સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રાર્થના, ગરબા અને ભજન


ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ – લીરલબાઈ 1

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં લીરલબાઈ કે નીરલદેનો જન્મ થયો હોવાનું મનાય છે. લીરલબાઈએ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ. પ્રસ્તુત ભજનમાં શરીરની અંદર વસતા આતમતત્વને જ લીરલબાઈ સમગ્ર જીવનનો સાર બતાવે છે, જે કાંઈ પડ્યું છે તે માંહ્યલામાં જ છે અને એટલે જ જે શોધ કરવાની છે તે પણ અંતરમાં જ થવી જોઈએ એ અર્થનું આ ભજન ખૂબ જ માર્મિક છતાં લોકભોગ્ય છે.


મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast) 38

શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે વિદ્યાર્થિઓનું આગમન થતું હોય એ સમયે દેશભક્તિના ગીતો વગાડાતાં, અને આવી સુંદર પ્રાર્થનાઓ પણ વાગતી. એ સમયની યાદોમાંથી જ એક પ્રાર્થના આજે આપ સૌ સાથે વહેંચી છે. સંગીત આયોજન તથા રેકોર્ડિંગ શ્રી માર્કંડભાઈ દવે દ્વારા કરાયું છે. અક્ષરનાદ સાથે આવી સુંદર ઑડીયો રચનાઓ વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ 2

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતાં, એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. પ્રસ્તુત ભજનમાં નમ્રતાનો મહિમા વ્યક્ત થતો હોય એવું ઉપરછલ્લું ચિત્ર, પણ તેના મૂળભૂત ભાવમાં ભક્તિ અને સમર્પણની વાત પડી છે. ધાર્મિક પાત્રોના ઉદાહરણો સાથે ખૂબ સુંદર એવા આ ભજનની રચના જેટલી સરળ દેખાય છે એટલી જ તેની અભિવ્યક્તિ ગહન છે


જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન… – સતી લોયણ 1

આટકોટના લંપટ રાજવી લાખો વિલાસી હતો‚ તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો. તે પછી લોયણ એના કોઢ સાથેની કાયાનું જતન અને સેવા સુશ્રુષા કરતાં કરતાં વર્ષો સુધી તેને મુક્તિનો – અલખનો મારગ બતાવતાં ૮૪ જેટલાં ભજનો લાખાને ઉદેશીને ગાયેલા. પ્રસ્તુત ભજનમાં પણ લોયણ લાખાને નિજ ધરમ વિશે સમજાવે છે. સરળ અને પ્રત્યક્ષ વાત રૂપે કહેવાયેલ ઉદાહરણોથી આ ભજન જેટલું સરળ બને છે એટલું જ ગૂઢ રહસ્ય પણ તેમાં સમાયું છે


ધીરે ધીરે પધારો, નાથ ! – કરસનદાસ માણેક 3

અંગ્રેજી શબ્દકોષ મુજબ પ્રાર્થનાના મુખ્યત્વે બે અર્થ જોવા મળે છે, પહેલી તે ઈશ્વર પાસેથી ઐચ્છિક વસ્તુની, વાતની નમ્ર માંગણી અને બીજી તે વિનંતિ કે માંગણી સ્વીકારાઈ જાય તે પછી ઈશ્વરનો આભાર માનતી પ્રાર્થના. પણ અમુક પ્રાર્થનાઓ આવા આલંબનોથી પાર હોય છે. ક્યારેક જવલ્લે જ આપણી પ્રાર્થનાઓ દ્વારા અંતરના અજ્ઞાનને દૂર કરીને પ્રકાશને પામવાની, મુક્તિની, પ્રભુનો સાક્ષાત્કાર પામવાની ઈચ્છા વ્યક્ત થાય છે. શ્રી કરસનદાસ માણેકની પ્રસ્તુત ભાવકવિતા આવી જ અનુભૂતિ કરાવી જાય છે.


હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા 2

કૃષ્ણલીલાના પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો લખીને ગુજરાતી ભક્તિ સાહિત્યને સમૃદ્ધ કરનારા નરસિંહ મહેતાની ‘શામળશાનો વિવાહ’, ‘હાર’, ‘હુંડી’, ‘મામેરું’ અને ‘શ્રાદ્ધ’ જેવી આત્મચરિત્રાત્મક રચનાઓ તેમને નામે મળે છે. ઝૂલણા છંદમાં લખાયેલા તેમના પ્રભાતિયાં ખૂબ ભાવવિભોર કરતી રચનાઓ છે. પ્રેમલક્ષણા ભક્તિના આ પદમાં ગોપીએ શ્રીકૃષ્ણનો અનુભવ મહિમા પ્રસન્નતાપૂર્વક ગાયો છે. ગોપીએ ભક્તિભાવથી અને હરખથી કૃષ્ણના આગમનને વધાવ્યું છે. પ્રત્યેક પંક્તિમાં પહેલા શબ્દનું ત્રણ વાર થતું આવર્તન સંગીત સાથે ભાવને પણ પોષે છે. ઈટીવી ગુજરાતી પર નરસિંહ મહેતા ધારાવાહિક જોતા આ રચના સાંભળેલી, ત્યારથી તેની શોધ કરતાં અંતે આ સરસ પદ મળી આવ્યું.


ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ) 5

સૌરાષ્ટ્રની મીરા ગંગસતીના ૫૨ ભજનોના સંગ્રહરૂપ પુસ્તકને આજે અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાઈ રહ્યું છે એ અત્યંત આનંદનો સમય છે. આ વિશે પહેલા ગંગાસતીનું અધ્યાત્મ દર્શન એ વિષય પર સંતવાણી ૨૦૧૦માં અપાયેલ શ્રી ભાણદેવજીનું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેના અનુસંધાને આ પુસ્તક ઉપયોગી નિવડશે. આ પુસ્તકના આરંભે આપેલ ગંગાસતી પરિચય શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા લખાયેલ છે, એ બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


હરિ તણું હેત – નરસિંહ મહેતા 3

અખિલાઈનો આજીવન અહર્નિશ આરાધક ભક્તકવિ નરસૈંયો કેવળ મધ્યકાલીન ગુર્જર પ્રદેશનો એક આદિકવિ જ નહીં, પરંતુ ગુજરાતી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું એક ઉત્કૃષ્ટ પ્રતીક છે. તેણે સદાય પ્રેમરસની યાચના કરી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલીને જે ભક્તિરચનાઓ કરી તે યુગો પર્યંત જીવતી રહી છે – રહેશે. સૌરાષ્ટ્રના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાની જન્મભૂમી જુનાગઢ રહી. તેમના પ્રભાતિયાં અને પદ્યમાં જ્ઞાન, ભક્તિ અને ઉર્મિલતાનો ત્રિવેણી સંગમ થયો છે. પ્રસ્તુત રચનામાં નરસિંહ માનવને ઈશ્વરપ્રાપ્તિ અને સત્કાર્યો પ્રત્યે સજાગ રહેવાનું સૂચવે છે. ચોટદાર ઉદાહરણો દ્વારા ઈશ્વરના વૈશ્વિક સ્વીકાર, પરબ્રહ્મનું પરીરૂપ જોવાની નવી દ્રષ્ટિ અર્પવાનો એક પ્રયત્ન નરસૈયાએ અહીં કર્યો છે.


