રવિસાહેબના ત્રણ ભજનો… (Audio / Video) 4


શ્રી મોરારીબાપુ દ્વારા સંતવાણી – સંતસાહિત્યના ગાયકો, વાદકો અને વિદ્વાનોને સન્માનવા માટે યોજાતા સંતવાણી એવોર્ડ કાર્યક્રમમાં નવેમ્બર ૨૦૧૨માં યોજાયેલ સંતવાણી વિચારગોષ્ઠી અને પુરસ્કાર વિતરણ પછી સંતવાણી કાર્યક્રમ દરમ્યાન સંતશ્રી ભાણસાહેબ સમાધિસ્થાન, કમિજલા (તા. વિરમગામ) ના મહંત શ્રી જાનકીદાસજીબાપુ સાથે આવેલા કેશવપુરા ગામના સેનવા સમાજના દેશી ભજનિકોમાં ચાર સગા ભાઈઓ હતા. કાર્યક્રમ દરમ્યાન આ ભાઈઓ, શ્રી જેઠાભાઈ મકવાણા, શ્રી વીઠાભાઈ મકવાણા અને શ્રી કાવાભાઈ મકવાણાએ સંતવાણીની સરવાણી રેલાવી હતી તેમાંના ત્રણ ભજનો આજે અહીં મૂક્યા છે. રવિસાહેબના આ ભજનો અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુનો ખૂબ ખૂબ આભાર અને વંદન.

૧. ભેદ અગમરા બૂઝોને સાધુ હો જી..

ભેદ અગમરા બૂઝોને સાધુ હો જી..
ભેદ અગમરા કહોને સાધુ હો જી..

હાં, કેમ કરીને સતગુરુ સમરિયે હો જી, કેમ કરીને લીજીયે નામા,
ક્યા મૂળકા દેખિયે રે જી, હે કહાં સે આતમરામા… ભેદ અગમરા..

હો શ્વાસ ઉસાસે સતગુરુ સમરિયે હે જી, અહોનિશ લીજીયે નામા
નૂરત સૂરતકા ખેલ દેખિયે, ઘટોઘટ આતમરામા… ભેદ અગમરા..

કિયાં વીજ માહીં કરે ઝબકારા, હો ક્યાંથી જ્યોતું જાગે,
કોણ મંડળમાં નોબત વાગે, તખત આપ બિરાજે… ભેદ અગમરા..

હાં આપ તેજસે વીજ કરે ઝબકારા, ત્રિકુટિ જ્યોતું જાગે,
ગગન મંડળમાં નોબતું વાગે, તખત આપ બિરાજે… ભેદ અગમરા..

કિયાંથી આવ્યા, કિયાં જવાના, કિયા છે તમારા ધામા,
આ રે કાયા તો પડી જાવાની તમે છોડ બતાવો ઠામા… ભેદ અગમરા..

હમ હૈ આદુસે આયા, અમરાપર હૈ ધામા,
ચડી સુરત અસમાન ચડાવી, બ્રહ્મ હમેરા ઠામા… ભેદ અગમરા..

કોન શબદકી ધૂન લગાવું, ઓહંગ નામ નિરધારા,
ખેમ સાહેબ રવિસાહેબને પૂછે, તમે ઘટમાં ખેલો છો કે બારા… ભેદ અગમરા..

હાં, સત શબદકી ધૂન લગાવું, ઓહંગ નામ નિરધારા,
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, ઓહમ સોહમ હૈ અપારા… ભેદ અગમરા..

શ્રી નિરંજનભાઈની વેબસાઈટ આનંદ આશ્રમ પરથી આ ભજન સાંભળવા અહીં ક્લિક કરીને પહોંચી શકાય છે.

૨. લગા કલેજે છેદ ગુરુકા

લગા કલેજે છેદ ગુરુકા, વેદ ન જાણે એની વાતું..
લગા કલેજે છેદ ગુરુકા, વેદ ન જાણે એની વાતું..

પતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પિયુકી વાતું.
વ્યભિચારિણી હીંડે વલખતી, અણ લેખે ખાવે લાતું… લગા કલેજે છેદ ગુરુકા…

તુટી પડે ધરણી આકાશા, સૂકાઈ જાયે સમદર સાતું,
તો હું ન બીછુવા હોય પિયાસે, નિરભે નેહ તણું નાતું… લગા કલેજે છેદ ગુરુકા…

પલ પલ મેરે પિયાજી કું નિરખું, ખંડીત ન હોય દિવસ રાતું,
તીન ભવન મેં જાકા ઉજીયારા અહોનીશ વરસત હૈ સ્વાતું… લગા કલેજે છેદ ગુરુકા…

પ્રેમગલીમેં પિયા કું પામી, કોટિ સૂરજકી ન્યાં ક્રાંતુ,
પાપ પૂન્ય મિટ ગિયાં સજની, ભૂલી સરવે દૂજી ભ્રાંતું… લગા કલેજે છેદ ગુરુકા…

તાળી લાગી ભ્રમણા ભાંગી રે, તારે તારે મિલિયું તાંતું,
કહે રવિદાસ મેં સખી સદગુરુ કી, મન ન દોડે હવે દૂજે ધાતું… લગા કલેજે છેદ ગુરુકા…

શ્રી ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરૂની અનોખી અને સંતસાહિત્યથી સમૃદ્ધ વેબસાઈટ પર અનેક આવા ભજનો ઑડીયો સ્વરૂપે સાંભળી શકાય છે. અહીં ક્લિક કરીને તેમની વેબસાઈટ પરથી ઉપરોક્ત ભજન આપ સાંભળી શક્શો. અરજણ ભગતના સ્વરમાં ઉપરોક્ત ભજન મનના તાર ન રણઝણાવે તો જ નવાઈ !

૩. તણખો પડ્યો ને ઘર બાળ્યું

એ જી એવો તણખો પડ્યો ને ઘર બાળ્યું,
રવિ ક્યે છે, સોજાળ્યું, બધું મેં પરજાળ્યું રે જી.

બેની રે મારી, મેં તો માતા રે મારી, પિતા બેઠો પરવારી..
રવિ રે કહે છે મને દુનિયા લાગે છે ખારી ખારી.. સોજાળ્યું, બધું મેં પરજાળ્યું રે જી.

ભાઈ રે માર્યા મેં તો ભડ રે સરીખા, ખોદી ને કાઢેલી જડું રે,
રવિ કહે હું જઈ બેઠો દરિયાને તીરે, રોઈ રે રોઈને દલ વાળ્યું.. સોજાળ્યું, બધું મેં પરજાળ્યું રે જી.

મામા રે માર્યા મેં તો મહિપત સરિખા, પીલીને કાઢેલા ધાણા,
રવિ રે કહે મારા મટી ગિયા તાણા ને વાણા.. સોજાળ્યું, બધું મેં પરજાળ્યું રે જી.

ભાઈ રે માર્યા મેં તો ભતરીજા માર્યા, કુટુંબના કરેલા કટકા,
કહે રવિરામ ગુરુ ભાણના પરતાપે મને રંગના ચડિયલ ચટકાં.. સોજાળ્યું, બધું મેં પરજાળ્યું રે જી.

જુઓ આ ભજન વિડીયો જે શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ દ્વારા અપલોડ કરાયો છે.

[youtube http://www.youtube.com/watch?v=hG8KYNF62zg]


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “રવિસાહેબના ત્રણ ભજનો… (Audio / Video)