પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત 1


આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.

૧. અભિવાદન તને …

આજ પથરાયા થઈ ગભરૂ આંખમાં તમે
ઓ કાજળ, અભિવાદન તને

આજ સ્પર્શાઈ ગયા નાજુક કૂંપણમાં તમે,
ઓ સૌરભ અભિવાદન તને,

આજ છલકાઈ ગયા મોહક માનમાં તમે,
ઓ મૌન અભિવાદન તને.

આજ ધરવી ગયા ધ્યેય ધ્યાનમાં તમે,
ઓ આદર્શ અભિવાદન તને.

આજ ખીલવી ગયા ફોરમ પાનખરમાં તમે,
ઓ વસંત અભિવાદન તને.

લાખ અભિવાદન તને, થાઓ સિદ્ધ તમે,
એ જ મનનાં મુબારક તને,

૨. પ્રેમ લોભ

ખુલ્લી આંખોમાં હોય શબ્દકોષ
ને મુખ પર છવાયેલુ મૌન
આવું કંઈક થાય તો સમજવું
વસી ગયું છે દિલમાં કો’ક,
આપવી એને જગા દિલમાં,
એ વાત સહેલ તો નથી,
અણધાર્યો આવી ચડે શોક
તો પ્રેમ જાય છે ફોક
દિલબરો મૂકી રડે છે પોક
આવી જ વિમાસણમાં લોક
પછી મૂકી દે ને ‘પગલી’ પ્રેમ લોભ.

– ડીમ્પલ આશાપુરી

૩. છોડી દે

તેને પ્રેમ કરવાના તારા પ્રયાસ છોડી દે,
એ અન્યની છે, તારી થશે તે વિશ્વાસ છોડી દે.

રસ્તે મળે ત્યારે એ રીતે નજર ચોરે છે એ જો ,
એ કેમ આમ કેમ કરે છે તેનો અભ્યાસ છોડી દે.

પ્રેમ કરવો જ હોય તો, તો નવા ચહેરા શોધ,
તેની સાથે પ્રેમના વ્યાકરણ, સંધી સમાસ છોડી દે.

મન હોય તો માળવે ય જવાય છે લોકો કહે છે.
મજનુ જેમ લોકો પથ્થર મારે તે ઇતિહાસ છોડી દે.

તું રોમીયો, ફરહાદ, મજનુ પાસે થી કૈક શીખ,
પરાણે પ્રેમ પામવાની ખોટી પ્યાસ છોડી દે.

તને ભલે હોય કંઠસ્ત હોય પ્રેમની કડી, બધુ ભુલી જા,
તું તારો તેના માટે નકામો વિચાર વિલાસ છોડી દે.

ચુંબન, પ્રેમપત્રો, તેની તસ્વીર બધુ વાહીયાત છે,
તુ સમજુ છો, એ પાછી ફરશે એવી ગુંજાસ છોડી દે.

– જયકાંત જાની

૪. ગોધરા કાંડ

૧૯૪૭ – હિન્દુસ્તાન ની આઝાદી ની પૂર્વ સંધ્યા – હિન્દુસ્તાન પાકિસ્તાન – બે ભાગલા માં વહેચાયું એ સમયે બંગાળ માં નોઆખલીમાં હિંદુ મુસ્લિમ વચે ભયંકર કોમી રમખાણ ફાટી નીકળ્યા ! એ સમયે દીલ્લ્હીમાં ખેલાઈ રહેલા રાજકીય કાવાદાવા થી અલિપ્ત એવા અલગારી મહાત્મા ગાંધી નોઆખલીમાં આ કોમી દાવાનળને શાંત પાડવા પહોચી ગયા હતા. એ પ્રસંગે મુંબાઈમાં વસતા શ્રી શાંતિલાલ શાહ પૂજ્ય બાપુ પર એક કવિતા લખીને ગાયેલી જેની રેકોર્ડ પણ બહાર પડેલી ! એ કવિતા ના આધારે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા અમદાવાદ ના કોમી હુલ્લડ વખતે ડો પ્રવીણ સેદાનીએ આ કવિતા લખેલી જે ગુજરાતના બધાજ અખબારો માં એક સાથે પ્રસિદ્ધ થયેલી, અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ ડો પ્રવીણ સેદાનીનો ખૂબ ખૂબ આભાર.

અમદાવાદ ની પવિત્ર ધરતી સૌથી બની અનોખી,
નિજ બાંધવ ના રક્ત બિંદુ એ રજ રજ રંગી દીધી.

