નહિ રે મેરુ ને નહિ મેદની,
નો’તા રે દી ધરણી અંકાશ રે હાં હાં હાં
ચાંદો ને સૂરજ જે દી દોઈ નો’તા,
ધણી મારો તે દી આપોઆપ રે હાં હાં હાં
પીર રે પોકારે મુંજાં ભાવરાં રે !
સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં
પોતાના પુન્ય વગર પાર નૈ,
ગુરુ વન્યા તેમ મુગતિ ન હોય રે હાં હાં હાં
હાડ ને ચામ રોમરાઈ નહિ,
નો’તા કાંઈ ઉદર ને માંસ રે હાં હાં હાં
પીંડ પડમાં અધર રિયું,
નો’તા કાંઈ સાસ ને ઉસાસ રે હાં હાં હાં. – પીર રે.
કંકુવરણો રે સૂરજ ઊગશે,
તપશે કાંઈ બાળોબાળ રે હાં હાં હાં
ધરતીના દોઈ પડ ધ્રુજશે,
હોંશે કાંઈ હલહલકાર રે હાં હાં હાં
નર રે મળ્યા હરિના નિજિયાપંથી,
એ જી મળ્યા મને સાંસતીઓ સધીર રે હાં હાં હાં
મુવાં રે તોરલને સજીવન કર્યા,
એમ બોલ્યા જેસલ પીર રે હાં હાં હાં – પીર રે.
– સંત જેસલ
સર્જનનું આ સ્ત્રોત જેસલ નામના સંતે પોતાની તોળલ નામની સ્ત્રી-સંત-ગુરુના મુર્ચ્છિત દેહને સજીવન કરવા માટે એ દેહની સન્મુખ, જ્યોતપૂજનના રાત્રી સમારંભમાં ગાયું હતું એવી લોકકથા છે. આમાં ઉત્પત્તિનું તેમજ ભવિષ્યના વિલયનું પણ ગાન છે. કચ્છની ધરણીને ધ્રુજાવનાર ડાકુ જેસલ જાડેજામાંથી જેને પ્રતાપે સંત જેસલ પીર બન્યા તેવા પોતાના ગુરુ સતી સંત તોળલના માટે સર્જાયેલું આ ભક્તિગાન જેસલની સમર્પિતતાની સાથે સાથે તેના ઉર્ધ્વગમનનો પણ પ્રતિઘોષ પાડે છે.
જેસલ જાડેજાને પોતાની તલવાર, તોળલ ઘોડી અને સાથે સાથે પોતાના પત્નિ એવા સતી તોળલનું પણ સહજતાથી દાન આપતા કાઠી સંત સાંસતીયાજી તોળલને એ દાનનો મર્મ સમજાવે છે. હાર્દિકભાઈ યાજ્ઞિકે “સૌરાષ્ટ્રની રસધાર” ઑડીયો નાટકમાં સાંસતીયાજીના પાત્રને મુખે મૂકેલા આ સંવાદને મેં અવાજ આપ્યો ત્યારે મને અદભુત લાગણી થઈ હતી, સંત સાંસતીયાજી તોળલને સમજાવતા કહે છે, “સતી, એ ડાકુ છે, લૂંટારો છે, અને પોતાના માર્ગમાં આવનારને દૂર હટાવી ધ્યેયથી જરા પણ ડગવું નહીં એવો એનો ધર્મ છે, આવા મક્કમ મનોબળવાળા જો પોતાની સૂરતા બદલે અને હરીને મારગે વળે તો ! એને હરીના પંથે લાવવો તમારું કામ છે તોળલ !” આજે ફરી એ જ સંવાદનું સ્મરણ થાય છે.
ઉપરોક્ત ભજનગીતમાં જેસલ કહે છે કે જે દિવસે પહાડો નહોતા, ધરતી, આભ, ચાંદો કે સૂરજ પણ નહોતા ત્યારેય મારા ધણી તો હતા જ. એ અનામી બહુઆયામી ઈશ્વરને નહોતા હાડ-માંસ કે નહોતા રૂધિર અને ચામ, એ ઈશ્વરને તો શ્વાસ ઉચ્છવાસ પણ નહોતા, એ ઈશ્વર પોતાના શિષ્યોને સન્માર્ગે વાળવા ફરીથી અવશ્ય આવશે, કારણ કે ગુરુ વિના મુક્તિ નથી. વળી સતી તોળલને પોતાના સ્વધર્મની યાદ અપાવતા તે કહે છે, ગુરુ વિના કોઈને મુક્તિ નથી. સર્વવ્યાપી પરમાત્મા ફરી અવતરશે, તે કાળે ધરતી ધૂજી ઉઠશે, બ્રહ્માંડ હલબલી ઉઠશે, માટે જેસલ પોકાર કરે છે કે હે સતી, અજ્ઞાનીને માર્ગ બતાવો, તમારો આપદધર્મ સંભાળો અને ફરીથી જાગૃત થાઓ.
જેસલ-તોળલની પૂજા અને માનતા તો આજે પણ થાય છે પરંતુ ખરેખર તો આપણા સૌના અંતર મનમાં વસેલા કામ, ક્રોધ અને મોહ રૂપી જેસલને સન્માર્ગે વાળવા તથા દોરવણી આપવા સતી તોળલ જેવા સદગુરૂની આવશ્યક્તા છે !
યાદ કરવા બદલ ખુબ ખુબ આભાર જીગ્નેશભાઇ, સાંસતીયાજીનો અવાજ આપી પાત્રને સજીવન કરવા બદલ પણ આપનો આભાર્.
કેટલી અદભુત વાણી !અને સંવાદ પણ કેટલા શક્તિશાળી.વાહ આજે પણ આ સાંભાળવામાં રસ પડે છે એ જ આપણા સંતોના જીવનની ગરિમા છે.
બધી પોસ્ટ પર તો કોમેન્ટ નથી આપી શકતો, પરંતુ બ્લોગ સુંદર છે અને આ પોસ્ટ તો ખૂબ જ માહિતીપ્રદ અને જૂના ઈતિહાસથી અવગત કરાવતી છે. આ અભિયાન ચાલુ રાખશો.
Thanks to Aksharnaad for sharing artical that refresh the memory which was kept in mind.
જેસલ જ્યારે તોરલને લાવે છે ત્યારે મધદરિયે તોફાનમાં એમની નાવ સપડાઈ જાય છે. ખરેખર તો આ તોફાન જેસલને બીજી રીતે વિચારવામાં પ્રેરણારૂપ બન્યું? કે એ જેસલના આંતરિક તોફાનનું પ્રતીક છે? હમણાંસુધી એક જ રીતે વિચારતા જેસલને સતી તોરલની હાજરીએ જ બદલી નાખ્યો અને એને નવી રીતે વિચારતો કરી દીધો. સ્ત્રી માનવીયતાના ગુણોને સહેલાઈથી જગાડી શકે છે તેનું આજ્વલંત ઉદાહરણ છે.
ધરતીકંપે કચ્છ અંજારમાં જેસલ–તોરલની સમાધિનો નાશ કરી નાખ્યો, પણ કહેવત હતી અને લોકો માનતા કે આ બે સમાધિઓ ખસે છે અને નજીક આવતી જાય છે. જેસલ ખસે જવભાર, તોરલ ખસે તલભાર.
બસ, આપણી જડતામાંથી જવભાર જ ખસવાનું છે.
Pan e mate sacha guru malva jaruri che