ગીરમાં ત્રીજા નેત્રની પ્રસાદી – તરુણ મહેતા. 4


(ગીરની અમારી મુલાકાતોનું વર્ણન તો અક્ષરનાદ પર ઘણીય વખત માણ્યું છે, પરંતુ આજે માણીએ શ્રી તરુણભાઈ મહેતાની એક અછડતી પરંતુ ખૂબ યાદગાર મુલાકાત નું વર્ણન. જો કે ફક્ત સિઁહ જોવા જ ગીરમાં જવું જોઈએ એવી માન્યતાઓની વિરુદ્ધમાં તેમણે પ્રકૃતિદર્શનની વાત પણ કરી છે, દરેક ગુજરાતી માટે એક વખત અચૂક લેવા જેવો અવસર એટલે ગીરનું સિંહ જોવાની આશા સિવાયનું ફક્ત પ્રકૃતિદર્શન માટેનું ભ્રમણ. સામાન્ય રીતે નેશનલ પાર્કમાં સિંહ જોવા આવતા મુલાકાતીઓને સોરઠી સંસ્કૃતિનો અછડતો પરિચય પણ થતો નથી, એવામાં આ પ્રકારની મુલાકાતો એક આગવું નજરાણું બની રહે છે.
– જીજ્ઞેશ અધ્યારૂ,
સંપાદક)

વિશાળ મન ઔષધિની કુદરતી સમૃદ્ધતાનું આગવું દર્શન કરવાની મનમાં ઘણી જ ઈચ્છા. એકાદ વખત તો હરખભેર મિત્ર જીગ્નેશભાઈ અધ્યારૂ સાથે વન દર્શનનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. પણ વાહનોના અસહકાર આંદોલનના પરિણામે મોકુફ રહ્યો. હવે અચાનક સાવરકુંડલા જવાનો કાર્યક્રમ થયો. તેમાં મિત્ર કમલેશ વાઢેર (પો.કો.) અને દાદા (હે.પો.કો.) બન્નેની આગળ મારો મનોરથ જાહેર કર્યો. મિતિયાળા તેમની ડ્યુટી હોવાથી રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન જ વન દર્શન કરાવીશું તેમ કહ્યું પણ પછી દાદાએ તેમના ઉત્સાહી સ્વભાવનો પરિચય કરાવતાં કહ્યું કે, હાલો ત્યારે અત્યારેજ નીકળીએ કદાચ ક્યાંક સગડ મળી પણ જાય! પછી તમારાં ભાગ્યની વાત!! બસ લગભગ છ વાગે અમે બાઈક લઈને નીકળી પડ્યા.

હું અને દાદા. . .  કુદરતની કામણગારી વનભૂમિમાં મારો પ્રથમ પ્રવેશ. દાદા એક વડિલબંધું અને સર્વજ્ઞની ભૂમિકાએ મને માર્ગ, ઔષધિ, જનસમુદાયની લાક્ષણિકતાથી પરિચય કરાવતાં હતા. આ વાત દરમ્યાન નાનકડા સડકમાર્ગે ધૂળમાં જતા રહ્યાં. રાત્રીનો કાળો ભૂરો ધાબળો હેતાળ હાથથી કુદરત ધરા પર પાથરી રહી છે. અપાર વનઔષધિઓના અધિપતી કુદરતના તત્વો ભગવદ્દગીતાના સમત્વનો બોધ પચાવી બેઠા છે.નાનકડો માર્ગ એકદમ સુમસામ ભાસે છે. એકલ દોકલ ખેડુ તેના ખોવાયેલા ઢોર, ઢાંખરને શોધવા ફળિયું લાંધી લાકડી લઈને સામા મળતા હતા. બસ કોઈ પરિચય વગર પણ ‘રામ રામ્’ કહી આત્મિયતા બાંધી જતા વનવાસી લોકો પર અમથું અમથું હેત ઉપજે છે. રસ્તામાં વોકળા, તળાવ અને ઝાડી-ઝાંખરામાં દાદા ઝીણી નજરે ‘ભાઈ સાહેબ’ ની ભાળ કાઢતાં હતાં. વળી તેઓ કહેતાં હતાં કે; ‘સાથેલ , અહીંયા કયારેક હુક સંભળાય છે, આયાં આ ભાયસા’બ ના બેસણા છે? સિંહને ભાઈ સાહેબનું સંબોધન સાંભળી મને આશ્વર્ય થયું ! વનપ્રવાસી સિંહને કયારેક ‘તું કાર’ થી સંબોધન ન કરે.

માર્ગમાં આવતા વૃક્ષ સમુદાયને નિહાળવાની મજા પડતી હતી તો ટેકરી પર એકલાં અટુલા નિજમાં નિમગ્ન થઈ ઉભેલાં વૃક્ષને કુદરતનો કરીશ્મો જ કહી શકાય ! આવા વાતાવરણમાં જાંબાળા પહોચ્યાં ત્યાંની કાર્યવાહી પૂર્ણ કરી હવે અમે બીજા રસ્તેથી મિતિયાળા આવવા રવાના થયા.રસ્તાનોતો પ્રગાઢ અંધકાર અમારા અસ્તિત્વની નોંધ લઈ રહ્યો હતો. મિતિયાળાની સીમમાં હવે પ્રવેશ કર્યો. રસ્તા પરના ખેતરમાં જ ‘એ રામ દાદા ક્યાં લઈ હાલ્યા મે’માનને ?’ એવો ભરાવદાર ઘેરો અવાજ પડઘાયો. એક પડછંદ કદાવર શ્યામવર્ણા પ્રમજી ભગતને દાદાએ મારો પરિચય કરાવ્યો. ક્ષણભરમાં યુગોની આત્મિયતા હોય તેવી વાતો શરૂ થઈ. બસ આવનાર પર નર્યો પ્રેમ વરસાવવો તેજ પ્રમજી ભગતનો ધર્મ. વાતની માંડણી કરતાં તેમણે કહ્યું; જુઓ સાહેબ પણે જે ઝાંડવું દેખાય એની આડશમાં ઘણીવાર હુંકના સગડ મળે એક વેળા ઢળતી સાંજે હું અને દાદા અને સારંપભાઈ બેઠા નાસ્તો કરતાં તા એવામાં સિંહની ડણક સંભળાય. મેં મારા મેડે ચડી ગોફણથી ભગાડવા જાવ ત્યાં તો બેય સા’બો મારી વાહે ઊભી પૂંછડિયે જોડા સોતા માચડે ચડી ગ્યા!’ તેનું હાસ્ય અંધકારને ચીરીને પડઘાતું રહ્યું. હું તેના ચહેરાની નરી નિખાલસતા પર ઓવારી ગ્યો !

ઊંચા માચડા પર સાંજે ખેતરની રખેવાળી કરવા આવનાર પ્રેમજી ભગતે સિંહોની મહેનમાનગતિ કરી છે અને ખેતર પાસેથી પસાર થનારને ટાઈમે ભોજન કરાવવું તે તેનો ધર્મ સમજે છે. સિંહની લાગણી યુક્ત સ્વભાવની વાત તેનાં શાહી રાજાશાહી પ્રકૃતિનો પરિચય કરાવે છે. સિંહ તેનો શિકાર જાતે પ્રયત્ન કરી મેળવે છે. એક વખતના મારણ પછી ગમે તેવું કદાવર પ્રાણી હોય તો પણ સિંહ તેને ન મારે. જંગલના લોકો સાથે તેની અતૂટ મૈત્રી. કદી કારણ વગર મારણ ન કરે, ન કરે હુમલો. ચીડાય તો ક્યારેક તેની ત્રાડ ગાત્રોને શિથિલ કરી દે! દેખાવે કેશવાળી હલાવતો લટકાળા રાજ્જાને વનમાં ફરતો જોવા માટે તમારો મૂડ જ નહીં પણ તેની તમારા પર કૃપા વરસવી જોવે. તો જ તેના અસલ રૂપનો પરિચય થાય. દેખાવે જેટલો ક્રુર લાગતો હોય તેટલો જ કોમળ હદયનો રાજવી તેના બચ્ચાંની અને સિંહણની કાળજી કુંટુંબના મોભી તરીકે રાખે છે.

