મારો કર ધરની, હરિવર… – અરદેશર ખબરદાર 4


મારો કર ધરની!
ડગમગ પગ મુજ ડોલે, હરિવર!
બળ અંતર ભરની! મારો.

થયા પ્રકાશ પ્રગટ તુજ ત્યારે,
રહ્યું હ્રદય મુજ સૂતું;
ભમ્યો ભટકતો અંધારે હું,
થયું થવાનું હુંતું.

કાળ વીત્યો ને ઉઘડી આંખો
ગઈ સપનાંની માયા;
સૂકાં સરવર દેખી તીર પર
હંસ પછાડે કાયા.

ઝળતા સૂરજ લાગે ઝાંખા,
જોઈ જોઈ આંખો ચોળું;
ચંદ્રે અગન ઝરે ને તારા
લાગે ભૂતડાં ટોળું.

પાછળ ઉંચી આડ કરાડો,
આગળ ઉંડી ખીણો,
હરિવર! મારો કર ધર, હું તો
જુગજુગનો બળહીણો;

એકલડો થળથળ હું અથડું,
પળપળ અદ્દલ દુભાતી;
પકડું તારી પાંખડી હરિ! ત્યાં
ગજગજ ફૂલે છાતી.

ડગમગ પગ મુજ ડોલે, હરિવર!
બળ અંતર ભરની!
મારો કર ધરની!

– અરદેશર ફરામજી ખબરદાર
(૬/૧૧/૧૮૮૧ – ૩૦/૭/૧૯૫૩)

ગત મંગળવારે, તા. ૧૮ ઑક્ટોબરે મારા નાનીજીનું અવસાન થયું. બેએક મહીનાની ટૂંકી બીમારી બાદ તેઓ અવસાન પામ્યા તે પહેલા લગભગ પંદર દિવસ પહેલા જ અમે સપરિવાર તેમને મળેલા. કદાચ એ અસફળ લાગતી મુંબઈયાત્રાની આ સૌથી મોટી ઉપલબ્ધિ હતી. છેલ્લા દિવસોમાં તેમની યાદશક્તિ લગભગ નહિવત થઈ ગયેલી.

મને યાદ છે કે નાનપણથી તેમની પાસેથી ભજનો અને પ્રાર્થનાઓ સાંભળવાનો, તેમની સાથે મંદિર જવાનો અવસર અમને મુંબઈ હોઈએ ત્યારે અચૂક મળતો. ‘આંખ મારી ઉઘડે ત્યાંતો સીતા રામ દેખું….’ અને ‘મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારો…’ જેવા ભજનો તેમણે જ અમને શીખવેલા. પૂજ્ય મોરારીબાપુની કથાના તેઓ અદમ્ય ચાહક અને ભક્ત. એક સમયે મુંબઈના એ ઘરમાં મોરારીબાપુની કથાઓ અને ધૂનની કેસેટોનો ઢગલો હતો. પાંત્રીસેક વર્ષ પહેલા થયેલા મારા નાનાજીના અવસાનને લઈને તેઓ પ્રભુભક્તિમાં જાતને ડૂબાડીને વ્યવહારને ખૂબ જ જરૂર પૂરતો રાખતાં અને છતાંય વ્યવહારમાં ક્યાંય કોઈ ઉણપ નહીં, કોઈ કાંઈ કહી જાય એવો કોઈ અવસર નહીં. છેલ્લે છેલ્લે અમારો પુત્ર ક્વચિત તેમના ખોળામાં રમવાના સદભાગ્યને પામ્યો.

આજે પ્રસ્તુત કરેલી આ રચના, ઈશ્વરને તેમના આત્માને અનંત શાંતિ અને મોક્ષ આપવાની પ્રાર્થના સાથે સમર્પિત.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મારો કર ધરની, હરિવર… – અરદેશર ખબરદાર

  • Harshad Dave

    ‘જે દિન દિનેર શેશે મૃત્યુ આસબે તોમાર દુયારે શે દિન તુમી કિ ધન દીબે ઉહારે? શે દિન આમી દીબે આમાર ભરા પરાણ ખાની.’ જે દિવસે તમારે દ્વારે મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે તમે શું તેણે ધન આપશો? ત્યારે હું તેણે મારો સમૃદ્ધ થયેલો પ્રાણ આપીશ. આ કાવ્યોદગાર છે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના. ઈશ્વર તેમનાં આત્માને પરમ શાંતિ આપે જેમનો પ્રાણ એટલો સમૃદ્ધ થયો છે.પ્રણામ. – હદ