અમે નાનાં નાનાં બાળ
સૌ ભગવાનનાં….
અમે હસતાં રમતાં
ગાતાં ગીતો તાનમાં.. અમે.
રોજ સવારે સ્નાન કરીને
માતપિતાને નમન કરીને
ગુરૂ ચરણોમાં આવતાં… અમે.
સરસ્વતિનું મંદિર આ છે,
સુંદર રૂડા ફૂલ ખિલ્યા છે,
ફૂલડાં રૂડાં બાગનાં… અમે.
આવ્યા અહીંયા એક જ આશે,
વિદ્યાદેવી ! તારી પાસે,
દેજે વિદ્યા દાનમાં… અમે.
– ચુનિલાલ પટેલ
શાળા સમયની પ્રાર્થનાઓમાંની અઠવાડીયાના નક્કી દિવસે ગવાતી પ્રાર્થનાઓની યાદીમાં આ સુંદર પ્રાર્થના મુખ્ય હતી. મને યાદ છે અમે મોટા અવાજે, બાડી આંખે સાહેબની નજરથી બચતાં બચતાં આ પ્રાર્થના ગાતા. ક્યારેક શાળાએ પહોંચવામાં મોડુ થઈ ગયું હોય તો શાળાના વિશાળ ગલીયારામાં ઉભા રાખવામાં આવતા અને પ્રાર્થના પૂરી થયા પછી, પ્રતિજ્ઞાપત્ર બોલ્યા પછી જ વર્ગો શરૂ થતા. જ્યારે એ ગાવાનો અવસર હતો ત્યારે અર્થની કોઈ સમજણ નહોતી, અને હવે…
આવા સુંદર ગીતોને બદલે આજના બાળકોને તો શીલા કી જવાની અને મુન્ની બદનામ ન ગીતો કંઠસ્થ થઈ ગયા છે. આપણે આપણા બાળકોને માટે કેવું ભવિષ્ય આપી જવાનાં છીએ, તે ચિંતાનો વિષય છે.
આવા સુંદર ગીતોથી બાળકોનું ઘડતર થાય. કેળવણી અને શિક્ષણથી માનવીનું ઘડતર થાય. તેનું ઉદ્ગમસ્થાન જેવા શાળાનાં સંસ્કારો અનિવાર્યપણે દરેક બાળકને મળવા જોઈએ. આતંકવાદને નાથવાનો એ પ્રારંભિક પ્રયાસ કહી શકાય. ત્યાર બાદ તે સુંદર જીવન જીવવા માટેની ચાવી છે. -હર્ષદ દવે.