ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..) 6


આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી અને ગઝલના છંદશાસ્ત્ર અંતર્ગત આઠ સંપૂર્ણ છંદો વિશે જાણકારી પછી આજે મિશ્ર વિકારી છંદો અને તેમના ઉદાહરણો જોઈએ. શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’ માં ગઝલનું મુખ્ય સંધી (પદભાર) ને આધારે ગણવિભાજન દર્શાવે છે, તેમના લીધેલા અનુક્રમ મુજબ આપણે આજે મિશ્ર તથા વિકારી છંદો વિશે ઉદાહરણો સહિત જોઈશું. સંપૂર્ણ ગણ તથા તેમની મદદથી બનતા છંદોની યાદી આ પહેલાના લેખમાં પ્રસ્તુત કરી હતી, આજે ફરીથી સરળતા ખાતર અહીં એ આપી છે જે નીચે મુજબ છે.

છંદ(બહેર) – ગણ(અરકાન) – ‘લગા’ત્મક સ્વરૂપ
૧. મુતકારિબ – ફઊલુન – લગાગા
૨. મુતદારિક – ફાઇલુન – ગાલગા
૩. હઝજ – મફાઇલુન – લગાગાગા
૪. રજઝ – મુસ્તફઇલુન – ગાગાલગા
૫. કામિલ – મુતફાઇલુન – લલગા લગા
૬. વાફિર – મુફાઅલતુન – લગાલલગા
૭. રમલ – ફા ઇલા તુન – ગાલગાગા
૮. મુક્તઝિબ – મફઊલાત – ગાગાગાલ

૧. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગા લગાગા લગાગા લગા
મુત્કારીબ બહરના આ વિકારી ગણમાં લગાગા ૪ સ્વરૂપમંથી અંતિમ ‘ગા’ નો લોપ કરવામાં આવ્યો છે.

વરસતું રહ્યું તું ગગન રાતભર
અને ફૂલ ભીનાં સવારે થયાં ! – ‘આહમદ’ મકરાણી

૨. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગા લગા લગા લગા

સડી રહ્યું બધું સતત
હવામાં તીવ્ર ગંધ છે. – ‘આદિલ’ મન્સૂરી

૩. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગા ગાલગા ગાલગા ગા
મુતદારિક બહરના આ વિકારી ગણમાં ગાલગા ૪ સ્વરૂપમાંથી અંતિમ ‘લગા’ નો લોપ કરવામાં આવ્યો છે. આ બહેરના અરકાન ફાઇલુન ફાઇલુન ફાઇલાતુન પણ થાય એટલે આ બહેર મુતદારિક સાલિમ પણ કહી શકાય.

આપ આવો વસો દિલ જિગરમાં
આપ ઉત્તમ છો મારી નજરમાં – ‘નઝર’ ગફૂરી

૪. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા

આ બહેરનો સંપૂર્ણ ગણ ફાઇલાતુન રમલનો અને મુતકારિબના મિશ્રણથી બનેલો છે. આ બહેર પણ ગુજરાતીમાં ખૂબ ખેડાઈ રહી છે.

એ મળે પણ અને મનગમતી કોઈ વાત ન થાય
એના કરતાં તો એ સારું કે મુલાકાત ન થાય – દિલ માણાવદરી

ઊગતા સૂર્યને ઈમાનથી હું પણ પૂજું,
એક શર્ત કે પછી રાત ન થવા પામે. – અબ્દુલ રઝ્ઝાક ‘રશ્ક’

૫. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. – મરીઝ

૬. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા

આ બહેરમાં જ્યાં બે લઘુ છે ત્યાં બે લઘુ જ લેવાના છે, જો બે લઘુની જગ્યાએ એક ગુરુ પણ લેવામાં આવે તો શેર વજન દોષનો શિકાર થઈ જશે, આમ કરવાથી ઘણી વખત બહેર બદલાઈ જવાની શક્યતા પણ રહે છે.

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો લે – અમત ઘાયલ

એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. – સૈફ પાલનપુરી

૭. પૂર્ણ છંદની પંક્તિનું માપ –લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા

આ બહેર હજઝના મફાઇલુન અને રમલના ફૈલાતુન સાથે મુતકારિબના ફૈલુનના મિશ્રણથી બનેલી છે, આમ ત્રણ ગણોનું મિશ્રણ કેવી સુંદર અસર નિપજાવી શકે તે અહીં જોઈ શકાય છે. આ બહેરના આખરી ષટકલમાં ગાગાગા ને બદલે ગાલલગા ચાલે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
ફરી આ દ્રશ્ય સ્મતિપટ ઉપર મળે ન મળે – આદિલ મન્સૂરી

ઉઠાવી કોઈ જનાજો જવાન પ્યાસ તણો
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ – અમૃત ઘાયલ

અનેક રંગ પ્રવેશ્યા છતાં ન મેળ મળ્યો
ધવલ ધવન ન રહ્યો પણ ગુલાલ પણ ન રહ્યો. – પંકજ શાહ

૮. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગા ગાલગાલ ગાલલગા

આ બહેર રમલ સાલિમ, મુતદારિક સાલિમ (સંપૂર્ણ) અને હઝજ સાલિમના મિશ્રણથી બનેલી પ્રચલિત બહેર છે. ત્રણ ટુકડાવાળી આ બહેરમાં રમતા રમતાં લખાય એવું વજન છે, અંતિમ ષટકલમાં ગાલલગા ને બદલે ગાગાગા પણ લઈ શકાય છે.

ઠેસ પહોંચાડવી છે હૈયાને
કોઈ તાજું ગુલાબ લઈ આવો – ‘કાબિલ’ ડેડાણવી

શબ્દ ઉઘડે ને તું પ્રગટ લાગે
તો ગઝલમાં જ તારી રટ લાગે – હનીફ સાહિલ

કેમ ભૂલી ગયા ? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું. – અમૃત ઘાયલ

૯. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગા ગાલલગા ગાલલગા

આ બહેર રમલ સાલિમ અને મુતકારિબના મિશ્રણથી બનેલી છે, આવી બહેરને મુસદ્દસ કહેવાય છે. અંતિમ ષટકલમાં ગાલલગા ને બદલે ગાગાગા લઈ શકાય છે.

આજ રોકાય નહીં આ વરસાદ
ઘર સુધી ચાલ પલળતા જઈએ. – શોભિત દેસાઈ

કેળવી લેશું સહનશક્તિ પછી,
દુઃખની લિજ્જત તો ઉઠાવી લઈએ – ‘અશ્ક’ માણાવદરી

૧૦. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગા ગાલલગા લગાલગા ગા

આ બહેર મુક્તઝિબના ગણ મફઊલ, હઝજના મફાઈલુન અને મુતકારિબના ફઊલુનના મિશ્રણથી બની છે. અહીં બે લઘુની સંભાળ રાખવાની છે. ગુજરાતીમાં આ વિશેષ ખેડાતી નથી.

દિન રાત કરું છું હું પ્રયાસો
બદનામ ન થાય નામ મારું – ‘નઝર’ ગફૂરી

૧૧. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલગાલ ગાગા ગા ગાલગાલ ગાગા

આ બહેર મુક્તઝિબના મઝાહિફ અને રમલના ગણોના મિશ્રણથી બનેલી છે. આ બહેર ઘણી ખેડાતી રહી છે અને તેમાં સુંદર સર્જનો થયાં છે.

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. – અમૄત ઘાયલ

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું. – મુકુલ ચોકસી

ઐશ્વર્ય હે અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું. – મુકુલ ચોકસી

૧૨. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગાલ ગાગાગા ગાલગાલ ગાગાગા

આ બહેર મુતદારિક અને હઝજના મિશ્રણથી બનેલી છે અને ગુજરાતીમાં જૂજ ખેડાય છે.

અવનવા પ્રસંગો છે મુજ રીતે લડી લઉં છું
હાસ્યના બહાને પણ ખૂબ હું રડી લઉં છું.

૧૩. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલલગા ગાગા ગા ગાલલગા ગાગા

આ બહેર મુક્તઝિબ અને હઝજના મિશ્રણથી બનેલી છે.

તૃષ્ણાને અમે છાંડી, છાંડીને ગળે બાંધી
ગાંડી જ હતી તો પણ ગાંડીને ગળે બાંધી – અમૃત ઘાયલ

દુઃખ દર્સની દૌલતથી ધનવાન થયો છું હું
સરકાર તમારા આ ઉપકાર નથી ઓછા – ‘નઝર’ ગફૂરી

ભૂલી તો નથી બેઠા એ ક્યાંક મને શાકિર
દિલ સીનામાં મુદ્દતથી સળવળતું નથી જોયું. – શાકિર વરતેજી

૧૪. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાલગા લગાલગા લગાલગા લગાલગા

આ મિશ્ર બહેરના ચારેચાર ખંડો હઝજના વિકારી ગણ છે,

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે
નિગૂઢ પાનખરતણો શું સ્પર્શ આસપાર છે. – હરિન્દ્ર દવે

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખુલેખુલો બન્યો બનાવ કાગડો મરી ગયો – રમેશ પારેખ

૧૫.પૂર્ણ છંદની પંક્તિનું માપ – લલ ગાલગાલ ગાગા લલ ગાલગાલ ગાગા

અહીં પ્રથમ બે ‘લલ’ ને લઘુ તરીકે નિભાવવા જરૂરી છે. અન્યથા તેનું અનુક્રમ ૧૧ માં ઉપર દર્શાવ્યા મુજબ સ્વરૂપ થઈ જતાં આ બહેરની સાથે એકરૂપ ગણવાની ભૂલ ન થાય તે જોવું અગત્યનું થઈ રહે છે.

ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું
કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું. – ગની દહીંવાલા

૧૬. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આ બહેરમાં પહેલો બીજો અને ત્રીજો ગણ રમલનો છે અને અંતિમ ગણ મુતદારિકનો છે. ગુજરાતીમાં આ બહેર વિપુલ માત્રામાં ખેડાઈ છે અને બેશુમાર ગઝલોમાં એ જોઈ શકાય છે.

જિંદગીના રસને પીવામાં જલદી કરો ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. – મરીઝ

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાવેલા જખ્મો યાદ આવી જાય છે – સૈફ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ – ઓજસ પાલનપુરી

મારી ભાષાના થયા છે હાલ એવા કે ‘નઝર’
જાણે લાગે છે ધરા પર કોઈ ગુજરાતી નથી – ‘નઝર’ ગફૂરી

મનને સમજાવો નહી કે મન સમજતું હોય છે
આ સમજ આ અણસમજ મન ખુદ સરજતું હોય છે. –

૧૭. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગાગા ગાલગાગા ગાલગા

આ બહેરમાં પહેલો અને બીજો ગણ રમલનો છે અને ત્રીજો ગણ મુતદારિકનો છે. ગુજરાતીમાં આ બહેર પણ વિપુલ માત્રામાં ખેડાઈ છે. સ્વરૂપમાં તે ઉપરોક્ત બહેર અનુક્રમ ૧૬ માંથી પ્રથમ ત્રણમાંથી એક ગણ ઓછો કરીને ઉપયોગમાં લેતા હોઈએ એ પ્રકારનું જણાય છે.

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું
મારા ઘર સામે સરોવર નીકળ્યું. – શ્યામ સાધુ

ક્ષણ પછી પણ ક્ષણ પછી પણ ક્ષણ હશે
શક્ય છે દરિયા પછી યે રણ હશે – ભગવતિકુમાર શર્મા

અંધશ્રદ્ધાનો ન એને દોષ દો
અંધને શ્રદ્ધા નહીં તો હોય શું? – ‘નઝીર’ ભાતરી

જળ વિશે, ખળખળ વિશે, ખોબા વિશે
આપણી સમજણ હતી વ્હેવા વિશે – નયન દેસાઈ

હોય સરનામું ભલે ખોટું છતાં
નામ હો તો શક્ય છે કે ઘર મળે – જયંત વસોયા

શ્વાસમાં છલકાય છાની ગંધ તો
ને બધે ચર્ચાય આ સંબંધ તો – ચીનુ મોદી

આ જ બહેરમાં પ્રથમ બે માંથી એક ગણ હટાવી લઈને પણ વિપુલ સર્જનો થાય છે,

પાનખર પર પાનખર
હાય રે મારું ચમન – તન્વીર વાસાવડી

ક્યાં જશે સોનલ હરણ
ઝાંઝવાની જાળ છે – દીપક બારડોલીકર

૧૮. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગાગા લગાગાગા લગાગા

આરંભમાં હઝજના બે ગણ અને અંતે મુતકારિબનો ગણ છે. આ બહેર પણ ગુજરાતીમાં ખૂબ ખેડાઈ છે.

પવનને ફૂલનો સંબંધ શું છે
સ્મરણનું નામ બદલાવી દીધું છે – શ્યામ સાધુ

વધેરાઈ ગયો છું પ્રેમ પંથે
શહીદોમાં ઉમેરાઈ ગયો છું

હકીકત પણ હવે લાગે છે ધોખો
ફરેબો એટલા ખાઈ ગયો છું – ‘અદીબ’ કુરેશી

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું
હું સમજ્યો એમ આકાશે પડ્યો છું. – શયદા

અમારી આપને દરકાર તો છે
ખુદાનો શુક્ર થોડો પ્યાર તો છે – ‘નઝર’ ગફૂરી

૧૯. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાગા ના વિવિધ આવર્તનો

આ ગઝલકારોને પ્રિય એવો એક વિકારી છંદ છે જેમાં એક પંક્તિમાં ગાગા રૂપ જ આવે છે, એક પંક્તિમાં બે ‘ગા’ થી ૨૦ ‘ગા’ સુધી વપરાયા છે.

