જેને વાગ્યા શબદના બાણ રે… રવિ સાહેબ 2
પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય – પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી – શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું – એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છે – એક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ – જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.