મેકરણ વાણી – સંત મેકરણ 8


ન જાણું રાગ ન રાગણી, ઈ તો રઢજાં રડાં;
હકડૉ રીજાવું નાથ કેબ્યાને પેદારસેં હણાં.

રાગ અને રાગિણીઓ હું નથી જાણતો, ગાનાર તો ઘેટાંની જેમ ભલે ભાંભરડા દેતાં, મારે કાંઈ મનુષ્યોને રીઝવવાં નથી, હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તો હું જોડે જોડે મારું.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા;
ખેડી ખેડી આપિ ડઈ રિયા અખિયું કઢીતા કગા.

રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળદનો અવતાર પામે છે. ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય છે ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.

ગૂઢારથ જ્યું ગાલિયું વધી વડ થઈયું,
તાણે કે ન પૂછિયું, મું પણ ન ચઈયું.

જીવનના નિગૂઢાર્થોની વાતો મારા હ્રદયમાં વધી વધીને વડ જેવડી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી કે ન મેં વગરપૂછ્યે કોઈને કહી.

ગાલડિયું ગૂઢેરથ જ્યું, વધી વધી વડ થયું,
અંગે માડુએ ન પૂછ્યું, દલજી દલને રિયું.

ગૂઢાર્થોની વાતો મારા હ્રદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી એટલે એ દિલમાં જ રહી ગઈ.

વડા ધણીજી વિનતિયું જાગી કોન કિયું;
વણ કમાણીએ મોજું માગે, (ભડવે કે) લાજું કો ન થિયું

મહાન ધણી ઈશ્વરની પાસે પોતાની માગણીઓ મૂકતા નાલાયકોને લાજ પણ ન આવી. મહેનતની કમાણી કર્યા વગર મોજમજા માંગી !

જાં વિંઝાં જરાણમેં, તે ભાવરે માથે ભાર;
ખિલી કેં ન ખીંકારેઓ કૈં ન કેઓ સતકાર

હું કબ્રસ્તાનમાં ગયો ત્યાં તો મારા ભાઈઓ માટીના ભાર તળે ચંપાયેલા હતા. ન તો કોઈએ મને હસીને બોલાવ્યો કે ન મારો સત્કાર કર્યો.

જાં વિંઝાં જીરાણમેં, ત કોરો ઘડો મસાણ,
જડેં તડેં માડુઆ ! ઈ પણ થિંદી પાણ.

હું સ્મશાનમાં ગયો, ત્યાં કોરો ઘડો ચિતા પર પડ્યો હતો, અરે માનવો, જતે દિવસે આપણી પણ એ જ પળ આવી પહોંચશે.

ખારાઈંધલ ખટેઆ; મેડીયલ મુઠા;
સરધાપુરજી સેરીએ, મું ડીંઘલ ડિકા.

ખાટી ગયા તો ખવરાવનારા, ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઢો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને જ દીઠા છે.

જિની જુવાણી જારવઈ મોડે રખેઓ મન,
સરધાપુરજી સેરીએ કલ્લોલું તા કન.

જેમણે જુવાની જાળવી, અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગપુરની શેરીએ કલ્લોલ કરી રહ્યાં છે.

પીપરમેં પણ પાણ નાય બાવરમેં બ્યો;
નિયમેં ઊ નારાણ પોય કંઢેમેં ક્યો ?

પીપળામાં પણ પોતે જ ઈશ્વર છે, તો બાવળમાં પણ બીજો નથી, લીમડામાં પણ એ જ નારાયણ છે ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય?

બિલિપત્ર

મોતી મંગીઓ ન ડિજે, કારો થીએ કેટ;
જ્યાં લગ માલમી ન મિલે ત્યાં લગ તાળો દ્યો હટ.

જ્ઞાન રૂપી મોતી જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.

– સંત મેક(ર)ણ

કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ મેકરણ અથવા મેકણ કાપડી સાધુ હતાં. ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ કચ્છમાં, વચ્ચે હિમાલય, સૌરાષ્ટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો તેમનો મુકામ. હિન્દુ મુસ્લિમ હરિજનો, સર્વેનો તેમના સમાધિ સ્થાને મેળો ભરાય છે. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની કેટલીક સાખીઓ / દોહા અને તેની ટૂંકી સમજણ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “મેકરણ વાણી – સંત મેકરણ