મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ” 4


આપણે ત્યાં અનેક પ્રકારના ‘વા’ નું વર્ણન આવે એ, જેમ કે હડકવા, રતવા, લકવા, સંધિવા વગેરે, આમ સંસારશાસ્ત્રમાં પણ એક ‘વા’ નો ઉપદ્રવ ફેલાયેલો છે, એ પરણ’વા. અનેક માંગા નાખ્યા પછી, ટ્રાય કર્યા પછી, રિજેક્ટ થયા પછી હજુ પણ જેને સંસાર-કાર ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી એવાઓ માટે આ રચના પ્રસ્તુત છે. આવા ચૂંટાવા લાયક મૂરતીયાઓ તે પછી સાધુ સંતો, દોરા ધાગાના રવાડે ચઢી જાય છે, કોઈક પોતાના જીવનરથના પૈડાની વ્યવસ્થા કરી આપે તે માટે કંઈ પણ કરવા તૈયાર લોકોના મનની વેદનાને વાચા આપી છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ‘સરળ’ ની પ્રસ્તુત રચનાએ. તો કાવ્યનું જેમ પ્રતિકાવ્ય હોય તેમ આ ગઝલની પ્રતિગઝલ આપી છે આશિત હૈદરાબાદીએ. આવો આજે આ હાસ્યહોજમાં ડૂબકા મારીએ.

* * * *

મને પણ એક જો બૈરી અપાવો, પાડ નૈ ભૂલું,
ટી.વી. માં એડ દો, છાપે છપાવો, પાડ નૈ ભૂલું !

નથી લાયક એ પામ્યા એ, લૂલા લંગડાય લાવ્યા છે,
લૂલી, બહેરી, બટાકી, જે હો લાવો, પાડ નૈ ભૂલું !

નથી કોઈ બાધ જ્ઞાતિનો, ગમે તે કુળ હો ને મૂળ,
હરણ યોજો, યા પૈસા દઈ પટાવો, પાડ નૈ ભૂલું !

ચલાવ્યું એક પૈડાથી, હવે ના ચાલશે ગાડું,
કે સાયકલ, કાર, ટ્રેક્ટરનું લગાવો, પાડ નૈ ભૂલું !

હશે જાડી બુઢી, કાળી, લડકણી, ઘેલી, નખરાળી,
ભલે હો ગામનો ઉતાર, લાવો, પાડ નૈ ભૂલું !

જીવનભર એ નચાવે એમ મુજરો આપશું કહી દો,
કે ગરબા, ભાંગડા, ડિસ્કો નચાવો, પાડ નૈ ભૂલું !

ન ચાહું સૂટ, ના હું બૂટ માંગુ, ના સુમન-માળા,
“સરળ” ભોળો છું, બસ દુલ્હો બનાવો, પાડ નૈ ભૂલું !

– ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ”

* * * *

કહ્યું’ તું કે મને બૈરી અપાવો, પાડ નૈ ભૂલું,
ટી.વી. માં એડ દો, છાપે છપાવો, પાડ નૈ ભૂલું !

હતો પરણી જવા રઘવાટ તેથી માગણી કીધી;
લૂલી, બહેરી, બટાકી, જે હો લાવો, પાડ નૈ ભૂલું !

હવે સમજાય છે કેવી કરી’તી ભૂલ બોલીને –
હરણ યોજો, યા પૈસા દઈ પટાવો, પાડ નૈ ભૂલું !

વધારે એક પૈડાના અભરખે ભાન ભૂલ્યો’તો,
કે સાયકલ, કાર, ટ્રેક્ટરનું લગાવો, પાડ નૈ ભૂલું !

હતા કમભાગ્ય કે હાથે કરી એવું કબૂલ્યું’તું –
ભલે હો ગામનો ઉતાર, લાવો, પાડ નૈ ભૂલું !

હવે તેવડ નથી નાચું વધું, છો ને કહ્યું’ તું મેં –
કે ગરબા, ભાંગડા, ડિસ્કો નચાવો, પાડ નૈ ભૂલું !

પડે છે રોજના જૂતાં, કહ્યું તું કાળ ચોઘડિયે -,
“સરળ” ભોળો છું, બસ દુલ્હો બનાવો, પાડ નૈ ભૂલું !

– આશિત હૈદરાબાદી

બિલિપત્ર

તમે બૈરી અપાવીને અમારી રેવડી કીધી,
મને દૂલ્હો બનાવીને અમારી રેવડી કીધી !
ભલે પૈડું હતું એક જ છતાં ગાડું ગબડતું’ તું,
ગલત ટાયર ચડાવીને અમારી રેવડી કીધી !

– આશિત હૈદરાબાદી

(આજની આખી પોસ્ટ સાભાર ત્રૈમાસિક – શહીદે ગઝલ, જૂન – ઓગસ્ટ ૨૦૦૯, સળંગ અંક ૯)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ”