ત્રણ અછાંદસ કાવ્યો – જમીલા નિશાત 2


જમીલા નિશાત ઉર્દૂ કવયિત્રી છે, એ કહે છે કે એમને કવિતા સ્વપ્નપ્રતિમા રૂપે સ્ફૂરે છે, રંગબેરંગી વિવિધ આકારોમાં. મંદિરોની મુલાકાતો, મસ્જીદોના તહેવારોની ખુશાલીઓ વગેરેના મૈત્રી અને સહિયારાપણાની ભાવનાવાળા વાતાવરણમાં તેમનો ઉછેર થયો હોવાથી હૈદરાબાદના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની ઘૃણા અને દુશ્મનાવટ એમનું કોમળ હ્રદય સ્વિકારી શક્તું નથી. સ્ત્રિઓને અનેક પ્રકારના બંધનો અને દબાણોને તાબે થયેલી જોનારી એક નારી તરીકે જમીલા મુસ્લિમ યુવતિઓમાં સભાનતા, આત્મવિશ્વાસ અને શક્તિ જગાવવા પ્રયત્નશીલ છે. એ ઉર્દૂ માં લખે છે, તેમના કાવ્યોમાં વેદનાની લહેર છે, ૧૯૯૮માં ‘સ્પેરો’ની એક કાર્યશિબિરમાં તેઓ પોતાના જીવન અને કાર્ય વિશે બોલ્યાં હતાં, અને કવિતાઓનું પઠન કરેલું, પ્રસ્તુત રચનાઓ એ રેકોર્ડીંગ પર આધારિત સંકલન પુસ્તક માંથી લેવામાં આવી છે. તેમનાં શિર્ષક વગરનાં અછાંદસ કાવ્યોમાં એક અનોખી દર્દરેખા ઝળકી જાય છે જે ભાવકને દર્દના એ વિસ્તારનો સહજ અનુભવ કરાવી જવા સમર્થ છે.

.

મારા પર ઘાસલેટ છાંટ્યું,
હું બળીને રાખ થઈ
રાખમાંથી પ્રગટી હું ફિનિક્સ બનીને
નાચી ઉઠી થનગનથનગન
મારા પર જંતરમંતર કરીને
ડંડા માર્યા
મારું બધું લોહી વહાવ્યું
આ લાલ નદી જ ચેતન છે,
‘જહાંનુમા*‘ નો અવતાર
હું શક્તિ છું
દેવી યેલમ્મા છું,
મારા પરના ઝાટકે ઝાટકે
મુજમાં જગાવી ચેતનાની લહરો
કાળના સૂક્કા સ્તનને વળગેલું
હું એક ગૃધ
નવી ચેતના હું પામી,
નવી ચેતના, નવી કક્ષાઓ
નવા ગુંબજો, નવા મિનારા
મંદિરનો ઘંટારવ
મસ્જિદમાંથી ઉઠતી અઝાન
ધા ધીન ધીન ધા
રાખમાંથી ઉમટેલું
હું એક ફિનિક્સ
નાચી ઉઠ્યું.

* – જહાંનુમા મહોલ્લામાં બે બહેનોને ડાકણ ગણીને મારી નાખવામાં આવી તે ઘટનાના પ્રતિભાવ રૂપે લખાયેલ.

૨.

બુરખો પહેરીને નીકળી પડી
ડિગ્રી પણ લઈ લીધી
કમ્પ્યુટર પણ શીખી
અને બીજાથી આગળ વધીને
હું નિજને પામી
અમ્મી પણ બહુ ખુશ હતી
અબ્બા પણ બહુ ખુશ હતાં
બાહુમાં મારા
મેં કાહેતૂર* ઉઠાવ્યો હતો
સમાજને કચડી નાંખીશ
મનમાં મેં નિર્ધાર કર્યો’તો
બની જઈશ સમ્રાટ સિકંદર
બુરખાના કાળા નકાબ પાછળ
હર શ્વાસે પોકાર કર્યો’તો
મૌજમજા હું કરવા લાગી
પણ જેવી થિયેટરે પહોંચી
ડંડાએ મને રોકી પાડી
બુરખાની મનાઈ છે, છોકરી
કાળા પટમાં જાણે કાળી
ઝાળ પ્રગટી
એ જ ઘડીએ
ત્યાં ને ત્યાં
મેં
બુરખો ઉતારીને
ફગાવી દીધો.

*કાહેતૂર – સોનાઈ પહાડ (મહાસંકલ્પો કર્યા હતાં તેનો નિર્દેશ)

૩.

કાગળ અને કલમ વચ્ચે
યુદ્ધ ફાટી નીકળ્યું
શબ્દો લોહીમાં તરબોળ બન્યા
કાગળની કીરચો બની
તું અને હું
બે કીરચ
ઓરડાના બે ખૂણે
પડી હતી
એહસાસનો ફિરસ્તો
બારીમાંથી ઉતરીને આવ્યો
ફાટેલા કાગળની કીરચોને
પથારી પર પાથરી
નિકટતાનું અમૃત
છાંટ્યું
ત્યારે કવિતાએ જન્મ લીધો.

બિલિપત્ર

આ પડછાયો
નિજની ઉપર
છવાઈ જાય છે
ત્યારે ત્યારે
નસોમાં ઉમટે છે
વિચારોના લોહ
અને કલમમાંથી
ટપકવા લાગે છે
શોણિત ….
– જમીલા નિશાત


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ત્રણ અછાંદસ કાવ્યો – જમીલા નિશાત