તને એકલતા ના નડી – રામભાઈ રામ 4

અમારા સહકર્મચારી અને ભેરાઈના રહેવાસી (તા. રાજુલા, જી. અમરેલી) મિત્ર શ્રી રામ રામભાઈ આ પહેલા ઘણાં વખત ઉપર અક્ષરનાદ માટે એક રચના આપી રહ્યાં છે. રાત્રે ઘરની આગળની વિશાળ ઓશરીમાં સૂતા સૂતાં, તેમને આ રચના સ્ફૂરી છે, અને કાંઈ લખવાનું માધ્યમ ન મળ્યું તો એસ એમ એસ સ્વરૂપે તેને સંગ્રહી બીજા દિવસે તેમણે મને પહોંચાડેલી. આ સુંદર રચના બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આવી રચનાઓ પણ અક્ષરનાદની આગવી મૂડી જ છે ને! મને લાગે છે ત્યાં સુધી ભજનની શ્રેણીમાં તેને મૂકવી જોઈએ.


સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ 6

મારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.


અંગ્રેજી અનુવાદ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો 5

એક મિત્રએ પુસ્તક ભેટમાં આપ્યું, નામ હતું “અખિલ બ્રહ્માંડમાં”, સંત કવિ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો અંગ્રેજી અનુવાદ અહીં પ્રસ્તુત થયો છે. ખૂબ સુંદર અને એક નવા પ્રયત્નરૂપ આ પુસ્તકના પ્રકાશક છે શ્રી કમલનયન ન. જોષીપુરા, નવેમ્બર ૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તક આદ્યકવિ નરસિંહ મહેતાની ૩૧ ભક્તિરચનાઓ અને તેનો અંગ્રેજી અનુવાદ પ્રસ્તુત કરે છે. આ અનુવાદ ભાવનાસભર છે અને છતાંય પ્રભાવી અને સાહિત્યિક તથા કલાત્મક છે. પુસ્તક વાંચતા અનેરા સંતોષની લાગણી થાય છે. આપણી ભાષામાંથી પરભાષામાં અનુવાદો થતા જોવા એ અનોખી લાગણી છે, આપણી મૂડીના વ્યાપને વધારતો એ રાજમાર્ગ છે તો આ સર્વસામાન્ય તત્વજ્ઞાનને વિશ્વસમક્ષ મૂકવાનો અનુભવ પણ છે. આ પુસ્તકમાંથી ત્રણ મૂળ રચનાઓ અને તેના અનુવાદો સાભાર અત્રે મૂક્યા છે.


સાયર હુંદા સૂર ! અને પૂરાં પરમાણ – સંત મેકરણ 1

મેકરણ, કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ, કાપડી સાધુ. જન્મસ્થળ અને વતન કચ્છ ખોંભડી, સમય ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ (એક એક તપ) કચ્છમાં, વચ્ચેના ત્રણ તપ હિમાલય, સૌરાષ્ટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો, ત્યાં તેમની સિધ્ધશીલા આવેલી છે. હિન્દુ મુસ્લિમ બન્નેને સાચી વાત કહેનાર સમદ્રષ્ટા સિધ્ધપુરૂષ. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની બે રચનાઓ.


તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ 1

તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, તેથી રામનામ સાંભળ……તને. ગઇ પળ પાછી નહીં મળે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને…..તને. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તેં અલબેલાની બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને…તને. કળજુગ કુડો રંગ રૂડો, કેતા ન આવે પાર, જપ તપ તીરથ કાંઈ ન કરિયા એક નામ આધાર શ્રીકૃષ્ણ કહીએ…..તને. ગુરુગમ પાયો મનમાં ધર્યો, જુગતે કરી જદુરાય, ગંગાદાસકુ જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને……તને. – ગંગાદાસ ‘ડાયરો’ પુસ્તકના ભજન વૈવિધ્ય વિભાગમાંથી સાભાર.


પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ 2

જીવનના જ્ઞાનને, ગુરૂએ આપેલા પ્રેમરસને ભક્તકવિ અમૃત સાથે સરખાવતાં કહે છે કે તેમણે અમૃતનો પ્યાલો ભરપૂર પીધો છે. શરીરની માયા છૂટી ગઈ છે અને પ્રભુભક્તિનો રંગ લાગતાંજ તેમને રોમેરોમ નૂર પ્રગટ્યાં છે, સતગુરૂ તો બધાંયને સાનમાં જીવનનો સાચો મર્મ સમજાવતાં જ હોય છે, પરંતુ જે એ અર્થને પામી જાય છે, તેમની કૃપાથી, સાક્ષાત્કારથી સદાય જીવનમાં ભરપૂર રહે છે એમ અહીં કવિ વર્ણવે છે. શ્રી હેમંત ચૌહાણના કંઠે ઉપરોક્ત ભજન પ્રથમ વખત સાંભળ્યું હતું.


હીરાની પરીક્ષા – ધીરા પ્રતાપ બારોટ 1

વડોદરા જીલ્લાના ગોઠડા ગામે ૧૭૫૩માં જન્મેલા ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ ઢળેલું હતું, તેમના પદો ‘કાફી’ નામના રાગમાં ઢળેલા હોઈ તે કાફી તરીકે જ જાણીતા થયા છે. પ્રસ્તુત કાફીમાં ધીરા ભગતે પરમતત્વનું વર્ણન કર્યું છે. એ તત્વ હીરા સમાન છે જેની પરખ સાચા ભક્તને જ થાય છે. અજ્ઞાની અને મૂર્ખ માણસો તેને સમજી કે પામી શક્તા નથી. જાગ જગન જપ તપ અને તીરથ એ જ સૌથી મોટો સાચો સત્સંગ છે એ વાત અહીં ખૂબ સુંદર રીતે વર્ણવાઈ છે.


પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા 7

પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.


મોરલો મરતલોકમાં આવ્યો – દાસી જીવણ 3

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો; મોરલો મરતલોકમાં આવ્યો લાલ ને પીળો મોરલો અજબ રંગીલો, વર થકી આવે વેલો; સતી રે સુહાગણ સુંદરી રે, સૂતો તારો શે’ર જગાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો… મોર, તું તો.. ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે; હજી રે નાથજી કેમ ના’વ્યો; કાં તો શામળીયે છેતર્યો ને કાં તો ઘર રે ધંધામાં ઘેરાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો… મોર, તું તો.. રાજકોટ જીલ્લાના ગોંડલ પાસે આવેલ ઘોઘાવદર ગામે થઇ ગયેલા રવિભાણ સંપ્રદાયના ભક્તકવિ, જીવણદાસને તેમની અથાગ કૃષ્ણભક્તિના લીધે દાસી જીવણ તરીકે ઓળખાય છે, તેમના પદો તથા ભજનો આજે પણ લોકજીભે તથા જનમાનસમાં પ્રચલિત છે. ગુજરાતના મીરાંબાઈ ગણાતા જીવણદાસ પ્રસ્તુત ભજનમાં તેઓ આત્માને એક મોરની સાથે સરખાવી તેને મૃત્યુલોકમાઁ આવ્યાના કારણો તથા ઉપાયો વિશે ચિંતન કરે છે.


ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું – કવિ દાદ 5

પથ્થરની મૂર્તીને કંડારીને તેમાંથી પ્રભુની પ્રતિકૃતિ તૈયાર કરી રહેલા ઘડવૈયાને પથ્થર કહે છે કે મારે પ્રભુ નથી થાવું, એના કરતાં તો માતૃભૂમી માટે સમરાંગણમાં મોતને ભેટેલા કોઇક વીરના પાળીયા થઇને ખોડાવું છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની આ રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે.


ચિત્ત તું ચિંતા શીદને કરે… – દયારામ 4

કૃષ્ણપ્રેમના વિવિધ ભાવોને આલેખતા સર્જનો જેવા કે ગરબીઓ, પદો વગેરે માટે જાણીતા આદિકવિ દયારામ ઇ.સ.1777માં ચાંદોદ ખાતે જનમ્યા હોવાનું મનાય છે. પ્રસ્તુત રચનામાં કવિ ચિત્તને ઉદ્દેશીને કૃષ્ણને સમર્પિત થવા સમજાવે છે. જીવનમાં જે કાંઇ થાય છે તે પ્રભુની મરજીથી જ થાય છે એમ પોતાના મનને સમજાવતા તેઓ વિવિધ ઉદાહરણો આપે છે. તત્વજ્ઞાનની ગૂઢ વાતો ખૂબ સરળ અને રસપ્રદ શૈલીમાં તેમણે અહીં વણી લીધી છે.


