આવકારો… – રાવજી પટેલ 3


રાવજી પટેલની પ્રસ્તુત ગઝલ ગુજરાતી સાહિત્યમાં ભવ્ય રીતે બિરાજમાન છે. દરિયાનો સ્હેજ ઈશારો થતાં જ દૂર પ્હાડમાં સૂતેલાં ઝરણ જાગી જતાં હોય છે, આ દિવ્ય પ્રેમનો તલસાટ સામાપક્ષે પણ એટલો જ હોય છે. પ્રસ્તુત ગઝલ એ જાગૃત અને અર્ધજાગૃત મન વચ્ચેના એક પડાવનું સુંદર આલેખન છે. ક્યાંક રઝળપાટ ભૂલીને પરમાનંદમાં લીન થતાં વેંત દુનિયા જેને સફળતા કહે છે તેનું સ્મરણ થતાં ઉઠવું પડે એ દુર્ભાગ્ય જ છે. તો ત્રીજા શે’રમાં પ્રેયસીની પણ અનોખી વિભાવના… તો અંતિમ શે’રમાં રાહ જોયા પછી શરૂ થયેલું કાર્ય ઉપસ્થિતી અનુપસ્થિતીનો ચિતાર રજૂ કરે છે. પ્રતિપળ નાવિન્ય એ જીવનનો ક્રમ છે, પણ એને સ્વીકારીને સહજ જીવવું જ પડે છે. કોઈ વિશેષના ઈન્તજાર છતાં આવી ગયેલાની વાસ્તવિકતા પણ સ્વીકારીને કવિ ‘માફ કર’ શબ્દસમૂહ પ્રયોજી લે એ, એને સ્વીકારી જીવાતા જીવનનો અનુબંધ જાળવે છે.

આવકારો આ ઝરણ પામી ગયાં
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.

લો, ચલો ઉઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે – થાકી ગયાં.

રણ તને કેવી મળી છે પ્રેયસી… ?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.

આવતા’તાં હરવખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.

આવનારા કોઈ નવતર માફ કર,
આવનારા જે હતાં આવી ગયાં.

– રાવજી પટેલ
(‘અંગત’ કાવ્યસંગ્રહ)

શહીદે ગઝલ ત્રૈમાસિકના ડિસેમ્બર – ફેબ્રુઆરીના અંકમાં પ્રસ્તુત રચના મૂકાઈ છે અને તે પછી તેનો આસ્વાદ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ની કલમે ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરાયો છે. રાવજી પટેલ વિશે તેઓ લખે છે, “આ માણસ ગુજરાતી સાહિત્યને શબ્દોની અણમોલ ભેટ આપીને અકાળે મોતને ભેટી ગયો. આંગળીના વેઢે ગણી શકાય એટલી ગઝલો ‘અંગત’ દ્વારા પ્રાપ્ત થઈ, પણ એમાંય રાવજીપણું પ્રગટાવ્યાં વગર એ શાને રહે…? એ લાગણીનો માણસ હતો, ભાવનાનો માણસ…. પ્રેમ અને વેદના એનામાં અવિરત નીતરતાં જ રહ્યાં. પ્રસ્તુત ગઝલ તથા તેના આસ્વાદનો અંશ શહીદે ગઝલ ત્રૈમાસિકના ઉપર જણાવેલા અંકમાંથીજ સાભાર લેવામાં આવેલ છે.

બિલિપત્ર

એટલું ખૂંચ્યું નથી આ આંખને કોઈ કણું
જેટલું ખૂંચ્યા કરે છે આજ નોંધારાપણું.

– મનોહર ત્રિવેદી


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “આવકારો… – રાવજી પટેલ