શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે.. (જેસલ તોળલ) – ઝવેરચંદ મેઘાણી 4
વાયકા છે કે સાંસતીયાજીના વચને જેસલ જાડેજા સાથે જ્યારે તોળલે સાંસતીયાજીનું ગામ છોડ્યું ત્યારે તેને મહીના ચાલતા હતાં, હવે નવ મહીના પૂરા થવા આવ્યા ત્યારે ભક્ત સાંસતીયાજીનું જેસલ અને તોળલને તેડું આવ્યું, ‘ગર્ત્ય’માં હાજરી આપવા બંનેને વખતસર આવવા કહેવાયું હતું. તોળલ વિચારે છે કે નોતરું બે જણને જ આવ્યું છે, અને પેટમાં ત્રીજો જીવ છે તેને લઈને કેમ જવાય? પવિત્ર એવી એ ગુપ્ત ધર્મક્રિયામાં દિક્ષિતો સિવાય તો કોઈએ જવાય નહીં, તોળલે કટારી લઈ પોતાનો ગર્ભ કાઢ્યો અને તેને ઘોડીયામાં નાંખી, પડોશણને ભાળવણી કરી જેસલ સાથે ચાલી નીકળી. માર્ગમાં જંગલ આવ્યું, પોતાના બચ્ચાંને વળગાડીને ઠેકતી વાંદરીને જોઈ તોળલથી તેને બચ્ચું સંભાળવાનું કહેવાઈ ગયું, વાંદરી કહે, ‘અમે તો જાનવર, અમને તો બહુ ગતાગમ ન પડે, પણ માણસ થઈને ઉત્સવના બે કોળીયા અન્ન માટે તેં આ શું કર્યું ? એ જ પ્રસંગની અહીં વાત છે. સોરઠી સંતોમાં તોળલ, અમરમાં જેવાં સંતો અલખને નિરાકારને આરાધનારા ઉર્મીશીલ અને ત્યાગી મહામાનવો બની રહ્યાં છે.