંથ પર આગે કદમ !
* *
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિરને જીવતાંનાં આંસુડાંઓ;
સમર્પણ એ સહુ તારે કદમ પ્યારો પ્રભુ ઓ !
* *
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનાર ! અંજલિ નવ ઢોળજો બાપુ !
* *
રક્ત ટપકતી સો સો ઝોળી સમરંગણથી આવે,
કેસરવરણી સમર-સેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.
* *
જાગો જગના ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશ્ક્ત !
ઇંસાફી તખ્ત પર કરાલ કાલ જાગે.
* *
મોરલા હો ! મુને થોડી ઘડી તારો આપ આષાઢીલો કંઠ;
ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાદ પાડી લઉં.
* *
બાઇ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,
ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી; છૂંદાવો આછાં છૂંદણાં હો જી.
* *
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી !
મુરદાં મસાણેથી જાગતાં –એવી શબ્દમા શી સુધા ભરી !
* *
માતા ! તારો બેટડો આવે:
આશાહીન એકલો આવે.
જો જો ! મારો બેટડો આવે.
સંદેશાઓ ખેપિયા લાવે.
* *
ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે–
ઓતરાદા વાયરા ઊઠો !
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
ઓતરાદા વાયરા ઊઠો !
* *
ઘણરે બોલે ને એરણ સાંભળે હો….જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો….જી.
* *
ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના
પ્રાણ ધનિકોને હાથ રમે–
ત્યારે હાય રે હાય કવિ ! તને
પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !
* *
દૂધાવાળો આવે :
ઘંટડી બજાવે :
દૂધ મીઠાં લાવે :
જોઇ સિનેમા માંડ સૂતા’તાં:
ઊઠવું કેમ ભાવે !
હાય રે પીટ્યો દૂધવાળો
ઘંટડી બજાવે !
* *
ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયું બેઠું’તું;
એકલવાયું બેઠું’તું
ને સૂરજ સામે જોતું’તું ;
સૂરજ સામે જોતું’તું ને
ઝીણું ઝીણું રોતું’તું.
* *
દીઠી સાંતાલની નારી – રે આજ દીઠી સાંતાલની નારી;
શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી, દીઠી સાંતાલની નારી.
* *
ગાજે ગગને મેહુલિયા રે,
વાજે વરસાદ ઝડી :
નદી-પૂર ઘૂઘવિયાંરે,
કાંથે બેઠી એકલડી:
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી
* *
નવાં કલેવર ધરો, હંસલા ! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગંધાઇ, સાફ ચદરિયાં ધરો
હંસલા ! નવાં કલેવર ધરો.
* *
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે
રે પ્રાણ જાગો ધીરે.
* *
મોર બની થનગાટ કરે,
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહું ઓર,
મારું મન મોર બની થનગાટ કરે,
* *
કવિરાજ ! ગઇ તમ સાંજ પડી,
તમ કેશ વિશે પડિયાં પળિયાં,
હજી તોય નભે નિજ નેન લગાવીને
કેમ ગણ્યા કરો તારલિયા ?
કે શું સાદ પડે જમરાજ તણા—
પરકાળની વાત વિચારી રિયા ?
* *
કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ.

અનુસર્જનો

અલબત્ત, આમાંનાં કેટલાંક કાવ્યો મેઘાણીનાં સર્વાંશે મૌલિક કાવ્યો કહી શકાય એવાં નથી. તો રૂઢ અર્થમાં તેને અનુવાદ કહી શકાય તેમ પણ નથી. ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’ જેવાં કાવ્યો જેને અનુસર્જન કહી શકાય તે પ્રકારનાં છે. ટાગોરનાં કેટલાંક કાવ્યોનાં આવાં જ અનુસર્જનો મેઘાણીએ ‘રવીન્દ્રવીણા’ (1944) માં ગ્રંથસ્થ કર્યાં છે. આ સંગ્રહનાં કાવ્યોમાં મેઘાણી મોટે ભાગે ભાવ કે પરિસ્થિતિનું કાઠું તો મૂળ કાવ્યનું રાખે છે, પણ તેને ઘાટ પોતીકો આપે છે.’રવીન્દ્રવીણા’ નાં કાવ્યોનાં ભાષા, લય, પ્રતીક વગેરેમાં સૌરાષ્ટ્રના જીવન અને બાનીની છાપ જોવા મળે છે. ટાગોરનાં બંગાળી કાવ્યોને મેઘાણીએ જાણે સૌરાષ્ટ્રની ભૂમિમાં ‘ટ્રાંસ્પ્લાન્ટ’ કર્યાં છે, આમ કરતી વખતે અલબત્ત, મેઘાણી મૂળનું કેટલુંક છોડી દે છે, મૂળમાં ન હોય એવું ગાંઠનું ઉમેરે છે, અને મૂળમાં નવી ભૂમિને માફક એવા ફેરફારો પણ કરે છે. આથી બન્યું છે એવું કે એક પક્ષે ‘આ કાવ્યો જેટલાં ટાગોરનાં છે તેટલાં જ મેઘાણીનાં પણ છે’ એમ કહી મેઘાણીની વિશેષતા બતાવી શકાય તેમ છે તો બીજે પક્ષે અનુવાદકે મૂળ કૃતિ સાથે કેટલી અને કેવી છૂટ લઇ શકે એ અંગે વિવેચકો ચર્ચા કરતા જ આવ્યા છે અને હજી કરતા રહેશે. પણ અનુવાદની પણ જુદી જુદી અવસ્થા સ્વીકારી શકાય; તરજુમો, ભાષાંતર, અનુવાદ, રૂપાંતર, અનુસર્જન. તો પછી એટલું જ કહેવાનું રહે કે ‘રવીન્દ્રવીણા’ ની કૃતિઓ રૂપાંતર કે અનુસર્જનના પ્રકારની છે તેટલી અનુવાદના પ્રકારની નથી. મૂળ કૃતિને આધારરૂપે રાખી નવેસરથી સર્જન કરવાની બલકે અનુસર્જન કરવાની પ્રવૃત્તિ આપણી ભાષામાં કંઇ નહીં તો પ્રેમાનંદના ‘દશમસ્કંધ’ જેટલી જૂની છે. સંસ્કૃતના ‘દશમસ્કંધ’ને ગુજરાતીમાં ઉતારતી વખતે પ્રેમાનંદની જે દૃષ્ટિ રહી હતી તે જ કદાચ ટાગોરનાં કાવ્યોને ગુજરાતીમાં ઉતારતી વખતે મેઘાણીની પણ રહી છે. પ્રેમાનંદ અને મેઘાણી બંને પોતાના ભાવકને સુલભ કરી આપવાનો ઇરાદો ધરાવે છે.

વાર્તાકાર મેઘાણી

‘કુરબાનીની કથાઓ’ (1922) એ મેઘાણીનું સૌથી પહેલું પ્રગટ થયેલું પુસ્તક. ટાગોરની ‘કથા ઓ કાહિની’ ની વાર્તાઓના અનુસર્જન રૂપ આ પુસ્તક. આ સંગ્રહમાંની કથાઓ લખવાને નિમિત્તે તેમ જ લોકકથાઓના સંપાદન – સંશોધનને વિષે મેઘાણીએ વારતા લેખનની હથોટી કેળવી લીધી હતી, પણ તેમનો પહેલો વાર્તાસંગ્રહ બહાર પડ્યો તે તો 1931 માં. આ વર્ષમાં પ્રગટ થયેલ ‘મેઘાણીની નવલિકાઓ’ ના પહેલા ભાગ પછી તેનો બીજો ભાગ 1935માં પ્રગટ થયો. મેઘાણીના અન્ય વાર્તાસંગ્રહો તે ‘વિલોપન’ (1946), ‘જેલ ઑફિસની બારી’(1934), ‘પ્રતિમાઓ’(1934),’પલકારા’(1935), અને ‘દરિયા પારના બહારવટિયા’(1932). આમાં મેઘાણીની મૌલિક વારતાઓ ‘ મેઘાણીની નવલિકાઓ’ અને ‘વિલોપન’ માં જ છે. બાકીના સંગ્રહોમાં જાતાનુભવો, વિદેશી ચલચિત્રો અને એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑફ મૉર્ડન ડેઝ’ ને આધારે લખાયેલી કૃતિઓ છે.

વાર્તાકાર તરીકે મેઘાણી દ્વિરેફને નહીં પણ ધૂમકેતુને અનુસરતા જણાય છે. મેઘાણીને વાત કહેવામાં જેટ્લો રસ છે તેટલો કદાચ તેના સંવિધાનમાં નથી. ક્યાંક હાસ્ય-કટાક્ષના ચમકારા જોવા મળે છે તો ક્યાંક સમાજના સામાન્ય સ્તરનાં પાત્રો માટેની સહાનુકંપા. અસફળ લગ્નજીવન એ પણ મેઘાણીની ઘણી વાર્તાઓના કેન્દ્રમાં રહેલ જોવા મળે છે. ઘણી વાર્તાઓમાં સામાજિક કુરિવાજો કે રૂઢિઓનું ચિત્રણ જોવા મળે છે.