જીવન થોડું રહ્યું… (ભજન)

જીવનને અંતે મૃત્યુ એ નકારી ન શકાય એવી નક્કર હકીકત છે. આપણા સાહિત્યમાં એવી ઘણી રચનાઓ છે જે જીવનની ક્ષણભંગુરતા વિશે સાનમાં સમજાવવાનો યત્ન કરે છે. અનિશ્ચિત્ત જીવનનો અંત ગમે ત્યારે આવી શકે તેવી વાત સમજાવતા પ્રસ્તુત ભજનમાં પ્રભુભક્તિ અને આત્માના કલ્યાણના માર્ગે ચાલવાનું અને દુન્યવી લોભ લાલસાઓ ત્યજવાનું ભજનકાર ખૂબ સુંદર અને સરળ પણ ધારદાર રીતે કહી જાય છે.


એ કે લાલ દરવાજે તંબુ… 4

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ” એ લોકબોલીમાં ગવાતું અને મહદંશે ત્રણ તાળી નામના ગરબા પ્રકારમાં ગવાતું સુંદર લોકગીત છે. વહુને માણેકચોક, ભદ્રકાળી, સીદી સૈયદની જાળી જેવા અમદાવાદના વિવિધ સ્થળોએ ગુજરી જોવા જવું છે અને તેના સાસુ તેમને બાદશાહના મિજાજની વાત કહી રોકવાનો પ્રયત્ન કરે છે.


એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ 1

શ્રી હરિહર ભટ્ટ દ્વારા રચિત પ્રાર્થના કાવ્ય એક જ દે ચિનગારી ખૂબ જ સુંદર અને ભાવવહી કાવ્ય છે. સાહિત્યના ક્ષેત્રમાં અમુક રચનાઓ પોતાની અમિટ છાપ છોડી જાય છે. અને કેટલીક રચનાઓ સમયની પરીક્ષાઓને પસાર કરી અમર થઇ જાય છે. આ રચના આવીજ સદાબહાર છે અને મારી ખૂબ પ્રિય તથા શ્રધ્ધેય છે.


શિક્ષા શાણાને… – દયારામ 1

કવિ દયારામ ભક્તિ પરંપરાના આગવા રચનાકાર અને મરમી કવિ હતાં. તેમણે ગરબી, પદ, આખ્યાન તથા ગરબા જેવા વિવિધ સ્વરૂપે આપણી સાહિત્ય પરંપરાને મહામૂલા રત્નો આપ્યા છે. પ્રસ્તુત રચના “શિક્ષા શાણાને…” માં કવિ દ્વારા શ્રીકૃષ્ણની ભક્તિ પામવાની રીત સાથે જીવન વ્યવહાર ચલાવવામાં ઉપયોગી થાય તેવી વાતો કહેવામાં છે. દયારામ રસધારા – 1 માંથી આ કૃતિ સંપાદિત કરવામાં આવી છે.)


આપણી કંઠસ્થ પરંપરાના ભજનો – નિરંજન રાજ્યગુરુ 4

પરંપરિત ભજનવાણીના સર્જકો – સંતો – ભક્તો – લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ ભજનવાણીની પધ્ધતિ અને તેના અનુક્રમ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ડો. નિરંજનભાઇ રાજ્યગુરુના પુસ્તક “સતની સરવાણી” ની પ્રસ્તાવનામાંથી આજે જાણો પ્રાચીન ભજંનવાણી અને કંઠસ્થ પરંપરાના ભજનો વિશે પધ્ધતિસાર તથા ભજન સાહિત્ય વિશે અનન્ય સુંદર માહિતિ.


પંડ્ય ને વરમંડમાં જ્યારે – મૂળદાસ (સોરઠી સંતવાણી) 4

અખંડ ધણીની સાચી ઓળખ માટે રચાયેલા આપણા લોકસાહિત્યના વિશાળ વટવૃક્ષને લાગેલા આવા સુંદર ભજનો રૂપી ફળોનો પરિપાક આપણને મળ્યો છે એ આપણી સંસ્કૃતિનું સદનસીબ છે. ખૂબ ગહન વાણી પણ ખૂબ સરળ શબ્દોમાં, આપણી ભક્તિસાધનાની આ રચનાઓ એક અલગ ભાવવિશ્વનું સર્જન કરે છે. આજે માણો આવુંજ એક સુંદર ભજન.


ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા 2

ગંગાસતીના અમુક ભજનો આપણે જાણીએ છીએ અને ક્યારેક સાંભળીએ છીએ પણ એમના વિશે, એમની જીવનકથા અને એમની ભજનવાણીના મર્મ વિશે આપણે કેટલું જાણીએ છીએ? પ્રસ્તુત છે આ કડીઓમાં ગંગાસતી વિશે થોડીક વિશેષ જાણકારી.


ત્યાગ ન ટકે વૈરાગ વિના – નિષ્કુળાનંદજી 5

ત્યાગ ન ટકે વૈરાગ વિના – શ્રી નિષ્કુળાનંદ દ્વારા લખાયેલું આ ભજન ખૂબજ સુંદર અને ભાવવહી છે. મુક્તિનો – ભક્તિનો માર્ગ પામવામાં આવતી તકલીફો, છલનાઓ અને વિટંબણાઓનો અહીં માર્મિક ભાષામાં સુંદર ચિતાર અપાયો છે.


કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો 1

કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી ખૂબ ભાવવહી, સરળ અને હૈયા સોંસરવુ ઉતરી જતુ ભજન છે. ભક્તિ સંપ્રદાયના ફેલાવામાં આવા સરળ ભજનોએ ખૂબ ફાળો આપ્યો છે…. માણો આ સુંદર ભજન અને સાથે તેની વિશદ સમજૂતી.


શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા 9

મહુવા ખાતે યોજાયેલ શ્રી શેખર સેનનો ભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ અને તેમણે પ્રસ્તુત કરેલ કેટલીક ખૂબ સુંદર અને ભાવવહી રચનાઓનો અનોખો સંગ્રહ. એક માણવાલાયક પ્રસ્તુતિ.


માં અંબા તે રમવા નીસર્યા – ગરબો 3

ચૈત્રી નોરતાં શરૂ થઇ ગયા છે, અને આ ચૈત્ર નવરાત્રી ભક્તિ અને સાધના કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જગતજનની માતાને યાદ કરતાં આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતાનો આ ગરબો …….  માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા, મા શો લીધો શણગાર રે … દેવી. મા પાવાની પટરાણી રે … દેવી. મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી. મા લીલાવટ દીવડી શોભતી .. દેવી. મા દામણી રત્નજડાવ રે .. દેવી. મા કાને કનક ફૂલ શોભતા .. દેવી. મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી. મા કોટે તે પાટિયાં હેમના .. દેવી. મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી. મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી. માને દશે આંગળીએ વેઢ રે .. દેવી. મા લીલા તે ગજનું કાપડું .. દેવી. મા છાયલ રાતી કોર રે .. દેવી. મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી. મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી. મા પગે તે કડલાં શોભતા .. દેવી. મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી. મા ગાય અને જે સાંભળે .. દેવી. તેની અંબા પૂરે આશ રે .. દેવી. ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી. મા જન્મોજનમનો દાસ રે .. દેવી.