
ચાંચુડા મહાદેવ મંદિર, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટની જેટ્ટી પાસેની ટેકરી પર આવેલુ અને હાલમાં જ જિર્ણોદ્ધાર પામેલું શિવાલય.
૧. શંકર સમર્થ દાતા…
શંકર સમર્થ દાતા, સુણો અરજી અમારી,
ચરણોમાં સદા રાખો, દોષો બધા નિવારી.
અંતરમાં આશ ધરી આવ્યો છું પાસ તારી,
નિરાશ નહીં કરશો જગન્નાથ જટાધારી… શંકર.
હું મંદ બુદ્ધિ માનવ, શક્તિ શું જાણું તારી,
પણ એક વાત જાણું, ભક્તોની નાવ તારી… શંકર.
ગુણગાન તારાં ગાતાં, વિદ્વાન વેદ ધારી,
હું શું તને વખાણું, સ્તુતિ કરું શું તારી… શંકર.
અર્પીને પુષ્પ પાણી, મેં આરતી ઉતારી,
હું શું તને સમર્પું, પોતે જ છું ભિખારી… શંકર.
મન વચન કર્મમાં, જે હોય ક્ષતિ મારી,
એ ક્ષમ્ય ભાવનાએ, જો જો જગત વિહારી… શંકર.
સુત નાર ને સગામાં, વિવેકને વિસારી,
ભણવાનું ખરું ભૂલ્યો, ભક્તિ ભૂલ્યો તમારી… શંકર.
આશીષ ઈશ આપો, સેવા કરું તમારી,
ને સત્ય સાધનામાં ખરચું બધી ખુમારી… શંકર.
૨. માનવને માર્ગ બતાવો
ઉલટી વહેતી જગની ગંગા,
શિવ એને સમજાવો, માનવને માર્ગ બતાવો.
વાયુ બદલ્યા, વર્ષા બદલી, બદલી મેઘની દ્રષ્ટિ,
રિદ્ધિ સિદ્ધિ રીસાઈ ચાલી, સુકી બની ગઈ સૃષ્ટિ,
હરીયાળી ફરી બનાવો, માનવને માર્ગ બતાવો.
ગુણ તણાં ગૌરવ ખોવાણાં, માન વધ્યાં છે ધનનાં,
રોટી વિનાનાં રડી રહ્યાં છે, બાળક ગરીબ જનનાં,
ભૂખ્યાની ભૂખ મિટાવો, માનવને માર્ગ બતાવો.
ઘરઘરમાં ઝઘડા જાગ્યા, માનવતા મોંઘી થઈ છે,
દુઃખના દાવાનળમાં આજે શાન્તિ સળગી રહી છે.
આવીને આગ બુઝાવો, માનવને માર્ગ બતાવો.
પ્રલય પૂરમાં વિશ્વ તણાતું, ક્યાં જઈ અટકે નથી જણાતું,
ઘોર તાંડવે ઘેરી લીધો, જગનો ઝાઝો ભાગ,
શિવશંકર શુભ દિન લાવો, માનવને માર્ગ બતાવો.
– સ્વ. શ્રી મૂળશંકર પ્રેમજી જોશી.
મુંબઈના અગ્રગણ્ય વિસ્તાર એવા મૂળજી જેઠા માર્કેટમાં ચંપાગલી નામના વિસ્તારમાં આશરે ઇ.સ. ૧૯૩૫માં શ્રી શિવશંકર પુરુષોત્તમ જોશીએ ‘દિવ્યપ્રભા હિન્દુ લોજ’ શરૂ કરી. એ લોજમાં ભાવનગર સ્ટેટના એક નાનકડા ગામડામાંથી મુંબઈ આવીને શ્રી મૂળશંકર પ્રેમજી જોશી નોકરીએ રહ્યા. સાંસારિક જવાબદારીઓ નિભાવવાની હતી એટલે કમાવા માટેનો આ માર્ગ તેમણે અપનાવ્યો, પરંતુ બાળપણથી પ્રભુભક્તિમાં રસતરબોળ મન અહીં પણ પ્રભાવ બતાવવા માંડ્યું. મુંબઈ વસતા અમારા વડીલો યાદ કરે છે તેમ તેમના માતા-પિતા ઘણી વખત દિવ્યપ્રભા લોજમાં સાંજના સમયે મૂળશંકરભાઈના ભજનો સાંભળવા જતા. નાનપણથી માતાપિતા ગુમાવ્યા હોવા છતાં, સંસ્કારોને આધીન શ્રી મૂળશંકરભાઈએ અનેક ખ્યાતનામ ભજનોની રચના કરી છે જે આજે ભારતભરમાં – વિશ્વમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગવાય છે પણ તેના રચયિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે.
શ્રી મૂળશંકરભાઈ જોશીની મુખ્ય રચનાઓમાં ‘શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી…’, ‘હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી…’, ‘છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય…’, ‘શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું…’, ‘નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર…’, ‘હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…’ જેવા કુલ ૬૩ ભજનો તેમના દ્વારા રચાયેલા છે. આ ભજનોનો સંચય એવી દિવ્યપ્રભાવ શિવસ્તવન મુક્તાવલીની પુસ્તિકા શ્રી મૂળશંકરભાઈ જોશીની દીકરીના પુત્ર શ્રી વિનયભાઈ ઓઝાએ અક્ષરનાદને પાઠવી છે.
આપણા સૌ માટે આ ગર્વની અને ભક્તિની ઘડી છે. આવા અપ્રાપ્ય સંચયો ઑનલાઈન મૂકવા મળે છે એ અક્ષરનાદનું સદભાગ્ય છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં ટાઈપ થઈને ઉપલબ્ધ થાય ત્યાં સુધી એમાંથી ભજનોનો પ્રસાદ લઈએ. એ જ અંતર્ગત આજે પ્રસ્તુત છે ઉપરોક્ત બે શિવભજનો. મહાશિવરાત્રીના પર્વ પર આ ભજનો ભોળાશંભુને શિવાર્પણ.
શિવ ની સમાધિ
મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..
સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે
દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…
દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે
કાર્તિક કેરી કીર્તિ સવાઈ, નવખંડ નમનું કરે…
સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને
ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…
નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે
સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…
મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે
“કેદાર” કહે ના ધરી છે સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે..
સાર:-મેં એક વાત સાંભળે લી કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેના મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમારા બે માં મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ વિસાત માં ?) મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં શિવજી પ્રગટ થયા અને બન્નેનો “મોટું કોણ” ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા.
આ પ્રસંગ ગઈ કાલના “લાઈફ ઓકે”ચેનલના “દેવોં કે દેવ મહાદેવ” ના એપીસોડમાં બતાવ્યો જેનો ઉલ્લેખ મેં મારી રચનામાં કરેલોછે.
શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિનો બીજો અવતાર જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે.
મોટા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય ના સેના પતી. એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા. તેથી માતાએ તેમને પહેલાં પરણાવવાનું વચન આપ્યું. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને વિજેતા ઘોસિત થયેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા.
બીજા પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે યોગ્ય નથી.) જે ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન, જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે, દેખાવ હાથી જેવો પણ વાહન માં મુષક, જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો, રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન.
શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે. નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.
કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.
અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.
શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય, અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ ધ્યાન એ રાખે છે.
જય ભોળા નાથ.
રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ -કચ્છ
http://www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫
બહુ નામી શિવ
સાખી..
કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…
શિવ શંકર સુખકારી ભોલે…
મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..
ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..
ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…
વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…
મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….
ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
દાસ “કેદાર” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
માનવને માર્ગ બતાવે તે મહામાનવ …પડતું હોય ત્યારે સઘળું પડતું હોય છે…છતાં લાખો નિરાશામાં અમર આશા છુપાએલી હોય છે…પ્રશ્નો થાય છે કે માનવી બુદ્ધિશાળી હોવા છતાં તેની ગંગા ઉલટી દિશામાં શાં માટે વહે છે? કથિત શિક્ષિત, પ્રજ્ઞાવાન, ડાહ્યો, શાનો, રેશનલ માનવી આવું શાં માટે કરે છે?
શિવ જો જીવ ને માર્ગ બતાવે તો ન્યાલ થઇ જવાય…પણ ન્યાલ થતા અટકાવે છે કોણ? એ ઈશ્વરીય કાર્ય કરનારાઓને વંદન. હદ.
સરસ માહિતી મલિ. યુગ પુરૂષ ને વદૅન
વાહ ! તમે ‘ડાયસ્પોરા’નું પડ જાગતું કર્યું. મુંબઈના મારા દિવસો વેળા અા અને અાવા પદો સાંભળ્યા કરતો. તમે મારી ગઈ કાલ સંભારી અાપી.
મૂળશંકરભાઈ જોશીએ સારી ભજન-કૃિતઅો અાપી છે. બહુ જ સરસ.