“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ 13


ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરથીય વધુ લાબો દરિયાકાંઠો છે અને તેથી જ બીજા કોઈ પણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દરિયાનું મહત્વ અદકેરું છે, પરાપૂર્વથી ગુજરાતીઓને દરિયા સાથે અનેરો સંબંધ રહ્યો છે. આવી લાંબી દરિયાઈ પટ્ટી પર પ્રાચીનકાળથી અનેક ધાર્મિક, વ્યાપારીક અને પ્રવાસન સ્થળો વિકસ્યા છે અને ભારતીય પ્રવાસન નકશામાં તેમનું અગત્યનું સ્થાન છે. સોમનાથ, દ્વારકા પોરબંદર જેવા ધાર્મિક સ્થળો હોય કે કંડલા, ઓખા, મુંદ્રા જેવા બંદરો હોય, આ દરિયા કિનારો દરેક બાબતમાં સમૃદ્ધ છે. પરંતુ આવા જાણીતા સ્થળો સિવાય પણ આ દરિયા કિનારે ઘણાંય અપ્રસિદ્ધ પણ મોતી સમાન મૂલ્યવાન સ્થળો આવેલાં છે. કદાચિત તેમની ઉપેક્ષા અને અવગણના થઈ છે, એટલે આવા સ્થળો વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે અથવા એ સ્થળોની સૌંદર્ય સૃષ્ટિ અને ઐતિહાસીક મહત્વ પર પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો નથી.

ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ એવા શિયાળબેટ વિશે આ પહેલાં એક લેખમાં અક્ષરનાદ પર લખ્યું જ હતું. આજે વાત કરવી છે તેની તદ્દન નજીક આવેલા એવા બીજા નાનકડા ટાપુની.

Click here to view all Savai Bet images

શિયાળબેટના અગ્નિખૂણે આવેલ સાવ નાનકડો ટાપુ એટલે સવાઈ બેટ. અહીં આવેલી સવાઈ પીરની દરગાહના લીધે આ બેટનું એવું નામ પડ્યું છે. દરિયામાં ઓટ હોય ત્યારે પાણી ઓછું હોવાથી શિયાળબેટથી પગે ચાલીને પણ ત્યાં જઈ શકાય છે. જો કે સવાઈ બેટ પર જવાનો સૌથી સરળ રસ્તો પીપાવાવ બંદરના મુખ્ય દરવાજાથી થઈને સવાઈ બેટ જવાનો છે. પીપાવાવ બંદરેથી સવાઈ બેટ જવા માટે પરવાનગી લેવી પડે છે, પરંતુ એ ખૂબ સરળતાથી બંદરના મુખ્ય દરવાજેથી જ તરત મેળવી શકાય છે. દરવાજાથી અંદર જતાં જેટી જવાના રસ્તે જમણી બાજુ એક ફાંટો પડે છે, એ કાચા રસ્તાને અંતે દરીયાકિનારે પથ્થરો અને કોંક્રિટના ચોસલાઓ મૂકીને નાનકડા ધક્કા જેવું બનાવાયું છે, ત્યાંથી સવાઈ બેટની સીધી હોડી કરીને જઈ શકાય છે. યાત્રાળુઓ માટે ધસારાના સમયે દરગાહની ત્રણ હોડીઓ ચાલે છે અને ખૂબ વ્યાજબી દરે તેઓ લઈ જાય છે અને પાછા પીપાવાવ સુધી ઉતારી પણ જાય છે. જો કે ખરાબ મૌસમને લીધે જૂનથી ઓગસ્ટ અવરજવર પાંખી રહે છે. તહેવારોના સમયમાં અહીં દરગાહની આખીય જગ્યા શ્રધ્ધાળુઓથી ઉભરાઈ જતી હોય છે. પીપાવાવથી હોડી માર્ગે લગભગ અડધો કલાકની મુસાફરી કરીને શિયાળબેટની નજીકથી ફંટાઈ આગળ વધતાં સામે સવાઈ પીરની દરગાહ દેખાય છે.