મેઘાણીની વાર્તાઓ એ કદાચ એમના પત્રકારત્વની એક આડપેદાશ છે. આથી તેમની વાર્તાઓ સરાસરી વાચક રસપૂર્વક વાંચી શકે એવી જરૂર બની છે, પણ ગુજરાતી ટૂંકી વાર્તાને એક ડગલું આગળ લઇ જવાનું કામ મેઘાણીની વાર્તાઓ દ્વારા બની શકતું નથી.

નવલકથાકાર મેઘાણી

એમ તો મેઘાણીની નવલકથાઓએ પણ એમના પત્રકારત્વની આડપેદાશરૂપ જ છે. 1932માં ‘ફૂલછાબ’નું પ્રકાશન શરૂ થતાં તેના ભેટપુસ્તક તરીકે નવલકથા આપવાનું નક્કી થયું. આ નવલકથા કોણ લખે, તો કહે મેઘાણી. પહેલી નવલકથા ’સત્યની શોધમાં’ (1932) મેઘાણીની મૌલિક કૃતિ નથી પણ અપ્ટન સિંક્ લૅરની ‘સૅમ્યુઅલ ધ સીકર’ પર આધારિત છે. મૂળ કૃતિ એક કલાકૃતિ કરતાં વધુ તો સામ્યવાદના કેટલાક વિચારોનો પ્રચાર કરનારી છે એટલે આ કૃતિમાં મેઘાણી અને કથાનાયક શામળ જે સત્યની શોધ કરે છે તે પણ સામ્યવાદી વિચારધારાની નજરે દેખાતું સત્ય છે. વળી એ હકીકત પણ નોંધવા જેવી ખરી કે જેમ નવલિકાની બાબતમાં, તેમ નવલકથાની બાબતમાં પણ મેઘાણી શરૂઆત મૌલિક કૃતિથી નહીં, પણ અનુસર્જન કે રૂપાંતરથી કરે છે. ત્રીજી એ વાત પણ નોંધવી જોઇએ કે કંઇ નહીં તો અમુક વર્ષ માટે ગાંધીવાદી વિચારણાની સાથોસાથ મેઘાણી પર સામ્યવાદી વિચારણાનો પ્રભાવ પણ રહ્યો છે. આ પ્રભાવ જેમ આવી રૂપાંતરિત નવલકથામાં જોવા મળે છે તેમ તેમનાં કેટલાંક કાવ્યોમાં પણ જોવા મળે છે.

નિરંજન

’નિરંજન’ (1936) એ મેઘાણીની પહેલી મૌલિક નવલકથા છે. આ કૃતિ પ્રગટ થઇ તે પહેલાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ અને ‘રઢિયાળી રાત’ના કેટલાક ભાગો પ્રગટ થઇ ચૂક્યા હતા. ‘નિરંજન’ નો નાયક કાઠિયાવાડના રાજનગરનો વતની છે ખરો, પણ તે ભણે છે મુંબઇની કૉલેજમાં અને આખી કથા એક કૉલેજિયનના જીવનની કથા જ બની રહે છે. ઠેઠ 1936ના અરસામાં લાલવાણીના પાત્ર દ્વારા આકૃતિમાં મેઘાણીએ સજાતીય આકર્ષણનું આલેખન કર્યું છે એ હકીકત થોડું આશ્ચર્ય ઉપજાવે એવી ગણાય. એકંદરે આખી કૃતિ કૉલેજજીવનની ગંદકી, ગ્રામજીવનની પામરતા અને એક મહાન થવા મથતા પણ નબળા મનોબળવાળા યુવાનનાં મંથનો અને મથામણોને આલેખે છે.

