અમરતાનું વસિયતનામું – રોબર્ટ એન ટેસ્ટ, અનુ. ડૉ. વસંત પરીખ 11


એક દિવસ હોસ્પિટલના કોઈ પલંગમાં, દૂધ જેવી ધોળી ચાદર નીચે મારો દેહ ઢંકાયેલો હશે. એવી ક્ષણે ડોક્ટર આવી અભિપ્રાય આપશે કે મારા મગજે કામ કરવાનું નકાર્યું છે અને મારું જીવન પૂર્ણવિરામ પામ્યું છે.

આવું જ્યારે બને ત્યારે યંત્રની સહાયથી મારા શરીરમાં બનાવટી જીવન રેડશો નહીં. મારી જગ્યાને મૃતશૈયા ન લેખશો, એને જીવનશૈયા લેખજો. બીજા કોઈનું જીવન ચેતનવંતુ બને તે માટે તેને ઉપયોગમાં લેજો.

જેણે ઉઘડતું પ્રભાત નથી જોયું કે નથી નિહાળ્યું હસતા ભૂલકાનું નિર્દોષ મોઢું કે નથી નીરખ્યું નારીના નયનમાંથી નીતરતું નેહનું અમૃત એને મારી આંખ આપજો.

જેણે પોતાના હ્રદય પાસેથી પારાવાર વેદના સિવાય કશુંયે મેળવ્યું નથી એને મારું હ્રદય આરોપજો.

અકસ્માતમાં ભંગાર થયેલી મોટરગાડીમાંથી ખેંચી કઢાયેલ યુવાનને મારું રક્ત આપજો, જેથી એ પોતાના પૌત્રોને ખોળે બેસાડી ખેલાવે એટલું આયખું પામે.

દર અઠવાડિયે મશીનની મદદથી ડાયાલિસિસ કરાવી પોતાના અસ્તિત્વને ટકાવવા મથતા કોઈ વિરલાના દેહમાં મારા મૂત્રપિંડો આરોપજો. મારાં અસ્થિઓ, મારાં સ્નાયુઓ, એક એક તંતુ, અનેક જ્ઞાનતંતુ, કોઈ અપંગ બાળકને જીવનમાં ઓજસ પાથરવા આપજો.

મારા મસ્તિષ્કનો ખૂણેખૂણો ખોળી વળજો. એના કોષેકોષનો ઉપયોગ કોઈનો મૂંગો લાડકવાયો, ટહૂકતી કોયલ કે કેકારવ કરતા મયૂરના હૂબહુ ચાળા પાડી શકે કે કબીરના પદ હલકથી ગાતો થઈ શકે તે માટે આપશો. એ કોષો કોઈ બધિર બાળા વરસાદની બારી પર પડતી થપાટોનું સંગીત માણી શકે તે માટે વાપરજો.

બાકીનું શેષ બાળજો, પછી રાખ પવને ઉડાડજો. એ નવાં ફૂલ ખીલવશે. અને કંઈ દાટવાનો અભરખો જ હોય તો મારા દુર્ગુણો, દુર્બળતાઓ, મારી મર્યાદાઓ અને મનુષ્ય સામેના પૂર્વગ્રહો દાટજો. મારા પાપો સેતાન ખાતે અને મારો આત્મા પ્રભુને નામે જમા કરજો.

કદાચ મને યાદ કરવા માંગતા હો તો કોઈ રોતી આંખના આંસુ લૂછીને, કોઈ સૂરદાસને સરિયામ રસ્તે હાથ આપીને, કોઈના ઘાને લાગણીસભર શબ્દોથી રૂઝવીને મને યાદ કરજો.

મેં આ અપેક્ષ્યું છે તે પ્રમાણે જો તમે કરશો તો બધાના દેહે વ્યાપી હું ખરેખર અમર રહેવાનો છું.

– રોબર્ટ એન. ટેસ્ટ, ભાવાનુવાદ ડૉ. વસંત પરીખ

એક આદર્શ વસિયતનામું કેવું હોય? એમાં મને જે ઉપયોગી મળ્યું છે, જે શ્રેષ્ઠ મળ્યું છે, તેની જરૂરતમંદોને વહેંચણીની વાત હોય, એમાં ‘મારું છે’ તેમાં ભાગ પાડવાની નહીં, જે ‘મને મળ્યું છે’ તેને યોગ્ય પાત્રને અર્પવાની વાત હોય. મૃત્યુ એટલે તો ‘હું’પણાથી મુક્તિ, તો એ મુક્તિ વખતે ‘મારું’ મટીને સઘળું વિશ્વમય થઈ જાય એવી સરસ વાત અહીઁ ડૉ. વસંતભાઈ પરીખે ભાવાનુવાદ દ્વારા સમજાવી છે. નેત્રદાન અને શરીરદાનના આ સમયમાં પ્રસ્તુત વસિયતનામું એથી પણ એક કદમ આગળ જઈને પોતાની વાત કહે છે.

અને ઘણાં દિવસથી જે મૂકી શક્તો નહોતો તે હવે ફરી એક વખત…

બિલિપત્ર

अनायासेन मरणं विना दैन्येन जीवनम्
द्वयं मे भवतात शंभो
त्वत्पादांभोजसेवनात्

અર્થાત હે પ્રભુ, તારી ભક્તિથી નિર્મળ બનેલા એવા મારો
શ્રમ પછી થાકેલાને ઉંઘ આવે એ રીતે વગર રિબાયે દેહત્યાગ થાઓ
અને તારા ચરણકમળની સેવાના ફળ રૂપે મારા જીવનને દીનતા ન સ્પર્શો
આ બે જ વાનાં માગું છું.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “અમરતાનું વસિયતનામું – રોબર્ટ એન ટેસ્ટ, અનુ. ડૉ. વસંત પરીખ