સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ધૂમકેતુ


સોનેરી જીવનસૂત્રો – ખલિલ જિબ્રાન, અનુ. ધૂમકેતુ 4

સીરિયાના લેબૅનૉનમાં બશેરી ગામમાં ૧૮૫૩ના જાન્યુઆરીમાં ખલિલ જિબ્રાન જનમ્યા. જિબ્રાન એટલે આત્માનો વૈદ્ય, ખલિલ એટલે પસંદ કરાયેલો, પ્રેમભર્યો મિત્ર. એશિયામાં જે કેટલીક અદ્વિતિય પ્રતિભાઓ જન્મી છે, એમાં ખલિલ જિબ્રાન અગ્રસ્થાને છે. એની પાસે ટાગોરની સુંદરતા, સચ્ચાઈ અંગ્રેજ કવિ બ્લેઇકની અને કિટ્સની બારીકી છે. એ કવિ હતો, ચિત્રકાર હતો, ફિલસૂફ હતો – અને આ બધું હતું એટલે એ લેખક હતો! અને આશ્ચર્ય એ છે કે આ વાક્યનું પ્રતિવાક્ય પણ એટલું જ સત્ય છે. એનું લખાણ જેટલી વાર વાંચીએ એટલા નવા અર્થો મૂકતું જાય છે. આજે એવા જ કેટલાક સર્જનનું ધૂમકેતુએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે.


શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી 21

તો અક્ષરનાદ પર જે નવી શરૂઆત માટે દિવાળી પહેલાથી પ્રયત્ન શરૂ કર્યો હતો એ આજથી સાકાર થવા જઈ રહ્યો છે… અને એ છે કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝન. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ છે. કેટલાક મિત્રોએ આ નવી શરૂઆતની જાહેરાતને વધાવીને પ્રોત્સાહન આપ્યું છે, એટલે આ પ્રથમ વાર્તા અમારા માટે પરીક્ષા સમાન છે, એ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો નવા રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.


કવિતાનો પુનર્જન્મ – ધૂમકેતુ 3

ધૂમકેતુના તણખામંડળ ૪ માંની આ એક અનોખી વાત આજે પ્રસ્તુત કરી છે. સાવ નિરસ, શુષ્ક અને સંપૂર્ણપણે ઘરેડમાં ચાલતા જીવનમાં કવિતાનો પુનર્જન્મ થાય ત્યારે શું થતું હશે? જીવનનો ઉલ્લાસ, જીવનની વેદના, જીવનની વાસ્તવિકતા અને અવાસ્તવિકતા – એ બધાંને જીવવા માંગતા અયાંત્રિક લોકોના મનોભાવને ધૂમકેતુ કેટલી સહજતાથી ઉપસાવી શકે છે એ તો તેમની આ સુંદર કૃતિ વાંચીએ તો જ સમજાય.


રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ 17

આપણી કેટલીક પ્રશિષ્ટ નવલિકાઓ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની ‘જી’બા’ હોય, રામનારાયણ વિ. પાઠકની ‘જક્ષણી’ હોય કે ધૂમકેતુની ‘પોસ્ટઑફીસ’ આ બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા ‘રજપૂતાણી’ આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો – રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય છે અને એથીય નિરાળો અંત… ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.


વિચારકણિકાઓ… – ધૂમકેતુ 6

ગુજરાતી સાહિત્યના નભોમંડળમાં સૂર્યશી આભા પ્રસરાવનાર ધૂમકેતુથી આપણું સાહિત્યજગત ઉજ્જવળ છે, 500થી વધુ ટૂંકી વાર્તાઓ, પચીસથી વધુ ઐતિહાસીક – સામાજીક નવલકથાઓ, ઉપરાંત નાટ્યલેખન અને સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર સર્જન છે. ચિંતનકણિકાઓના તેમના ત્રણ પુસ્તકો ‘પદ્મરેણું’, ‘જલબિંદુ’ અને ‘રજકણ’ માંથી કેટલીક વિચારપ્રેરક ચિંતનકણિકાઓ અત્રે સંપાદિત કરી છે. આશા છે વાચકમિત્રોને આ પ્રેરક વાતો મમળાવવી ગમશે.


ગોવિંદનું ખેતર (ટૂંકી વાર્તા) – ધૂમકેતુ 7

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન જાણીતું છે. વિષયવૈવિધ્ય, સચોટ અને સ્પષ્ટ પાત્રાલેખન, તાદ્દશ વર્ણનો અને ભાવનામય વાતાવરણની ચિત્રાત્મકતા, માનવ સંવેદનોની સૂક્ષ્મ અભિવ્યક્તિ, તીવ્ર સંવેદનો સાથે સમયોચિત કથાવસ્તુને કંડારીને તેમણે અનેક સુંદર ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રસ્તુત વાર્તામાં નગરજીવનના મોહમાં રઘુનાથ મહારાજનો પુત્ર ગોવિંદ હર્યાભર્યા કુટુંબને, રાજપુર ગામને છોડીને શહેરમાં નોકરી કરવા જાય છે. શહેરના મોહમાં કૃત્રિમ અને પ્રદૂષિત જીવનવ્યવસ્થા તેને મોતના મુખમાં ધકેલે છે. અને જીવનના અંતે ફરીથી મૂળ જગ્યાએ આવે છે – વાર્તાઓની સાથે સંકળાયેલ ઘટનાપ્રસંગમાં ગ્રામજીવનની નાની નાની બાબતો – સંસ્કારો, પ્રકૃતિનો ખોળો, બંધુત્વની ભાવના વગેરેનું સરળ નિરુપણ અહીં થાય છે. ગામડાના નાનકડા જમીનના ટુકડા સાથે જેટલું સાદગીભર્યું અને ભર્યુંભર્યું જીવન છે એટલું શહેરી સંસ્કૃતિમાં નથી એ પ્રભાવક રીતે અહીં દ્રષ્ટિગોચર થાય છે.


વિનિપાત – ધૂમકેતુ 13

વિનિપાત એ ધૂમકેતુ રચિત સમાજની પોતાની ઐતિહાસીક ધરોહરને વેડફી નાંખવાની અને એક અજાણ્યા પરદેશીએ તેને ઓળખીને જાળવવા દાખવેલ ઈચ્છાની વાત કરતી આગવી નવલિકા છે. પણ આટલું કહ્યા પછી એ પણ ઉમેરવું છે કે એ ફક્ત આવા વિષયવસ્તુ સાથેની એક સામાન્ય ટૂંકી વાર્તા નથી, એ વિષયવસ્તુ, સંવેદન, સર્જનની રચનારીતિ કે વર્ણન કૌશલ્યની દ્રષ્ટિએ અનોખી છે અને આપણી ભાષાના સર્વેશ્રેષ્ઠ સર્જનોમાં આગવું સ્થાન ધરાવે છે. શાળામાં પણ આ કૃતિ અમે ભણેલા એવું આછું યાદ આવે છે. ગુજરાતી શાળાકીય શિક્ષણમાં આવી અદ્વિતિય રચનાઓને સ્થાન મળ્યું છે એ ત્યારના વિદ્યાર્થીઓ માટે અનેરી આનંદની વાત હતી જે આનંદ અને માતૃભાષાનો પ્રેમ આજની ‘અંગ્રેજી જનરેશન’ને મળતો નથી. આશા છે કે તેમને હાથવગા એવા આ આંતરજાળ દ્વારા તેમને આ આનંદની અનુભૂતિનો સાક્ષાત્કાર થઈ શક્શે.


શ્રમણ ગૌતમની પાસે – ધૂમકેતુ 2

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ સર્જિત ગુપ્તયુગ નવલકથા ગ્રંથાવલીના ૧૩ ભાગ છે. તેમાંના ત્રીજા ભાગ, મગધપતિમાંથી ઉપરોક્ત કૃતિ લેવામાં આવી છે. ગુપ્તયુગ ગ્રંથાવલી – નવલકથાસમૂહના ત્રણ પુસ્તકો મેં વાંચ્યા છે. ઈતિહાસને વિગતે દર્શાવવાની ધૂમકેતુની વિશેષતા આ ગ્રંથોમાં ઉડીને આંખે વળગે છે તો ઈતિહાસની વાતોને ચડેલું નવલકથાનું ક્લેવર વિગતોને નિરસ થતાં બચાવે છે અને તેમાં રસ જળવાઈ રહે છે. મહારાજ બિંબિસાર, તેમનો પુત્ર અજાતશત્રુ અને મહાઅમાત્ય બ્રાહ્મણમંત્રી વર્ષકાર, તેમની નગરી રાજગૃહ, તેમની સામે પડેલું ગણતંત્ર વૈશાલી, વૈશાલીની નગરશોભિની આમ્રપાલી, શ્રમણ તથાગત ગૌતમ અને રાજતંત્ર તથા ગણતંત્રની વિવિધ બારીક વાતોનું તેમણે સુંદર આલેખન કર્યું છે જેથી આ સમગ્ર ગ્રંથસંગ્રહ એક ખજાનો બની રહે છે, અને તેને વાંચવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયથી આ તેર ખંડોમાં વહેંચાયેલી વિશાળ ગુપ્તયુગ ગ્રંથાવલી મેળવી શકાય છે.


જુમો ભિસ્તી – ધૂમકેતુ 50

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫)આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ તણખા ભાગ – માંથી લેવામાં આવી છે. જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, મને ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. આ સુંદર રચના ગોપાલભાઈ પારેખની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.