હરીની હાટડીએ મારે… – પિંગળશી ગઢવી, આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ 12


હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ મારે.

પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું… હરીની હાટડીએ મારે.

ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ્યું ઓલા હાથીડાને મણ્યું… હરીની હાટડીએ મારે.

ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું… હરીની હાટડીએ મારે.

– પિંગળશી ગઢવી

શ્રી પિંગળશી ગઢવીની આ રચના આપણા ગામઠી સમાજની ભાષામાં સહજ રીતે શ્રદ્ધાનો વિસ્તાર દર્શાવતી અનોખી કૃતિ છે. ગયા મહીને ગાડીમાં વડોદરાથી મહુવા આવતી વખતે ડ્રાઈવરે શ્રી માયાભાઈ આહીરની ઑડીયો સીડી ખરીદીને વગાડી તેમાં આ સુંદર ભજનગીત મળ્યું, ને ટપકાવી લીધું. વિચારતા લાગ્યું કે કવિ કેવી સરળ રીતે ઈશ્વર સાથેના સતત સંસર્ગને, તેના પરની શ્રદ્ધાને વર્ણવી જાય છે? ઈશ્વરને ભજવામાં, તેને સ્મરવામાં કોઈ બંધન હોતા નથી, પછી તે સમયના હોય, સ્થળના હોય કે ઈશ્વરસ્મરણની રીતના હોય.

અમારી કાઠીયાવાડી ભાષાનો શબ્દ હટાણું, જેનો અર્થ થાય છે બજારકામ અથવા ખરીદી અને હાટડી એટલે ગુજરી બજારમાંની નાનકડી દુકાન. અહીં કવિ આ શબ્દોને ઈશ્વર સાથે કેવી રીતે સાંકળી લે છે? તેઓ કહે છે કે હરીની હાટડીએ તેમને કાયમ ખરીદી કરવા જવાનું હોય છે. હરિ તે કંઈ દુકાન ખોલીને બેઠા છે, ત્યાં તે કાંઈ ખરીદી હોતી હશે?

અહીં દુન્યવી ખરીદીની વાત નથી, વાત છે શ્રદ્ધાની, આસ્થાની. ઈશ્વર કાંઈ હાટડીએ તેમની કૃપાનું વેચાણ નથી કરતા, એમને તો જોઈએ છે શ્રદ્ધાનું ચલણ અને આસ્થાવાન ગ્રાહક. ભાણદેવજીના એક પુસ્તકમાં સરસ ઉદાહરણ આવે છે – શ્રીરામ જ્યારે જનમ્યા ત્યારથી લઈને તેઓ મોટા થયા ત્યાં સુધી તે સતત કૈકયી પાસે રહેતા, કૌશલ્યા કરતા વધુ સમય તેઓ કૈકયીને આપતા, સાથે કૈકયીની માનીતી મંથરા પણ સતત રામના સહવાસમાં રહેવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શકી હતી, છતાંય શ્રીરામની હાટડીએથી તેણે ભક્તિ કે શ્રદ્ધા ખર્ચીને કૃપાનું જરા જેટલું પણ હટાણું કરવાની પાત્રતા દેખાડી નહીં, જ્યારે વર્ષો તેમની રાહ જોઈ રહેલી શબરીએ ફક્ત થોડીક ક્ષણોમાં જીવનભરનું ભાથું બાંધી લીધું. પ્રતાપ રામ સાથેના સંસર્ગનો જ હોય તો એ અવસર મંથરાને શબરી કરતા ક્યાંય વધુ સમય સુધી મળ્યો હતો, પરંતુ મુખ્ય વાત હતી શ્રદ્ધાની. રામભક્તિ પામવા માટે હાટડીમાં જે ચલણ જોઈએ તે મંથરા પાસે નહીં, શબરી પાસે હતું, હનુમાન પાસે હતું, જટાયુ પાસે હતું, વિભીષણ પાસે હતું. આ બધા હરીની હાટડીના મુખ્ય હટાણું કરનારાઓ. જ્યારે કૈકયી, મંથરા, વાલી, રાવણ અને મારીચ જેવાઓને એ અવસર મળવા છતાં તેઓ ખરીદી ન કરી શક્યા.

ખરીદી શબ્દ કરતા હટાણું કેટલો પ્રિય શબ્દ લાગે છે, જાણે શહેરના કોઈ મૉલમાં અને ગામડાના નાનકડા મેળામાં ઉભી કરાયેલી કોઈક એવા જ ગામઠી વ્યાપારીની હાટડી. કવિ હરીના મૉલમાંની એરકન્ડિશન્ડ દુકાનમાં શૉપિંગ કરવાની વાત નથી કરતા, એ ગામડાની કોઈક નાનકડી દુકાનને જુએ છે જ્યાં હટાણું કરવાની – ઈશ્વરપ્રાપ્તિની વાત છે. એક અર્થ એમ પણ થાય કે ભપકો અને દેખાડો નહીં, પરંતુ સાદગી અને ત્યાગ જ ઈશ્વરની સમીપ લઈ જાય છે. કવિ કેટલા થોડાક શબ્દોમાં ઘણું બધું કહી જાય છે?

ગીતામાં કૃષ્ણનો ઉપદેશ અર્જુનને કર્મયોગી અને કર્તવ્યપરાયણ બનાવવાનો છે. પરંતુ અર્જુન અને શબરીની ભક્તિમાં મૂળભૂત ફરક છે. બંનેને અલગ અલગ હેતુઓથી ઈશ્વરનું સામિપ્ય જોઈએ છે. શબરીના આશ્રમે તેને દર્શન આપ્યા પછી અને તેના એંઠા બોર ચાખ્યા પછી રામ તેને નવધાભક્તિ સમજાવે છે, કદાચ ઈતિહાસનો એવો એકમાત્ર પ્રસંગ જ્યાં ઈશ્વર ભક્તને દર્શન આપીને ભક્તિ કરવાનો પ્રકાર સમજાવતા હોય, એ ભક્ત માટે નથી, પરંતુ ઈશ્વર તેમના અન્ય ભક્તોને પ્રાયોગિક રીતે સાચો માર્ગ ચીંધે છે. શ્રી રામ શબરીને કહે છે,

“કહ રઘુપતિ સુનુ ભામિની માતા,
માની એક ભગતિ કર નાતા !”

શ્રીરામ કહે છે – ‘હે શબરીજી, હું તો ફક્ત એક ભક્તિના સંબંધને જ સાચો માનું છું.’ આગળ કહે છે,

“ભગતિહીન નર સોહૈ કૈસા?
બિનુ જલ બારિદ દેખિઅ જૈસા.”

“મિસ્ટીક ઈન્ડિયા” નામની દિલ્હીના શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દર્શાવાતી આઈમેક્સ ફિલ્મમાં એક સરસ ઉદાહરણ આવે છે, જેમાં બાળ નીલકંઠ એક સાધુને પૂછે છે કે લોખંડ પાણીમાં કઈ રીતે તરી શકે?’ સાધુ ઘણો સમય ઉત્તર શોધે છે, પણ નથી મળતો. અંતે નીલકંઠ તેમને કહે છે કે લોખંડનું કડું જો લાકડા પર ભરાવેલું હોય તો લાકડાની સાથે સાથે તે પણ પાણીમાં તરતું રહી શકે. માણસનું પણ કંઈક આવું જ નથી. દરેક મુસીબતમાં, દરેક અવઢવમાં, દરેક તકલીફમાં તેને કોઈક આશરો – અવલંબન જોઈએ જ છે ને ! મુસીબતમાં ઈશ્વર જેટલા યાદ આવે છે એટલા ખુશી- સુખના સમયે આવે છે ખરાં ? સુખનો સ્ટૉક પૂરો થાય પછી જ આપણે હરીની હાટડી તરફ જઈએ છીએ… જ્યારે ઘણાં એ જ હાટડીએથી જન્મોજનમનું, મુક્તિનું ભાથું બાંધી લે છે.

ઈશ્વર વગર માંગ્યે જ બધું આપી દે છે, કવિ કહે છે કે તેના દરબારમાં માંગવાની જરૂરત નથી હોતી, મંદિરની બહાર ઉભેલા ભિક્ષુક કરતા મંદિરની અંદર હાથ જોડીને ઈશ્વર પાસે અનેકવિધ વસ્તુઓ માંગતા ધનિકને વધુ ગરીબ ગણાય તેવી આ હાટડી છે. પેલો ગરીબ તો ધનવાન પાસે માંગે છે, તેને વિશ્વાસ છે કે ઈશ્વરની પાસે કશુંય માંગવાની જરૂરત નથી, તેના દરવાજે ફક્ત ઉભા રહેવાથી જરૂરતનું બધુંય મળી જશે, પરંતુ ઈશ્વરના દરબારમાં આવીને પણ દુન્યવી વસ્તુઓ માંગતો પેલો ધનિક, જેને જીવનજરૂરીયાતની લગભગ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે તે પણ ભિક્ષુકની જ કક્ષામાં ન આવે? ઈલેક્ટ્રીસીટી અને ફિલ્ટર્ડ પાણીની વચ્ચે જીવતો આજનો માણસ ઈશ્વરે વહેંચેલી વસ્તુઓની કિંમત સમજી શક્યો નથી, અને તે છતાંય અમુક વસ્તુઓ વહેંચવામાં ઈશ્વર કદીય આનાકાની કરતો નથી, પૃથ્વી, પવન અને પાણી જેવી વસ્તુઓ ઈશ્વર સૌને સમાન રીતે આપે છે, તેનું બિલ પણ કદી કોઈએ ભર્યું હોવાનું સાંભળ્યુ છે કદી? એનું પણ જો બિલ આવે તો કોણ ભરી શકે? જેટલી વસ્તુ વાપરી એથી તો ક્યાંય વધુ વેડફી છે, એનો હિસાબ કદી આપી શકાય?

આપણામાં એક કહેવત છે કે ઈશ્વરે દાંત આપ્યા છે તો ચવાણું પણ એ આપશે જ. કીડીને જોગું ખાવાનું કીડીને અને હાથીને જેટલું ખાવાનું છે એટલું તેને ઈશ્વર પૂરૂ પાડે જ છે. એ એટલો સમૃદ્ધ દુકાનદાર છે કે તેને ત્યાં ચોપડામાં કોઈના નામનું ખાતું છે જ નહીં, એ તો ફક્ત શ્રદ્ધાનો આશરો લઈને બેઠો છે, શ્રદ્ધા હોય એટલું એ ભક્તોને ગમે ત્યાંશી શોધીને પણ પૂરું પાડે જ છે. દ્રૌપદીને જરૂરતના સમયે વસ્ત્રો પૂરા પાડ્યાં તો રાધાને અનંત પ્રેમની ભેટ તેણે જ ધરી. એણે ગરીબ સુદામાને શ્રદ્ધા અને ભક્તિના પરિપાક રૂપે મહેલ પલકારામાં ઉભો કરી આપ્યો તો પ્રહલાદને બચાવવા થાંભલો ફાડીને નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયાં. તેના નામમાં પોતાનું નામ ઓગાળી દેનાર ભક્તને તે પોતાનાથી પણ વધુ જાળવે છે. મીરાંબાઈનો ઝેરનો પ્યાલો તેણે અમૃતમાં ફેરવ્યો એ મીરાંની શ્રદ્ધા – ભક્તિનું જ પરિણામ નહોતું? આવા તો કાંઈ કેટલાય ઉદાહરણો મળી આવે જ્યાં ઈશ્વરની સાથે તરબોળ થઈને ભક્તિ કરનાર, ઈશ્વરને મિત્ર, સખા, પ્રિયતમ, ભાઈબંધ, ગુરુ માનીને તેનામાં સંપૂર્ણ આસ્થા રાખનારને તે ભવસાગર પાર કરાવી આપે છે.

હરીની હાટડીએ હટાણું કરવા જઈએ અને ભક્તિ – શ્રદ્ધા – આસ્થા – સમર્પણ – ત્યાગ જેવુ નાણું નથી એ ગ્રાહક આવી મહાન હાટડીએથી પણ ખાલી હાથે જ પાછો ફરે છે.

– આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

કેટલાક લોકો તારા રહસ્યને તાગવા વિચારભૂમિમાં વિહર્યા અને મહાન બન્યા.
હું તારી લીલાનાં સંગીતને પામવા મથ્યો છું, ખુશ છું.

– રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જયંત મેઘાણી (‘તણખલાં’માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “હરીની હાટડીએ મારે… – પિંગળશી ગઢવી, આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ

 • Kedarsinhji M Jadeja

  આજીજી

  ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

  જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.

  ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
  જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..

  કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
  રહે અંત વેળા તુજ રટણા મન અંદર, મીઠી નજરૂં ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..

  કરૂં પ્રાર્થના નિત દિલથી તમારી, સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
  આપો અધિક સુખ ભક્તિનું ભગવન્, વિનવું સદા નાથ તમને ઓ તાતા…

  કરૂં સર્વે કર્મો ડરીને તમોથી, ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
  રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

  કરૂં ગાન ત્યારે મન તારામાં લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે
  છે “કેદાર” કેરી એક વિનતિ વન માળી, સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..

  સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
  પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો તને ખબર જ છે, મેં એક જગ્યાએ સાંભળેલું કે એક બાળક સ્કૂલે જતાં પહેલાં તારા મંદિરમાં આવતો અને આવીને આખી બારાક્ષરી દરરોજ બોલી જતો, એજ સમયે એક ભક્ત પણ આવતા અને પ્રાર્થના મંત્રો બોલતા, દર રોજ નો આ ક્રમ, એક દિવસ પેલા ભક્તે એ બાળક ને પુછ્યું “કે બેટા, તું દર રોજ આવીને આખી બારાક્ષરી ભગવાન સામે બોલેછે તો શું તને યાદ રહે તે માટે ભગવાન પાંસે બોલેછે કે પછી કંઈ અલગ ઇરાદાથી બોલેછે ?” ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો કે હું ભગવાન પાંસે પ્રાર્થના મંત્રો કે ભજન ગાવા આવુંછું, પણ મને કંઈ આવડતું નથી, પણ ભગવાનને તો બધુંજ આવડે, અને મારા ગુરુજી કહેછે કે જે કંઈ સારા ખરાબ શબ્દો છે તે બધાજ આ બારાક્ષરીમાં છે તેનાથી બહાર કોઈ શબ્દ નથી, તેથી હું ભગવાન પાસે આખી બારાક્ષરી બોલીને છેલ્લે વિનંતી કરુછું કે આપને જે યોગ્ય લાગે તે શબ્દો આ બારાક્ષરીમાંથી ગોઠવી લેજો.
  પણ પ્રભુ આપેતો મને થોડી શબ્દોની સમજ આપીછે તેથી હૂંતો એ પણ કહી શકું તેમ નથી, તેથી મારી બુદ્ધિ પ્રમાણે મેં લખ્યું છે, જે સ્વીકારીને બસ મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
  હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું, શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના.
  જય માતાજી.

  રચયિતા :
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ -કચ્છ
  http://www.kedarsinhjim.blogspot.com
  kedarsinhjim@gmail.com
  મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 • Kedarsinhji M Jadeja

  વાહ પ્રભુ વાહ, ઈશ્વરની અસીમ કૃપા થી હું જ્યાર થી ભજનો / ગરબા ની રચનાઓ કરવા લાગ્યો ત્યાર બાદ મોટા ભાગે મારી જ રચનાઓ ગાવા લાગ્યો, પણ મારું અત્યંત પ્રિય ભજન જે હું ખુબજ ગાતો તે યાદ કરાવી આપ્યું. સાદા સિધા શબ્દો માં જે વાત મુકી છે તે અદ્ભુત છે. કદાચ સરત ચૂક થી થોડો ફરક થયો લાગે છે, સુધાર તો ન કરી શકું પણ હું કૈંક આમ ગાતો.
  ” ધણી મેં ધાર્યો છે નામી, વ્યાધિ સર્વે દીધી વામી
  મળ્યું છે “પિંગળ”ને મોટી, પેઢી નું ઠેકાણું. હરી ની હાટડી…..

 • Kedarsinhji M Jadeja

  શું માંગું ?

  હવે પ્રભુ શું માંગું કિરતાર જી. હરિ તેં તો આપ્યું અપરંપાર…

  મહેર કરીને માનવ કુળ માં, આપ્યો તેં અવતાર જી.
  પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

  જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
  મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર…

  મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
  વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર…

  કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી.
  મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

  એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન”કેદાર” જી.
  હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર…

  રચયિતા:
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
  kedarsinhjim@gmail.com

 • harsha vaidya

  બહુ સરસ પિંગળશીભાઈની આ રચના છે.અને તમે લખ્યું છે એમ,શ્રદ્ધા જ સાચું નાણું છે.
  “શ્રદ્ધા નો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર,
  કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી!”