ભક્તિ ચિંતન – હરસુખરાય જોષી 2


જે સર્વ સમર્થ છે, સર્વ શક્તિમાન છે, જે બધાનો સ્વામી છે તે પરમાત્મા પ્રતિ પ્રેમ, અતિશય પ્રેમનું નામ ભક્તિ છે. દુનિયામાં કોઈ અતિશય પ્યારી વસ્તુ હોય તો તે પ્રાણ છે. આ શાંડિલ્ય ઋષિનો મત છે.

ભક્તિ એ એવી એક શક્તિ છે જેના આવ્યા બાદ પૂર્ણ પ્રાપ્તિનો અનુભવ થાય છે. હવે કશુ મેળવવાનું રહેતું નથી, ભક્તિ વિશે વિચારીએ ત્યારે નારદ ઋષિનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે, ભગવાન પ્રતિ સ્નેહ અને ભગવાનના સંતાનો તરફ પ્રેમ. આ ભાવના જાગે એટલે સમજવું ભક્તિના પ્રારંભની શરૂઆત થઈ. ભક્તિનું પ્રથમ લક્ષણ, માણસ દરેક પરિસ્થિતિમાં આત્મસંતુષ્ટ અને પ્રસન્ન નજરમાં આવશે.ઈશ્વર પ્રતિ સમર્પિત ભાવ દેખાશે. જે વ્યક્તિ ભક્તિમાં ભગવાન પ્રતિ સમર્પિત થઈ હોય તેના મસ્તકમાં શીતળતા રહેશે. શાંત અને શીતળ – cool collected, તેની વાણીમાં માધુર્ય – મીઠાશ રહેશે, તે હંમેશા પ્રભુ પ્રત્યે આભારની ભાવનાથી વર્તાવ કરશે. ફરિયાદ નહિ કરે.

આપણે આ ‘શરીર’ નું માધ્યમ લઈ પૃથ્વી પર આવ્યા છીએ. જ્યારે જવાનો વખત આવે છે ત્યારે આ ‘શરીર’ને અહીં જ છોડી દેવું પડે છે. સાથે કશું જ આવતું નથી. કફનને ખીસ્સુ હોતું જ નથી.

લુકમાન એક જાણીતા ફકીર હતા. મોટા હકીમ હતાં. તેમના ચેલાઓએ તેમને પૂછ્યું. આપની જીંદગીનું રહસ્ય તો બતાવો. આપનું વાંચન વિશાળ છે. દરેક મનુષ્યને આપ સારી રીતે ઓળખી – સમજી શકો છો. દુનિયાના વિષયોની પણ જાણકારી છે.

લુકમાને કહ્યું કે ‘ હું તો ફક્ત બે વાત જાણું છું. માણસ કોઈ પણ હાલતમાં રહે, બે વસ્તુ ન ભૂલે, એક પરવરદિગારેઆલમ – પરમ પિતા પરમેશ્વર જેમણે જીવન આપ્યું અને બીજું મૃત્યુ જે માથા પર સવાર છે. કોણ જાણે ક્યારે આવશે અને આ બધુ અહીં જ છોડીને ચાલી નીકળવું પડે.

હમણાં જ વર્તમાનપત્રો – ટી.વી. ચેનલો તાજેતરની ઘટેલી ઘટનાને વારંવાર પ્રકાશિત-પ્રસારિત કર્યા કરે છે. રાજ્યના ગૂહપ્રધાન ની ધરપકડ. અનિચ્છિનિય બાબતોમાં તેમની સંડોવણી – CBI ની તપાસ, તેમનું ભૂગર્ભમાં જવું અને એકાએક શરણાગતિ. આવા બનાવો દેશના ફલક પર તો ઘણા છે. હમણાં જ મેડીકલ એસોશીયેશનમાં રાજ્ય કક્ષાએથી રાષ્ટ્ર કક્ષાએ પથેન્ન્તિ મેળવેલ એક જાણિતા તબીબ કરોડોની લાંચ લેતા પકડાયા. આ તો આક્ષેપો અને પ્રતિઆક્ષેપો – સમયની બરબાદી – પૈસાનો ધૂમ બગાડ – રાજકારણ અને ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ. જેને કાંઈ લેવાદેવા ન હોય તે માણસ પણ વિચાર કરતો થી જાય. જવાબદાર વ્યક્તિ – પ્રધાન – તબીબ આવાં, તો સામાન્યનું શું ગજું ? એક સ્વજન સાથે આ અંગે ચર્ચા થતી હતી. તેમણે કહ્યું તબીબ આખરે તો એના પરિવારનું કલ્યાણ કરતો ગયો. તેની સાત પેઢીને આર્થિક રીતે સધ્ધર કરતો ગયો.

