જ્ઞાનેશ્વરના રત્નો – સંત જ્ઞાનેશ્વર 3


૧. ઈશ્વર

ઈશ્વર ન તો દૂર છે ન નજીક,
એને બ્રાહ્ય જગતમાં ખોળવો
એ જ ભૂલભરેલું છે.
અંતઃકરણના બિલકુલ મૂળમાં
એનું અધિષ્ઠાન છે.

અંતઃવૃત્તિથી જોઈશું તો
સૂક્ષ્મ જીવજંતુ
અને અણુ-રેણુ સુદ્ધામાં
એના દર્શન થશે.

નહીં તો બ્રાહ્ય દ્રષ્ટિથી
વિજ્ઞાનના પ્રકાશમાં,
ગમે તેટલું ખોળવા છતાંય
એ દેખાવાનો નથી.

એને જોવા માટે દ્રષ્ટિ નિરુપયોગી
કારણ એ જ દ્રષ્ટિનો દ્રષ્ટા
એનું વર્ણન કરવા સારું
વાણી કોઈ કામની જ નહીં.

કારણ એ જ વાણીનો વક્તા
એટલે જ્ઞાનદેવ કહે છે,
આધ્યાત્મિક ચર્ચા ઝાઝી મા કરો!

હ્રદયાધિષ્ઠિત પરમેશ્વરને,
શાંતિપૂર્વક નિહાળી લો,
એનું ધ્યાન ધરી લો.

૨. જીવનશાસ્ત્ર

હવે તને આખુંયે જીવનશાસ્ત્ર સઁક્ષેપમાં કહું છું,
પહેલી વાત એ કે ક્ષણભર પણ નવરો ન રહીશ.
સંસારને અમથું જ મહત્વ ન આપતો.
નામ વિશેનો સંકલ્પ દ્રઢ રાખજે,
અહંતા ને મમતા છોડજે.
ઈન્દ્રિયોને લાડ ન લડાવતો.
તીર્થવ્રતાદિ સાધનમાર્ગ વિશે શ્રદ્ધા રાખજે.
દયા, ક્ષમા અને શાંતિને ભૂલીશ માં.
આવેલા અતિથિને હરિરૂપ જ સમજજે.
નિવૃત્તિદેવની આ શિખામણ છે અને જ્ઞાનદેવને તે પ્રમાણ છે.
સર્વ શાસ્ત્રોનું રહસ્ય અને સર્વ સુખોનો સાર તેમાં સંઘરાયેલો છે.

૩. ઈન્દ્રિયો

ઈન્દ્રિયોને ચાળે ચઢવું એટલે દીનતા સ્વીકારી લેવી.
ઈન્દ્રિયોનું પોતાનું જ કદી સમાધાન થતું નથી ત્યાં
તેઓ તારું સમાધાન શું કરવાની?
સ્વપ્નમાંનું ધન, ઝાંઝવાના જળ, વાદળનો છાંયો,
અને ઈન્દ્રિયોનો આધાર સરખાં જ મૂલનાં.
તેથી એમનો નાદ છોડીને તું તારે માર્ગે વળ.
તારો જીવનાધાર અંતરાત્મા શ્રીહરિ છે.
એનું ચિંતન કરતો જા.
એમાં સુખનો સાગર ભર્યો પડ્યો છે.

૪. સિદ્ધિશાસ્ત્ર

પ્રીતિ અને શ્રદ્ધાથી
ઈશ્વરનું સ્મરણ કરીને
શુભ કાર્યનો આરંભ કરીએ.
એટલે તે કાર્ય પાર પડે જ.
કારણ કે ઈશ્વરસ્મરણથી બુદ્ધિ નિઃશંક થાય છે.
અને કર્મમાં ભાવનાની ભીનાશ ભળે છે.
નિઃશંક બુદ્ધિ અને ભાવનાથી કરેલું કર્મ
સિદ્ધ કેમ ન થાય?

મૃણાલીની દેસાઈ ‘જ્ઞાનદેવ’ માં લખે છે, ‘જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળા મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઈના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘાડતાં નથી, કોઇને ઉઘાડવા દેતા!’ તો મુક્તાબાઈ કહે છે, ‘તાટી ઉઘડા જ્ઞાનેશ્વરા’ તેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે? એ તાળા છે જ્ઞાનભંડાર પર પડેલા અજ્ઞાનના અને અંધવિશ્વાસના – અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે. આજે પ્રસ્તુત છે તેમની વાણીના કેટલાક સંકલિત અંશો.

બિલિપત્ર

એકવાર
પિંજરના પોપટે
સમયના પ્રાંગણમાં પડેલા
ભાગ્યના પરબીડિયાને
ઉંચકવા
ચાંચ લંબાવી
અને
ખરી પડ્યા મારા હાથ!

– અલ્પ ત્રિવેદી


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “જ્ઞાનેશ્વરના રત્નો – સંત જ્ઞાનેશ્વર

  • Harshad Dave

    જ્ઞાનદેવ જ્ઞાન અને ચિંતનનો ભંડાર ખોલે છે પણ આપણે ચિંતા કરવામાંથી ઊંચા આવતા જ નથી. મનન કરે એવું સરળ મન ક્યાંથી લાવવું? છતાં આશાને આધારે સારું જીવન જીવવા મળે તો તેથી રૂડું શું હોઈ શકે? આપણાં વર્તન, વાણી, વ્યવહાર અને આચાર વિચારની હિન્ટ્સ અહીં સમૃદ્ધિ દર્શાવે છે. આપણે તેથી સમૃદ્ધ બનીએ. -હદ.

  • Capt. Narendra

    આભાર! જ્ઞાનેશ્વર મહારાજની ઉક્તિનું આવું સુંદર અને સરળ ગુજરાતીમાં પ્રસ્તુતીકરણ કરીને એક ઉત્તમ આધ્યાત્મિક પ્રવાસ કરાવ્યો. આજની સાંજ આપે સમૃદ્ધ બનાવી આપી.