એક સિંહણ તેના સિંહ બાળનું કુવામાં પડતા મૃત્યુ થયું તેના આધાતમાં મૃત્યુ પામી તેની વાત કરતા પ્રેમજી ભગતની આંખો ભીની થઈ ગઈ ! એક વ્યક્તિ સિંહના આવા લાગણી સભર અનુભવ કહેતા કેવા તરબોળ થઈ ગયાં. વનની નિસ્બત તેમણે કેવી તો મજાની પચાવી છે તે જોતાં આપણને હર્ષ થાય ! સિંહની લાગણી સભર વાતો સાંભળી અમે ૮.૩૦ વાગે લગભગ ફરી પાછા બાઈક ઉપર અભરામપરાના માર્ગે. અભરામપરા હવે રહીમ ભાઈની વાડી પાસે એક તલાવડી છે.તેમાં ઝીણી નજરે જોયું તો સિંહના સગડની નિશાની હતી. દાદા કેય કે; હમણાં જ રાજા પાણી પી ગયાં છે અટલામાં ક્યાંક હોવા તો જોઈએ જ ! અમે તપાસ કરી. . . . . નિષ્ફળ. અભરામપરાના માર્ગમાં સરપંચનો પરિચય કરાવ્યો. સરપંચ પાસે સગડ જાણ્યાં પણ આજે ક્યાંય સગડ મળ્યાં નથી. તેમ કહ્યું દાદા કહે ‘ઠીક ત્યારે સાયબ તમને આજે સિંહદર્શન થશે નહીં. પરંતુ ફરી ક્યારેક વનન્ત લોકોની- વનરાજી મૂળ પ્રકૃતિને માણવા તમને મારૂ આમંત્રણ છે.’ એનું એવું કથન સાંભળી થોડી નિરાશા મળી પરંતુ આનંદ એ વાતનો હતો કે હું આવા કુદરતના સાનિધ્યમાં તદ્દન અજાણ્યા લાગતા લોકોની વચ્ચે છું. છતાં મને ક્યાંય અજાણ્યું ન લાગ્યું. ઘરમાં પરોણાગત અને રોટલાનો મહિમાં સમજવો હોય તો વનવિસ્તારમાં જવું જોઈએ.

વળતા મિતિયાળા માટે વન ઝુંપડીએ અમે ઘડીક બેઠા. રાત્રીના અંધકારને દશેન્દ્રીયોથી અનુભવતા રહ્યા. નિરભ્ર અંધકાર પોતાની એકલતાની અહાલેક જગાવી બેઠો છે. પરંતુ, તેની કોઈ ડરામણી કે બિહામણી લકીર અમને જોવાં ન મળી. અંધકાર અત્યાર સુધી ડરામણો જ સાંભળ્યો હતો પરંતુ, આ અનુભવે પ્રહલાદ પારેખની કાવ્ય પંક્તિઃ

“આજ અન્ધાર ખૂશ્બો ભર્યો લાગતો
આજ સૌરભ ભરી રાત સારી,
આજ આ શાલની મંજરી જરી જરી
પમરતી પાથરી દે પથારી.”

આવી અનુભૂતિના અમુલ્ય ખજાનામાં વરસાદના અમી છાંટણા થયાં અમે અમૃતવર્ષાના ઓડકાર સાથે વનદર્શનની ત્રીજા નેત્રની પ્રસાદી પ્રાપ્ત થયાંનો પરિતોષ પ્રાપ્ત કર્યો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ગીરમાં ત્રીજા નેત્રની પ્રસાદી – તરુણ મહેતા.

  • ashwinkumar

    કતાર દોહા મા બેથા બેથા મારા વતન ગિર નિ સહેલ કરવિ દિધિ. અત્યારે તો ગિર નિ રોનક કૈઇ ઓર હશે વર્સાદ ના વાતાવર્ન મા લિલિ વનરાઇ ખિલિ હશે.આભાર્