નમું આજ આદિત્ય ને હાથ જોડી (સૂર્યસ્તુતિ) – ‘વસંત’ 5


સૂર્યસ્તુતિ.

નમું આજ આદિત્ય ને હાથ જોડી,
પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી,
રવિ ભાવ થી તુજને શિશ નામું,
કૃપા દ્રષ્ટિથી જો મુજ રાંક સામું. ૧)

કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા,
ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા,
વંદુ નિર્મળ બુદ્ધિ પ્રેરિત વાણી,
તમે શુદ્ધ દ્યો અક્ષરો ભક્ત જાણી. ૨)

અહો કેમ હું વર્ણવું વાત તારી,
રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી,
બધા દેવ ને ક્રોડ તેત્રીસ માંહે,
રવિ તુજથી ઉપરી કોણ થાયે? ૩)

મણી માત્રના તેજ તે તુંથી રીઝે,
નથી ઉપમા જગતમાં તારી બીજે,
સહુ તીર્થમાં શ્રેષ્ઠ છે તેજ તારું,
નિહાળી થયું તુષ્ટ આ મન મારું. ૪)

ધરાને નિભાવે તું આકાશવાસી,
નવે ખંડમાં તું રહ્યો છે પ્રકાશી,
રવિ ઉગતાં પદ્મનાં પુષ્પ ફૂટે,
ધરે ધ્યાન સૌ કર્મના બંધ તૂટે. ૫)

પ્રભાતે સહુ કામ ધંધે ગૂંથાયે,
મુનિ ગુરુ આરાધવા બેસી જાયે,
ધરે ધ્યાન તારું જપે મંત્ર માળા,
વદે સૂર્યના શ્લોક સર્વે રસાળા. ૬)

ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે,
પ્રભુ ભક્ત ને ઝટ તું મુક્તિ આપે.
ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાયે,
વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે. ૭)

વીતે રજની ને ઉષાકાળ થાયે,
કરે પંખી કલ્લોલ ને ગીત ગાયે,
વળી પંથીને તસ્કરોની ભ્રાંતિ ભાગે,
કરે કામ ને જગતના જીવ જાગે. ૮)

સહુ દેવમાં દેવ આદિત્ય સાચો,
નહિ એ મહારાજ સંવેદ વાંચ્યો,
નમે જગત આખું વળી વિશ્વ વેલી,
નમે પંડિતો મનનાં ગર્વ મેલી. ૯)

નમે દેવતા દાનવો રંક રાય,
ગુણો વિષ્ણુ બ્રહ્મા તથા રુદ્ર ગાય,
ફૂલો ચંદને બોળી તુને વધાવે,
તેને યમના દૂત પાસે ન આવે. ૧૦)

ટળે દેહ ના દુઃખ દારિદ્ર જાયે,
રવિ પૂજતાં એટલું પુણ્ય થાયે,
ધરા મેરુ આકાશ ને માન સિંધુ,
સહુમાં રહ્યો એક તું દીનબંધુ. ૧૧)

ઘણું શું કહું ગુપ્ત છે વાત તારી,
રવિ પાઠ પુરાણ છે ગ્રંથ ભારી,
કહું ટૂંકમાં તે ઘણું માની લેજો,
ભવસાગરે ડૂબતાં થોભ દેજો. ૧૨)

રવિ તારણ કારણ વેદવાણી,
સદા શરણ રાખો મને દીન જાણી,
મને તાહરા પુત્રની બીક ઝાઝી,
હું તો શરણ આવ્યો થઇ મન રાજી. ૧૩)

કરું યાચના ભાવથી આજ ભારી,
સહુ સંકટો નાથ નાંખે નિવારી,
રવિ ધર્મ ને કર્મનો તું જ સાખી,
સહાય કરો મુજને તું જ પાખી. ૧૪)

સદા દિન ઊગે વળી રાત આવે,
બધા ફેરફારો પ્રભુજી નિભાવે,
પિતા સૂર્ય તારી સ્તુતિ સુખકારી,
નિભાવે તમે જીવતાં જગતમાંહી. ૧૫)

વળી જિંદગીની પડે રાત જયારે,
પડું ઘોર નિદ્રા મહીં ઠેઠ ત્યારે,
રવિ તાહરા કિરણની દોરી ઝાલી,
હું તો સુક્ષ્મ દેહે ત્યાં આવું ચાલી. ૧૬)

સમાવી તું લેજે મને તારી દેહે,
નહિ જન્મ ને મૃત્યુનાં કષ્ટ રહે,
રવિ પાઠ સાચો ભણે ભાવ રાખી,
થશે ન્યાલ તે જગતના સુખ ચાખી. ૧૭)