તેમનું આ મંતવ્ય મારાં મગજને બીલકુલ બંધબેસતું ન હતું. તબીબની સામાજીક, પ્રતિષ્ઠા – કરોડો રૂપિયા અને કિલોની સંખ્યામાં સોનું જપ્ત – જેલવાસ – તેમનું કર્યું કારવ્યું બધુ ધૂળધાણી થઈ ગયું. શું તે હવે ઉન્ન્ત મસ્તક રાખીને જીવી શકાશે? તેમના સંતાનો તેમને કઈ રીતે મૂલવશે?

મારા ગુરુવર્યએ કહેલ એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક વ્યક્તિ સત્સંગમાં નિયમિત રીતે આવતી. તે સજ્જન ભાવ પૂર્વક સંત્સંગ – શ્રવણ કરતાં બાવ વિભોર થઈ જતાં. તેનામાં ઉદભવેલો ભક્તિભાવ હિલોળા લેતો. બિલકુલ સ્વાભાવિક સાહજીક અને પ્રાકૃતિક, કોઈ આડંબર નહિ, તેમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ જતી.આંખોમાંથી આસુ વહેતા. પ્રસન્ન ચહેરો અને આંખોમાં અશ્રુ. આ એક દ્રશ્ય વિરોધાભાસ હતો. કોઈએ આ અંગે પુચ્છા કરી. ભક્તિથી તરબોળ ચહેરો છતાં પણ આંખમાં આસું શા માટે?

તે સજ્જને આપેલો ખુલાસો પ્રસ્તુત છે. દેશનું જ્યારે વિભાજન થયું. હિંદુસ્તાન – પાકિસ્તાન ત્યારે ત્યાંની સર્વ સંપતિ લુંટાઈ ગઈ. આખો પરિવાર પહેરેકપડે રસ્તા પર આવી ગયો. નહિ ખાવા- પીવાના ઠેકાણા – પગ ઉધાડા – દિવસો કાઢતાં અહીં આવ્યા. છોકરાઓ પર નજર કરીએ તો જીવ બળે. ડગલે પગલે સતત સંધર્ષ મજૂરી – કાપડનાં ગાંસડા ઉપાડી ગામમાં વેચવા જઈએ. કોઈવાર તો રાતવાસો ત્યાં જ થઈ જાય. વરસો આવી રીતે કાઢ્યા.

આ જે હવે પરિસ્થિતિ બદલાઈ છે. આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થઈ છે. આવાસી વૈભવ પ્રાપ્ત થયો છે. મર્સિડિસમાં ફરતા થયા છે. શ્રી અને સરસ્વતીની કૃપા થઈ છે. મનપસંદ ખાઈએ છીએ. જે હતું તેનાથી સો ગણું આપ્યું છે. સત્સંગમાં આ વાત સપાટી પર આવે છે. ત્યારે એ પરમાત્માની કૃપા કેમ ભૂલાય? હે પ્રભુ તું ધારે તો ક્ષણમાં બઘું જ છીનવી લે છે? તારી કૃપા વરસે તો અનેક ગણું આપી દે છે. તું એક રચનાત્મક ધડતર કરે છે. માણસની ઈચ્છાઓનો પાર નથી. તેની ઝોળી રબ્બ્ની છે. તારા દેવામાં કોઈ કમી નથી. તારું મૌન દેન છે. તારી આપેલી ચીજ દેખાય છે, તારા હાથ દેખાતાં નથી.

સજ્જન તેમની વાત ચાલુ રાખે છે, આ એક સમય પસાર થઈ ગયો અને પસાર થતો સમય મને પરમાત્માની અનુભૂતિ કરાવતો ગયો. ભક્તિમાં મને તરબોળ કરતો ગયો. આ એમની જ કૃપા છે. મારી લાયકાત કરતાં તેણે મને ખૂબ આપ્યું છે, હું ખૂબ સંતુષ્ટ છું. આ સંત્સંગમાં આ દિવ્ય અનુભૂતિ મને પ્રસન્નતા અને આંસુ બંન્ને આપે છે.

સ્વાભાવિક જ ઉપરોક્ત કથિત પ્રધાન – તબીબ સાથે આ સંત્સંગી સજ્જનના અભિગમની તુલના થઈ જાય. સાચા ખોટાનો માનવીય ન્યાય તો વરસો ક્યારેક દાયકાઓ લઈ લે છે, અને ચૂકાદાઓ પણ હાસ્યસ્પદ હોય છે. સત્ય તો ઈશ્વર જ જાણે. એ જ્યારે પરચો આપે છે ત્યારે તેની લાઠીનો અવાજ આવતો નથી. મોગલ શહેનશાહોની કાવ્યોક્તિ તો યાદ છે ને? “સગા દીઠા મે શાહઆલમના, ભીખ માંગતા શેરીએ.”

પરમ કૃપાળુ પરમાત્મા તમારા શ્વાસ – ઉચ્છવાસની જેમ નિત્ય તમારી સાથે જ છે. તમારી શ્રદ્ધામાં ઊણપ ન આવવા દો. ગુરુવર્ય યહુદી- તત્વજ્ઞની વાત કહે છે. ખૂબ જ માનનીય અને પ્રેરક છે. યહુદી-તત્વજ્ઞ હંમેશા સાગર તટે ફરવા જતાં – પ્રકૃતિના સાનિધ્યમાં રહી ઊદિત સૂર્ય પ્રકાશની લાલીનાં દર્શન કરી ધન્ય બનતાં. વિપુલ જલરાશી સમુદ્રને નીયતી પરમાત્માની ભક્તિમાં લીન થઈ જતાં.

એક વખત એમણે જોયું જે રેત પર તેઓ ચાલતા ત્યાં તેમના બે પગલાં તે રેત પર અંકિત થઈ જતાં. તેમણે જોયું બે પગલાં ની જગ્યાએ ચાર પગલાં હતાં. તેઓ આશ્વર્ય ચકિત થઈ ગયા. કહે છે આકાશવાણી થઈ “હે ફકીર તું વધારાના બે પગલાં જુએ છે તે મારાં છે. હું હંમેશા ભક્તિની સાથે જ રહું છું. તેની દરકાર કરુ છું.

સંકોચ સાથે તે યહુદી ફકીરે જવાબ આપ્યો. હે પરમાત્મા આપની વાત સાથે હું દ્રીધા અનુભવુ છું. ભ્રમિત છું. આ અગાઉ હું મુશીબતમાં આવી ગયો હતો. ધંધામાં નુકશાન ગયુ હતું. બરબાદ થઇ ગયો હતો, સગાં – વહાલાં, પરિવાર-મિત્રો, સ્નેહીઓ બધાએ મને ત્યાગી દીધ હતો. એકાકી થઈ ગયો હતો. આત્મહત્યાના વિચારો કરતો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં પણ સાગરતટે ઘુમવાની આદત હતી. ત્યારે પણ મે જોયું હતું તો રેત પર બે જ પગની આકૃતિ અંકિત હતી. હે પરમાત્મા તું કહીશ કે એ મારા પગની આકૃતિ હતી. તો મારા પગની રેખા ક્યાં ગઈ? કહે છે આકાશવાણી થઈ ” હે ફકીર, તું મારી ગોદમાં હતો.” યહુદી – તત્વજ્ઞ ગદગદીત થઈ ગયો.

ભક્તિરત ભક્ત આત્મચિંતન કરવા પ્રેરાય છે. જ્યારે મનુષ્યની સમજમાં એ વસ્તુ આવે કે પુરુષાર્થ અને પ્રારબ્ધથી વધીને પણ એક ચીજ છે, પ્રાર્થના, પરમાત્માને સમર્પિત થઈ જાય. સીધું, સરળ અને સહજ બની જીવન વિતાવો. પરમાત્માની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે.

(લખવાની પ્રેરણાઃ ગુરુવર્ય શ્રી સુધાંશુજી મહારાજન્ – કથન, શ્રવણ, પઠન, ચિંતન)

બિલિપત્ર

સ્નેહને બોલવા કરતાં અભિવ્યક્ત કરીને બતાવો,
ક્રોધનો અનુભવ કરાવવા કરતાં બોલી નાંખો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ભક્તિ ચિંતન – હરસુખરાય જોષી