૧.
મન રે રામભક્તિ કર સાચી,
સદગુરૂ સંત ઓર રામભક્તિ વિણ, તબ લગ મતિ સબ કાચી
જોગી જંગમ સેવક થાકે, જીવ જીવ કરી રહ્યા તારી;
સંન્યાસી દરવેશ હી હારે, વાંકો ન ચડી પ્રેમ ખુમારી.
જ્ઞાન કથંતા જ્ઞાની અળસાયે, પ્રવૃત્તિએ પછાડ્યા;
ધ્યાન ધરતા ધ્યાની અળસાયે, લીધા શિર પર ભારા.
બ્રહ્મ કથંતા બ્રહ્મ જ્ઞાની થકીઆ, બાંધ્યા જુદા અખાડા,
એક કહે પણ દ્વૈત ન છૂટે, વર્તમાન માંહી હાર્યા.
કાજી મુલ્લા ઓલિયા અળસાયે, પંડિત પઢતા પુરાણા,
કાવ્ય કવિત કહી કવિ અળસાયે, દાતા થાક્યા અભિમાના.
જહાં અદ્વૈત તહાં દ્વૈત ન ભાસે, સો સંત કહીએ શૂરા,
કહે રવિદાસ દ્રષ્ટ સમાના, રમતા રામ ભરપૂરા.
૨.
સંતો ધોખા બડા ધુતારા,
ધોખા આવ્યા તબ ધિરજ નાઠી, ઊઠા તબ અહંકારા,
દુગ્ધા આવી દિલમાં દઝાડે, ઈર્ષા આંખો કાઢે;
કુમતિ આવી કરે કફરાના, કાળ હાથ પછાડે.
શોક આવી શરીરકો ઘેરે, હરખ કરાવે હાંસી,
મોહ આવીને કરે મલિના, કુબુદ્ધિ પાડે ચોરાશી.
અવગુણ વચ્ચે અંતરાય કરીયા, પ્રકૃતિએ વાળ્યા વાડા;
સવળા સામા અવળા બોલે, હરિભક્તિસે આડા.
ધોખો ને સાંસો બેઉ બંધુ, દેખે સરખે સરખા;
ભૂંડી ભોંયે જઈને ભડ બેઠા, કરે નરના ભરખા.
સદગુરૂ શબ્દે ધ્યાન લગાવે, ઉલટા ધોખાકો ધૂતા;
કહે રવિરામ આત્મ એક દરસે, સો સદગુરૂકા સપૂતા.
૩.
સંતો હમ ભેદીકે ભેદ, જૂઠા જ્ઞાની કથત હે વેદી.
ખટશાસ્ત્રકા મત હે જુદા, બોલે ન્યારા ન્યારા;
ગૂંગળા જ્ઞાનમેં ગુણી ગૂંથાયા, અંતર રહ્યા ઉધારા.
કોઈ સંસ્કૃત કોઈ પ્રાકૃત વખાણે, વચને વાડા વાળે;
સમજ્યા વિના કરે સંવાદા, સબહી ઘેર્યા કાળે.
સગુણ કહે શ્રીકૃષ્ણ પૂર્ણ હે, નિર્ગુણ કહે નિર્વાણા;
એહી સંસારમેં સબ જુગ ભૂલ્યા, ડૂબ મુઆ અભિમાના.
સગુણ સરૂપી સેવા વખાણે, નિર્ગુણી શૂન્ય ઠેરાવે,
નિરંતર રમતા રામ જાણ્યા વિણ, દોનું રીતો જાવે.
સગુણ નિર્ગુણ ઘર હૈ ન્યારા, સો અસ્થિર ઘર હમારા,
કહે રવિદાસ આપકુ બૂઝે, સો સદગુરૂકા પ્યારા.
– રવિ સાહેબ
રવિ સાહેબના નામથી ગુજરાત – સૌરાષ્ટ્રમાઁ ભાગ્યે જ કોઈ અજાણ હશે. રવિસાહેબના ભજનો આપણી ગ્રામજનતામાં ઠેરઠેર કઁઠઃસ્થ સ્વરૂપે પણ મળી આવે છે એવી તેની અસર અને પહોઁચ અનુભવાય છે. આજે રવિસાહેબની આવી જ ત્રણ સુંદર ભક્તિરચનાઓ પ્રસ્તુત છે. ૧) મન રે રામભક્તિ કર સાચી, ૨) સંતો ધોખા બડા ધુતારા અને ૩) સંતો હમ ભેદીકે ભેદ, જૂઠા જ્ઞાની કથત હે વેદી પ્રસ્તુત કર્યા છે. આશા છે કે શ્રાવણમાસના આ અનેરા પર્વ પર ભક્તિરચનાઓ સમયોચિત પ્રસ્તુતિ થઈ રહેશે.
અદભૂત. સાચા સતગુરુની વાણી. સમજે તેનો બેડો પાર, ન સમજો તો ફેરા વારંવાર.