જેને દીઠે મારા નેણાં ઠરે – લખમો માળી


જેને દીઠે મારા નેણાં ઠરે,
બાઈઓ અમને એવું કોઈ સાધન મળે.

ઉદરમાંથી બુંદ પડે ને ભગવત નામ ધરે;
નરક છોડીને ન્યારો રહેવે, અમર લોક વરે… બાઈજી.

ચાલતા નર ધરતી ન દુવે, જીવ થકી ડરે;
શબ્દ વિવેકી સુલક્ષણા પૂછીને પાવ ધરે.. બાઈજી.

ત્રિગુણી પુત્રી શ્યામ સુનમાં, હોકર ઘાટ ઘડે;
આરે સંસારમાં સંત સુહાગી, બેઠા ભજન કરે… બાઈજી.

કાયા વાડીનો ભમરલો, સહેજે ઓડ ધરે;
ગુરુજીના શબ્દ એવા છે, ખોલો તો ખબર પડે.. બાઈજી.

વર્ષાઋતુનો હેમજ પોપટો, નીરમાં નીર ભરે;
લખમાના સ્વામીને સંગે રે રમતાં, સ્વાતિના બુંદ ખરે… બાઈઓ.

– લખમો માળી.

પ્રભુની અકળ લીલાનો કોઈ પાર પામી શક્તું નથી. ગર્ભમાં પોષાતા બાળકમાં જીવ ક્યાંથી આવ્યો અને મૃત્યુ પામેલા મનુષ્યનો જીવ ક્યાં ગયો તે કોઈ શોધી શક્યું નથી. તર્કથી પર એક અલગ વિશ્વ વસે છે જેમાં શ્રદ્ધાનું તત્વ સત્વશીલતા બક્ષે છે. નાનકડા એવા બીજમાંથી વટવૃક્ષ બનવાની આખીય ઘટના તાર્કિક રીતે ન મૂલવો તો શ્રદ્ધાની સીમાઓમાં વસે છે. લખમા માળીને પ્રભુની આવી અકળ લીલાનો અનુભવ થયેલો. લખમાજી મહાન ભક્ત – તેમને થયું કે પોતાની પાસે રહેલા નાનકડા જમીનના ટુકડામાં કૂવો ખોદીએ તો આવતા જતા વટેમાગ્રુઓને અને ગાયોને પીવા પાણી મળે. પણ કૂવો ખોદાવવાના પૈસા નહીં. લખમોજી જાતે કૂવો ખોદવા લાગ્યા, પત્ની માટી ખેંચે, કૂવો પચ્ચીસેક હાથ ઉંડો ગયો હશે કે માટી ધસી પડી, અને પછીતો બધાએ દટાયેલા લખમાજીના જીવતા હોવાની આશા છોડી દીધેલી, પણ તે ઘણા દિવસ થયા હોવા છતાં અંદરથી જીવતા બહાર નીકળ્યા, ભજન ગાતાં, પ્રભુભક્તિ કરતા તેઓ દેખાયા. તેમને આંતરવાણી ફૂટી નીકળી, તેમણે થોડા પણ સુંદર ભજનો રચ્યા. ઉપરના ભજનમાં લખમાજી પ્રભુની વિવિધ લીલાઓ અને કૃપાનું વર્ણન સરળ પણ અસરકારક ભાષામાં કરી જાય છે.

આપનો પ્રતિભાવ આપો....