જેને વાગ્યા શબદના બાણ રે… રવિ સાહેબ 2


જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.

પતિવ્રતા જેના પિયુ પરદેશે,
એની કેમ ઝંપાવું ઝાળ રે ?
નાથ વિના અમને નિંદ્રા ન આવે,
સૂતા સેજલડી શૂળી સમાન રે… જેને.

દીપક દેખી જ્યારે મનડા લોભાણાં,
ત્યાં પતંગે છોડ્યા એના પ્રાણ રે,
આપ પોતાનું જ્યારે અગ્નિમાં હોમ્યું,
ત્યારે પદવી પામ્યો એ નિર્વાણ રે… જેને.

ચંદ્ર ચકોરને પ્રીત બંધાણી,
બંદા ચાંદો વહે આસમાન રે,
દેહ ઉલટાવે તોય દ્રષ્ટિ ન પલટે,
જેનાં નયણાંમાં ઘૂરે એ નિશાન રે… જેને.

જળ શેવાળને પ્રીત ઘણેરી બંદા,
મીન વસે જળ માંય રે,
સૂકા ગયા નીર ત્યારે પ્રાણ વછૂટ્યા,
જો જો પ્રીત કર્યાના પ્રમાણ રે… જેને.

ઊડી ગઈ રજની ઢળી ગયા તિમિર,
તોય ન મટ્યાં અભિમાન રે.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
તોય ન મટ્યાં અભિમાન રે… જેને.

કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
સ્વપ્નું સંસારિયો જાણ રે,
જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.

– રવિસાહેબ

પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. કવિ બિહારીએ કહ્યું છે,

યા અનુરાગી ચિત્તકી ગતિ ન સમજે કોઈ,
જ્યોં જ્યોં ડૂબે શ્યામ રંગ ત્યોં ત્યોં ઉજ્જવલ હોઈ.

પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય – પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી – શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું – એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છે – એક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ – જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.

બિલિપત્ર

તરુવર સરવર સંત જન, ચોથા બરસત મેહ
પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “જેને વાગ્યા શબદના બાણ રે… રવિ સાહેબ