સોરઠ તારાં વહેતાં પાણી

‘સોરઠ તારાં વહેતાં પાણી’ (1937)ને ગુજરાતી ભાષાની પહેલી જનપદી નવલકથા ગણી શકાય તેમ છે. ‘નિરંજન’માં પણ ગ્રામજીવનનું આલેખન તો હતું જ. મેઘાણી જેવા ગ્રામજીવનના જીવની નવલકથામાં તે ન હોય તો જ નવાઇ. પણ ’સોરઠ તારાં વહેતાં પાણી’ ઓગણીસમી સદીના અંતાને વીસમી સદીના આરંભના સંધિકાળ વખતના સોરઠી જનજીવનની વાતાવરપ્રધાન જાનપદી કથા છે. જોકે મેઘાણી પોતે તેને ઇતિહાસકથા તરીકે ઓળખાવે છે : ”એ ઇતિહાસ વ્યક્તિઓનો છે અને નથીયે; પણ સમષ્ટિનો ઇતિહાસ તો એ છે જ છે, કેમ કે ઇતિહાસ જેમા વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઇ શકે છે અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે, જો એ જનસમૂહનો ઇતિહાસ બનવા માગતો હોય તો જ બેશક.” (પ્રસ્તાવના)

વેવિશાળ

‘વેવિશાળ’ (1938) ની પૃષ્ઠભૂમિ પણ સૌરાષ્ટ્રની જ છે. ધનવાન ચંપક શેઠ પોતાના નાનાભાઇની દીકરી સુશીલાનું ગરીબ કુટુંબના સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે. એમની આ ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ કઇ રીતે નિષ્ફળ બનાવે છે એ કૃતિનું મુખ્ય કથાનક છે. કથાનકપ્રધાન આ નવલકથા મેઘાણીની બીજી નવલકથાઓને મુકાબલે કદાચ વધુ સુગ્રથિત છે. પાત્રનિરૂપણ, પ્રસંગચિત્રણ, ભાષા, સંવાદ વગેરે અંગેની મેઘાણીની કુશળતા દર્શાવતી આ નવલકથાને વાચકોનો પ્રેમ પણ પુષ્કળ મળ્યો છે.

તુલસીક્યારો

’વેવિશાળ’માં લેખક ગરીબ પણ સંસ્કારી યુવક તરફ ઢળ્યા છે. અધ્યાપક વીરસુતના પરિવારની આ કથામાં તેની પત્ની કંચન કોઇ અજ્ઞાત વ્યક્તિ સાથેના લગ્નબાહ્ય સંબંધથી સગર્ભા બને છે પણ તેને તરછોડવાને બદલે પરંપરાગત સંસ્કારોની સાથોસાથ વ્યવહારુ દૃષ્ટિ ધરાવતાં વીરસુતનાં કુટુંબીજનો કંચનને કુટુંબમાં સમાવી લે છે.

‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘નિરંજન’, ‘વેવિશાળ’ અને ‘તુલસીક્યારો’ માં નવલકથા લેખે મર્યાદા કે ખામી નથી એમ નહીં, પણ એટલું તો નોંધવું જ જોઇએ કે આ નવલકથાઓ એક જમાનામાં આપણા વાચકોના બહોળા વર્ગને સ્પર્શી શકી હતી. અલબત્ત, જાનપદી નવલકથાની શક્યતાઓનો તાગ લીધો તે તો મેઘાણીના અનુગામી પન્નાલાલ પટેલે, અને પન્નાલલ ઉત્તર ગુજરાતના ગામડાને પોતાની કૃતિઓમાં ઘણી વધુ કલાત્મકતાથી સજીવન કરી શક્યા. પણ અહીં માણસ તરીકેની મેઘાણીની મોટાઇની એક નાનકડી હકીકત પણ નોંધવી જોઇએ.

પન્નાલાલ ને આમંત્રણ

’સોરઠ તારા વહેતા પાણી,’ વેવિશાળ’, ‘તુલસીક્યારો’ જેવી નવલકથાઓ ‘ફૂલછાબ’ માં ધારાવાહિક રૂપે અથવા તેના ભેટપુસ્તક રૂપે પ્રગટ થઇ રહી હતી અને મેઘાણીને નવલકથાકાર તરીકે સારી એવી લોકપ્રિયતા અપાવી રહી હતી. ગ્રામજીવનનું આલેખન એ પોતાની આ કૃતિઓને લોકપ્રિય બનાવવામાં સારો એવો ભાગ ભજવે છે. અને એ ગ્રામજીવન નવલકથાકાર તરીકે પોતાની આગવી વિશિષ્ટતા બની રહે તેમ છે એ હકીકતથી મેઘણી જેવા વિચિક્ષણ માણસ સભાન ન હોય એમ તો ન જ બને. છતાં 1940માં પ્રગટ થયેલ પન્નાલાલ પટેલની લઘુનવલ ‘વળામણાં’થી મેઘાણી એટલા તો આકર્ષાય છે કે પોતાના ‘ફૂલછાબ’ના ભેટપુસ્તક તરીકે આપવા માટે ગ્રામજીવનની એક નવલકથા લખવા માટે તેઓ પન્નાલાલને હોંશભેર આમંત્રણ આપે છે. પન્નાલાલ એ આમંત્રણ સ્વીકારી જે નવલકથા લખે છે તે ‘મળેલા જીવ’ (1941). પોતાના જાતભાઇને વખાણવો અને વધાવવો એટલું જ નહીં, કદાચ એ પોતાનો હરીફ તો નહીં બની બેસે ને એવો વિચાર સુધ્ધાં કર્યા વગર તેને પોતે લખે છે તે પ્રકારની જ નવલકથા લખવા આગ્રહ કરવો – આ હકીકત માણસ તરીકે મેઘાણી કેટલા નિગ્રંથ હતા તે બતાવે છે.

