કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં, રાજ્યમાં અને દેશમાં એવું કહેવામાં આવે કે, ‘ધર્માંતરણ કરો, મૃત્યુ પામો અથવા ભાગી જાવ.’ તો તમને કેવું લાગે? ચોક્કસથી ખૂબ જ ગુસ્સો આવે અને તમે એવું જ કહો કે, “મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું? મારો ધર્મ જ મારું ગુમાન છે. જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને કેમ મારી નાખશે? શું તેમનો ધર્મ તેમને આવી હિંસા શીખવે છે?
હું મારા પૂર્વજોની આ પંડિતાઈથી કેમ ભાગી જાઉં, મેં કોઈ ગુનો નથી કર્યો.’ આવું ઘણું બધું તમે વિચારી શકો. પરંતુ હકીકતમાં આવી કમનસીબ ઘટના બની હોય અને તમને આ ઘટનાની કોઈ જ જાણકારી પણ ન હોય એવું પણ બની શકે છે. વર્ષ ૧૯૯૦ના જાન્યુઆરી મહિનામાં આપણા જ હિન્દુ ભાઈઓ અને બહેનો પર કાશ્મીરમાં આવો અત્યાચાર થયો હતો. આ આપણાં ‘કાશ્મીરી હિન્દુઓએ ગુમાવેલા ઘરની વ્યથાની કથા’ એટલે રાહુલ પંડિતા દ્વારા લિખીત અને ગુજરાતી ભાષામાં જેલમ વ્હોરા દ્વારા અનુવાદિત પુસ્તક ‘અમારું રક્તરંજિત વતન.’
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત આ પુસ્તકના અંગ્રેજી સંસ્કરણને ક્રોસવર્ડ બુક અવોડૅ વર્ષ ૨૦૧૩ પણ મળ્યો છે. આ પુસ્તકના લેખક શ્રી રાહુલ પંડિતાનો જન્મ કાશ્મીરમાં થયો હતો. રાહુલ પંડિતા માત્ર ચૌદ વર્ષના હતાં જ્યારે તેમને અને તેમના પરિવારને બળજબરીપૂર્વક એમનું શ્રીનગરનું ઘર છોડવું પડયું. એ લોકો કાશ્મીરી પંડિતો હતા – કાશ્મીરની મુસ્લિમ બહુમતી વચ્ચે વસતી હિન્દુ લઘુમતી. વર્ષ ૧૯૯૦ સુધીમાં કાશ્મીરનો બહુમતી સમાજ ભારતથી ‘આઝાદી’ મેળવવા માટે ઉગ્ર રીતે આંદોલન કરતો થઈ ગયો હતો.
આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરનારા શ્રી જેલમ વ્હોરા પ્રસ્તાવનામાં લખે છે, “આ પુસ્તકમાં એવો ઈતિહાસ છે જેને આપણે સૌએ ભારત દેશનો ઈતિહાસ વાંચતી વખતે સંપૂર્ણપણે અવગણ્યો છે. આપણા રાજકારણીઓ દેશના લઘુમતી સમુદાયોને પોતાના મત સાચવવા માટે બહુ છાવરતા હોય છે ત્યારે અહીં એક એવા લઘુમતી સમુદાયની વાત છે જેના આશરે ચાર લાખ લોકો છેલ્લા ત્રણ દાયકાથી પોતાના જ ઘર અને પોતાના જ વતન પાછા ફરવા ઝંખી રહ્યા છે. એક સમુદાય જે પોતાના જ દેશમાં ‘રેફ્યુજી’ બનીને જીવી રહ્યો છે. એક એવો સમુદાય જેઓ પોતાના જ વતનમાં ‘પ્રવાસી’ બનીને જઈ શકે છે, પણ કાયમ માટે પોતાના ઘેર પાછા ફરવું એ એમના માટે સ્વપ્ન સમાન છે. એક સમુદાય જે પોતાનો ધર્મ બચાવવા રાતોરાત બધું જ મૂકીને પલાયન થયો હતો. એ સમુદાય છે કાશ્મીરી પંડિતોનો.”
‘અમારું રક્તરંજિત વતન’ એ કાશ્મીરના ઈતિહાસનું એક એવું અવગણાયેલું પાનું છે જેમાં ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા હજારો કાશ્મીરી પંડિતોને મારી, રિબાવીને એમનું ઘર છોડીને ચાલ્યા જવા દબાણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાંથી સાડા ત્રણ લાખ કરતાં પણ વધુ પંડિતોએ હિજરત કરી. અને આજે લગભગ ત્રણ દાયકા પછી પણ આ સમુદાય પોતાના જ દેશમાં રેફ્યુજી ( સ્થળાંતરીત ) બનીને જીવી રહ્યો છે. શ્રીમાન પંડિતાએ વાચકો સમક્ષ કાશ્મીરના ઈતિહાસ, લઘુમતી તરીકે પંડિતોની સ્થિતિ અને સંઘર્ષ તેમજ ઘર છોડ્યાં પછીની યાતનાઓનું અત્યંત અંગત, શક્તિશાળી, અનિવાર્ય અને વિચલિત કરી મૂકે તેવું વર્ણન કર્યું છે.
પુસ્તકના કેટલાંક વિધાનો વાંચીને તે વખતની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.
- “માત્ર મજા કરવા માટે થઈને છાણમૂત્ર ભરેલો જગ પંડિતના માથે મૂકવામાં આવતો અને મુસલમાન એ તૂટે નહિ ત્યાં સુધી એના પર પથ્થરમારો કરતાં; અને કમનસીબ પંડિતનો ચહેરો શરમ અને છાણમૂત્રથી ઢંકાઈ જતો.”
- “કોઈ પણ મુસલમાન કોઈ પંડિતને મળતો તો તેના માથે ચડી જતો અને સવારી કરતો.”
- “અમારે કાશ્મીરને પાકિસ્તાન બનાવી દેવું છે, પંડિત પુરુષો વગર, પણ પંડિત સ્ત્રીઓ સાથે.”
- “શ્રીનગરમાં રામાયણ અને મહાભારતના પ્રસારણ સમયે તેઓ ઈરાદાપૂર્વક પાવર કટ કરી દેતાં.”
- “ડોક્ટરે આતંકવાદીઓ દ્વારા ઘાયલ થયેલા પંડિતોની સારવારની ના પાડી દીધી હોય એવી અનેક ઘટનાઓ બની હતી.”
- “આક્રમણકારોના હુમલાના સમયગાળામાં હજારો પંડિતોનું બળજબરીપૂર્વક સામૂહિક ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.”
આપણા કાશ્મીરના ઈતિહાસનું આવું અવગણિત પાનાં રુપી ખૂબ જ સંવેદનશીલ આ પુસ્તક દરેક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ જરુરથી વાંચવું જ રહ્યું.
પુસ્તક પરિચય : રિપલકુમાર પરીખ, લેખ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.
ઓહ!! શું લખું?? હજુ પણ ઘણી જગ્યા પર કાશ્મીર ફાઈલ જેવું જ બનવા માંડ્યું છે… આગળ શું થશે?? એ તો વિધાતા જ જાણે.!
શ્રી જીગ્નેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.