દ્વિવર્ગી-
ઈશ્વર
પથ્થર – આદિલ મન્સૂરી

ચતુર્વર્ગી –
કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ – અમૃત ઘાયલ

અષ્ટવર્ગી – ગાગા ગાગા ગાગા ગાલ

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ – અમૃત ઘાયલ

ખાલી આંગણ ભર ચોમાસે
કોરી પાંપણ ભરચોમાસે – મુકેશ માલવણકર

ટહુકા નામે કૂંપણને ક્યાં ફૂટતી ભાળી ?
કેમ થતા ભણકારા પીળા મર્મર પાછળ ! – બકુલેશ દેસાઈ

એક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવ જોઈ થયું
પ્રશ્નો તો નિરાંતે સૂતા છે પ્રશ્નોના ખુલાસા જાગે છે ! – સૈફ પાલનપુરી

મુઠ્ઠી ભરીને પડછાયાના ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે;
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે ! – નયન દેસાઈ

ગાગા ના વિવિધ આવર્તનો અને ગા ને બદલે લ મૂકવાથી નિપજતા અનેક સ્વરૂપો પ્રચલિત છે, તેના છંદ અને ઉદાહરણ આ મુજબ છે,

પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગા ગાલલગાગા ગાગાગા ગા ગાલલગાગા ગાગાગા
આ સ્વરૂપને ગાગાના આઠ આવર્તન વાળા સ્વરૂપ સાથે સરખાવતાં,

ગાગા લલગા ગાગા ગાગા ગાગા લલગા ગાગા ગાગા
ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા

સમજાય છે કે બીજા અને છઠ્ઠા ગણમાં ગા ને બદલે ‘લલ’ મૂકવાથી ઉપરોક્ત સ્વરૂપ મળે છે, હિન્દી ફિલ્મનું પ્રખ્યાત એવું “સીનેમેં સુલગતે હૈ અરમાં આંખોમેં ઉદાસી છાઈ હૈ” ગીત આ છંદમાં છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

ઉપર નીચે ભટક્યાં કરતા કૈંક ૠણાનુબંધ હજી
કેવી કાચી સમજણ તોડી તીરથધામ ગયો ‘મિસ્કીન’ – રાજેશ વ્યાસ

શ્રી રઈશ મનીઆરે તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માં ગઝલના છંદો કેટલા? ત્રણસો કે ત્રીસ એ વિષય પર સ્પષ્ટતા કરી છે અને તે ખૂબ ઉચિત પણ છે, ભાષાના સમૃદ્ધ વારસામાંથી ક્યાંય કોઈ ઉદાહરણ ન મળે એવા છંદોનો શો અર્થ? તેમના વિશદ અભ્યાસ મુજબ ગઝલોમાં કુલ ૩૧ છંદો ખૂબ ખેડાયા છે, આ ૩૧ માંથી ૧૮ છંદો એવા છે જે પ્રત્યેક છંદ ૨ ટકાથી વધુ ગઝલોમાં વપરાયા નથી. એ મુજબ પ્રસ્તુત શૃંખલામાં પણ પાંત્રીસ છંદનો ઉલ્લેખ કર્યો છે. બાકીના અપ્રચલિત છંદોનું નિરૂપણ કરવાની જરૂરત જણાતી નથી. આ સાથે ગઝલના છંદો વિશેનું નિરૂપણ આજે પૂર્ણ થાય છે. આગામી અંકથી આપણે ગઝલના મૂળ અંગો જેમ કે રદીફ, કાફિયા, મત્લા, મક્તા, વગેરે વિશે વિગતે જોઈશું. આ શ્રેણીના બધા લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે

– જીજ્ઞેશ અધ્યારૂ

સંદર્ભ પુસ્તકો –
૧. છંદસમજ ગઝલસહજ – નઝર ગફૂરી
૨. ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર

બિલિપત્ર

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ
વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. – ગની દહીંવાલા


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..)

 • Chandrakant Dhal

  Really it is a praiseworthy attempt. It would be very useful especially to those who are novice in gazal writing. However, it would have been better if had shown where exactly ‘lagu’ or ‘guru’ applies to each and every letter of the ‘sher’ and where precisely the liberty of ‘lagu’ and ‘guru’ taken in a particular word etc.

 • raksha shukla

  આ લિન્ક મળી એમ નહિ કહું પણ લાધી એમ જ કહેવું ગમશે. I’m so happy for getting stepwise learning of chhand.thnx.

 • raksha shukla

  મારો સવાલ બાલિશ હોવાનો.કારણ કે અંગ્રેજી ની શિક્ષકા.પણ કાવ્યો પર મરું .વારંવાર એના પ્રેમમાં પડું. ક્યારેક લખવાનું ગમે. ઉપર આપેલા છંદના નામ હોય ને? રમલ કે મનહર કે ઝૂલણા કકે જે તે? તો ઉપરના બધા છંદના નામ સાથે જ indicate કરી શકો?

 • Pancham Shukla

  બહુ મહેનત કરો છો જિજ્ઞેશભાઈ. આ સરસ કામ થઈ રહ્યું છે. તરત જ હાથવગો ઓનલાઈન રેફરન્સ. શીખવા અને શીખવાડવા એમ બેય રીતે ઉપયોગી.