વાયક આવ્યાં રે સંતો દો જણાં,
ત્રીજું કેમ સમાય રે ?
પંથ ઘણો ને જાવું એકલું,
પાળા કેમ ચલાય રે ?
શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે હાં !
સાધ હોય ઈ સંતો કેમ રે’વે
સોનલ કટારી સતીએ કર ધરી
પાળી માંડી છે પેટ;
કૂખ છેદી, કુંવર જલમિયો,
એ જી જન્મ્યો માઝમ રાત. – શબદુંના.
હીરની દોરીએ બાંધ્યો હીંચકો,
બાંધ્યો આંબા કેરી ડાળ;
પવન હીંચોળા હરિ મોકલે
આતમ તારો ઓધાર. – શબદુંના.
બાઈ પાડોશણ મારી બે’નડી,
રોતાં રાખ્યે નાનાં બાળ;
અમારે જાવું ધણીને માંડવે,
તારા કે’શું ઝાઝા રે જુવાર. – શબદુંના.
ત્યાંથી તોળી રાણી ચાલિયાં
આવ્યાં વનરા મોજાર;
વનમાં વસે એક વાંદરી,
ઠેકે મોટેરાં ઠેક રે. – શબદુંના.
ત્યારે તોળી રાણી બોલિયાં
સાંભળો વનરાના રાય !
ઉરે રે વળગાડી તારાં બચળાં
રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના.
મારાં રે બચળાં મારી ઉરમાં,
તોળી રાણી, તારાં તો સંભાળ;
કોળીયા અન્નને કારણે,
પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના.
પૂતર સંભાળ્યો, પાનો ચડ્યો;
પ્રાણમાં વધી છે પીડ,
ધાન હતાં તે સતીનાં થરહર્યાં,
પડતાં છોડિયાં છે પ્રાણ. – શબદુંના.
મોટ બાંધીને માથે ધર્યો,
ચાલ્યા ધણીને દુવાર,
એકલડા પંથ ન ઉકલે
બેદલ થિયો મારો બેલી. – શબદુંના.
ગતમાં ઉતારી ગાંસડી,
ગત કાંઈ કરે છે આરાધ;
સામા મોહોલ મહારાજના,
દીપક રચિયેલ ચાર. – શબદુંના.
તમારે જાગ્યે જામો જામશે;
બોલિયા જેસલ રાય,
સાસટિયા કાઠીની વિનતિ;
જાગો તોળલદે નાર. – શબદુંના.
વાયકા છે કે સાંસતીયાજીના વચને જેસલ જાડેજા સાથે જ્યારે તોળલે સાંસતીયાજીનું ગામ છોડ્યું ત્યારે તેને મહીના ચાલતા હતાં, હવે નવ મહીના પૂરા થવા આવ્યા ત્યારે ભક્ત સાંસતીયાજીનું જેસલ અને તોળલને તેડું આવ્યું, ‘ગર્ત્ય’માં હાજરી આપવા બંનેને વખતસર આવવા કહેવાયું હતું. તોળલ વિચારે છે કે નોતરું બે જણને જ આવ્યું છે, અને પેટમાં ત્રીજો જીવ છે તેને લઈને કેમ જવાય? પવિત્ર એવી એ ગુપ્ત ધર્મક્રિયામાં દિક્ષિતો સિવાય તો કોઈએ જવાય નહીં, તોળલે કટારી લઈ પોતાનો ગર્ભ કાઢ્યો અને તેને ઘોડીયામાં નાંખી, પડોશણને ભાળવણી કરી જેસલ સાથે ચાલી નીકળી. માર્ગમાં જંગલ આવ્યું, પોતાના બચ્ચાંને વળગાડીને ઠેકતી વાંદરીને જોઈ તોળલથી તેને બચ્ચું સંભાળવાનું કહેવાઈ ગયું, વાંદરી કહે, ‘અમે તો જાનવર, અમને તો બહુ ગતાગમ ન પડે, પણ માણસ થઈને ઉત્સવના બે કોળીયા અન્ન માટે તેં આ શું કર્યું ? એ જ પ્રસંગની અહીં વાત છે. સોરઠી સંતોમાં તોળલ, અમરમાં જેવાં સંતો અલખને નિરાકારને આરાધનારા ઉર્મીશીલ અને ત્યાગી મહામાનવો બની રહ્યાં છે.
ભાઈ, આજ રીતે દરેક રચનાની સંક્ષિપ્ત સમજ આપવામાં આવતી હોય તો વધારે આનંદ આવે, કેમકે કોઈ પણ રચનાકારની રચના રચયિતા જે ભાવ સાથે લખતો હોય તે ક્યારેક સાંભળનાર કે વાંચનાર ન પણ સમજી શકે, ત્યારે આ છણાવટ સાર સમજાવે.
ધન્યવાદ.
ના સમજી શકનાર એક વાંચક હું છું બાપુ,
– નરપત સિંહ ચુડાસમા નો દીકરો , ધનંજય!
માર્મિક અને અર્થ સભર તેમજ લાગણી મય રચના જે ખરેખર કોઈ સારા ગાયકના મુખે થી સાંભળીએ તો રોમ રોમ માં ઝણઝણાટી થઈ જાય.
જેસલ – તોરલ્નિાહ્લાદક અનુભુતિ . ધન્યવાદ
– અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા