સ્મૃતિની સફરે… રક્ષાબંધન – ડો પ્રવીણ સેદાની. 2


(રક્ષાબંધન એ એક સંબંધના અનેરા સ્નેહાળ બંધનની ઉજવણીનો, એ જવાબદારીના વહનની સહજ સ્વીકૃતિનો અને સૌથી વધુ તો ભાઈ બહેનના એક બીજા પ્રત્યેના સ્નેહનો ઉત્સવ છે. ડો. પ્રવીણ સેદાની દ્વારા અહીં પ્રસ્તુત કરાયેલી પ્રસંગકથા આ જ દિવસના મહત્વની એક અનેરી દાસ્તાન કહી જાય છે. દરેક તહેવારોની સાથે કેટલીક યાદો, સ્મરણો જોડાયેલા હોય જ છે, રક્ષાબંધન વિશેના એવા જ સ્મરણોનું ભાથું લઈને અક્ષરનાદના વાચકમિત્રો સાથે વહેંચનારા ડો. પ્રવીણ સેદાનીની લાગણીઓ આપણને સૌને સ્પર્શી જશે એ ચોક્કસ. યાદોની આવી સુંદર સફરે આપણને લઈ જવા બદલ અને આ સ્નેહ ગાથા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. દરેક ભાઈ બહેનના સ્નેહને વંદન સાથે સર્વે વાંચકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.)

સ્વીમીંગ પૂલ માં થી બહાર નીકળતા જ કાંડા પર કેસરી રંગ ના ધાબા જોયા ! ત્રણ દિવસ પહેલા પડોશમાં રહેતા ગુજરાતી બહેને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધેલી તેનો કાચો રંગ કાંડા પર રેલાયો હતો. મને થયું શરીર લુછી, ઘર માં જઈ રાખડી કાઢી નાખવી પડશે, પરંતુ શરીર લુછતા જ રાખડી તૂટી ગઈ ! અહીં અમેરિકામાં સ્થાપિત થયેલા નવા નવા સંબંધો આવા કાચા દોરા જેવા કે કાચા રંગ જેવા તકલાદી તો નહીં નીવડે ને? એવો અણગમતો વિચાર મન માં આવી ગયો. ઘરમાં જઈને જોયું તો ઇન્ડિયાથી આવેલી ટપાલમાં એક કવર હતું, ખોલીને જોયું તો પિત્રાઈ બહેને મોકલાવેલ રાખડી હતી !

મને થયું આ ત્રણ દિવસ મોડી કેમ મળી? મન મનાવ્યું, ચાલશે – પરંતુ કાગળ સાથે એકાદ બે લીટી નો પત્ર પણ નહિ ! આશ્ચર્ય તો થયું પણ મન ને ફરી મનાવ્યું કે બિચારી ભૂલી ગઈ હશે. એમ પણ બને કે અમારા સગપણ કરતા પણ સંબંધોના તાણાવાણાને કદાચ હવે વિસરી ગઈ હશે. એકાએક મને બેબી યાદ આવી ગઈ ! બેબી મારી બહેન, મારા થી સાત વર્ષ મોટી – એકાએક મારું હૃદય આળુ થઇ ગયું. ઇન્ડિયા થી લાવેલી બેગ ખોલી એમાંથી એક લીલા કલર ની ફાઈલ શોધી, ઉપર લખેલ હતું ”બેબી ના પત્રો”. કેટલા જતન થી આ ફાઈલ હું સાંચવી રહ્યો છું ! એમાંથી એક પત્ર ઓગસ્ટ ૧૯૬૫ નો, સાચવી ને બહાર કાઢ્યો. કવરમાં એક બ્લુ રંગના પ્લાસ્ટિકના પતંગિયા વાળી રાખડી અને બેબીનો પત્ર સાચવીને બહાર કાઢ્યો. મારું મન ઝડપથી અતીતના પાનાં ઉથલાવવા લાગ્યું. બેબીએ લખેલું કે સાતમ-આઠમ ની રજામાં જામનગર થી રાજકોટ આવવાનો હોય તો અહીં રૂબરૂ રાખડી બાંધીશ નહીતર આ રાખડી તું બાંધી લે જે. અને તે રક્ષાબંધન પર હું રાજકોટ ગયેલો એથી જ તો આ રાખડી સાથે નું કવર અકબંધ રહ્યું છે.

બેબી મારાથી સાત વર્ષ મોટી હતી પરંતુ મારા વિદ્યાર્થીજીવનના ગમા-અણગમા, પ્રવાસ સાહસો. શોખ, સંગીત કળા કે તોફાનો – બધાજ ની એક માત્ર સાક્ષી ! સ્કૂલના પ્રવાસ દરમ્યાન ભાતાના ડબ્બામાંથી બેબી ની ચિટ્ઠી અચૂક નીકળે.

”પ્લાસ્ટિક ના ડબ્બા માં અથાણું છે જમવામાં ભૂલતો નહિ”

બેબીને શ્વાસ ની તકલીફ હતી. ડોક્ટરે નિદાન કરેલું કે હૃદયનો વાલ્વ સાંકડો છે, એટલે ઓપરેસન કરાવવું પડશે. પરંતુ ૫૦- ૬૦ ના દાયકા માં હૃદયની શસ્ત્રક્રિયા મુબઈ જેવા મોટા શહેરમાં જ થતી એટલે પિતાજીએ સમજીને એવી મોટી સસ્ત્રક્રિયા નું જોખમ ટાળ્યું હશે, અને આયુર્વેદનો આશરો શોધ્યો હશે. બેબી માટે તેઓ તપેલું ભરી ને દ્રાક્ષાસવ – ઓસડીયાવાળો બનાવતા અને મને કહેતા કે આ પીવાથી બેબી નું લોહી વધશે અને એનો વાલ્વ ખુલી જશે.આજે એક તબીબ તરીકે હું વિચારું છું કે કેટલી બાલીશ હતી એ કલ્પના!

બેબીને શ્વાસની તકલીફ હતી એટલે હું તેને સાયકલ પર બેસાડીને કોલેજ મુકવા જતો. ૧૦ વર્ષનો હું મારા પગ સાયકલમાં પહોચે નહીં એથી લંગડી સાયકલ ચલાવીને તેને મૂકવા જતો. એક વખત મેં તેને પછાડી સારું એવું લોહી તેને નીકળ્યું.

મને તેણે કહ્યું “ઘરે તને કોઈએ ખીજાય નહીં એટલે કહીશ કે રમતા રમતા પડી ગઈ.”

દિવાળીના દિવસોમાં એ સરસ રંગોળી કરે, એમાં હું મારા નાના નાના હાથોથી રંગ ભરું અને પાડોશી રંગોળી જોવા આવે ત્યારે અચૂક કહે કે દિનેશ વગર આ રંગોળી ના થઇ શકે ! મારી દરેક મુસીબતો, મુશ્કેલીઓ હું બેબી ને કહી શકું અને તરત તે મને માથા પર હાથ ફેરવીને કહે, “ઈશ્વર સૌ સારાવાના કરશે” – અને મને હિંમત આવી જતી. વાત્સલ્યનો આ હાથ માતા નો હોય, બહેનનો હોય, પત્નીનો હોય કે કોઈક વખત પુત્રીનો પણ હોય. મમતા કે વહાલની વર્ષાને સંબંધોના સરનામાં ની જરૂર નથી હોતી.

પંડિત નેહરૂના અવસાન વખતે તેણે મને લખેલું, “મહાન વ્યક્તિ કદી મરતી નથી એના કાર્યને લઇને અમર બની જાય છે.” મેટ્રિક પાસ થયા બાદ મારી ઈચ્છા એક Taysokoto એટલે કે બેન્જો લેવાની હતી પરંતુ મારી પાસે ભેગા કરેલા ફક્ત ચાર રૂપિયા હતા અને બેન્જો ૧૪ રૂપિયાનો હતો. બેબીએ એના ભેગા કરેલા બધા જ – ૧૦ રૂપિયા મને આપી દીધા. આજે પણ હું એજ બેન્જો વગાડું છું ! એના લગ્નનો દિવસ ૨૦ જૂન હું શી રીતે ભૂલું? ત્યારે હું સેકંડ M.B.B.S માં હતો.પણ બેબી ના લગ્ન માં હું શું ભેટ આપું ? મારી પાસે હાજર સીલક માં રોકડા રૂપિયા ૨૦ હતા, અને મારે તેને એક એલ્યુમિનીંનયમનું ૪૦ રૂપિયા વાળું કુકર ભેટ દેવું હતું. બેબીએ મારી મુઝવણ જાણી મને કહે હું તને ૨૦ રૂપિયા આપીશ.”

પરંતુ આ રીતે તેની પાસેથી આ પ્રસંગે રૂપિયા લેવા મને યોગ્ય ના લાગ્યા એટલે મેં એક લોટ દળવાની મિલ વાળા બચુભાઈ પાસેથી ઉછીના ૨૦ રૂપિયા લઇને તેને સમયસર કુકર આપેલું. લગ્ન પછી બેન બનેવી બંનેની જામનગર બદલી થઇ અને હું જામનગર મેડીકલ કોલેજમાં હતો. મારી ખુશીનો પાર ના હતો. પરંતુ એને શ્વાસની તકલીફ વધતી જતી હતી. હું ફાઈનલ M.B.B.S માં આવ્યો ત્યારે મને તેના રોગની ગંભીરતા સમજાણી. જો કે ત્યારે પણ હૃદયની શસ્ત્રક્રિયા એટલી સહેલી ના હતી. છતાં હિંમત કરીને એના હૃદયના વાલ્વની શસ્ત્રક્રિયા માટે હું તેને અમદાવાદ ની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાં લઇ ગયો.

૨૦ જુને બેબીના લગ્નની પ્રથમ વર્ષગાઠ હતી એટલે રાત્રીના ૧૨ વાગે મેં એને હોસ્પિટલના વોર્ડમાં અભિનંદન પાઠવ્યા અને મેં લાવેલી કેક તેને બતાવી – કહ્યું કે સવાર કાપીશું ને? શસ્ત્રક્રિયા ને હજુ પાંચ દિવસની વાર હતી. બેબી પાસે મારા સિવાય બીજા કોઈ ની હાજરી હતી નહિ. બધા શસ્ત્રક્રિયાના આગલા દિવશે આવશે એમ નક્કી કરેલું. બેબીને શસ્ત્રક્રિયા પહેલા લોહી પાતળું કરવાની દવા આપતા હતા. રાત્રે ૨ વાગે એને એકદમ જ ઉધરસ ચડી અને ઉધરસમાં લોહી પડવા લાગ્યું. મને કહે દિનેશ હું હવે નહિ જીવું, તું તારા બનેવીને બોલાવી લે. મેં કહ્યું બધા સારાવાના થશે તો મને કહે, “દરેક વખતે સારાવાના થાય તો ખરાબ વાના ક્યારે થાય ?”

થોડી વારમાં લોહી નું પ્રમાણ વધી ગયું અને ૧૦ થી ૧૫ મિનીટમાં તેણે મારા હાથમાં દેહ છોડો દીધો. લગ્ન ની પ્રથમ વર્ષગાંઠે ! આજે એના મૃત્યુ ને ૩૭ વર્ષ થઇ ગયા ! મારા હાથમાં એનો રક્ષાબંધનનો આ રાખડી સાથે નો પત્ર – જેના અંતમાં તેણે લખેલ છે.

”શાયદ વો સાવન ભી આયે,
જો પહેલા સા રંગ ના લાયે,
બહેન પરાયે દેશ બસી હો
અગર વો તુમ તક પહોચ ના પાયે
યાદ ક દીપક જલાના જલાના – ભૈયા
મેરી રાખી કે બંધન કો નિભાના”

હું કોને સમજાવું કે યાદનો દીપક અને અતીતના સંભારણા સાથે હૈયામાં કેટકેટલી વેદનાઓ ધરબાયેલી હોય છે. અશ્રુબિંદુથી એકાદ અક્ષર રેલાઈ ન જાય એ બીકે હું પત્ર સાચવીને પાછો ફાઈલ માં મુકુ છું!

– ડો પ્રવીણ સેદાની.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સ્મૃતિની સફરે… રક્ષાબંધન – ડો પ્રવીણ સેદાની.

  • AMRUT

    ”શાયદ વો સાવન ભી આયે,
    જો પહેલા સા રંગ ના લાયે,
    બહેન પરાયે દેશ બસી હો
    અગર વો તુમ તક પહોચ ના પાયે
    યાદ ક દીપક જલાના જલાના – ભૈયા
    મેરી રાખી કે બંધન કો નિભાના”