અન્ય નવલકથાઓ

બ્રહ્મદેશમાં જઇ વસેલા ગુજરાતીઓની કથા કહેતી ’પ્રભુ પધાર્યા’ (1943) અને 1940ના દાયકાની કેટલીક સામાજિક સમસ્યાઓને આલેખતી ‘કાળચક્ર’ (1947) એ મેઘાણીની બીજી મૌલિક નવલકથાઓ છે. ‘કાળચક્ર’ એમના અવસાનને કારણે અધૂરી રહી.

સામાજિક નવલકથાઓ ઉપરાંત મેઘાણીએ કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પણ લખી છે જેમાં ‘સમરાંગણ’ (1938), રા’ગંગાજળિયો’ (1939), અને ‘ગુજરાતનો જય’ ભાગ 1-2 (1939,1942)નો સમાવેશ થાય છે. આ કથાઓમાં અનુક્રમે ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર ત્રીજા, જુનાગઢના રા’માંડલિક અને વસ્તુપાલ-તેજપાલનાં જીવન અને કાર્ય કેંદ્ર સ્થાને રહેલાં છે. આ ઉપરાંત અપ્ટન સિંક્ લૅરની ‘લવ્ઝ પિલગ્રિમેજ’ પરથી ‘બીડેલાં દ્વાર’ (1939), વિક્ટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી ‘વસુંધરાનાં વહાલા દવલાં’ (1937) અને હૉલ કેઇનની ‘ધ માસ્ટર ઑફ મૅન’ને આધારે ‘અપરાધી’ (1938) જેવી નવલકથા પણ મેઘાણીએ લખી છે.

માણસાઇના દીવા

જેને ન તો નવલિકા કહી શકાય ન નવલકથ, એવા મેઘાણીના એક વિલક્ષણ પુસ્તકને પણ અહીં જ સંભારી લઇએ. ‘માણસાઇના દીવા’ (1945)માં નવલકથાનો રસ છે, પણ તેની કાલ્પનિક સૃષ્ટિ નથી. ગાંધીવાદી લોકસેવક રવિશંકર મહારાજે પોતાના અનુભવો મેઘાણીને કહ્યા તે અહીં મેઘાણીએ શબ્દબધ્ધ કર્યા છે. પણ મેઘાણીની ભૂમિકા માત્ર વૃત્તાંતનિવેદક (રિપોર્ટર) ની નથી. પ્રસંગોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો અહીં મેઘાણીનો પ્રયત્ન છે છતાં તેમનામાં રહેલી સર્જકતા પોતાનો પ્રભાવ પાડ્યા વગર રહેતી નથી. ગુજરાતની ગુનેગાર ગણાતી કેટલીક જાતિઓનાં શૌર્ય, પરાક્રમ, ખુમારી, ખાનદાની અને વિપરીત સંજોગો વચ્ચે પણ ઝળકતી માણસાઇ—આ બધાંના ચિત્રની સાથોસાથ આખા પુસ્તકમાંથી રવિશંકર મહારાજનું એક સાચકલું ચિત્ર ઊભું થાય છે.

અન્ય પુસ્તકો

મેઘાણીએ વ્યવસ્થિત રીતે પોતાની આત્મકથા લખી નથી, પણ તેમના જીવન અંગેની કેટલીક માહિતી તેમનાં જુદાં જુદાં પુસ્તકોમાંથી મળી રહે તેમ છે. ‘પરકમ્મા’ (1946) અને ‘છેલ્લું પ્રયાણ’ (1947) માં લોકસાહિત્યના સંપાદન અને સંશોધન અંગેના પોતાના પ્રયત્નોની કેટલ્લીક વિગતો તેમણે આપી છે. ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (1948) તેમના કૌટુંબિક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરવાની તક આપતા 176 પત્રોનું સંકલન છે. ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ (1928) અને ‘સોરઠને તીરે તીરે’ (1933) સોરઠનો ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય આપતા પ્રવાસગ્રંથો છે. ‘વેરાનમાં’ (1939), ‘પરિભ્રમણ’ ભાગ 1 – 2 – 3 (1944-1947) અને ‘સાંબેલાના સૂર’(1944) એ મેઘાણીના લેખ સંગ્રહો છે. ‘વેરાનમાં’ પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં રેખાચિત્રો નો સંગ્રહ છે. ‘જન્મભૂમિ – પ્રવાસી’ ની ‘કલમ અને કિતાબ’ કટારમાંના લેખો ‘પરિભ્રમણ’ના ત્રણ ભાગમાં સંગ્રહાયા છે, અને ‘સાંબેલાના સૂર’માં ‘શાણા’ ના ઉપનામથી લખેલા કટાક્ષપ્રધાન લેખો એકઠા કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત મેઘાણીએ દ્વિજેન્દ્રલાલ રૉયનાં બે બંગાળી નાટકોનો અનુવાદ ‘રાણો પ્રતાપ’ (1923) અને ‘શાહજહાં’ (1927) અને ટાગોરના પદ્યનાટકનો અનુવાદ ‘રાજા-રાણી’ (1926) આપ્યા છે. તો ‘વંઠેલાં’માં મેઘાણીનાં ત્રણ મૌલિક એકાંકી સંગ્રહાયા છે

કલકત્તની નોકરી છોડીને આવ્યા ત્યારથી જીવનના અંત સુધી મેઘાણી વ્યવસાયે પત્રકાર રહ્યા છે. પત્રકારને માટે અનિવાર્ય એવું સામયિક પ્રસંગો કે વ્યક્તિઓ વિશેનું લેખન મેઘાણીને પણ કરવું પડ્યું છે. આમાંનું મોટા ભાગનું લેખન ‘ફૂલછાબ’ ગ્રંથમાળાની પુસ્તિકાઓ રૂપે પ્રગટ થયું છે. મેઘાણીના આ પ્રકારના લેખનમાં ‘બે દેશદીપક’ ‘ઠક્કરબાપા’, ‘મરેલાંનાં રુધિર’, ‘અકબાર્ની યાદમાં’, ‘દયાનંદ સરસ્વતી’, ‘એશિયાનું કલંક’, ‘હંગેરીનો તારણહાર’, ‘ભારતનો મહાવીર’, ‘ભારતનો મહાવીર પાડોશી’, ’ધ્વજમિલાપ’ જેવી પુસ્તિકાઓનો સમાવેશ થાય છે.

પત્રકારી જમાતના સાહિત્યકાર

પોતાના જમાનામાં જ મેઘાણી અત્યંત લોકપ્રિય થયા હતા, પણ એનો અર્થ એવો નથી કે અન્ય સાહિત્યકારો કે વિવેચકોની ટીકાના ભોગ તેમને બનવું જ નહોતું પદ્યું. વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકે તેમને ‘પત્રકારી જમાતના સાહિત્યકાર’ તરીકે ઓળખાવ્યા હતા. મેઘાણીની નવલકથાઓ જ નહીં પણ બીજુંય ઘણું લેખન એ છાપાંના તકાદાનું પરિણામ છે અને તેથી નિર્ભેળ સાહિત્યકૃતિઓનું સર્જન મેઘાણીને હાથે ભાગ્યે જ થયું છે એમ પણ તેમનું માનવું હતું.

તો મેઘાણીને મૌલિક કૃતિના સર્જન કરતાં રૂપાંતર કે અનુસર્જનની ફાવટ વધારે છે તેનું કારણ તેમની સર્જક પ્રતિભાની મર્યાદા છે એમ પણ કેટલાકે કહેલું. પરિશ્રમનું ગૌરવ મેઘાણીનું હૃદય સંવેદનપટુ હતું એટલે ટીકા કે વિવાદથી અકળાતા ખરા, પણ પોતાનું સંતુલન ભાગ્યે જ ગુમાવતા. આવી ટીકાઓનો જવાબ આપતાં મેઘાણી કહે છે :

“પરિશ્રમ—હા, એ મેં કર્યો છે. કદી પણ દિલચોરી રાખી નથી. સહેલાઇથી અને સસ્તે ભાવે સાહિત્ય સર્જાવી નાખવામાં મેં માન્યું નથી. અને એવા સતત પરિશ્રમની વચ્ચે મેં કોઇ પણ બાહ્ય પ્રલોભનને આવવા દીધું નથી. સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝાઅની કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્ત્વકાંક્ષા, બંધારણો અને વાદોના ઝગડા— એ બધી સાહિત્યના તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓના રૂપમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે. એમાં તેઓ જ પડે છે, જેમને પરિશ્રમપૂર્ણ ‘ટેબલ-વર્ક’ પાલવતું નથી.”

કવિ તરીકે મેઘાણીએ પોતાની યુગચેતનાને સૌથી વધુ બુલંદ રીતે વાચા આપતી કવિતા લખી. આ પ્રકારની જે કવિતા ગાંધીયુગ માં લખાઇ છે તેમાંથી જો થોડાંઘણાં કાવ્યો પણ દીર્ઘજીવી થવાને નિર્માયાં હશે તો તેમાં મેઘાણીનાં કાવ્યોની સંખ્યા કદાચ સૌથી વધુ હશે. અનુવાદક મેઘાણીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના તથા કેટલાંક વિદેશી કાવ્યોના વિલક્ષણ કહી શકાય એવા અનુવાદો આપ્યા તો સાથે સાથે ‘શાહજહાં’ જેવા નાટકનો સ્મરણીય અનુવાદ પણ આપ્યો. નવલકથાકાર તરીકે મેઘાણીએ જાનપદી નવલકથાની નવી દિશા ખોલી આપી અને વાર્તાકાર લેખે ધૂમકેતુના પ્રવાહને આગળ લંબાવ્યો. રૂઢ અર્થમાં મેઘાણીને ભલે વિવેચક ન પણ કહી શકાય,, પણ વર્ષો સુધી પોતાની ‘કલમ અને કિતાબ’ કટાર દ્વારા સાહિત્ય અને ભાવક વચ્ચે સમજણનો સેતુ બાંધવાનું ઉપયોગી કાર્ય તેમણે કર્યું. પત્રકાર તરીકે મેઘાણી એ વ્યવસાયની મર્યાદાઓથી સર્વાંશે મુક્ત નહોતા છતાં દેશ અને ગુજરાત જ્યારે આઝાદીની લડતના છેલ્લા અને અત્યંત મહત્ત્વના તબક્કામાંથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમણે રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલું પત્રકારત્વ નિર્ભીકતાથી ખેડ્યું –અંગત લાભ કે ગેરલાભની ગણતરી કર્યા વિના.

“કયાં ગયો પેલો લોકસાહિત્યવાળો?”

પચાસ વર્ષના આયુષ્યમાં લેખનનો કાળ તો માંડ પચીસ વર્ષનો. આ પચીસ વર્ષમાં મેઘાણીએ આટલું જ કર્યું હોત તોપણ તે ઓછું ન કહેવાત.પણ આ બધાંથી ચડી જાય તેવું ગુજરાતી સાહિત્યમાં માત્ર અપૂર્વ જ નહીં પણ આજ સુધી અનન્ય રહ્યું છે તેવું કામ પણ મેઘાણીએ કર્યું અને એ કામ તે લોકસાહિત્યના સંપાદન, સંશોધન, પ્રકાશન અને પ્રચાર-પ્રસારનું. મેઘાણીના અવસાન પછી લખાયેલા અંજલિ-લેખમાં ઉમાશંકર જોશીએ નોંધ્યું છે કે પોતે વારંવાર મેઘાણીને કહેતા :”ક્યામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે, ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો?એમ પડશે.” અને પછી ઉમાશંકર ઉમેરે છે :”સાંભળીને હસતા હસતા એ કહેતા કે, એવી જ બૂમ પડે એમ મારી અંતરની આકાંક્ષા છે.” મેઘાણીની ભવ્ય મુખાકૃતિ આજે નથી, તેમનો આષાઢી મોરલાંનો કંઠ આજે નથી, તેમના વ્યક્તિત્વની ભૂરકી આજે નથી, છતાં મેઘાણીની કલમ અને કિતાબનો કસૂંબલ રંગ હજી ઊપટ્યો નથી તેથી જ આજે પણ મેઘાણી પોતાના ભાવકોને મીથી હલકથી સાદ પાડીને જાણે કહી રહ્યા છે :

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા :રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ.

