(નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈ.સ 1414માં સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં થયો હતો. નરસૈયાએ આશરે 1200થી પણ વધારે પદોનું સર્જન કર્યું જેમાં શ્રીકૃષ્ણની ભક્તિને રજૂ કરતા આત્મકથાનક પુત્રીનું મારેરુ, હુંડી, સુદામા ચરિત્ર, પુત્ર વિવાહ જગપ્રસિદ્ધ છે. ઈ.સ 1480માં આ આદ્યકવિનું નિધન થયું.) જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે… કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ… નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ… રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો… મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો… લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ… શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ… ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો… બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો… નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે, મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે… બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને, અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને… થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…