‘તેરા મકાન આલા’ (સિંધી ભજન આસ્વાદ) – ઉમાશંકર જોશી 2


૧૯૩૦માં સાબરમતી જેલમાં સાંજની પ્રાર્થનામાં એકવાર એક સિંધી ભજન સાંભળવા મળ્યું. જિંદગીભર એની ભૂરકી અનુભવ્યા કરી છે.

ગાનાર હતા ભાઈ જયન્તીલાલ આચાર્ય. કરાંચીની શાળાના શિક્ષક અને કવિ ગાયક. મીઠો, બુલંદ સ્વર, અંદર હૃદય રેડે. પ્રાર્થનાને અંતે એ ‘જનગણમન’ ગાય. વીસ વરસ પહેલાં એમણે તો એને જાણે કે રાષ્ટ્રગીતને પદે સ્થાપ્યું હતું. ભજનો રોજ જુદાં જુદાં હોય. એક સાંજે ‘તેરા મકાન આલા’ છેડયું અને સૌ મંત્રમુગ્ધ બની ગયા. એકેએક શબ્દ પૂરેપૂરો સમજાયો એમ નહીં કહી શકાય, પણ મૂળ ભાવ તરત પકડાઈ જાય એવો હતો.

હે પ્રભુ, તારું મકાન ઉત્તમ છે (આપણે ‘આલા દરજ્જાનું’ કહીએ છીએ ને ?) ભવ્ય છે. આમ કહીને આપણને કોઈ મહાલય બતાવવાનો પ્રયત્ન થયો નથી. બલકે પછીથી આવતા શબ્દો તો કહે છે કે ‘જિત્થે કિત્થે વસી ભી તૂં’ જ્યાં ને ત્યાં તું જ વસી રહ્યો છે. આ સામેના કોઈ એક સાત માળના કે એથીય ઉંચા મકાનમાં તું વસે છે એમ કોઈ એક ઈમારતની વાત જ નથી. જ્યાં જોઈએ ત્યાં, બધે જ, તું વસે છે એવી ખાતરી થાય છે તેની અહીં વાત છે- આ તો નવી નવાઈનું મકાન. માટેસ્તો સૌથી ઉત્તમ, સૌથી ન્યારું, સૌથી ભવ્ય.

તેરા મકાન આલા,
જિત્થે કિત્થે વસી ભી તૂ. તેરા.

ભક્તહૃદયને પ્રતીતિ થઈ છે કે હે પ્રભુ, બધે તું જ તું છે. આ વાત એના હૃદયમાં માતી નથી. કોઈકને એ વીનવે છે. જરીક આવો તો, અહીં, ત્યાં બધે ફરીએ, જોઈએ. જુઓ તો, તમને પણ મારા જેવી જ અનુભૂતિ થાય છે ને ?

પહેલાં તો ઊભા હતા ત્યાં જ લટાર મારતાં મારતાં ઊંચે નજર કરી, આકાશમાં.

હલો તો આસમાન વેખૂં,
આગા, હલી પસૂં,
આસમાન મિડયોહિ તારા,
તારન જો ચંડ ભી તૂં. તેરા.

ચાલો તો આસમાન જોઈએ – આકાશનું વીક્ષણ કરીએ (વેખૂ) સાથી કહે છે – ભાઈસાહેબ, મારા મહેરબાન (‘આગા’એ માનવાચક શબ્દ છે, જે ‘આગાખાન’માં છે), આપણે જઈએ (હાલીએ) અને જોઈએ, શું જોવા મળે છે ? આકાશ તો તારાઓથી ભરેલું છે. (મિડયોહિ) તારા સિવાય બીજું કાંઈ નથી. પણ એ તારાઓનો શિરમોર ચંદ્ર તે હે પ્રભુ! તું જ છે.

હવે બંને જણા જાય છે બજારમાં.

હલો તો બાજાર વેખૂં,
આગા, હલી પસૂં,
બાજાર મિડયોહિ આદમ,
આદમ જો દમ ભી તૂ. તેરા..

ચાલો ને, બજાર જોઈએ, ભાઈ, જઈને જરી નજર કરીએ. બજારમાં તો નકરાં માણસ જ માણસ (આદમ) છે. પણ જોવા જઈએ છીએ તો હે પ્રભુ ! એ દરેક આદમનો દમ-પ્રાણ તો તું જ છે.

ભીડમાંથી ખસીને હવે એકાંત શાંતિસ્થાને જાય છે.

હલો તો મન્દિર વેખૂ,
આગા, હલી પસૂ,
મંદિર મિડયોહિ મૂરત,
મૂરત જી સૂરત ભી તૂ. તેરા.

ચાલો ને, મંદિર જોઈએ. મારા ભાઈ, જઈને જરી અવલોકન કરીએ. મંદિર એટલે તો નરી મૂર્તિઓ જ મૂર્તિઓ. ત્યાં મૂર્તિઓ સિવાય કાંઇ જોવા ન મળે. પણ જરીક બારીકાઈથી જોવા ગયા ત્યાં તો જણાય છે કે ભલે આ અમુક દેવની અને ઓ તમુક દેવની, પેલી ત્રીજા જ કોઈ દેવની મૂરત હોય, સૂક્ષ્મતાથી જોવા જઈએ છીએ તો દરેકે દરેક દેવની કે દેવીની મૂરતના ચહેરા (સૂરત) રૃપે તો હે પ્રભુ, તું જ દેખાય છે.

સિંધ પ્રદેશ તો સિંધુ નદીના બે કાંઠાની આસપાસ. હવે નદીકિનારે બંને જણા જાય છે.

હલો તો દરિયા વેખૂં,
આગા, હલી પસૂં,
દરિયા મિડયોહિ લહરું,
લહરન જો લાલ ભી તૂં. તેરા.

ચાલો, નદી (દરિયા) જોઈએ. નદી એટલે નર્યાં મોજાં. પણ એ લહરીઓનો મણિસ્વરુપ લાડકો (લાલ, સરખાવો નંદ-લાલ)તો હે પ્રભુ, તું જ છે.

નદીની પાસે સર્યા. કિનારે એક કિશ્તી-હોડી હતી.

હલો તો કિશ્તી વેખૂં,
આગા, હલી પસૂં,
કિશ્તી મેં રહેથો રાહિબ,
રાહિબ જો સાહિબ ભી તૂં. તેરા.

ચાલો, હોડી જોઈએ. ભાઈ જઈને નિરીક્ષણ કરીએ. હોડીમાં કોણ છે ?

હોડીમાં રાહિબ છે. સાંસારિક સુખોથી નિવૃત્ત થયેલો જોગીપુરુષ છે, કહો ને કે આ સંસારનાં પૂરને તરી જવામાં મદદ કરનાર ગુરુ છે. પણ જરી ઊંડાણથી જોયું તો ખબર પડી કે એ તારનાર ગુરુજનની અંદરનો વડેરો પુરુષ સાહિબ તે તો હે પ્રભુ તું જ છે.

માનનીય સાથીની સોબતમાં ફરી ફરીને બધે જોઈ વળ્યા. પ્રતીતિ દ્રઢતર બની કે અહીં, ત્યાં, સર્વત્ર, બહાર, અભ્યંતર તું જ વસે છે. કેવું ઊંચેરું, અનેરું, રૃડેરું, તારું નિવાસસ્થાન છે એ વાત આપોઆપ હૃદયમાં વસી ગઈ.

‘હલો તો’થી દરેક કડી શરુ થાય છે અને એકએક નાટયાત્મક ચિત્ર નજર સામે ઉઘડે છે. દરેક કડીમાં સાથીને ઉદ્દેશીને ‘આગા હલી પસૂં’ (ભાઈ ચાલીએ, જોઈએ)એ ટુકડાનું પુનરાવર્તન લયનું સંમોહન રચે છે. તે તે સ્થાને શાની ભરમાર છે તે કહી તેઓમાંના દરેકમાં સૂક્ષ્મરુપે ભગવાન જ વાસો વસે છે એ સરળતાથી રમતું મૂકયું છે અને પાંચ જુદા જુદા અનુભવને અંતે એક-માત્ર પરમાત્માની સર્વવ્યાપકતાની વાત સહજપણે ઉઠાવ પામી રહે છે. ‘તારન જો ચંડ’, ‘આદમ જો દમ’, ‘મૂરત જી સૂરત’, ‘લહરન જો લાલ’, ‘રાહિબ જો સાહિબ’, એ સુંદર સૂત્રાત્મક શબ્દ ઝૂમખાં પ્રભુની એકતાના ભાવને ઘૂંટવામાં ઉપકારક નીવડે છે.

‘સાહેબ’શબ્દ આપણી ભાષાઓમાં બહુ બગડયો છે. એ શબ્દથી ભગવાનનો નિર્દેશ થતો. કબીરસાહેબે એ વાપર્યો છે – ‘સાહિબ મિલે સબૂરીમેં.’

એકવાર ગુજરાત વિધાનસભામાંથી સાંજે કામમાંથી છૂટીને હું આંબાવાડી તરફ ઘેર જઈ રહ્યો હતો. ગુજરાત કોલેજ સામે લીંબડા નીચે ઘણા સમયથી મોચીભાઈ જણાતા ન હતા. આજે નજર કરી તો દેખાયા. માથું નીચું કરીને એ કામ કરી રહ્યા હતા. હું સામે જઈને ઊભો થોડી વારે એમણે ઊંચે જોયું અને આંખમાં પ્રેમ સાથે બોલ્યા – ‘કેમ, સાહેબ !’

એ સંબોધન (‘સાહેબ’) રચ્યું ન હોય એવા ભાવથી હું જરી મૂંગો ઊભો.

તરત વરતી જઈને એ બોલ્યા – ‘તે, તમને કોણ કહે છે, અંદરવાળાને કહું છું.’

એ આપણી અંદરવાળાનું નિવાસસ્થાન કેટલું મહાન છે-ભવ્ય છે એનું આપણી જાતને સ્મરણ કરાવનાર આ ભક્તિગીત છે ઃ ‘તેરા મકાન આલા…’

– ઉમાશંકર જોશી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “‘તેરા મકાન આલા’ (સિંધી ભજન આસ્વાદ) – ઉમાશંકર જોશી

  • Rajesh Bhat

    Thank you for giving this rare opportunity of understanding a Sindhi Bhajan with the help of a great poet- Umashankar Joshi! I have been using “Ashram Bhajanavali” for many years but never could get a chance to understand this Sindhi Bhajan. This is what leads to national integration- our understanding each-other.

  • Harshad Dave

    આ ભજન મારું પ્રિય છે અને અમે આચાર્ય શ્રી જયંત સાહેબ સાથે તેને એ સમયે ગાતા કે જયારે અમે વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં ભણતા હતા. તેમની પાસે અમને અભ્યાસ કરવાની તક મળી તેનું અમને ગૌરવ છે. આ ભજન મારા અંતરંગ મિત્ર શ્રી ભરત કાપડીયા પાસેથી પ્રાપ્ત થયું છે અને તે છઠ્ઠી માર્ચ, ૨૦૧૩ના ગુજરાત સમાચાર, શતદલમા પણ પ્રકાશિત થયું છે. અહીં અક્ષરનાદમાં તેને પ્રસ્તુત કરવા બદલ આપનો આભાર. -હર્ષદ દવે.