રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત 1


અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત રચના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેમની કલમે થયેલું સુંદર સર્જન છે શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આ પહેલા ઘણી વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે તેમની કલમે પ્રસ્તુત રચનાના માધ્યમથી તેઓ ભાઈને રક્ષાબંધનના કાવ્યમય મુબારક પાઠવે છે. બંને મિત્રોનો આ સુંદર રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

૧. સ્નેહનું સર્જન – રક્ષાબંધન

અદકેરું બંધન, રક્ષાબંધન
ભાવ સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન, રક્ષાબંધન.

રેશમનો તાર એક અનોખો સાર
ભીંજાય એમાં આખો સંસાર,
હરિએ આંજેલું અંજન,
અદકેરું બંધન, રક્ષાબંધન.

શબ્દોમાં જ બધું સાકાર
ભાવની વર્ષા અહીં શ્રીકાર
જગમાં મોઘુમુલું આ ધન
અદકેરું બંધન, રક્ષાબંધન.

– જનકભાઈ ઝીંઝુવાડિયા

૨. રક્ષાપ્રીત

રાખ્યો છે દેહને શ્વાસે જકડી જેમ,
મારી રાખડીના તાંતણે બંધાણો તું એમ.

સંકોર્યો છે કણ પીળો રાઈ માંહ્યે જેમ,
મારી પ્રીતડીનાં પાંખે પરોવાયો તું એમ.

ભેટ્યો છે લીલવર્ણ, ધરાને સંગ જેમ
મારી જિંદગીની જીતમાં જણાયો તું એમ.

જકડાયું છે જીવન મૃત્યુ સંગ જેમ,
મન – અંતરના બાગમાં મ્હેકાયો તું એમ.

પારખ્યો છે નિજ તણો, મેં તને જેમ
નથી અબ્ધિનો આર, મપાયો તું એમ.

તરસ્યો બની મૃગ, જુએ મૃગજળ જેમ
મુજ આભાસમાં નથી કલ્પાયો તું એમ.

શોભાયો છે મયૂર મગરૂબી થકી જેમ,
તારી બહેનડીનાં દિલ પર કોરાયો તું એમ.

(રક્ષાબંધન નિમિત્તે બહેન તરફથી ભાઈને વ્હાલસોયી કાવ્ય મુબારક

– ડીમ્પલ આશાપુરી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત