મનુષ્યના જીવનમાં જીવન અને મરણ એમ ક્રમાનુસાર ઘટનાઓ ઘટતી રહે છે. આ કુદરતનો કમાલ છે. આજનું વિજ્ઞાન પણ આ ઘટના ક્રમને બદલવા સમર્થ નથી. બાળકના જન્મ પર તો વૈજ્ઞાનિક પ્રયોગો એ થોડા ઘણા અંશે પ્રગતિ કરી છે. પરંતુ માણસના મૃત્યુ પછીની વાતો વિશે કોઇ જાણી શક્યું નથી. જીવન અને મરણ અનુક્રમે સુખ અને દુઃખ છે એવી સામાન્ય સમજ વિકસી છે અને આ ઘટનાઓ માનવીના જીવનમાં વારાફરથી આવે છે. જેમ આપણા ઘરમાં કોઈ નાના બાળકનો જન્મ થાય છે અને આપણે સૌ બહુ ખુશ થઈ જઈએ, તેમ આપણા ઘરમાં કોઈ દૂરના કે નજીકના સગાના મૃત્યુથી એટલા જ દુઃખી પણ થઈ જઈએ છીએ.
કોઈ દૂરના સંબંધી અથવા અજાણ્યાના મૃત્યુ કરતાં આપણા સહ્રદયી અથવા અત્યંત નિકટના સ્વજનના મૃત્યુનું દુઃખ આપણને ક્યાંય વધારે લાગે છે. એમાં પણ મૃત્યુ પામનાર આપણા કોઈ વિશેષ અથવા આપણને અતિ પ્રિય હોય તો તો દુઃખની સીમા જ રહેતી નથી. તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ આપણે મૂઢ જેવા થઈ જઈએ છીએ. અને એ પણ જો અકાળે અણધાર્યુ કોઈનું અવસાન થઈ જાય, આખી જીંદગી જેને સામાન્ય તાવ પણ ન આવ્યો હોય તે માણસ એક બે દિવસની નાનકડી બિમારીમાં મૃત્યુ પામે તો તો આપણા ઉપર આભ તુટી પડે છે
આવી જ એક ઘટના મારી સાથે પણ થઈ… દિવસ હતો ૧૦ એપ્રિલ ૨૦૧૦. તે દિવસ મારા પતિ ઘરેથી ઓફીસ જવા નીકળ્યા અને બે કલાકમાં પાછા આવી ગયાં. મે તેમને પાછા આવેલા જોઈ એકદમ આશ્વર્યથી પુછ્યું. “શું થયું ? કેમ પાછા આવી ગયા? તમારી તબિયત તો સારી છે ને?” તેમણે મારી વાત નો જવાબ આપ્યા વગર મને કહ્યું “જા પહેલા સ્કૂલમાંથી હાર્દિને લઈ આવ.” ફરીથી મે પુછ્યું કે “પહેલા તમે કહો તો ખરા કે શું થયું?” તેઓએ એકદમ કહ્યું, “આપણે મુંબઈ જવાનું છે, તારા દાદીની તબિયત બહું જ ખરાબ છે.” અને તેમની સાથેની વાતચીત પછી હું પણ એકદમ ગભરાઈ ગઈ. જો કે મને અચાનક જ યાદ આવ્યું કે દાદી તો થોડા દિવસ માટે મારા ફોઈના ઘરે ધોરાજી આવ્યા છે, તો મુંબઈ કેમ જવું છે? અમંગળની આશંકાએ મારી આંખમાંથી પાણી નીકળવ માંડ્યા. મને લાગવા માંડ્યુ હતું કે તેઓ માંડ માંડ ખોટું બોલી રહ્યાં છે. ત્યાર બાદ હું દોડીને મારી દિકરીને સ્કૂલે લેવા ગઈ. ત્યાં પહોંચી એટલામાં તો હું એકદમ અસ્વસ્થ થઈ ગઈ, અને મારી દિકરીના શિક્ષક પાસે કશું બોલી જ ન શકી. મે ખાલી એટલું જ કહ્યું “હાર્દિ બેટા, ઘરે ચાલ”. અને એટલું જ કહીને હું હાર્દિને ઘરે લઈ આવી.
હું ઘરે આવી ત્યાં સુઘી તો મારા પતિએ બેએક જોડી કપડાં અને જરૂરી વસ્તુઓ વગેરે નાંખી ને થેલો ભરી રાખ્યો હતો. અમને આવેલા જોઇને તેઓ એ કહ્યું, “ગાડી આવી ગઈ છે, ચલો જલ્દી ગાડીમાં બેસો.” મારાં મનમાં હજી એક જ વાત ઘુમતી હતી કે દાદી તો ફોઈના ઘરે છે તો થયું છે શું? મેં કહ્યું “ના હું ગાડીમાં નહિ બેસું, પહેલા મને કહો કે વાત શું છે?, દાદી તો ફોઈના ઘરે ગયાં છે. તો તમે મને પપ્પાના ઘરે શું કામ લઈ જાઓ છો? મારાં આવા સવાલોથી તેઓ પહેલાંથી વધારે અસ્વસ્થ થઈ ગયાં. અને મને કાંઈ જવાબ આપ્યા વગર ગાડીમાં બેસવા કહ્યું. હું અને મારી દિકરી ગાડીમાં બેસી ગયાં અને ગાડી મહુવાથી ભાવનગર તરફ હાઈવે પર પુરઝડપે દોડવા માંડી. ગાડીની સાથે સાથે મારા મનનાં વિચારો પણ દોડવા લાગ્યા. કારણ કે મારું મન આજે મારા પતિની વાત માનવા તૈયાર જ નહોતું, અને તેઓ પણ ખુબ જ અસ્વસ્થ હતાં, મૌન હતાં. મે ફરીથી મૌન તોડતા કહ્યું કે “મને સાચું કહો કે શું વાત છે? મમ્મી, પપ્પા અને મારાં ભાઈ બહેન મજામાં છે ને? તેઓ એ ફક્ત માથું હલાવીને ‘હા’ કહી. મે ફરીથી પુછ્યું કે કાલે રાત્રે તો મારી મારી બહેન સાથે વાત થઈ હતી ત્યારે એણે મને એવું કહ્યું નહોતું કે દાદીની તબિયત ખરાબ છે ! મહેરબાની કરી મને કહો કે શું થયું છે?”
મારૂ રડવાનું અને સવાલો ઘીરે ઘીરે વધતાં ગયા. ત્યાં જ એક ફોન આવ્યો. અને તેઓ પહેલાં કરતાં પણ વધારે અસ્વસ્થ થઈ ગયા. અને મારી સામે જોવા લાગ્યા. મેં મારા એ જ સવાલો ફરીથી વરસાવ્યા, અને મારાં સત્તત સવાલો અને પેલા ફોન પરની વાત સાંભળી તેમનાથી રહેવાયું નહિ અને તેમની આંખમાં આંસુ તગતગી ઊઠ્યાં. મે તેમને ચૂપ થવા કહ્યું અને પુછ્યું કે “કોનો ફોન હતો? અને શું થયું છે?” અને આખરે તેઓ એ હિંમત ભેગી કરીને મને કહ્યું કે “હું તને જે કહું તે પછી તારે રડવાનું નથી, સૌથી પહેલા આપણે બને એટલું જલદી ત્યાં પહોંચવાનું છે. તારા પપ્પા આજે સવારે પાંચ વાગ્યે અવસાન પામ્યા છે ! તેથી આપણે અત્યારે મુંબઈ જઈએ છીએ.”
આ સાંભળી મારા પગ નીચેની જમીન સરકી ગઈ અને હું ગાડીમાં જ “પપ્પા, પપ્પા” એમ બૂમ પાડીને જોર જોરથી રડવા લાગી. થોડીવાર રડી લીઘાં પછી તેમને અચાનક મેં પુછ્યું “મારાં પપ્પાને શું થયું હતું, એ તો બરાબર સ્વસ્થ હતાં તો તેમનું મૃત્યુ કઈ રીતે થયું?” તેમણે કહ્યું “તેમને કાલે બપોરથી અચાનક પેટમાં દુખતું હતું એને તેઓ તેમના મિત્રને લઈ હોસ્પિટલમાં ગયા હતાં. અને સવારે તેમનું મૃત્યુ થયું. (મારા પપ્પા મુંબઈની બહાર ઘણે દૂર એટલે કે કરાડ (સતારા) વર્ષોથી નોકરી કરતાં હોવાથી તેઓ કુંટુંબથી દૂર હતાં તેથી તેઓ તેમના મિત્રને લઈને દવાખાને ગયા હતાં) હજી તેઓના મૃતદેહને લઈને તેમના સ્ટાફના માણસો ઘરે નથી આવ્યાં સાંજે ૩ કે ૪ વાગ્યે તેઓ ઘરે પહોંચશે.
તારાં પિત્રાઈ ભાઈનો ફોન હતો. તેઓ પુછતા હતાં કે “તમે ક્યાં પહોંચ્યા?” અને બીજું કહ્યું કે “તમે પહોંચશો એ પહેલાં અમે અંતિમ વિધી પતાવી દઈશું?” થોડી સ્વસ્થ થતાં મે કહ્યું; “મને મારા પપ્પાના અંતિમદર્શન પણ નહિ થાય?, મે ફોન કર્યો ને મારા ભાઈને કહ્યું કે “હું આવું ત્યાં સુઘી એક પણ વિઘી નહીં. મારે પપ્પાના છેલ્લા દર્શન કરવાં છે. દુનિયામાં મને સૌથી વહાલા એવા મારા પપ્પાને છેલ્લી વાર જોવા છે.” તેણે હા કહી. મને થોડી શાંતી થઈ. જો કે મારો સગો ભાઈ તો સાવ નાનો હતો તેને તો વડિલો કહે તેમ જ કરવાનું હતું. તેથી મારી ચિંતા એ જ હતી કે મને પપ્પાના છેલ્લા દર્શ થશે કે નહિ? કારણકે મરનાર વ્યક્તિના ઘરનાં સિવાય બધાં એ જ વિચારતાં હોય કે અંતિમ ક્રિયા જલ્દી પતે તો અમે છુટ્ટા થઈએ, અને ઘરે જઈએ. તેમની લાગણીઓ ખાલી ફરજ પૂરી કરવાં પૂરતી જ હોય છે.
મારાં મનમાં મારા ઘરના લોકો વિશે ચિંતાઓ થવા લાગી. કે મારી બહેનની કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષા ચાલે છે, આજે તેનું પહેલું જ પેપર છે. તે હવે પરીક્ષા નહિ આપી શકે? તેનું શું થશે? ઘર કોણ સંભાળશે? મારી મમ્મી ની હાલત શું હશે? મે મારા પતિને કહ્યું કે “મારે મમ્મી સાથે વાત કરવી છે.” તો તેમણે કહ્યું, તારી મમ્મીને તો આ વિશે હજી કાંઈ ખબર જ નથી. પપ્પાને ઘરે લઈ આવશે ત્યારે મમ્મીને કહેશે. એટલે તું ફોન નહિ કર. અને તારી બહેનને પણ આ વિશે કાંઈ ખબર નથી તે પરીક્ષા આપવા જઈ શકે એટલે કોઈએ ઘરે કાંઈ કહ્યું નથી. મને લાગ્યું કે અમારા પાંચ જણનું કુંટુંબ આજે વેરવિખેર થઈ ગયું. મારો ભાઈ ઘરની બહાર થોડેક દૂર એક મંદિર પાસે મારા કાકાઓ અને સ્વજનો સાથે ઊભો હતો, મારી બહેન પરીક્ષા આપવા ગઈ છે અને હું રસ્તામાં હતી, મમ્મી ઘરે એકલી અને તેનો ફોન મારા ભાઈ પાસે. અમે કોઈ એકબીજા સાથે નહોતા. મારી સાથે તો મારા પતિ હતા. પણ, મારી મમ્મી, બહેન અને ભાઈ સાવ એકલા હતા.
અમારા કમનસીબે મારું ફોટો આઈડી લેવાનું ભૂલી ગયા હોવાથી અમને ભાવનગરથી ફલાઈટ ન મળી તેથી તેની વડોદરાથી વ્યવસ્થા કરી અને છેક રાત્રે આઠ વાગ્યે અમે અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ પકડી. સમય કેમેય કરીને જતો ન હતો. રસ્તો વધારે ને વધારે લાંબો લાગતો હતો. અને આખરે અમે ઘરે પહોચ્યાં ઘરે પહોંચીને જોયું તો મારા પપ્પા મને ક્યાંય ન દેખાણા. હું એકદમ અસ્વસ્થ થઈ ગઈ અને જોર જોરથી રડતા રડતા પૂછવા લાગી કે મારા પપ્પા ક્યાં છે? મને મારા કાકાએ પકડીને કહ્યું કે “તારા પપ્પાને નીચે એમ્બ્યુલન્સમાં રાખ્યા છે. ચલ તને એમ્બ્યુલન્સ બતાવું.” તેઓ મને એમ્બ્યુલન્સ પાસે લઈ ગયાં. મેં કહ્યું કે મારે મારા પપ્પાને જોવા છે. આ એમ્બ્યુલન્સ ખોલો ! મને મારાં પપ્પા જોવાં છે, પપ્પાને ઘરે લઈ જવા છે. આ દરવાજા ખોલો, ખોલોની બુમો પાડવા લાગી મારા ભાઈને મેં વિનંતી કરી કે પ્લીઝ તું મને પપ્પા બતાવ. તેણે મને કહ્યું કે તું મારી વાત સાંભળ પપ્પાને બરફમાં રાખ્યાં છે આપણે એમ્બ્યુલન્સ ન ખોલાય. એમ્બ્યુલન્સ વાળા ભાઈ લોક કરીને ચાવી લઈને ગયા છે અને તેઓ સવારે આવશે. તો તને પપ્પા સવારે જોવા મળશે. ચલ ઘરે અને તે મને સમજાવી ઘરે લઈ ગયો. ઘરે મારી મમ્મી આગળ ગઈ, તેને જોવાની હિંમત મારામાં ક્યાં હતી? મમ્મી ની આંખો રડી રડીને સુઝી ગઈ હતી. મે પણ તેને સાંત્વના આપવાની જગ્યાએ રડવાનું ચાલું રાખ્યું. થોડી વાર પછી મારા કાકીએ કહ્યું કે “તું ચૂપ થઈ જા. તારી બહેનની હાલત જો. તે જોઈ છે એને?” મે માથું ધુણાવીને ના પાડી પછી હું મારી બહેન દિતી પાસે ગઈ અને તેને ભેટી પડી પણ, આ શું તે તો કાંઈ બોલતી જ નહતી, રડતી પણ ન હતી. મે પુછ્યું તો જાણવા મળ્યું કે એની ટી.વાય. ની પરીક્ષા ચાલતી હોવાથી તેને કોઈએ એ સમાચાર આપ્યાં જ નહોતાં. અને ઘરે આવી ને પપ્પાને આવી હાલતમાં જોયા ત્યારથી તેને શોક (આઘાત) લાગ્યો છે. તે તદ્દન અભાન જેવી થઈ ગયેલી. ડૉકટરે કહ્યું છે કે એ પ્રતિભાવ નહીં આપે, બોલશે નહીં, તો તેને દવાખાનામાં દાખલ કરવી પડશે. આમ ને આમ રડતાં રડતાં સવાર પડી. મારી બહેન ને આખી રાત હું બોલાવતી રહી પણ તે પથ્થરની પથ્થર જ રહી.
સવારે પપ્પાને અંતિમ ક્રિયા માટે તૈયાર કરવા લાગ્યા. હવે મારા વહાલા પપ્પાના અંતિમ દર્શન મને થયા. અને આજ પછી થવાના પણ નહોતા . છેલ્લે પપ્પાને અંતિમ ક્રિયા માટે લઈ ગયાં. આમ અચાનક અવસાનથી અમને બધાને એટલો મોટો આચકો લાગ્યો છે કે હું – અમારું આખુંય કુટુંબ આજ સુધી બહાર આવી શક્યું નથી. ભગવાન આટલો નિર્દય કેમ છે ? અમને આમ નિરાધાર કરીને તેને શું મળતું હશે એવું જ લાગ્યા કરે છે. મને અને આપણને બધાને ખબર છે કે એક દિવસ મરવાનું છે. પણ, મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે ” હે ભગવાન ! આવી રીતે અચાનક ઘરથી દૂર આપણા સ્વજનથી દૂર કોઈને મૃત્યુ ન આપશો.” યોગાનુયોગ તે દિવસે શેડ્યુલ કરેલી અક્ષરનાદ પરની પોસ્ટ હતી પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ). ક્યાં ખબર હતી કે જે જ્ઞાન વહેંચવુ સહેલું છે એ પચાવવું કેટલું અઘરું છે ?
મારા પપ્પા અંતિમ સમયે ન કોઈને મળી શક્યા કે ન કોઈને કાંઈ કહી શક્યા. મારા પપ્પાની જીંદગી ઘરથી દૂર જ રહી. તેઓ તેમનું પોતાનું ઘર, સુખ, સગવડો કાંઈ ન મેળવી શક્યા. બસ, તેમની આખી જીંદગી અમારી ઈચ્છાઓ અને જરૂરીયાતોને પૂરી કરવામાં ખર્ચાઈ ગઈ. તેમણે પોતાનો વિચાર જ ન કર્યો એ વાતનું દુઃખ મને સૌથી વધારે થાય છે. બસ હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે તેમની આત્માને શાંતિ આપે.
– પ્રતિભા ભટ્ટ અધ્યારૂ
ખૂબ જ સરસ લખાણ છે. મને પણ મારા પિતાની યાદ આવી ગઇ. શબ્દો નથી.
ખુબ જ સરસ્ મારિ પાસએ શબદ નથિ, આભર્
બેટા ઇશ્વર ઇચ્છા બળવાન. હિમ્મત એ જ હથિયાર બસ આટલુ
આપના લખાણે તો અમારિ આન્ખ મા પણ પાણિ લાવિ દિધુ , સાવ અચાનક આવ્તુ મ્રુત્યુ પણ સહન કરવુ જ રહ્યુ ઇશ્વર ઇચ્ચા બડ્વાન
“જે જ્ઞાન વહેંચવુ સહેલું છે એ પચાવવું કેટલું અઘરું છે ?”
ઈશ્વરપ્રાપ્તિને પ્રાપ્ત કરવાનો, અનિવાર્ય, અતિમ અને ભાગ્યને આધિન મૃત્યુએ, સાવ સરળ માર્ગ છે.
જોકે, માનવ, તેનાં સત્કર્મની સુવાસ રૂપે, સદૈવ અમર રહી શકે છે.
માર્કંડ દવે.
માનવ પાસે મૃત્યુ પ્રસંગે વાપરવા જેવું પ્રાર્થના સિવાય બીજું કોઈ હથિયાર પ્રભુએ હજી સર્જયું નથી. એ દિનદયાળને એજ પ્રાર્થના કે આપના પરમ પૂજ્ય પિતાશ્રીના આત્માને એમને શરણે લઈ મોક્ષ પ્રદાન કરે.
પરમ કૃપાળૂ પરમાત્મા આપના પુજ્ય પપ્પાના આત્માને સદગતિ આપે એવેી પ્રાર્થના ..!! આ ખોટ તો ક્યારેય પુરેી શકાય એમ નથેી પરન્તુ ..! ઇશ્વરે નિર્માણ કરેલ દરેક પળ ને આપણે સ્વેીકરવેી જ રહેી
મારી માતાના અંતિમ ક્ષણના થોડા સમય પહેલા લખેલ એક કવિતા
એક નાટક :જીવન
———————-
સફેદ ડગલાંઓ અને સ્ટેથ્સસ્કોપ્ની નાળમાં અટવાતુ મૃત્યુ
આખરે શોધી જ લે છે માર્ગ
રક્તમાં ભળી જવાનો!
મૃત્યુ
દવાના ડોઝમાં જ,
કે ડ‘ઓક્ટરના દિલાસા ભર્યા બોલમાંજ,
કે આપ્તજનોની પ્રાર્થનાના શબ્દો વચ્ચે જ,
ક્યાંક છુપાયેલું રહે છે;
અને અચાનક ખુલ્લુ થઈ જાય છે.
નેપથ્ય પાછડનુ નાટક એટલે જ જાણે કે મૃત્યુ!
પડદો પાડો… પડદો પાડો…
આ બેવડા નાટકની કંઈ જ સમજ નથી પડતી.
કેમ દેખાય છે મૃત્યુના ડગલાં પર જ
ચિતરાયેલ નામ જીવનનુ?!
આ ચિત્કાર…આ ચિત્કાર… આ ઝાવાં…
જીવનના છે કે મૃત્યુના?
કોઈ સમજાવીદો આ ચિત્કારોને,
કે મૃત્યુ તો કિસા ગૌતમીની મૂઠ્ઠીમાં
કદી ન સમાયેલ રાઈના દાણા છે;
સેકંડે, સેકંડે, લાખ લાખ મૃત્યુ છે!
છતાં મૃત્યુની ઓળખ તો એ જ્યારે
આંખોને અડે ત્યારે જ થાય છે!
જોતા રહો અશ્રુમાં મૃત્યુની છબીને,
ઓળખાય તો ઠીક છે!
મૃત્યુનુ નાટક તો ,
પડદા પાછડ પણ અને આગળ પણ!
આ નાટકમાં પડદો નહીં પડે;
આ નાટક તો બંધ આંખો સામે પણ,
અને ખુલ્લી આંખો સામે પણ!
પ્રેક્ષકો જોતા રહો …જોતા રહો…
અહો! આ નાટકનુ નામ પૂછો છો!
આ નાટકનુ નામ છે: જીવન!
નાટકનો સાર?!(સાર હોવો જ જોઈયે!?)
મૃત્યુ જીવતા શીખો,પ્રેક્ષકો! મૃત્યુ જીવતા શીખો!
પછી કદાચ તમે મરી જ નહીં શકો!
મુકુન્દ જોશી
ન જાણ્યુઁ જાનકીનાથે સવારે શુઁ થવાનુઁ છે? કપરી ઘડીઓમાઁ પણ સ્વસ્થ રહી શકાય એ જ ઇશ્વર કૃપા
કંઈ પણ કહેવા માટે શબ્દો નથી. માર્જોરી પાઈઝરની આ કવિતા વાંચશો.
http://heenaparekh.com/2009/09/27/vinash-ane-sarjan/
ભાભીજી,
અગાઉ આપને વાંચ્યા નથી. આ સાઈટ પર જીગ્નેશભાઈનો લેખ પણ મેં વાંચ્યો નથી. આ ઉત્તમ લેખ આપનો પ્રથમ લેખ ના હોઈ શકે. ઘણું સારુ લખો છો. અભિનંદન.
વિયોગનું દુ:ખ સહન કરવું કપરું છે. યોગાનુયોગ મેં આજે આપને જે ગીત મોકલ્યું છે, એનું શીર્ષક પણ છે: ‘વિરહની વેદના
http://vicharo.com/2010/05/01/virah-vedna ‘દુ:ખનું ઓસડ દહાડા’ કહેવત અનુસાર આપના પરિવારની આઘાતની તીવ્રતા ઓછે થઈ હશે. આપના સદગત પિતાશ્રીને સ્નેહા-કલ્પેશની શ્રદ્ધાંજલિ.
પ્રતિભા બહેન
આપ્નુ લખાણ ખુબ જ સચોટ અને હ્રદય દ્રાવક છે
આપના અકાળે આવી પડેલા દુઃખમાં દિલાસોજી જ આપી શકાય્.
વિજય શાહ
પરમ કૃપાળૂ પરમાત્મા આપના પુજ્ય પપ્પાના આત્માને સદગતિ આપે એવેી પ્રાર્થના ..!! આ ખોટ તો ક્યારેય પુરેી શકાય એમ નથેી પરન્તુ ..! ઇશ્વરે નિર્માણ કરેલ દરેક પળ ને આપણે સ્વેીકરવેી જ રહેી ..!
tears came down..as same with my father too..3 years back…..
we cant do anything…
જે ગમે જગતગુરૂ દેવ જગદીશને…
સ્વીકારવું જ રહ્યું…
ઇશ્વરને પ્રાર્થના સિવાય શું કરી શકીએ ? જનારની યાદ ભીતરમાં સમયે સમયે પડઘાતી જ રહે છે..અને ત્યારે ફિલોસોફી..જ્ઞાનની..ડહાપણની સઘળી વાતો ખરી પડે છે..
પણ..એ જ જ્ઞાન ફરીથી આપણને જીવાડે પણ છે..શો મસ્ટ ગો ઓન…..