કોઈ ના બાળક કોઈ ની બેની કોઈ ની માતા પોઢી ,
કોઈ પ્રિયા ના પ્રીતમ દેવે અગન પિછોડી ઓઢી.

અંગે અંગે રાગ દવેષ ની ભીસણ આગો પ્રગટી,
ઝખમ થયા અંતર માં ઊંડા પીડા આકરી ઉપડી.

ઔસધ લઇ ને હકીમ આવો હરવા તમામ રોગો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

નિશદિન જેની શીતલ છાંયે માનવ બાળક રમતા,
હાય આજ ત્યાં વાઘ દીપડા ગીધડા ભોજન કરતા.

મુરદા નેસંજીવન કરવા લાવો પ્રેમ કટોરો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

મંદિર ને મસ્જીદ ના સુણજો બોલી રહ્યા મિનારા ,
હિંદુ મુસ્લિમ બેઉ લાલ છે ભારત માં ના પ્યારા .

ઝેર બધું આ પીવા હવે આવે શંકર ભોળો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

ભાગ્ય હીન આ ભૂમિ ઉપર ભાઈ ભાઈ જો જગડે
ભાન ભૂલી ને ખંજર થી નિજ માનવ અંતર ચીરે.

રાંક બિચારી બેની ની પણ લાજ આબરૂ ઢાંકી ,
કીધા અત્યાચાર ઘોર રે પાપ લીલા વિસ્તરી.

આંસૂ આજ લુછવા દો અમને નથી નીરખવા દોષો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હૃદય ખોલો.

પ્રેમ અગ્નિ ની ધુમ્ર શિખાઓ ઉંચે ગગને ઉડજો,
બિરાદરી ના ભેદ ભાવ ને બાળી નિર્મૂળ કરજો.

લીલા ભગવા દૈત્ય દાનવ ના આજ સિંહાસન ડોલો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ને ખોલો.

– ડો પ્રવીણ સેદાની.

૫. બૈરી અપાવો (પ્રતિહઝલ)

અક્ષરનાદ પર આ પહેલા પ્રસ્તુત ગિરિરાજ બ્રહ્મભટ્ટની હઝલ “મને પણ એક જો બૈરી અપાવો” અને તેની શ્રી આશિત હૈદરાબાદી રચિત પ્રતિ હઝલ વાંચી તત્ક્ષણે મૂળ હઝલની એક અન્ય પ્રતિ હઝલ રચીને અક્ષરનાદને મોકલવા બદલ શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ નો ખૂબ ખૂબ આભાર.

ગમે તેવી મને બૈરી અપાવો, પાડ નૈ ભૂલું !
ટી.વી. માં એડ દો, છાપે છપાવો, પાડ નૈ ભૂલું !

હવે પરણી જવું છે બસ,ન કોઇ રૂપની વાંછા ,
લૂલી, બહેરી, બટાકી, જે હો લાવો, પાડ નૈ ભૂલું !

મળે ના નાખતા માંગું, ચહો તે રીત અજમાવો ,
હરણ યોજો, યા પૈસા દઈ પટાવો, પાડ નૈ ભૂલું !

નથી આ ચાલતું ગાડું અમારૂં એક પૈડાથી,
કે સાયકલ, કાર, ટ્રેક્ટરનું લગાવો, પાડ નૈ ભૂલું !

નવેલી ના મળે, પાછી ફરેલી ચાલશે મારે ,
ભલે હો ગામનો ઉતાર, લાવો, પાડ નૈ ભૂલું !

નચાવે એમ આંખોના ઇશારે નાચશું પ્યારી ,
કે ગરબા, ભાંગડા, ડિસ્કો નચાવો, પાડ નૈ ભૂલું !

ખપે દુલ્હન,ન બીજી કોઇ ઇચ્છા રહી બાકી ,
“સરળ” ભોળો છું, બસ દુલ્હો બનાવો, પાડ નૈ ભૂલું !

– મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’

બિલિપત્ર

મિત્રતા વિશેનું એક તારણ – ૩ ઈડીયટ્સ ફિલ્મના આધારે.
“મિત્રની પાછળ ન ભાગો…. ભાગવું જ હોય તો એ મિત્રની પ્રેમિકા પાછળ ભાગો, મિત્ર જખ મારીને તમારી પાછળ આવશે… !!”
– આભાર સમોસા…. (સરળ મોબાઈલ સાર)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત