શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાથે એક મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ 10


શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીની વળી ઓળખાણ આપવાની શી જરૂર? તેમના નામમાં જ તેમનો આખોય પરિચય આવી જાય છે. કોઈ ગુજરાતી એવો મળે જે મેઘાણીના પ્રભાવથી અછૂતો રહ્યો હોય? ભાવનગરમાં આવેલા લોકમિલાપ ટ્રસ્ટ વિશે ઘણુંય સાંભળેલું, વાંચેલું, પરંતુ આજ સુધી જવાનો અવસર મળ્યો નહોતો. પણ અચાનક એક રવિવારે જાણે પૂર્વનિર્ધારીત હોય તેમ તેમને મળવા જવાનો ઉમળકો અંદરથી થયો, ફોન લગાડ્યો અને તેમણે જ સામે રીસીવ કર્યો. મેં મારો પરિચય તેમને આપ્યો, અને મળવા આવવા માટે અનુમતિ માંગી.

“ચોક્કસ આવો, મને ગમશે” એવી તેમની વાત મારી તેમને મળવાની ઈચ્છા વધારતી ગઈ. મેં કહ્યું, “સાહેબ, હું તો આવું જ છું.” સાડા દસે મહુવાથી નીકળ્યો, અને સંજોગોવશાત ભાવનગર પહોંચ્યો ત્યારે દોઢ વાગ્યો હતો. સંસ્કારમંડળ ઉતરીને એક રીક્ષાવાળાને પૂછ્યું, “લોકમિલાપ …..” એણે રસ્તો બતાવ્યો અને ચાલતો પાંચેક મિનિટમાં પહોંચી ગયો લોકમિલાપ ટ્રસ્ટ.

મુખ્ય દરવાજો ખોલીને જેવો અંદર પ્રવેશ્યો કે તરતજ મહેન્દ્રભાઈ સામે દેખાયા. ઘણાં લોકોને આપણે રૂબરૂ કદી જોયા ન હોય પણ તેમને, તેમની આંખોમાં રહેલા વહાલને, વાત્સલ્યને, એક અનોખા આવકારને જોઈએ એટલે ખબર પડી જાય કે એ વ્યક્તિ કોણ હશે….. શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને મળતા પહેલાં વિચારેલું આ સાહિત્યસંત, જેમણે ગુજરાતી સાહિત્યમાં આટલું અમૂલ્ય પ્રદાન કર્યું છે, એ કેવા હશે? પણ તેમને જોઈએ એટલે ખબર પડી જાય કે નિખાલસતા, સાદગી અને ૮૭ વર્ષની ઉંમરે પણ એક બાળસહજ ઉત્સુકતા, આ બધા ગુણોનો આવો પ્રવાહ જ સાહિત્યના સાગરને સમૃધ્ધ કરી શકે. હું તો તેમનો એક સામાન્ય ચાહક છું જ, પરંતુ મને તેમના તરફથી જે રીતે આવકાર મળ્યો એ જોઈને મને કાગવાણી અચૂક યાદ આવી જાય…

હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે,
આવકાર મીઠો….આપજે રે જી

મહેન્દ્રભાઈએ મને તેમના ડેસ્ક પાસે એક ખુરશી પર બેસવા કહ્યું અને તરત ‘બાફલો’ આપ્યો, કહે, “સવારના નીકળ્યા છો તો આવા તડકાનું આ જ ઠીક રહેશે.” મહેન્દ્રભાઈમાં કોઈને પણ પોતાના વડીલ સ્વજનની છબી ન દેખાય તો જ નવાઈ. “હું જમીને જ આવ્યો છું.” એવું ભારપૂર્વક કહ્યાં છતાંય થાળી ભરીને નાસ્તો ધર્યો, અને કહે, “પહેલા નાસ્તો પછી વાત કરીએ.”

મેં તેમને અક્ષરનાદનો પરિચય આપવાની શરૂઆત કરી. મથાળે ફરતી કંડિકાઓ સાથેના ચિત્રો, અરધી સદીની વાંચનયાત્રામાંથી લીધેલી કૃતિઓ, વિવિધ વિભાગો, ગીર પ્રવાસ વર્ણનના લેખો, ફોટાઓ, કાનાનો ડાયરો દર્શાવતો વિડીયો, અમુક વિશેષ કૃતિઓ-લેખો વગેરે બતાવ્યું. હમણા અક્ષરનાદ પર ડાઉનલોડ કરવા મૂકેલી ખિસ્સાપોથી બતાવી. ગુજરાતી બ્લોગ જગત વિશે પણ તેમને થોડીક વાત કરી અને કેટલાક બ્લોગ / વેબસાઈટ વિશે પણ તેમને જણાવ્યું. આ બધુંય તેઓ એક બાળકની ઉત્સુકતાથી સાંભળતા રહ્યાં, જોતા રહ્યાં.

બાફલો – નાસ્તો પૂરો થયો, એટલે મેં પ્રશ્નપરંપરા શરૂ કરી. સૌપ્રથમ જોડણીથી શરૂઆત કરી. મેં તેમને પૂછ્યું કે સાર્થ જોડણી અને ઉંઝા જોડણી એ બેમાં જે મૂળભૂત વિવિધતા છે તેમાંથી કઈ આપણી ભાષાને અનુરૂપ છે? ઉપયોગીતાની દ્રષ્ટિએ કયો પ્રકાર વધુ યોગ્ય છે?

તેમનો જવાબ સાવ અનઅપેક્ષિત હતો. તેઓ કહે, “જોડણી સુધારતા પહેલા આપણે આપણી લિપિ સુધારવી જોઈએ. જ્યાં સુધી લિપિ પૂરેપૂરી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી જોડણીની વાત કરવી વ્યર્થ છે. લિપિ સુધારણા પ્રાથમિક જરૂરત છે.

મેં વળી પૂછ્યું કે જોડણી અને લિપિની સુધારણામાં મૂળભૂત ફરક શો છે? લિપિ સુધારણા કઈ રીતે કરી શકાય?

એકાદ બે ઘડી વિચારીને તેમણે ઉત્તર આપ્યો ગુજરાતી લિપિનો એક મોટો ગુણ એ છે કે તેના દરેક અક્ષરનો એક જ ચોક્કસ ઉચ્ચાર થાય છે. અને એ જ રીતે દરેક ઉચ્ચાર માટે એક જ અક્ષર નક્કી કરેલો છે. અંગ્રેજીમાં ઉચ્ચારો વિશેની અરાજકતા જાણીએ ત્યારે ગુજરાતી લિપિની આ વિશેષતાની કદર કરી શકીએ, જેમ કે Peter માં ‘pe’ નો ઉચ્ચાર ‘પી’ થાય છે જ્યારે pending માં ‘pe’ નો ઉચ્ચાર ‘પે’ થાય છે. આવા તો અનેકો ઉદાહરણો છે, આમ અહીં ઉચ્ચાર સંબંધી અરાજકતા છે. પણ આની સામે અંગ્રેજીનો મોટો ગુણ એ છે કે તેમાં ફક્ત ૨૬ અક્ષરો છે. એટલા અક્ષર જેણે શીખી લીધાં એ કોઈ પણ અંગ્રેજી પુસ્તક વાંચી શકે, પણ એ ફક્ત ‘વાંચી’ શકે, જરૂરી નથી કે ‘સમજી’ પણ શકે અથવા સાચી રીતે ઉચ્ચારી શકે.

તો ગુજરાતી લિપિમાં કેટલા અક્ષરો છે એ તમે કહી શક્શો? ભણેલા ગણેલાઓ અને વિદ્વાનોમાં પણ આ સંખ્યા બાબતે મતભેદ છે. આપણી ભાષામાં અમુક સ્વર કહેવાય અને અમુક વ્યંજન, આ બે ના સંયોગથી આપણે દરેક વ્યંજનની બારાખડી બનાવેલી છે.

મૂળાક્ષરો ઉપરાંત જોડાક્ષરો પણ આવે છે, એ રીતે મૂળાક્ષરો, જોડાક્ષરો અને બારાખડી મળીને અનેક અટપટા આકારો થાય છે અને એ બધુંય યાદ રાખીએ ત્યારે ગુજરાતી વાંચી શકીએ. નાના બાળકો અને અક્ષરજ્ઞાન મેળવવા માંગતા પ્રૌઢો પર બહુ મોટો બોજો આ ગૂંચવણ મૂકતી જાય છે. એના લીધે વાંચતા લખતા શીખવું અઘરું લાગે છે અને જે કાંઈ શીખે તે કાચું રહી જવા સંભવ છે. તેની સામે રોમન લિપિનું કામ પેલા ૨૬ અક્ષરોથી જ ચાલે છે. એટલે ગુજરાતી કરતા અંગ્રેજી શીખવું સહેલું છે. ગુજરાતી ટાઈપ પણ અંગ્રેજી કરતાં અટપટું છે.

આ રીતે ગુજરાતીને સરળ બનાવવા લિપિમાં સીધા સાદા ફેરફાર કરવા જેવા છે. આ વખતે નાના બાળકો અને અક્ષરજ્ઞાન મેળવવા માંગતા પ્રૌઢોને ધ્યાનમાં રાખવા જોઈએ. કેટલાક મૂળભૂત ફેરફારો સાથેનું પુસ્તકોનું છાપકામ અમે થોડાક વર્ષો પહેલા કરેલું એ મૂળભૂત ફેરફારો આ પ્રમાણે હતાં.

સાર્થમાં ક થી હ સુધી જ મૂળાક્ષરો છે. આપણે અ અને ક થી હ સુધીના ૩૨ મૂળાક્ષરો જ રાખવા જોઈએ.
સાથે દર્શાવ્યા મુજબના ૧૧ અક્ષરો રદ કરવા, તેમને સ્થાને સૂચવેલા જોડાક્ષર વાપરવા.

ઇ = િ + અ
ઈ = અ + ી
ઉ = અ + ુ
ઊ = અ + ૂ
ઋ = ર + ુ
અઃ = અ + હ
ङ = –
ञ = –
ષ = શ
ક્ષ = ક્ + શ
જ્ઞ = ગ્ + ન

ઉપરના ૩૨ મૂળાક્ષર સાથે જોડવા બારાખડીની આ ૧૧ નિશાનીઓ વાપરવી.
ા િ ી ુ ૂ ે ૈ ો ૌ ં ્

બે અક્ષર જોડતા પહેલો અક્ષર અરધો અથવા ખોડો કરવો, જેમ કે ખ ગ ધ વગેરેનો દંડ ન રાખવો તો ક છ જ જેવા અક્ષરોને ક્ છ્ જ્ વગેરે કરવા. ઉપરોક્ત નિયમો સાથેની ઉમાશંકર જોશીની એક કવિતા આમ લખી શકાય.

જો કે આ લિપિસુધારણાનો પ્રયત્ન સફળ ન થયો, એ અપ્રાયોગિક નહોતો પરંતુ જે લોકોને, બાળકોને ભણવામાં, પુસ્તકો વાંચવામાં, છાપાં વાંચવામાં એક અને અમે છાપેલાં પુસ્તકોમાં બીજી લિપિ મળે તેઓ એ બે ભિન્ન લિપિઓમાં સગવડતા ન અનુભવે, ઉલટું બે લિપિઓમાં વહેંચાઈને સરળતાથી ન વાંચી શકે.

આ ખૂબ સુંદર વાર્તાલાપ પછી ફરીથી એક વખત તેમણે બાફલો આપ્યો. એક સંકલનકાર થવા માટે મારા નજીવા અનુભવને સંકલન / સંપાદનના શહેનશાહ પાસેથી મારે ઘણોય મઠારવો હતો. એ વિશેનો એક પ્રશ્ન મારા મનમાં હતો જે મેં તેમને પૂછ્યો કે, “અરધી સદીની વાંચનયાત્રા” ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિન્હ છે. તેના લાખો ચાહકો છે, તેને કાયમ વાંચવાવાળાઓનો તોટો નથી. તો વેબસાઈટ ચલાવતા કે બ્લોગમાં લખતા મોટાભાગના મિત્રો સંપાદન અને સંકલન પણ કરે જ છે. એક સફળ સંપાદનકર્તામાં કયા ગુણો હોવા ઘટે?

મહેન્દ્રભાઈ કહે છે, “અરધી સદીની વાચનયાત્રા ખરેખર તેના નામ પ્રમાણે અમારી અરધી સદીની વાચનયાત્રા છે. ૧૯૫૦ ની ૨૬મી જાન્યુઆરીથી મુંબઈમાં લોકમિલાપ કાર્યાલયની શરૂઆત સાથે મિલાપ માસિકના પ્રકાશનની શરૂઆત થઈ. મિલાપનો છેલ્લો અને ૩૩૯મો અંક પ્રગટ થયો ડિસેમ્બર ૧૯૭૮માં. વચમાં દેશમાં કટોકટી જાહેર થઈ ત્યારે તેનું પ્રકાશન સપ્ટેમ્બર ૧૯૭૬ થી મે ૧૯૭૭ સુધી નવ મહીના બંધ રાખવું પડેલું. મિલાપના પ્રથમ અંકની તંત્રીનોંધમાં લખેલું કે, એ સમયે ગુજરાતી ભાષામાં દોઢસો સામયિકો બહાર પડતાં. ભારતની બાર ભાષાઓ અને અંગ્રેજી મળી ૩૭૦૦થી વધુ દૈનિકો, અઠવાડિકો અને માસિકો પ્રગટ થતાં. વિદેશોથીય સામયિકો આવતાં. એ બધામાં તત્કાલીન બાબતો સિવાય એવુંય ઘણું હતું જે ભારતની કોઈ પણ ભાષાના વાંચકને રૂચે, ઉપયોગી લાગે. એવી સામગ્રીની તારવણી કરી મિલાપમાં આપવાની નેમ હતી. એમાં અમેરિકન માસિક રીડર્સ ડાયજેસ્ટનું સ્વરૂપ નજર સમક્ષ રાખેલું.

સંપાદક કેવો હોવો જોઈએ એ વિશેનો દ્રષ્ટિકોણ પ્રથમ અંકની નોંધમાં આપેલો, “કોઈ વ્યક્તિ, પક્ષ, વાદ કે વાવટા પ્રત્યેની વફાદારીનું છત્ર અમારે શિર નથી. સાગરપારના એક કવિના ભણકારા વાગે છે, ‘above all: to thine ownself be true’ એટલેકે સૌથી વિશેષ તો તારા આત્માને વફાદાર રહેજે, તેને ન છેતરતો. સામાન્ય સમજના વાચકને રૂચે, સરળ લાગે અને ઉપયોગી નિવડે એવા લખાણો પસંદ કરવાનું સીધુંસાદું ધોરણ રાખેલું આ રીતના સંપાદન માટે વાંચનનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોવું ઘટે. મિલાપના બદલે ઘણાં સામયિકો આવતા, એ સિવાય પરભાષાનાં અને પરદેશનાં પુસ્તકો , સામયિકો અમે મંગાવતાં. રોજેરોજ એ તથા નવા પુસ્તકો જોવાં, તેમાંથી લખાણો પસંદ કરવા, બને તેટલાં ટૂંકાવવા અથવા ટૂંકાવેલા અનુવાદ કરવાનું કામ સત્તત ચાલતું અને કદી ન ખૂટતું.

અન્ય સામયિકમાંથી ચૂંટેલા લખાણો જ મિલાપમાં પ્રગટ થાય છે તે સહુ જાણતાં હતાં એટલે કોઈક જ વાર લેખક તરફથી અપ્રગટ લખાણ અમને સીધું મોકલાતું. સામાન્યપણે લેખકોને એવો વિશ્વાસ બંધાતો ગયેલો કે એમના મુખ્ય લખાણો મિલાપના ધ્યાન બહાર નહીં રહ્યાં હોય. પહેલા અંકની ૨૦૦૦ નકલ છપાયેલી, છેલ્લાની પણ લગભગ એટલી જ. ગ્રાહકસંખ્યામાં ૨૦૦ – ૩૦૦ની વધઘટ થયા કરતી. મિલાપ બંધ થયું પછી તેમાંથી કેટલાક નવનીતનું અરધી સદીની વાચનયાત્રા રૂપે પ્રકાશન થયું.

મેં પૂછ્યું, ગુજરાતી ભાષાના વાંચનનો વ્યાપ વધે એ માટે જે પ્રયત્નો થઈ રહ્યાં છે એ કેટલા ઉચિત છે? વધુ શું થવું જોઈએ.

તેમણે કહ્યું, “વાંચનનો પ્રચાર પ્રસાર વધારવા અમે જે કર્યું તે હજુ પણ થવું જોઈએ, “અરધી સદીની વાંચનયાત્રા” કે “ખિસ્સાપોથીઓ” એ બધું વાંચનનો વ્યાપ વધારવાના પ્રયત્નો જ હતાં. ખિસ્સાપોથીઓની દસ લાખથી વધુ નકલો વહેંચાઈ ગઈ છે. આ ખૂબ મોટી વાત છે, ખૂબ મોટી સંખ્યા છે, લોકો તેને બાળકોથી માંડીને વૃધ્ધો સુધી ભેટમાં આપી છે, વહેંચી છે. સદવાંચનનો આનાથી સારો પ્રચાર પ્રસાર થયો છે. લોકો મને પૂછે છે કે તમારું મૌલિક લખાણ ક્યારે વાંચવા મળશે? તો હું કહું છું, આ જન્મે તો આ જ મારી વાંચનયાત્રા છે, જેટલું સત્વશીલ અત્યાર સુધી લખાયું છે તે લોકો સુધી પહોંચે એ જ અમારો પ્રયત્ન. આવતા જન્મે હું ખૂબ લખવાનો છું, વાંચવા તૈયાર રહેજો.

તેમની સાથે તેમના પુસ્તકો વિશે, સંપાદનો અને લોકમિલાપની પ્રકાશનની આખીય પ્રવૃત્તિ વિશે વિગતવાર ખૂબ લાંબા સમય સુધી વાતો કરી, રાહતદરે ફક્ત વાંચનનો વ્યાપ વધારવાં કરાયેલું અઢળક મહામૂલું પ્રકાશન અને હવે એ પ્રકાશનની પ્રવૃત્તિ બંધ થઈ તે વિશે વાતો કરી. અરધી સદીની વાંચનયાત્રાના બધાંય ભાગો અને અન્ય અનેક પુસ્તકો ખૂબ ઓછી કિંમતે, કદાચ તેના પ્રકાશનનાં આવતા ખર્ચથીય ઓછી કિંમતે તેમણે અત્યાર સુધી લોકોમાં વહેંચ્યા છે, અને ગુજરાતની વાંચન ભૂખ ઉઘાડનારા તેઓ અનેરા સંત છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. જો કે એ પુસ્તકોની પ્રતોનું પુનઃ પ્રકાશન હવે બીજા પ્રકાશકો દ્વારા થતું જ રહેશે એ આનંદની વાત છે. તેમના ડેસ્ક પર ઉડીને આંખે વળગે તેવી વાત છે તેમણે લખેલા અનેકો પોસ્ટકાર્ડ, સંપર્કસૂત્રનું આ ભૂલાયેલું માધ્યમ તેમની પાસે હજુ પુરબહારમાં છે અને તેઓ તેનો ઘણો ઉપયોગ પણ કરે છે.

શ્રી મહેન્દ્રભાઈની સાથે વીતાવેલો આ સમય મારા માટે જીવનભરનું સંભારણું બની રહ્યો. લોકમિલાપના પુસ્તક પ્રદર્શન અને વેચાણ કેન્દ્રની આ પછી શ્રી ગોપાલભાઈ મેઘાણી સાથે મુલાકાત લીધી. કુન્દનિકા કાપડીઆના પુસ્તક ‘પરમ સમીપે’ ની શ્રી અંકિત ત્રિવેદીના સ્વરમાં સ્વરબધ્ધ થયેલ ઓડીયો સી.ડી તથા નવભારત દ્વારા બનાવાયેલી મહાત્મા ગાંધીજીની જીવનકથા, ‘સત્યના પ્રયોગો’ ની ઓડીયો સી.ડી મેં ત્યાંથી મેળવી. અંતે તેમની વિદાય લઈ મહુવા તરફ પાછો ફર્યો.

(શ્રી મહેન્દ્ર મેઘાણી સાથે તા. ૨૮ માર્ચ ૨૦૧૦ ના રોજ થયેલી મુલાકાતને આધારે.)

સંદર્ભ –
‘નાની શી મિલન બારી’ અદના રસિક વાંચક માટે – મહેન્દ્ર મેઘાણી
સરળ લિપિ – મહેન્દ્ર મેઘાણી
કનકરજ ઉમાશંકર જોશીની કવિતાની – લોકમિલાપ ટ્રસ્ટ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાથે એક મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