કદી ક્ષત્રી શીખે રણક્ષેત્ર જીતે,
નહિ ત્રાસ પામે કદી યુદ્ધ વિષે,
ચતુર્વેદનું પુણ્ય તે વિપ્ર પામે,
વધે બ્રહ્મનું તેજ ને દુઃખ વામે. ૧૮)

શીખે શુદ્ર જો ઊઠીને નિત્ય ગાયે,
તેના જન્મ નાં દુઃખ દારિદ્ર જાયે,
કૃપા માંગવા આટલા છંદ ગાયા,
શીખે ગાય ને સાંભળે નિત્ય ડાહ્યા. ૧૯)

ભણે દાસ ‘વસંત’ એ દેવ એવો,
છૂટે કોટી કર્મ જો આદિત્ય સેવો,
મને જોતા કૈલાશમાં થોભ દેજો,
મુંજ વાંક અનેક, ને સાંખી લેજો. ૨૦)

– અજ્ઞાત (અંતિમ કડી પરથી એ તારવી શકાય કે ‘વસંત’ નામ અથવા ઉપનામધારી રચનાકારની આ કૃતિ છે.)

વેદ-પુરાણકાળથી આપણા ભક્તિપ્રકારોમાં સૂર્યોપાસનાની ખૂબ પ્રચલિત પ્રણાલિકા રહી છે. સૂર્ય શક્તિ, ઉર્જા અને પ્રકાશનો ભંડાર છે. અને આપણા વેદોમાં પ્રકૃતિના બધા તત્વો – હવા, પાણી, અગ્નિ તથા સૂર્ય વગેરેને દેવો તરીકે ગણીને તેમના શ્રેષ્ઠ તત્વો – ઉર્જા પ્રાપ્ત કરવા માટેના માર્ગો બતાવ્યા છે. આ ઉપાસનાની સાથે સાથે સૂર્યમાંથી મળતી ઉર્જાને પ્રાપ્ત કરવાની ભાવના છે. સૂર્યનમસ્કારને વૈજ્ઞાનિક માન્યતા મળી છે ત્યારે આવા સ્તોત્ર એ અખૂટ ઉર્જાભંડાર તરફની લાગણી વ્યક્ત કરવાનો અનેરો માર્ગ છે. આપણા વડીલોના મુખેથી આપણે એક અથવા બીજા અવસરે પ્રસ્તુત રચનાઓ સાંભળી જ છે. અક્ષરનાદના આવા જ એક વાચકમિત્ર શ્રી નલિનિબેન દેસાઈએ, તેમના માતુશ્રી પ્રસ્તુત સ્તુતિ ભાવપૂર્ણ સ્વરે ગાતા એ યાદ કરીને મકરસંક્રાંતિના દિવસે અક્ષરનાદને તેમની ડાયરીમાંથી આ સૂર્યસ્તુતિ પાઠવી છે. તેમનો આભાર વ્યક્ત કરીને આજે આ રચના મૂકી છે.

બિલિપત્ર

The doorways of the Sun were closed;
Its muted bells gave forth no sound.
But while the windy prophets dozed
A child a little crevice found.

He pulled with one small straining hand;
The massy door moved willingly.
And he has wakened all the band
Of singers—they rise eagerly.

Let now again the hinges move
In sweetly clanging melody;
Unseat the dark blind from the groove;
Unleash the struggling harmony.

The golden doors are opening
To ancient sounds of loveliness;
The Sons of Light are issuing,
Winged with their antique mightiness.

Who can sing the House of the Sun?
Who shall frame its dreadful art?
His childhood never must be done!
And he must have a wondering heart!

Burn all the manuscripts of shame!
Break every lute of brazen string!
Utter, O living tongues, the flame!
Up, Dust, into the Sun, and sing!

– Donald Davidson (1893–1968)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “નમું આજ આદિત્ય ને હાથ જોડી (સૂર્યસ્તુતિ) – ‘વસંત’

  • નવનીતભાઇ કે.કડીયા

    AksharNaad.comનો લોક કલ્યાણ અને બહુજન હિતાર્થે આ અતિ સુન્દર, અદભૂત અને પ્રસંશનિય બેનમુન પ્રયત્ન છે, જે ખુબ ખુબ ધન્યવાદને પાત્ર છે. જય શ્રી કૃષ્ણ.

  • hiral

    આ સ્તુતિ સ્વર બદ્ધ પણ રજૂ કરી શકો તો સૂર્ય નમસ્કાર કરતી વખતે સામ્ભલવા નો મોકો મલે. ખુબ સુન્દર સ્તુતિ મૂકવા બદલ આભાર.