૧૯૩૦માં સાબરમતી જેલમાં સાંજની પ્રાર્થનામાં એકવાર એક સિંધી ભજન સાંભળવા મળ્યું. જિંદગીભર એની ભૂરકી અનુભવ્યા કરી છે. ગાનાર હતા ભાઈ જયન્તીલાલ આચાર્ય. કરાંચીની શાળાના શિક્ષક અને કવિ ગાયક. મીઠો, બુલંદ સ્વર, અંદર હૃદય રેડે. પ્રાર્થનાને અંતે એ ‘જનગણમન’ ગાય. વીસ વરસ પહેલાં એમણે તો એને જાણે કે રાષ્ટ્રગીતને પદે સ્થાપ્યું હતું. ભજનો રોજ જુદાં જુદાં હોય. એક સાંજે ‘તેરા મકાન આલા’ છેડયું અને સૌ મંત્રમુગ્ધ બની ગયા. એકેએક શબ્દ પૂરેપૂરો સમજાયો એમ નહીં કહી શકાય, પણ મૂળ ભાવ તરત પકડાઈ જાય એવો હતો. હે પ્રભુ, તારું મકાન ઉત્તમ છે (આપણે ‘આલા દરજ્જાનું’ કહીએ છીએ ને ?) ભવ્ય છે. આમ કહીને આપણને કોઈ મહાલય બતાવવાનો પ્રયત્ન થયો નથી. બલકે પછીથી આવતા શબ્દો તો કહે છે કે ‘જિત્થે કિત્થે વસી ભી તૂં’ જ્યાં ને ત્યાં તું જ વસી રહ્યો છે. આ સામેના કોઈ એક સાત માળના કે એથીય ઉંચા મકાનમાં તું વસે છે એમ કોઈ એક ઈમારતની વાત જ નથી. જ્યાં જોઈએ ત્યાં, બધે જ, તું વસે છે એવી ખાતરી થાય છે તેની અહીં વાત છે- આ તો નવી નવાઈનું મકાન. માટેસ્તો સૌથી ઉત્તમ, સૌથી ન્યારું, સૌથી ભવ્ય. તેરા મકાન આલા, જિત્થે કિત્થે વસી ભી તૂ. તેરા. ભક્તહૃદયને પ્રતીતિ થઈ છે કે હે પ્રભુ, બધે તું જ તું છે. આ વાત એના હૃદયમાં માતી નથી. કોઈકને એ વીનવે છે. જરીક આવો તો, અહીં, ત્યાં બધે ફરીએ, જોઈએ. જુઓ તો, તમને પણ મારા જેવી જ અનુભૂતિ થાય છે ને ? પહેલાં તો ઊભા હતા ત્યાં જ લટાર મારતાં મારતાં ઊંચે નજર કરી, આકાશમાં. હલો તો આસમાન વેખૂં, આગા, હલી પસૂં, આસમાન મિડયોહિ તારા, […]