અને એ ભાવકો પણ મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસૂંબલ રંગના પ્યાલા આજ સુધી પીતા રહ્યા છે અને મેઘાણીના જ શબ્દોમાં કહી રહ્યા છે :
લાગ્યો કસુંબીનો રંગ,

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ…… ’

અક્ષરનાદ તરફથી લોકસાહિત્યના પ્રહરીને, શ્રી ઝવેરચંદ મેઘાણીને તેમની જન્મજયંતિના અવસરે સાદર અનેકો વંદન.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “ઝવેરચંદ મેઘાણી : જીવન અને કવન… – દીપક મહેતા

 • Gamara jigneah

  નમસ્કાર સાહેબ ઝવેરચંદ મેઘાણી ની જન્મ તારીખમાં ભૂલ આપેલ છે

 • Varsha sorthiya

  ,, અરે વાહ. બહુ જ સરસ માહિતી આપી
  મેઘાણી ને મારા લાખ લાખ વંદન.

  મળેલા જીવ.. ખરેખર વાંચવા. જેવી હો

 • ભરવાડ ગોપાલ

  વાહ!!! ખૂબ જ સરસ ..અને આ અમૃત જેવી માહિતી ને મીડિયા દ્વારા અમારા સુધી પહોંચાડવા બદલ હું અક્ષર નાદ નો આભાર માનું છું…. “પહાડનું બાળક ” હજી સાહિત્ય પ્રેમી ઓ ના દિલ માં જીવંત જ છે…

 • Umedbhai khetabhai prajapati

  Khub..Sundar loc sahitya nu vivaran..thayel se..Dil..thi..abhinadan..umedbhai prajapati.patan..goli goli pyala bhariya..vavan karava Mali..sau megani premi o ne vanda…

  • D. N. Rachhadiya

   મેઘાણીજીના જીવન અને તેમના ગુજરાતી ભાષામાં સાહિત્યપ્રદાન વિશે ખૂબ જ તલસ્પર્શી માહિતી બદલ જેટલો આભાર માનો તેટલો ઓછો છે…તેમના જીવન અને સાહિત્યપ્રદાન બાબતે કેટલીયે માહિતી પ્રથમ વખત જાણવા મળી…ખૂબ જ સરસ..

 • AksharNaad.com Post author

  પ્રિય અલકેશ ભાઈ,

  આપની વાત તદ્દન સાચી છે, એ જરૂરી ઉમેરો કરી દીધો છે, આપની અવલોકન ક્ષમતા કાબિલેદાદ છે.

  સૂચન બદલ આભાર

  જીજ્ઞેશ અધ્યારૂ

 • Alkesh

  દીપકભાઈ, ગોપાલભાઈ તેમજ અક્ષરનાદનો ખૂબ આભાર. ગુજરાતી સાહિત્યકારો આ રીતે રૂ-બ-રૂ થતા રહે તો દરેક પેઢીને ગમશે.
  માત્ર એક શંકા વ્યક્ત કરું છું, જે કદાચ મારું અજ્ઞાન પણ હોઈ શકે… આખા લેખમાં “લિ હું આવું છું” નો ઉલ્લેખ નથી. આમ તો મને ખબર છે કે એ પુસ્તક મેઘાણીસાહેબની વિદાય પછી ઘણું મોડું પ્રકાશિત થયું છે અને તેમાં તેમના પત્રોનો સમાવેશ છે, પરંતુ શું આ વિશાળ માહિતીસભર લેખમાં તેનો ઉલ્લેખ કરવા જેવો નહોતો!? મારી સમજ એવી છે કે મેઘાણીસાહેબ કલકત્તાથી પરત આવવાના હતા ત્યારે તેમણે એક પત્ર લખ્યો હતો, ત્યારબાદ તેમના અન્ય પત્રોનું સંકલન કરીને આ પુસ્તક બન્યું હતું. મારી ગેરસમજ દૂર થશે તેવી અપેક્ષા સાથે…
  અલકેશ

 • Pushpakant Talati

  સરસ – ખુબજ સરસ – કોઈ વિષે જાણવુ હોય ત કોઈ કેટલુ જાણી શકે ?
  શ્રી ઝવેરચન્દ મેઘાણી વિષે આ તો ગાગર માઁ જ સાગર સમાવી દીધો હોય તેવુઁ ભાષે છે.
  આવા માહિતી સભર ARTICLE આપતા રહો તેવી ઈચ્છા છે.