મારી નાડ તમારે હાથ હરિ – કેશવરામ 2


મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે!
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથેી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે!

અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.

વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો?
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે.

કેશવ હરિ મારુ શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.

– કેશવરામ

જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ મોટામાં મોટો રોગ થયો છે. એ રોગ ત્યારે મટે કે જ્યારે આપણને ઈશ્વરને આપણાં વૈદ્ય બનાવીએ, તેમના હાથમાં આપણી નાડી સોંપીએ. મીરાંબાઈએ પણ કહ્યું છે –

દરદકી મારી બન બન ફિરું બૈદ મિલ્યા નહીં કોય,
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવરિયા હોય.

મનુષ્યના આ ભવરોગની દવા બીજા કોની પાસે છે? એટલે ઉપરના ભજનમાં કેશવ કવિ કહે છે કે હે પ્રભુ, મેં મારી નાડ તમારા હાથમાં સોંપી છે. તો હવે તમે જ મારી સંભાળ રાખજો. પ્રભુ તારી અને મારી પ્રીત પુરાણી છે. તમે તો દયાના સાગર છો. ભક્તોના ભયને હરનારા છો તો તમારું એ બિરુદ સંભારી મને તમારો દાસ જાણીને મારી સંભાળ રાખજો.

આ સંસારમાં શું કરવું અને શું ન કરવું એ મને સમજાતું નથી. મારું દુઃખ વધતું જાય છે. મારા મનની વાત તો તમે જ જાણી શકો છો. તો વૈદ્યની જેમ દર્દીની સંભાળ રાખે છે તેમ તમે મારી સંભાળ રાખજો. જીવનમાં મને સાચા રાહે ચલાવજો. પ્રભુ આ ભવરોગ એવો છે કે તેમાં દુનિયાના વૈદ્યો કાંઈ કામ આવે તેમ નથી. વૈદ્યોના વૈદ્ય તો આપ છો. તો આપને છોડી હું બીજા વૈદ્ય પાસે શું કામ જાઉં? નાથ, રાત થોડી અને વેશ ઝાઝા છે. હે અખિલ બ્રહ્માંદના નાયક તમે મને શું ભૂલી જશો? મારા જીવનની બાજી તમારા હાથમાં છે. તમે મને જીતવાની શક્તિ આપનો અને બધી મૂંઝવણને ટાળજો. તમે મારી સંભાળ નહીં રાખો તો તમારી જ લાજ જશે. લોકો કહેશે કે શરણે આવેલાનું પ્રભુએ રક્ષણ ન કર્યું. તમારા ભક્તોના ચરિત્રો પરથી એ સ્પષ્ટ થાય છે કે જેણે પોતાની નાડ તમારા હાથમાં સોંપી છે તેની સંભાળ તમે રાખો જ છો. પણ આ જીવ એવો કૃતઘ્નિ છે કે તે ઈશ્વરના ઉપકારોને ભૂલી જાય છે. તે ઈશ્વરનું શરણ લેતો નથી. મને સદા તમારી શરણમાં રાખજો.

– સંગ્રાહક અને ટીકાકાર શ્રી દુર્લભદાસ ભગત દ્વારા પ્રસ્તુત ભજનસંગ્રહ પીઓને પ્રેમ રસ પ્યાલા’ માંથી સાભાર.

બિલિપત્ર

મધુરં મધુરેભ્યોડપિ મંગલોભ્યોડપિ મંગલમ્
પાવનં પાવનેભ્યોડપિ હરે નામૈવ કેવલમ્

સર્વ મધુર વસ્તુઓમાં સર્વથી શ્રેષ્ઠ મધુર, મંગલ કરનારાઓમાં સર્વથી શ્રેષ્ઠ મંગલ કરનાર, પવિત્ર કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર કરનાર જો કોઈ હોય તો એ કેવળ હરિનું નામ જ છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “મારી નાડ તમારે હાથ હરિ – કેશવરામ

  • harshad dave

    સરસ.’ હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલું ભારે, મેં તો લગામ મૂકી હાથ હરિને હરિ ચાહે તો પાર ઉતારે…’ યાદ આવી ગયું. આપણે આપણું જીવન એ રીતે જીવવું જોઈએ કે હરિ આપણું ગાડું પાર ઉતારવા માટે વિવશ બની જાય!
    …હર્ષદ દવે.