સવાઈ પીર વિશે અનેક વાતો, કહાનીઓ અને ચમત્કારો આસપાસના લોકોમાં પ્રચલિત છે. ઈતિહાસ ખંખોળતા જણાય છે કે હજરત સવાઈ પીરનું અસલ નામ “રબ્બી બિન શબ્બી બસરી બગદાદી” છે. હીજરી સન ૧૧૦ (લગભગ ૧૩૨૧ વર્ષ પહેલાં) ના સમયની આસપાસ ઈસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર અને સેવાકાર્યો કરવાના હેતુથી ઈરાકના બસરા બંદરેથી અંદાજે ૪૦૦ લોકોનું જૂથ દરિયાઈ માર્ગે વહાણ લઈ રવાના થયું અને તેમણે ગુજરાત આવીને સૌપ્રથમ ખંભાત બંદરે મુકામ કર્યો. ત્યાં સેવાકાર્યની શરૂઆત કરી તેઓ ભરૂચ નજીક ભાડભૂત ગામે ગયા. પાછળ બીજા વહાણોમાં મરકી (પ્લેગ) નો રોગ ફાટી નીકળ્યો અને લોકો ટપોટપ મરવા લાગ્યા ત્યારે તેમણે પાછું વતન તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું, જેથી કરીને બધાં સાથીદારો અને અન્ય માસૂમ પ્રજાજનો આ રોગનાં ચેપથી બચી રહે.

દરિયાઈ માર્ગે પાછાં ફરતા હજરત સવાઈ પીરે તેમના સાથીદારોને વસીયત કરીને કહ્યું હતું કે મારા સહિત જેમને આ રોગનો ચેપ લાગુ પડે કે દરિયાઈ માર્ગે જતાં વહાણમાંજ અમારું મૃત્યુ થાય તો પશ્ચિમ દિશામાં આવેલા બે નિર્જન ટાપુઓમાં અમને દફનાવી દેવા. અને સંજોગવશાત તેમને આ ટાપુ પર જ દફન કરવા પડેલાં.

હજરત સવાઈ પીર એ ઈમામે આઝમ અબુ હનીફા (ઈસ્લામ ધર્મના સુન્ની હનફી શાખાનાં મહાન ઈમામ) ના સમકાલીન બુજુર્ગ છે. તેઓ “તબેતાબેઈન” છે, (હજરત મહંમદ પયગંબરને જેમણે જોયા છે તેમને સહાબા કહેવાય છે, સહાબાને જેમણે જોયા છે તેમને તાબેઈન કહેવાય છે અને તાબેઈનને જેમણે જોયા એ તેમને તબેતાબેઈન કહેવાય છે.) હોડીથી સવાઈબેટ પર ઉતરતાં એક કોંક્રિટનો નાનકડો ધક્કો બનાવાયેલો છે, તેના પર થઈને પગથીયાં ચડીને દરગાહ તરફ જઈ શકાય છે. દરગાહ જતાં એક તરફ હાથ પગ ધોવા માટેની જગ્યા આવે છે, અહીં મીઠા પાણીનો કૂવો હતો જે હવે લગભગ બંધ થઈ ગયો છે.

હજરત સવાઈ પીરનો મકરબો લગભગ ૧૪ ફૂટ લાબો છે. ઉગમણે બે બારણાં છે, મકરબાની ઉપર ઘુમટની આજુબાજુ ચાર નાની દેરીઓ છે. મકરબામાં બે દરગાહ છે, એક લગભગ પાંચથી છ ફુટ લાંબી અને દોઢથી બે ફુટ પહોળી છે તેની ઉપર લીલી ચાદર ચઢાવેલી છે, જ્યારે સવાઈ પીરની દરગાહ લગભગ ચૌદ ફુટ લાંબી અને બે થી અઢી ફુટ પહોળી છે. હજરત સવાઈ પીરનો ઉર્સ તાજીયા પછી છઠ્ઠા દિવસે (મહોરમની ૧૬મી તારીખે) ઉજવાય છે. શ્રધ્ધાળુઓ સવાઈ પીરની દરગાહ ઉપર ચાદર ચઢાવે છે. બાજુમાં એક મોરપીંછનું ચમર રહે છે, મકરબામાં લોબાનનો ધૂપ થાય છે અને તેની સુવાસ ચારેતરફ ફેલાય છે. મકરબામાંથી પાછે પગે પાછું વળવું પડે છે. સવાઈ પીરની સાથેની દરગાહ તેમના શિષ્યની હોવાનું મનાય છે. હિંદુઓ અને મુસલમાનો એમ બંને ધર્મના લોકો ભારે આસ્થા અને શ્રધ્ધાથી અહીં આવે છે, મન્નતો માંગે છે અને પૂરી થતાં ફરીથી અહીં આવે છે.

‘દેશી રાજ્ય’ પુસ્તક (૧૯૩૯) માં નોંધ મુજબ સવાઈ પીરની માનતા વહાણવટી લોકો બહુ જ કરે છે, તેથી પીર ઘણાં જ પ્રખ્યાત છે. સવાઈ પીરને સમુદ્રનું તોફાન શમાવનાર પીર પણ કહેવાય છે. પીરના ચમત્કાર વિશે અનેક વાતો પ્રચલિત છે. એક વાત એવી છે કે શિયાળબેટના રહેવાસીઓએ કાથીનું એક વહાણ બનાવી વેપારધંધા અર્થે મહારાષ્ટ્રના રત્નાગીરી સુધી ખેપ કરેલી. ત્યાંના રાજાએ આવા કાથીના વહાણ વિશે પૂછતાં એ લોકોએ જણાવ્યું કે આવું વહાણ હજરત સવાઈ પીરની દરગાહના આશિર્વાદે જ તરે છે. રાજાએ પરીક્ષા લેવા એક ઘોડાને ત્યાં પાણીમાં ડૂબાડી દીધો, અને એ ઘોડો સવાઈ પીરની દરગાહ પાસે દરીયામાંથી નીકળ્યો. જંજીરાના નવાબે દરગાહનું બાંધકામ કરાવેલું, અને અત્યારે મૂળ દરગાહ છે તે એ સમયની જ હોવાનું મનાય છે. અન્ય એક વાત એવી છે કે હોળી પ્રગટાવતાં પહેલા શિયાળબેટના લોકો હજરત સવાઈ પીરની દરગાહ તરફ જોતાં, ત્યાંથી એક પ્રકાશનું બિંબ દેખાય પછી જ હોળી પ્રગટાવાતી, અને એ સમૂહમાં જો કોઈ બદઈરાદાથી કે નશો કરીને બેઠું હોય તો એ પ્રકાશ દેખાતો નહીં. ઘરડાઓ કહે છે કે બે વર્ષ આ કારણે અહીં હોળીકા દહન થયેલું નહીં.

અહીં સેવા કરનારા અને વ્યવસ્થા સાચવનારાને મુજાવર કહે છે. પેઢીઓથી આ પરંપરા ચાલતી આવી છે. હાલ મુજાવર શ્રી હનીફભાઈ ઈમામઅલી કાદરી છે, ખૂબ માયાળુ અને મળતાવડા સ્વભાવના હનીફભાઈ અહીં આ બેટ પર રહેનારા ફક્ત ત્રણ લોકોમાંના એક છે. સવાઈપીર દરગાહના પગથીયાં ઉતરતાં સામે જ દીવાદાંડી દેખાય છે. અહીં બે સરકારી કર્મચારીઓ એ દીવાદાંડીના કામ માટે રહે છે. જો કે તેમના વારા પ્રમાણે તેઓ આવે છે અને જતાં રહે છે. અહીં વીજળીની કોઈ સગવડ નથી, એક સરકારી જનરેટર ફક્ત અલ્પ સમય પૂરતું ચાલે છે. તેના સિવાયના સરકારી કામો માટે સોલર પેનલ લગાવેલી છે, જો કે દરગાહથી દૂર હોવાથી સાંજ પછી અહીં ખૂબ અંધારુ રહે છે અને અવરજવરમાં પણ મુશ્કેલી રહે છે. આ સંદર્ભે શ્રી હનીફભાઈ કહે છે, “આ ટાપુનું સ્થાન જોતાં અને અત્યારના સંજોગો ધ્યાનમાં રાખીને અહીં વીજળીની સગવડ હોવી અતિ આવશ્યક છે. જો કે અહીં સુધી વાયરો પહોંચાડવા શક્ય ન હોય તો સરકારશ્રીને વિનંતિ કે એક પવનચક્કી પણ અહીં પૂરતી વીજળી પૂરી પાડી શકે તેમ છે. અહીં જનરેટર પણ નથી, વળી તે ચલાવવા ડીઝલના ખર્ચની સરખામણીએ પવનચક્કી એક વખતનો ખર્ચ અને કાયમી ઉપાય બની રહે તેમ છે. જો આવી કોઈ યોજના થાય તો વૈકલ્પિક વ્યવસ્થા અહીં દરગાહને અજવાળી શકે તે ચોક્કસ.


મોટા નકશામાં Gems of Arabian Sea જુઓ

સવાઈ બેટથી અગ્નિ ખૂણે એક અન્ય નાનકડો બેટ છે, દરિયામાં ઉભા પથ્થર જેવો એ લાગે છે, ભેંસના મસ્તક જેવો આકાર હોવાને લીધે આ બેટને ભેંસલા પીર કહે છે, જો કે એકાદ એકર જગ્યામાં ફેલાયેલા આ બેટનું સાચું નામ અબુ સવાઈ પીર છે. અહીં બેટ પર એક જીર્ણશીર્ણ દરગાહ આવેલી છે, જે સવાઈ પીરના સાથીઓમાંના જ એકની હોવાનું કહેવાય છે. તેમનું અસલ નામ ઉર્દુ ઐતિહાસીક પુસ્તકોમાં “અબુલ મુગસ અલ હુસેન બીન મન્સુર અલ હજાજ” આલેખાયું છે. તેઓ ક્રોધી મિજાજનાં હતાં અને બંદગીમાં કોઈ અડચણ સાંખી શક્તા નહીં માટે બંદગી માટે તેમણે આ દૂરનો નાનકડો બેટ પસંદ કરેલો. ખૂબ નાનો અને ઉંચો આ બેટ દુર્ગમ છે અને ફક્ત અમાસના દિવસે જ ત્યાં જઈ શકાય છે કારણકે ત્યાં પાણીમાં ભ્રમરો થાય છે અને હોડીને લાંગરવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી. વળી ત્યાં મોજાનું જોર ઘણું છે અને ખરાબાને લીધે બેટ પર ચઢવું કઠણ છે. ત્યાં કોઈ રહેતું નથી. વાયકા છે કે વર્ષો પહેલા એક પાગલ શિયાળ બેટથી હોડી લઈ અબુ સવાઈ બેટ ગયેલો. જો કે બેટના લોકોને એ વિશે ખબર ન હોવાથી તેમણે અંતિમક્રિયાઓ કરી લીધી. પંદરેક દિવસે તે હોડી લઈને ફરી બેટ પર આવ્યો ત્યારે તદ્દન સાજો થઈ ગયેલો. પૂછતાં એણે કહ્યું કે બેટ પર રોજ રાત્રે ફકીરો અને પીરબાબા આવે, ઈબાદત કરે અને ખાવાનું આપીને જતાં રહેતાં. જો કે અહીં કોઈ રાત રહી શક્તું નથી એવી માન્યતા ખૂબ દ્રઢ થયેલી છે. સવાઈ પીરના મુજાવર જણાવે છે કે વરસાદની મૌસમ પછી પહેલી વખત જ્યારે દરગાહ પર જઈએ ત્યારે ઘાસમાં દરગાહ સુધી જતી કેડી ચોખ્ખી જોઈ શકાય છે. તે બેટ ઉપર કોઈ વૃક્ષ નથી, જો કે બગલાં વગેરે દરીયાઈ પક્ષીઓના ઈંડા ત્યાં ઘણાં હોય છે.

સવાઈ પીરની દરગાહથી બહાર આવતાં જ સામે અફાટ અરબી સમુદ્ર નજરે પડે છે. અગાધ જળરાશી અને ખૂબ જોરથી વાતો પવન અહીં અનેરો આનંદ આપે છે, દરિયા તરફના ભાગે બેસી શકાય તેવા ઘણાં ખડકો છે, પાણીએ તેમને કોરીને નીચે ગુફા જેવી જગ્યાઓ પણ બનાવી દીધી છે. જો કે આવા સ્થાનો જ્યાં સુધી લોકસ્પર્શથી દૂર રહે એટલો સમય પૂરતી પણ તેમની સુંદરતા ટકી રહે છે, આપણે આપણા પર્યટન સ્થળો – ધાર્મિક સ્થળોની હાલત જોઈએ ત્યારે થાય કે આવી જગ્યાઓ લોકોની નજરોથી દૂર છે એમાં જ એમની પવિત્રતા જળવાઈ રહી છે.

– જીજ્ઞેશ અધ્યારૂ (લખ્યા તા. ૩ ઓગસ્ટ ૨૦૧૦)

તદ્દન અજાણ એવી આ જગ્યાઓ વિશે વિગતવાર માહિતિ આપવા બદલ સવાઈ પીર દરગાહના મુજાવર શ્રી હનીફભાઈ, પૂરક વિગતો બદલ શ્રી ચાંચુડા મહાદેવ મંદિરના મહંત શ્રી મનુ મહારાજ તથા મિત્ર માયાભાઈ વાઘનો આ આખીય સફરમાં સાથ આપવા બદલ ખૂબ આભાર માનવો જ રહ્યો. શ્રી હનીફભાઈ કાદરી નો સંપર્ક તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૮૨૪૪ ૮૯૯૩૬ પર કરી શકાય છે.

સંદર્ભ સાહિત્ય –
તવારીખે ઈતિહાસ (ગુજરાત), લેખક – શ્રી અબુ જફર નકવી
‘દેશી રાજ્ય’ પુસ્તક (૧૯૩૯), લેખક – અજ્ઞાત
કશ્યપકુલચન્દ્રિકા

બિલિપત્ર


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on ““સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ

  • Riyaz saied

    thank u jigneshbhai,, I visit this dargah regularly but
    last some of time i search the on about this place your dictation is perfect.
    And i glad to known that a hindu person wright this type of article on this pir.I give you thanks to by botem of heart.

  • hardik

    જીગ્નેશભાઇ મઝ્ઝા પડી ગઇ… આ વાંચ્યા પછી હવે ઍવુ લાગે છેકે કયારે આપણે ત્યા જઇશુ? ખુબ મઝ્ઝાનુ ડિટેલીંગ્

  • ashwinkumar

    ઘનિ સરસ મહિતિ મલિ. આવિ રિતે ગુજરત ન સ્થલો નિ મહિતિ આપ્ત રહેશો.. ગુજરત થિ ઘને દુર રહિએ ચ્હિએ પન વન્ચિને જતે ફરિ ને આવિઅ તેવેઉ લગે ચ્હે.
    અશવિન્કુમર્
    દોહા કતાર.

  • Pathak Haresh

    આ લેખ ખૂબ જ ગમ્‍યો, આવી કૃતી વાંચવી ખુબ જ ગમે છે. એડવેન્‍ચર કૃતિ માટે એક ટીમ બનાવો અને તેમાં અમોને સામેલ કરશો આવા પ્રવાસની મઝા કઇંક ઔર જ છે.આભાર નથી કહેતો કારણ કે જે પ્રવાસ તમે કરેલ તે મે પણ કરેલ છે. પરંતુ લેખમાં જે નીરૂપણ કરેલ છે તે અમારા વીચારમાં જ રહેલ
    અસ્‍તુ,
    પાઠક હરેશ

  • dr.maulik shah

    એક અત્યંત માહિતી સભર આલેખન… અભિનંદન્..
    ફોટોગ્રાફી ખૂબ સુંદર રહી… સવાઈ બેટ વિશેના હવે પછી ના લેખન માં કદાચ આ લેખ નો સંદર્ભ જરુર ટાંકી શકાશે…